૨૫ વર્ષની આ યુવતીએ ૬૦૦થી વધુ પુસ્તકો વાંચી નાખ્યાં છે

14 May, 2021 02:55 PM IST  |  Mumbai | Alpa Nirmal

નામ એવા ગુણ ધરાવતી કાંદિવલી-વેસ્ટની વિદ્યા ઠક્કરે વાંચનના શોખને કરીઅરમાં કન્વર્ટ કરી દીધો છે અને બાકાયદા બુક-રીવ્યુઅર બનીને ૪૦૦થી વધુ લેખકોનાં પુસ્તકોનો રિવ્યુ કર્યો છે.

૨૫ વર્ષની આ યુવતીએ ૬૦૦થી વધુ પુસ્તકો વાંચી નાખ્યાં છે

ડિજિટલાઇઝેશનનો જમાનો છે. આજની પેઢી સોશ્યલ મીડિયામાં પોસ્ટ થાય એ સિવાય કશું વાંચતી નથી. અરે, બુક્સ વાંચવા પણ કિન્ડલનો ઉપયોગ કરે છે ત્યારે કાંદિવલી-વેસ્ટમાં રહેતી વિદ્યા દિવસના ૧૪થી ૧૬ કલાક પુસ્તકોની હાર્ડ કૉપી સાથે ગાળે છે. આ કઈ રીતે બન્યું? એના જવાબમાં વિદ્યા કહે છે, ‘ટેન્થના વેકેશનમાં રીડિંગનો શોખ કેળવાયો હતો. ઍક્ચ્યુઅલી, મમ્મીએ એક્સ્ટ્રા વાંચનની આદત પડાવી હતી. કૉલેજમાં આવી ત્યાર બાદ પણ આ શોખ બરકરાર રહ્યો. કવિતાઓ, લેખ, નિબંધ, વાર્તાઓ બધું જ વાંચવું ગમે. કૉલેજમાં હતી ત્યારે જ મારું પોતાનું બ્લૉગ-પેજ હતું. હું એમાં જાતજાતના વિષયો પર લખતી. મેં કંઈ સારું વાંચ્યું હોય, અનુભવ્યું હોય કે ક્યાંક ગઈ હોઉં એ પણ લખતી. થોડા લોકો એને નિયમિત વાંચતા પણ ખરા. આવું ઘણો સમય ચાલ્યું. પછી ૪-૫ વર્ષ પહેલાં ટ્રાવેલિંગ દરમ્યાન બુક્સ્ટાગ્રામ વિશે ખબર પડી. આવી લાઇન પણ હોય એ જાણવા મળતાં મેં મારા આ પૅશનને કારકિર્દીનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું અને બની ગઈ હું પ્રોફેશનલ બુક રિવ્યુઅર.’
માસ મીડિયામાં ઍડ્વર્ટાઇઝિંગમાં ગ્રૅજ્યુએશન કરનારી વિદ્યા બઝફીડ વેબસાઇટ અનુસાર બુક્સ્ટાગ્રામની ટૉપ થર્ડ બ્લૉગર છે. તેના ૧૬,૫૫૩ ફૉલોઅર્સ છે અને મોટી બુક ઇન્ફ્લ્યુએન્ઝર છે. વિદ્યા કહે છે, ‘હું ભલે બુક્સની પેઇડ સમીક્ષા કરું, પણ ઑનેસ્ટ રિવ્યુ જ કરું. કોઈ લેખકને પબ્લિકેશન હાઉસ પેમેન્ટ આપે છે એટલે મારે સારું જ લખવું એવું હું બિલકુલ નથી માનતી. મારી ઑનેસ્ટી જ મારી યુએસપી છે. હું થ્રિલર, મિસ્ટરી, ઐતિહાસિક, આત્મકથા એમ દરેક પ્રકારનાં પુસ્તકોનો એકેએક અક્ષર વાંચું. એનો સબ્જેક્ટ કેવો છે, વાર્તા કે નવલિકા હોય તો એનો પ્લૉટ કૅરૅક્ટર કઈ રીતે ડેવલપ કર્યો છે એ ઉપરાંત લખવાની સ્ટાઇલમાં નરેશનમાં શું નવીનતા છે, ઓવરઑલ પર્સ્પેક્ટિવ શું છે એ બધાં જ પાસાં ઍનલાઇઝ કરીને પછી મારું મંતવ્ય લખું. મને રોમૅન્ટિક સ્ટોરીઝ પણ ગમે તો નૉન-ફિક્શનમાં સુધા મૂર્તિ અને મિશેલ ઓબામા મારાં ફેવરિટ છે.’ 
રિવ્યુ કરતાં-કરતાં કોઈ પુસ્તક સખત બોરિંગ લાગે તો? એના જવાબમાં ડિજિટલ માર્કેટિંગમાં ફ્રીલાન્સિંગ કરતી વિદ્યા કહે છે, ‘તો પણ હું પ્રામાણિકપણે આખું વાંચું. સી, ખરાબ સ્ટોરી કે બુક પણ તમને નવું શીખવે છે, સારું શીખવે છે. ઍક્ચ્યુઅલી પુસ્તકો વાચકને રિલૅક્સ કરવા સાથે નવા વિચાર, જુદો દૃષ્ટિકોણ આપે છે અને હાર્ડ કૉપીની વાત કરું તો એને હાથમાં લેવાની ફીલિંગ જ અદ્ભુત છે. તમે એમાં કંઈ સારું વાંચો તો એને માર્ક કરીને રાખી શકો, ફરી-ફરી એ જ વાંચી શકો અને એના પર મનન-ચિંતન કરી શકો. ડિજિટલ રીડિંગમાં આ શક્ય નથી. હું માનું છું કે ડિજિટલ વાંચન મોટા ભાગના લોકો ભૂલી જાય છે, જ્યારે પુસ્તક તમારી મેમરીમાં કાયમ માટે સ્ટોર થઈ જાય છે.’
બિઝનેસમૅન પપ્પા અને હોમમેકર મમ્મીએ જ્યારે દીકરીનું નામ વિદ્યા રાખવાનું નક્કી કર્યું હશે ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે દીકરીમાં તેના નામ પ્રમાણે ગુણ ઊતરશે અને બુક-બ્લૉગર તરીકે ઑફબીટ ફીલ્ડમાં નામ રોશન કરશે. વિદ્યાની પોતાની વેબસાઇટ તો છે જ; સાથે તે ફેસબુક, ગુડ રીડ, બુક્સ્ટાગ્રામ પર પણ બહુ પૉપ્યુલર છે. આ મહિનાની ૧૭ તારીખે તેની વેબસાઇટને ચાર વર્ષ પૂરાં થશે. ત્યારે વૉટ નેક્સ્ટ? એના જવાબમાં વિદ્યા કહે છે, ‘આપણે કહીએ છીએ કે હજી બહુ ટાઇમ છે; પણ હું કહું છું કે પુસ્તકો બહુ છે, વાંચવાનો સમય ઓછો છે.’

 હું ભલે બુક્સની પેઇડ સમીક્ષા કરું, પણ ઑનેસ્ટ રિવ્યુ જ કરું. કોઈ લેખકને પબ્લિકેશન હાઉસ પેમેન્ટ આપે છે એટલે મારે સારું જ લખવું એવું હું બિલકુલ નથી માનતી.
વિદ્યા ઠક્કર

ક્સ્ટાગ્રામ પર 16553 ફૉલોઅર્સ સાથે વિદ્યા ટૉપ થર્ડ બ્લૉગરનું સ્થાન ધરાવે છે. 

columnists alpa nirmal