ઑડિયન્સમાં હવે ધીરજ નથી રહી

18 June, 2022 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે જુઓ, ૯૦ સેકન્ડના અને મફતમાં જોવા મળતા ઇન્સ્ટાગ્રામ-રીલ્સમાં પણ દમ ન હોય તો એ કોઈની રાહ જોયા વિના ફટાક દઈને સ્ક્રૉલ કરી નાખે છે, તો ફિલ્મમાં વાત તો દોઢ-બે કલાકની છે. એ નબળી હોય તો કેવી રીતે એ ચલાવી લે?

ઑડિયન્સમાં હવે ધીરજ નથી રહી

ખોટી વાત છે, જેકોઈ એવું બોલે છે કે સાઉથની ફિલ્મો ચાલે છે અને હિન્દી ફિલ્મો નથી ચાલતી તો એ વાત સાથે હું કોઈ હિસાબે સહમત નથી થતો. ફિલ્મ ફિલ્મ છે અને એ જ ફિલ્મ ચાલે છે જે સારી હોય, ઑડિયન્સ સાથે કનેક્ટ થાય છે એટલે એવી વાત ક્યાંય આવતી નથી કે સાઉથની ફિલ્મો હિટ જાય છે અને હિન્દી ફિલ્મો ફ્લૉપ જાય છે. હું કહીશ કે સારી ફિલ્મો ચાલે છે અને ખરાબ ફિલ્મ ફ્લૉપ જાય છે. તમે જોઈ લો, બધા સાઉથની ‘પુષ્પા’, ‘કેજીએફ ઃ ચૅપ્ટર 2’, ‘આરઆરઆર’નાં એક્ઝામ્પલ આપે છે, પણ હું કહીશ કે એની સામે તમારે ત્યાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જેવી ચાલી છે એવી તો એ ફિલ્મો પણ નથી ચાલી. એવો પ્રૉફિટ તો એ ફિલ્મો પણ નથી લાવી જેવો પ્રૉફિટ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ લાવી છે. કહેવાનો મતલબ એ જ છે કે ભાષા અને પ્રાંતની વાતમાં ક્યાંય કોઈએ પડવાની જરૂર નથી અને માત્ર એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ફિલ્મો સારી છે એ ચાલશે જ ચાલશે. આપણે ત્યાં હમણાં ‘ભૂલભુલૈયા 2’ ચાલી. કોઈએ એક્સપેક્ટ પણ નહીં કર્યું હોય કે એ ફિલ્મ ચાલશે, પણ ચાલી અને જુઓ તમે કે ફિલ્મે ૧૭પ કરોડનો બિઝનેસ કર્યો અને હજી પણ દેશમાં અનેક જગ્યાએ ચાલે છે.
ફિલ્મની પહેલી શરત એ છે કે એ સારી હોવી જોઈએ અને હું કહીશ કે હવે તો આ સૌથી અગત્યની શરત બની ગઈ છે. જો તમારી ફિલ્મમાં લોકોને મજા ન આવી તો એ ફગાવી દેતાં જરાય ખચકાટ નહીં કરે. કોણ સ્ટાર છે, શું બજેટ છે એનાથી તેને કોઈ નિસબત નથી. તેને પોતાના પૈસા, પોતાના પૅશન્સ અને પોતાના ટાઇમથી જ મતલબ છે અને એવું જ હોવું જોઈએ.
આજે જ્યારે ઑડિયન્સમાં ધીરજ નથી રહી ત્યારે તમારી ફિલ્મ ૧૯-૨૦ હશે તો પણ તમારા ફ્લૉપ જવાના ચાન્સિસ વધી જાય છે. ઇન્સ્ટા-રીલ્સ પણ જુઓ તમે, ૯૦ સેકન્ડના રીલ્સ સાથે પણ ઑડિયન્સ રહેમ નથી રાખતું તો તમારી દોઢ-બે કલાકની ફિલ્મ સાથે એ કેવી રીતે રહેમદિલી રાખે, જ્યારે એ ફિલ્મ માટે તેણે પૈસા ચૂકવ્યા છે અને ‘સર ડોન્ટ ફર્ગેટ’, થિયેટરમાં ફિલ્મ જોવી એ હવે બહુ મોંઘું થઈ ગયું છે. હું કહીશ કે પૅન્ડેમિકે ફિલ્મનું ગ્રામર ચેન્જ નથી કર્યું, પણ લોકોના બજેટનું ગ્રામર ફિલ્મો માટે ચેન્જ થયું છે. પહેલાં ફિલ્મ જોવા જવા માટે લોકો ચાર-છ-આઠ અને દસ કે બાર લોકો સાથે જતા, પણ હવે એવું નથી. બધાને પોતપોતાના સમયે ફિલ્મ જોવા જવું છે એ પણ એટલું જ સાચું અને હવે ટાઇમની પણ મારામારી છે એ પણ એટલું જ સાચું. ફિલ્મ જોવા જવું મોંઘું થયું છે એ પણ એટલું જ સાચું તો એ પણ એટલું જ સાચું કે ટાઇમ-સ્પેન્ડ કરવાની જગ્યા પણ વધી છે. કહેવાનો મતલબ એટલો કે ફિલ્મ જોવા જનારા ઘણાં કારણસર ઘટ્યા છે અને એ કારણો વચ્ચે ઑડિયન્સ હવે નબળું કંઈ મળે તો ચલાવી લેવાના મૂડમાં નથી.
ઘણા મને પૂછે છે કે અક્ષયકુમારની ફિલ્મો નથી ચાલતી, રણવીર સિંહની ફિલ્મ નથી ચાલતી, પણ મારું કહેવું છે કે ફિલ્મ ક્યારેય સ્ટાર્સ ચલાવતા જ નથી. ફિલ્મ એની સ્ટોરી પર ચાલે છે, મેકિંગ પર ચાલે છે, ટ્રીટમેન્ટ પર ચાલે છે. સ્ટાર્સ હોવાથી ફિલ્મનું માર્કેટિંગ ઈઝી થાય છે. બસ, એટલું જ. બાકી તમે જ કહો કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં કયો એવો સ્ટાર છે જેના નામે સોમવારથી લાઇન લાગી હોય? 
મને ગમતો સ્ટાર હોય તો પણ હું ફિલ્મની બાબતમાં એની ફેવર નહીં કરું. એની ફિલ્મ સારી નહીં હોય તો હું એ જોવા નહીં જ જાઉં. આજે તો સોશ્યલ મીડિયાનો જમાનો છે. ફિલ્મનો પહેલો શો પૂરો થાય ત્યાં જ દેશભરમાં ખબર પહોંચી જાય છે કે ફિલ્મ કેવી છે. સોશ્યલ મીડિયાની બહુ મોટી તાકાત છે અને એ તાકાત એવી છે કે જેને તમે મેનિપ્યુલેટ ન કરી શકો. પહેલાં કેવું હતું કે તમે બે-ચાર ક્રિટિક્સને સાચવી લીધા હોય તો મિક્સ રિવ્યુ આવે અને ફિલ્મને થોડો ઑક્સિજન મળી જાય, પણ હવે એવું નથી થતું. ફિલ્મ સારી હોય તો પણ આગની જેમ સોશ્યલ મીડિયા નાનામાં નાના સેન્ટર સુધી એ સમાચાર પહોંચાડી દે છે અને ખરાબ હોય તો પણ એટલી જ ઝડપ રાખે છે. સારી વાત, સારી વાર્તા વિનાની કોઈ ફિલ્મ નહીં ચાલે. આપણે સાઉથની ફિલ્મોની આટલી વાત કરીએ છીએ અને કહ્યા કરીએ છીએ કે આ ફિલ્મોએ ૧૦૦૦ કરોડનો બિઝનેસ કરી લીધો, પણ મને એક વાતનો તમે જવાબ આપો કે શું આ એક વર્ષમાં સાઉથમાં આ ત્રણ જ ફિલ્મ બની, બીજી ફિલ્મો બની જ નથી? 
બની જ છે અને આ ત્રણ-ચાર ફિલ્મોની સક્સેસ જોઈને એ ફિલ્મો પણ હિન્દીમાં ડબ કરીને દેશભરમાં રિલીઝ કરવામાં આવી જ છે, પણ આ ત્રણ-ચાર ફિલ્મોને બાદ કરતાં એ ફિલ્મો પણ ફ્લૉપ ગઈ. જો સાઉથની ફિલ્મો ચાલતી હોત તો એ ફિલ્મો પણ ચાલવી જોઈતી હતીને, પણ એ નથી ચાલી, કારણ કે એ ફિલ્મો સારી નહોતી.
બીજું એ પણ હવે સમજવાની જરૂર છે કે ફૅન્સ અને લાઇકિંગ વચ્ચે હવે મોટો ભેદ દેખાવાનું શરૂ થયું છે. પહેલાં એવું હતું કે રાજેશ ખન્ના, મનોજકુમાર કે રાજેન્દ્રકુમાર જેવા ઍક્ટરના આપણે ડાઇહાર્ડ-ફૅન હતા. ફિલ્મ સારી હોય કે ખરાબ, આપણને એ જોવી હતી, કારણ કે આપણે એ ઍક્ટરના ફૅન હતા, પણ હવેનું જે નવું ઑડિયન્સ છે એ ઑડિયન્સ આ સ્ટાર્સના ફૅન નથી, એ તેમના લાઇકિંગમાં આવે છે. સ્ટાર ગમે છે એટલું જ, એ સારું કામ ન આપે તો તેના કામને જોવાનું નહીં એવી ક્લિયર મેન્ટાલિટી આજના ઑડિયન્સની બની ગઈ છે. બર્થ-ડેના દિવસે જેટલી ભીડ આ સ્ટાર્સના ઘરની બહાર ભેગી થાય છે એટલી જ ભીડ જો ફિલ્મ જોવા પહોંચી જાય તો એ ફિલ્મ કોઈ હિસાબે ફ્લૉપ ન જાય, પણ એવું નથી બનતું. સિમ્પલ રીઝન, મને સ્ટાર ગમે છે. એના કામને મૂલવવાનું કામ હું મારી ગમતી વાતો સાથે નહીં જોડું. ખરાબ કામ હશે તો હું ‘બોલ બચ્ચન’ પણ નહીં જોઉં અને ખરાબ કામ હશે તો હું ‘જયેશભાઈ જોરદાર’ પણ નહીં જોઉં અને જો સારું કામ હશે તો હું ‘પુષ્પા’ જોવા જઈશ, જેના સ્ટારનું નામ પણ હું નહીં જાણતો હોઉં. સારી ફિલ્મ હશે તો હું ઍક્ટરનું નામ પછી જાણી લઈશ.
ઘણાને અત્યારે આ સીક્વલ્સ સામે પણ પ્રૉબ્લેમ છે, પણ હું કહીશ કે એ આજનો ટ્રેન્ડ છે અને એ ટ્રેન્ડ મુજબ ચાલવું પડે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પણ ક્યારેય મેકર્સ નક્કી નથી કરતા. એ પણ ઑડિયન્સ નક્કી કરતી હોય છે. કોઈ સ્ટોરીને તમારે એમ જ આગળ જોવી હોય તો તમારે ઑડિયન્સની ઇચ્છા મુજબ એ સ્ટોરીને લઈ આવવી પડે અને ધારો કે તમે એવું જ પ્લાનિંગ કર્યું હોય, પણ ઑડિયન્સ એ ફિલ્મ ન સ્વીકારે તો તમારે સીક્વલના પૉઇન્ટ-ઑફ-વ્યુથી બનાવેલી ફિલ્મનાં આગળનાં ફુટેજને પણ ભૂલી જવાં પડે. સીક્વલનો આ જે ટ્રેન્ડ શરૂ થયો છે એ સારી ફિલ્મો થકી જ ટકી રહેશે એ નક્કી છે. જો ફિલ્મ સારી નહીં હોય તો કોઈ ટ્રેન્ડ કામ નહીં લાગે અને જો સારી ફિલ્મ હશે તો એ ટ્રેન્ડની બહાર બની હશે તો પણ એને કોઈ તકલીફ નહીં પડે એ નક્કી છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે ફિલ્મ સારી હોવી જોઈએ. સારી ફિલ્મ સિવાયની કોઈ ફિલ્મ નહીં ચાલે અને સારી ફિલ્મ હશે તો એ દેશની કોઈ પણ ભાષામાં બની હશે તો પણ લોકો એને વખાણશે, એને સ્વીકારશે અને એને વધાવશે.
 સીક્વલની જેમ જ, ઘણાને ઇન્ડિયન સુપરહીરો સામે પણ પ્રૉબ્લેમ છે, પણ મારો સવાલ છે કે શું કામ એ પ્રૉબ્લેમ હોવો જોઈએ. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો પ્રોમો આવ્યો, જેમાં વાત આપણી માયથોલૉજીની, આપણી પંચતત્ત્વની થિયરીની છે. આ પ્રકારના વિષય પર કામ થવું જોઈએ. જો એના પર કામ થશે તો જ આપણે દુનિયાની સામે આપણી વાત મૂકી શકીશું. સમય પણ આવી ગયો છે કે હવે હૉલીવુડ આપણું કામ જુએ, આપણી વાત જુએ અને આપણાં શાસ્ત્રોની તાકાત સમજે. મારું કહેવું એ જ છે કે દરેક વાતને ક્રિટિસાઇઝ કરવાને બદલે ઍટ લીસ્ટ એવી નીતિ રાખીએ જે બેસ્ટ હોય એને વધાવીએ. ભાષા પણ ભૂલી જઈએ અને વિસ્તાર પણ ભૂલી જઈએ.

હવે સમજવાની જરૂર છે કે ફૅન્સ અને લાઇકિંગ વચ્ચે હવે મોટો ભેદ છે. પહેલાં એવું હતું કે રાજેશ ખન્ના, મનોજકુમાર કે રાજેન્દ્રકુમાર જેવા ઍક્ટરના આપણે ડાઇહાર્ડ-ફૅન હતા. ફિલ્મ સારી હોય કે ખરાબ, આપણને એ જોવી હતી, કારણ કે આપણે એ ઍક્ટરના ફૅન હતા, પણ હવેનું જે નવું ઑડિયન્સ છે એ ઑડિયન્સ આ સ્ટાર્સના ફૅન નથી, એ તેમના લાઇકિંગમાં આવે છે.

columnists saturday special