કચ્છનો આગવો સંપ્રદાય – મહેશપંથ

31 December, 2019 02:36 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છનો આગવો સંપ્રદાય – મહેશપંથ

ભારતીય ઉપખંડ અનેક ધર્મો, સંપ્રદાયો, જાતિઓ અને સમાજોને સમાવીને બેઠો છે. કંઈક અંશે વર્તમાન ભારતીયો પોતાના પૂર્વજોનાં પગલાં શોધવા પ્રત્યે સભાન બન્યા છે. ટેક્નૉલૉજીના વિકાસ અને શિક્ષણના ફેલાવાથી ઊંડા અભ્યાસ થવા લાગ્યા છે. ભારતીય સમાજમાં જ્ઞાતિઓની બહુવિધતા આમ તો વર્ણવ્યવસ્થાનું પરિણામ છે. વર્ણવ્યવસ્થાની દૃષ્ટિએ ચોથો વર્ગ ગણાવાયેલા સમૂહ હેઠળ ભારતની વસ્તીનો બહુ મોટો વર્ગ આવી જાય છે. કાલાંતરે એ સમૂહને વેઠવાનો પણ વારો આવ્યો, પરંતુ એ સમૂહની જ્ઞાતિઓમાં ઊંડા ઊતરવાથી આશ્ચર્યજનક બાબતો બહાર આવે એમ છે. એ જ્ઞાતિઓના આગવા ઇતિહાસ અને વિશેષ પરંપરાઓ તરફ દુર્લક્ષ સેવાયું હોવાનું સ્વીકારવું પડે.

ભારતની આઝાદી બાદ પાછળ રહી ગયેલી જ્ઞાતિઓને સમાન તક આપવા માટે બંધારણમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જેનો સીધો ફાયદો એ જ્ઞાતિઓને થયો છે. ઉપરાંત શિક્ષણને કારણે અન્ય વર્ગની માનસિકતા બદલાઈ છે. પરિણામે દલિત ગણાતો વર્ગ સ્વમાનપૂર્વક જીવતો થયો છે. ભારતમાં મૂળ હિન્દુ ધર્મને વળગી રહેલી દલિત જ્ઞાતિઓનો ગૌરવવંતો ઇતિહાસ છે. અહીં એવા સંપ્રદાય અને જ્ઞાતિની વાત કરવી છે જેનો ઊજળો અને ક્રાન્તિકારી ઇતિહાસ છે. એ જ્ઞાતિ છે કચ્છમાં રહેતી મહેશ્વરી મેઘવાળ. કચ્છમાં મહેશ્વરી મેઘવાળ, ગુર્જર મેઘવાળ, મારુ મેઘવાળ અને ચારણિયા મેઘવાળ એમ ચાર પ્રકારના મેઘવાળ વસે છે. આ ચારેય મેઘવાળો હિન્દુ ધર્મ પાળે છે, પરંતુ મૂળ કચ્છી અને કચ્છની વિશિષ્ટ ઓળખ એવા મહેશ્વરી મેઘવાળ હિન્દુ હોવા છતાં હિન્દુઓથી અલગ એટલા માટે પડે છે કે મહેશ્વરીઓ પાસે તેમના સ્વતંત્ર વેદવચન, વિધિવિધાનો છે. અન્ય મેઘવાળ સમાજ સનાતની હિન્દુ ધર્મને અનુસરે છે જ્યારે મહેશ્વરીની વિધિઓ માટે સ્વતંત્ર ગુરુ પરંપરા છે. ઉપરાંત અત્યંત મહત્ત્વની બાબત એ પણ છે કે મહેશ્વરીઓના ધર્મગુરુઓ સિખોની જેમ શસ્ત્ર (કટાર) રાખે છે.

આમ તો મેઘવાળ શબ્દ જ ઘણુંબધું કહી જાય છે. મેઘને પાછો વાળનાર અથવા મેઘને જતો અટકાવનાર એટલે મેઘવાળ, પણ મેઘઋષિના વંશજો મેઘવાળ કહેવાયા એવું માનવામાં આવે છે. આજથી સાડાબારસો વર્ષ પહેલાં અસ્પૃશ્ય જ્ઞાતિઓમાં એક ક્રાન્તિ થઈ. એ ક્રાન્તિના સૂત્રધાર હતા માતંગદેવ. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પ્રદેશોમાં વિચરણ કર્યા બાદ માતંગદેવ કચ્છ આવ્યા. એ વખતે ગુજરાતમાં અસ્પૃશ્ય જ્ઞાતિઓ સિંભરિયા, ઝાંખરિયા, રખિયા તરીકે ઓળખાતી હતી. માતંગદેવે ગુજરાતના વિવિધ પ્રદેશોની અસ્પૃશ્ય જ્ઞાતિઓના ઉદ્ધાર માટે વિક્રમની નવમી સદીની આસપાસ સૌરાષ્ટ્રમાં હાલના પાલિતાણાની નજીક આવેલા કારુંભા (કે કાળુભાર?) ડુંગર ઉપર નરમેધ યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલી જ્ઞાતિઓને એક સંપ્રદાય હેઠળ લાવી, ભાષા અને પ્રદેશના ભેદભાવ દૂર કરી મહેશપંથની સ્થાપના કરી. આ યજ્ઞમાં આવેલી જ્ઞાતિઓએ પોતાનો સંપ્રદાય છોડીને મહેશપંથ અપનાવ્યો. મહેશપંથને અનુસરનારા લોકો મહેશ્વરી કહેવાયા. માતંગદેવે જ્યારે નરમધ યજ્ઞ કરાવ્યો ત્યારે મુખ્યત્વે ૧૨ નુખધારી (અટક) જાતિઓ આવી હતી; જેમા જોડ, ધુવા, લોઇયા, ફફલ, દનિચા, ભોઈયા, ચંદે, સોંધરા, કન્નર, એડિયા, નાગશીપોત્રા અને રોશિયા હતા. આ ૧૨ જાતિઓએ યજ્ઞ સંપન્ન કરાવ્યો. આ ૧૨ જાતિઓ દ્વારા જ માતંગદેવે બારમતિ (બારઈ) નામની વિધિ કરી, જે આજે માતંગદેવના વંશજ માતંગો કરાવે છે. માતંગદેવના દેહાંત બાદ મહેશ્વરીઓ પર મહેશપંથ છોડી દેવા દબાણો થયાં. કચ્છ સિવાયના મહેશ્વરીઓએ મહેશપંથ છોડીને મૂળ પરંપરા અપનાવી લીધી. જ્યારે કચ્છના મહેશ્વરીઓ મહેશપંથને વળગી રહ્યા જે આજ પર્યંત યથાવત્ છે અને એથી આજે પણ મહેશ્વરીઓ બહુધા કચ્છમાં જ રહે છે. કચ્છ સિવાય જામનગર અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ મહેશ્વરીઓએ મહેશપંથ જાળવી રાખ્યો છે. આજે મહેશ્વરીઓની ૧૧૭ જેટલી પેટાઅટક છે.

માતંગદેવના વંશજો મહેશ્વરીઓના ધર્મગુરુઓ ગણાય છે, જેઓ માતંગ કહેવાય છે. મહેશ્વરીઓ પોતાના ધર્મગુરુ માટે ઔવા શબ્દ વાપરે છે. મહેશ્વરીઓના જીવનકાળની તમામ ધાર્મિક વિધિઓ માતંગ જ કરે છે. અન્ય હિન્દુ બ્રાહ્મણ મહેશ્વરીઓની વિધિ કરી શકતા નથી. હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ તેમ જ બીજી કેટલીક જ્ઞાતિઓ જનોઈ પહેરે છે. મુસ્લિમોમાં સુન્નતની વિધિ છે, પરંતુ એ બન્ને ઓળખ ફક્ત પુરુષ માટે જ છે. મહેશ્વરીઓમાં જન્મેલું બાળક (છોકરો અને છોકરી બન્ને)ને બારમતિ સમક્ષ ધર્મના કંગણ (કંકણ)ની વિધિ કરવામાં આવ્યા પછી જ તે મહેશ્વરી ગણાય છે. જેની આ વિધિ ન થઈ હોય એવા બાળક કે પુખ્તનું જો મૃત્યુ થાય તો તેની ઉત્તરક્રિયા કરવામાં આવતી નથી. આ સમાજમાં લગ્ન સમયે વર-કન્યા ચોરીના ફેરા ફરતાં નથી, પણ બારમતિ સમક્ષ પંચમુખી જ્યોતની સાક્ષીએ હસ્તમેળાપ થાય છે. મૃત્યુ બાદ મહેશ્વરીઓ મૃતદેહને અગ્નિદાહ ન આપતાં ધરતીને સોંપે છે. અન્ય સંપ્રદાયોના સહધર્મીઓ મળે ત્યારે રામરામ, સતશ્રી અકાલ, અસ્લામો આલેકુમ, જયશ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બોલે છે એવી જ રીતે બે મહેશ્વરીઓ ભેગા થાય છે ત્યારે પહેલી વ્યક્તિ ‘ધર્માચાર’ શબ્દ બોલે છે, એના પ્રત્યુત્તરમાં બીજી વ્યક્તિ ‘કરમ કે જુહાર’ બોલે છે. ધર્માચારનો અર્થ ધરમનું આચરણ કર એવો થાય છે જ્યારે કરમ કે જુહારનો અર્થ તારા કર્મને વંદન કર એવો થાય છે. મહેશ્વરી સમાજનો સંબંધ મોટા ભાગે ભક્તિ સાથે રહ્યો છે. ભક્તિ સાથે નાતો હોવાથી ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ કચ્છમાં આજે પણ મહેશ્વરીઓને ભગત અથવા રખિયા (રક્ષા કરનારા) કહેવાય છે. જેમ હિન્દુઓમાં પાંચ બ્રાહ્મણ જમાડવાની પ્રથા છે એમ પશ્ચિમ કચ્છમાં પાંચ રખિયા જમાડવાની પ્રથા આજે પણ છે. કચ્છમાં એક સમયે ગાયકી, ચર્મકામ, કાષ્ઠકલા, વણાટકામ પર મહેશ્વરીઓનું પ્રભુત્વ હતું. આરાધીવાણી મહેશ્વરીની ઓળખ ગણાતી હતી.

કચ્છના મુખ્ય શાસક એવા જાડેજા વંશના રાજતિલક વખતે માતંગની હાજરી અનિવાર્ય હોય છે. એ રીતે જાડેજા અને મહેશ્વરીઓ ગુરુભાઈ ગણાય છે. માતંગદેવની ચોથી પેઢીએ એક મહાપુરુષ થઈ ગયા જે મામૈદેવ તરીકે વિખ્યાત છે. મહેશ્વરીઓ પીર પરંપરામાં માને છે. માતંગદેવના ચાર પુત્રો પૈકી લાલણદેવના વંશજ હોય એવા સૌથી મોટી ઉમરના માતંગને પીરપદ અપાય છે. હાલમાં મમૈદેવની ઓગણચાલીસમી પેઢીના પૂજ્ય પીરશ્રી નારાણદેવ લાલણ  મહેશ્વરીઓના મુખ્ય ધર્મગુરુ છે, જેઓ માંડવી (કચ્છ)માં રહે છે. સમગ્ર  મહેશ્વરીઓ અને માતંગ ગુરુઓ પર મામૈદેવનો અધિક પ્રભાવ છે. એનું કારણ મામૈદેવે કરેલી આગમવાણીઓ છે. મામૈદેવની આગમવાણીમાં દુનિયાભરની ઊથલપાથલના અને પર્યાવરણમાં થનારા ફેરફારોનાં ઇંગિત મળે છે. ભવિષ્યવેતા નેસ્ટ્રાડોમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૯૯ની આખરમાં એક પ્રતાપી રાજા આવશે અને પૃથ્વી પર એક નવા યુગનાં મંડાણ થશે. આ વાત જ મામૈદેવે પંદરમી સદીથી પહેલાં કહી છે. જુઓ...

એકાણુએ માસ શ્રાવણ, સાતમ ને શુકરવાર, ઉત્તર દિશાનું દળ હલધો, હૂંધો હેકલકાર.

છપ્પન કરોડ છાણવે છાણીધો, સતાણુએ તપધો તપ, અઠાણુએ અંધકાર, નવાણુએ દળ હલધો.

ઉજ્જૈનમેં ઈશ્વર અવતરધો, ગુરુ માળવે ગઢા જો રા,

મામૈ ભણે મહેશ્વરિયા. જુગ જુરધો આદિતવાર જો!

મામૈદેવની ઉપલબ્ધ વાણી કચ્છી-ગુજરાતી મિશ્રિત છે છતાં કેટલાક એવા શબ્દો પણ છે જેના અર્થ સ્પષ્ટપણે મળતા નથી. માતંગ ધર્મગુરુઓ જે ધર્મકથન કરે છે એ પરંપરા મૌખિક હોવાથી સમયાંતરે ભાષાકીય ફેરફારો પેઢી દર પેઢી થતા રહ્યા છે છતાં આજે મામૈદેવની વાણીએ ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. અસ્પૃશ્યતાને કારણે મહેશપંથની પરંપરા અને એનાં ઊંડાં તથ્યો અત્યાર સુધી બહાર આવ્યાં નહોતાં. હવે જ્યારે સૌને શિક્ષણની સમાન તક મળી રહી છે ત્યારે ધર્મગુરુઓ અને અનુયાયીઓ એને સુચારુ ઢબે જગત સમક્ષ મૂકે એ જરૂરી લાગે છે.

columnists kutch