સોના કિતના સોના હૈ

18 September, 2020 03:38 PM IST  |  Mumbai | Varsha Chitalia

સોના કિતના સોના હૈ

સ્વતંત્ર મહિલાઓ ગોલ્ડ અને ગોલ્ડ બૉન્ડને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ખરીદવા લાગી છે

સોનું ખરીદવા માટેનો મહિલાઓનો મોહ ક્યારેય ઓછો થવાનો નથી. આજથી પાંચ દાયકા પહેલાંની વાત હોય કે વર્તમાન સમયની, કોઈ પણ ભાવે પીળી ચકચકતી ધાતુના વેચાણમાં ઓટ આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની જીડીપીના ૪૦ ટકા જેટલું સોનું ભારતીય મહિલાઓના કબાટમાં સંગ્રહાયેલું છે. વિશ્વના કુલ સોનાના જથ્થામાંથી ૧૧ ટકા તેમ જ અમેરિકા જેવા પાવરફુલ દેશની સરકારી તિજોરી કરતાં પણ વધુ સોનું આપણા દેશની મહિલાઓ પાસે હશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે અર્થશાસ્ત્રીઓ એને ડેડ મની માને છે, પરંતુ હવે સિનારિયો ચેન્જ થયો છે. છેલ્લા એક દાયકામાં આ ધાતુએ અંદાજે અઢીગણું રિટર્ન આપ્યું હોવાથી આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓ ગોલ્ડ અને ગોલ્ડ બૉન્ડને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ખરીદવા લાગી છે. આજે આપણે જુદી-જુદી વયની મહિલાઓનો સોનાની ખરીદી પાછળનો હેતુ શું છે એ જાણીએ

દુનિયાના કોઈ પણ ખૂણામાં ગોલ્ડની સામે લિક્વિડ મળી જાય : દીપા શાહ, ફૅશન-ડિઝાઇનર
મહિલાઓમાં કીમતી ધાતુઓનો ક્રેઝ ક્યારેય ઓછો થવાનો નથી. જ્વેલરી અને ઇન્વેસ્ટમેન્ટ બન્ને પર્પઝથી મેટલમાં રોકાણ કરવું હંમેશાંથી પહેલી પસંદગી રહી છે એવો જવાબ આપતાં મલાડનાં ફૅશન-ડિઝાઇનર દીપા શાહ કહે છે, ‘આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સોનાના દાગીના વગરની તિજોરીની કલ્પના ન થાય. અમારું સોશ્યલ સર્કલ બહુ વિશાળ છે. વર્ષમાં ઓછાંમાં ઓછાં ત્રીસ જેટલાં મોટાં ફંક્શન અટેન્ડ કરવાના હોય ત્યારે સ્ટેટસ પ્રમાણે જ્વેલરીનું વેરિએશન જોઈએ. આજકાલ આર્ટિફિશ્યલ જ્વેલરીનો જમાનો છે, પરંતુ મને નથી ગમતી. ખોટા દાગીના પાછળ પૈસા ખર્ચવા મતલબ વેસ્ટ ઑફ મની. મારી ચૉઇસની ઇમિટેશન જ્વેલરી પણ પંદર હજારની આવતી હોય ત્યાં બેટર છે કે એટલા જ રૂપિયાની સોનાની ગિની કે ચાંદી ખરીદીને મૂકી રાખું. એની માર્કેટ વૅલ્યુ વધવાની છે. મેટલમાં રોકાણ કરવાથી સામાજિક પ્રસંગો સારી રીતે પાર ઊતરી જાય છે. અમારા સમાજમાં દીકરી કરતાં વહુને વધુ સોનું ચડાવવાનો રિવાજ છે. મારા બન્ને દીકરાઓ યુવાન થઈ ગયા હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી જ્વેલરીના બદલે ગિની અને બિસ્કિટ્સમાં રોકાણ કરું છું. વહુને આપવા માટેનો નક્કી કરેલો ટાર્ગેટ લગભગ અચીવ થઈ ગયો છે. વાસ્તવમાં સોનાના દાગીના હોય કે ગિની, દરેક ભારતીય મહિલાનો ટાર્ગેટ હોય છે કે આટલા તોલા તો મારી પાસે હોવું જ જોઈએ. મેટલમાં ઇન્વેસ્ટ કરવાનાં બીજાં કારણો પણ છે. સોનું અર્થતંત્રનો શ્વાસ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ગોલ્ડની સામે તમને લિક્વિડ મળી જાય. તમારું કામ અટકતું નથી. સંતાનોને પણ આ જ સલાહ આપી છે કે તમારી કમાણીનો અમુક ટકા હિસ્સો મેટલમાં ઇન્વેસ્ટ કરજો. આ સૌથી સલામત રોકાણ છે.’


લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડનો કોઈ વિકલ્પ નથી : ધરા ગાંધી, ઇન્ટીરિયર ડિઝાઇનર
બોરીવલીનાં ઇન્ટીરિયર ડિઝાઇનર ધરા ગાંધીના માથા પર હજી સંતાનની જવાબદારી આવી નથી તેથી લગ્નપ્રસંગ તો બહુ દૂરની વાત છે. કમાણીનો અમુક હિસ્સો તેઓ ઇન્વેસ્ટમેન્ટ માટે સાઇડમાં રાખે છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના પ્રોસ્પેક્ટ્સથી જોઈએ તો અન્ય ગર્લ્સ કરતાં તેમની વિચારસરણી જુદી પડે છે. પેપર ગોલ્ડ કરતાં જ્વેલરી અને લગડી ખરીદવામાં વધુ રસ ધરાવતાં ધરા કહે છે, ‘જ્વેલરી પસંદ પડે અને બજેટમાં બેસે એટલી ખરીદવાની. આ સિવાય જ્યારે સગવડ હોય સોનાની લગડી ભેગી કરતી રહું છું. આ બાબત થોડી દેશી સ્ટાઇલની છું. મારી એજની ગર્લ્સનો પેપર ગોલ્ડ તરફ ઝુકાવ છે જ્યારે હું તો લિક્વિડ ગોલ્ડ જ પ્રિફર કરું છું. હાલમાં પેપર ગોલ્ડના માધ્યમથી એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવાની જરૂર લાગતી નથી. આ એજમાં ટૅલન્ટથી પૈસા કમાવા જોઈએ. જે દિવસે માર્કેટમાં બિઝનેસ નહીં ચાલે ત્યારે સંગ્રહી રાખેલું લિક્વિડ ગોલ્ડ કામ લાગશે. હજી બાળક થયું નથી એટલે લગ્નપ્રસંગ માટે ભેગું કરવાનો પ્રશ્ન આવતો નથી. જોકે કોઈ પણ મહિલા સોનું ખરીદતી વખતે લાંબા ગાળાનો વિચાર કરે છે. નાના-મોટા પ્રસંગોમાં સામાજિક વ્યવહારો સાચવવા સોનાની જરૂર પડવાની છે. નવી જનરેશનના પેરન્ટ્સે અત્યારથી હાયર એજ્યુકેશન માટેની તૈયારી કરવી જોઈએ. આજકાલ એજ્યુકેશન ખૂબ મોંઘું થઈ ગયું છે. હમણાં અમારી જાત ચાલે છે પણ ભવિષ્યમાં કદાચ અટકી તો સંતાનોનું એજ્યુકેશન પૂરું કરવા ગોલ્ડ કામ લાગી શકે છે. આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચઅલ ફન્ડ કે કોઈ પણ ફીલ્ડમાં બચત કરવાનો હેતુ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો છે. આપણે એને કંઈ રાતોરાત વેચી નાખતા નથી. લિક્વિડ ગોલ્ડને ડેડ ઇન્વેસ્ટમેન્ટ માનો છો તો લૉન્ગ ટર્મ માટે ઈક્વિટીમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા પણ એક પ્રકારનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ જ છે. લાંબા ગાળા માટે કરેલા કોઈ પણ રોકાણથી માર્કેટમાં મની ફ્લો આવતો નથી, પરંતુ ફૅમિલીનું ફ્યુચર સો ટકા સિક્યૉર થઈ જાય છે.’

સોનામાં કરેલું રોકાણ સોનાની જેમ ઊગી નીકળે છે : હંસા પરમાર, ટીચર
ભારતીય મહિલાઓ પાસે સૌથી વધુ સોનું હશે એવા સર્વે સાથે સહમત થતાં બોરીવલીનાં ગૃહિણી અને ટ્યુશન ટીચર હંસા પરમાર કહે છે, ‘સોનામાં રોકાણ કરવાનો મારો એક જ હેતુ છે, દીકરીનો લગ્નપ્રસંગ. અઢાર હજારની આસપાસ સોનાનો ભાવ હતો ત્યારથી દર વર્ષે અક્ષયતૃતીયા, દશેરા અને ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરું છું. આ સિવાય વચ્ચે પણ લઈએ. ધીમે-ધીમે કરતાં પ્રસંગ વ્યવસ્થિત પાર પડી જાય એટલું સોનું એકત્ર થઈ ગયું છે. જોકે આજની જનરેશનને સોનાનાં ઘરેણાં પહેરવામાં રસ નથી. તેમનો ઝુકાવ ડાયમન્ડ જ્વેલરી તરફ વધુ છે. વેસ્ટર્ન ડ્રેસ સાથે ડાયમન્ડ જ્વેલરી આકર્ષક લાગતી હોવાથી તેઓ સ્ટોન પાછળ પૈસા ખર્ચે છે. મારી દીકરી ઘણી વાર કહે કે મને નથી જોઈતું તો શું કામ ખરીદે છે? મારો એક જ જવાબ હોય કે લગ્નમાં આપવું પડે, કારણ કે સામે પક્ષે સાસુ મારી ઉંમરની અને એવી જ વિચારધારા ધરાવતી હશે. આ પ્રથાને બદલવી અઘરી છે. જોકે જ્વેલરીની ડિઝાઇન સતત બદલાતી રહે છે એટલે દાગીના પહેરવા હોય એટલા જ લેવા. બાકીનું રોકાણ ગિનીના રૂપમાં હોવું જોઈએ. દાગીના વેચવા નીકળો તો મેકિંગ જતું કરવું પડે, જ્યારે ગિનીના પૂરા પૈસા આવે. સામાન્ય રીતે પુરુષો અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મહિલાઓના કબાટમાં અને બૅન્કના લૉકરમાં બંધ ગોલ્ડ ડેડ મની છે. દેશના અર્થતંત્રમાં માટે ઉપયોગી નથી. મોટા ભાગની મહિલાઓ આ વાત સાથે સહમત નહીં થાય. અઢાર હજારમાં ખરીદેલું સોનું અત્યારે કેટલું રિટર્ન આપે છે એ નજર સમક્ષ છે. સમયાંતરે માર્કેટમાં વેચાણ અર્થે આવે છે તો એને ડેડ મની ન કહેવાય. કોઈ પણ સમયે સોનામાં કરેલું રોકાણ સોનાની જેમ ઊગી નીકળે છે.’

એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવા પેપર ગોલ્ડ બેસ્ટ ઑપ્શન : તૃષા શાહ, કંપની સેક્રેટરી
ભારતીય મહિલાઓના કબાટમાં ઘરેણાંના રૂપમાં સંગ્રહાયેલું સોનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ જ છે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીની કંપની સેક્રેટરી તૃષા શાહ કહે છે, ‘સોનું એવી વસ્તુ છે જેને તમે એવરગ્રીન કહી શકો. એનો મોહ ઓછો થવાનો નથી, પરંતુ મુંબઈની લાઇફમાં ગોલ્ડની જ્વેલરી પહેરીને ટ્રાવેલ કરવું સલામત નથી તો પછી બૅન્કમાં મૂકી રાખવા માટે ખરીદવામાં કોઈ લૉજિક દેખાતું નથી. કોઈક વાર પહેરવા માટે એકાદ ઇયરરિંગ્સ, ઓછા ગ્રામની ચેઇન વિથ પેન્ડન્ટ કે વધીને બ્રેસલેટની ખરીદી કરો ત્યાં સુધી ઠીક છે. ઘણી મહિલાઓ લગ્નપ્રસંગને ધ્યાનમાં રાખી શરૂઆતથી સોનું ભેગું કરે છે. દસ-પંદર વર્ષ પછી આ સોનું વેચી સામે જ્વેલરી ખરીદે છે. જો એ વખતે પૈસાની સગવડ હશે તો એને સંગ્રહી રાખી નવી ખરીદી કરશે. આ રીતે ખરીદેલું સોનું તમારા લૉકરમાંથી દીકરીના લૉકરમાં શિફ્ટ થવાનું છે એ સિવાય એનો કોઈ હેતુ નથી. આવા રોકાણથી માર્કેટમાં મની ફ્લો આવવાનો નથી. અમારી જનરેશનને લિક્વિડ ગોલ્ડ કરતાં પેપર ગોલ્ડમાં રોકાણ કરવામાં વધુ રસ છે. આજની એજ્યુકેટેડ યુવતીઓ સ્ટૉક માર્કેટ પર નજર રાખે છે. આર્થિક રીતે સ્વતંત્ર હોવાથી કમાણીનો અમુક ટકા હિસ્સો ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ અને ગોલ્ડ બૉન્ડમાં ઇન્વેસ્ટ કરે છે. જ્વેલરી ખરીદવા તમારી પાસે હેલ્ધી રકમ હાથમાં હોવી જોઈએ જ્યારે પેપર ગોલ્ડમાં નાની રકમથી રોકાણ કરી શકાય છે. ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાથી ઇન્ટરેસ્ટના રૂપમાં એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ થાય છે. એ પૈસામાંથી તમે ડિઝાઇનર આર્ટિફિશ્યલ જ્વેલરી પહેરીને બિન્દાસ ફરી શકો છો. લૂંટફાટનો ડર કે જાનનું જોખમ રહેતું નથી. સમયાંતરે પેપર ગોલ્ડને રીઇન્વેસ્ટ કરવાથી બેનિફિટ મળતો રહે છે અને એનો રેટ પણ વધે છે. મારી દૃષ્ટિમાં આ બેસ્ટ ઑપ્શન છે.’

Varsha Chitaliya columnists