એ અવૉર્ડ ફંક્શને મારી લાઇફ ચેન્જ કરી નાખી

10 January, 2022 08:44 PM IST  |  Mumbai | Rashmin Shah

ટીવી સિરિયલના સ્ટાર સંજય ચૌધરી ફિટનેસમાં જબરદસ્ત લાપરવા હતો પણ એક અવૉર્ડ ફંક્શનમાં મોટા સ્ટાર્સની ફિટનેસ જોઈને તેણે બે વર્ષમાં તેણે ફોર-પૅક ઍબ્સ ડેવલપ કરી

એ અવૉર્ડ ફંક્શને મારી લાઇફ ચેન્જ કરી નાખી

યશરાજ ફિલ્મ્સની ‘મેરે ડૅડ કી મારુતિ’થી કરીઅર શરૂ કરી ‘લાપતાગંજ’ અને ‘યે ઉન દિનોં કી બાત હૈ’ જેવી ટીવી સિરિયલના સ્ટાર સંજય ચૌધરી ફિટનેસમાં જબરદસ્ત લાપરવા હતો પણ એક અવૉર્ડ ફંક્શનમાં મોટા સ્ટાર્સની ફિટનેસ જોઈને તેણે બે વર્ષમાં તેણે ફોર-પૅક ઍબ્સ ડેવલપ કરી

મારે મન ફિટનેસ એટલે ડિસિપ્લિન, જેને તમે કોઈ પણ લાલચની સામે છોડો નહીં કે પછી ભૂલો નહીં. અત્યારે હું આ વાત તમને કહું છું પણ જો તમે મને થોડાં વર્ષો પહેલાં મળ્યા હોત તો મેં જ તમને કહ્યું હોત કે ફિટનેસ-બિટનેસ સમજ્યા ભાઈ. લાઇફ એક વાર મળી છે તો એને જીવી લેવાની હોય. હા, સાચે જ. સિરિયસ થઈને કહું તો એ સમયે હું મસ્ત મજાનો ગોલુમોલુ હતો. ખાવા-પીવાનાં કોઈ ઠેકાણાં નહીં, વર્કઆઉટ સાથે કોઈ સંબંધ નહીં અને જિમ સામે તો જોવાનું પણ નહીં. ઍક્ચ્યુઅલી હું કોઈ જાતની એક્સરસાઇઝ કરતો નહીં અને ચાલવાનો પણ મોટો ચોર. જો લિફ્ટ બંધ હોય તો હું કલાક નીચે બેસી રહું પણ સ્ટેર્સનો ઉપયોગ કરું નહીં. કામ પણ કરતો હતો અને કહો કે બહુ સારું કામ મળતું એટલે એ રીતે પણ હેલ્થ નજર સામે આવતી નહોતી.
કોવિડ આવ્યા પહેલાંની વાત છે. મારે એક અવૉર્ડ ફંક્શનમાં જવાનું બન્યું. પહેલી વાર એવું બન્યું કે એ ફંક્શનને મેં સાવ નજીકથી જોયું અને મને દેખાયું કે લોકો સારું કામ કરે છે એની સાથે-સાથે સારા દેખાવાનો પણ એટલો જ પ્રયાસ કરે છે, જેના માટે મહેનત પણ કરે છે અને એ મુજબની ડાયટ પણ રાખે છે. ગમેતેટલી ઇચ્છા થઈ હોય તો પણ ન ખાવા જેવી આઇટમ સામે આવે તો કન્ટ્રોલ એવો કરે છે જાણે કે આર્મીમાં હોય અને ડિસિપ્લિન પાળવાની હોય. સારા દેખાવાની સાથોસાથ તેમના માટે હેલ્થની બાબતની જે ચીવટ હતી એ જોઈને હું ખરેખર અંદર ને અંદર જાતને બહુ ખિજાવા માંડ્યો. મારા માટે એ દિવસ સૌથી મહત્ત્વનો રહ્યો અને એણે મારી આંખો ખોલી નાખી.
હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ઘણુંબધું કરવું પડે એ વાત મારી સમજમાં આવી અને એના થોડા જ સમયમાં દેશમાં લૉકડાઉન આવ્યું. એ લૉકડાઉન મારા માટે બ્લેસિંગ બની ગયું અને એકધારા નેગેટિવ ન્યુઝ વચ્ચે મેં હેલ્થની બાબતમાં પૉઝિટિવ થવાનું શરૂ કર્યું. 
આવશે અનેક અડચણ | જો તમારું સર્કલ હેલ્થ કૉન્શિયસ કે પછી વર્કઆઉટ ફ્રીક નહીં હોય તો તમને વર્કઆઉટની બાબતમાં બહુ અડચણ આવશે. મેં તો જોયું છે કે તમે એક્સરસાઇઝ શરૂ કરો કે તરત એ લોકો હસવા માંડે. એક્સરસાઇઝ પૂરી કરશો એટલે મમ્મી કે ભાભી બહુ બધી ફૅટ સાથેનું ફૂડ આપશે કે તું થાકી ગયો હોઈશ, આ ખાઈ લે. 
મારી વાત કન્ટિન્યુ કરું તો કોવિડના પહેલા લૉકડાઉન સમયે મેં ઘરે જ જિમનાં થોડાં ઇક્વિપમેન્ટ્સ ઑર્ડર કરી મગાવી લીધાં અને ટ્યુટર પાસે ઑનલાઇન વર્કઆઉટ શરૂ કરી દીધું. મારો ગોલ તો માત્ર બૉડીને ફિટ અને શેપમાં રાખવાનો હતો, પણ ધીમે-ધીમે મને હેલ્થનું મહત્ત્વ પણ એટલું જ સમજાયું અને મારું વર્કઆઉટ વધતું ગયું. સાચું કહું તો આ સમય દરમિયાન મારામાં કૉન્ફિડન્સ માત્રને માત્ર વર્કઆઉટને કારણે જ ડેવલપ થયો. વજન તો મારું ઘટ્યું જ પણ મેન્ટલ સ્ટેબિલિટી પણ મને મળી, જેનો લાભ મને ખૂબ થયો. એને લીધે જ મેં વર્કઆઉટ આજે પણ છોડ્યું નથી. 
હું વર્કઆઉટ મૉર્નિંગમાં પ્રિફર કરું છું. સવારે લગભગ દોઢેક કલાક વર્કઆઉટ ચાલે, જેમાં હું નવા-નવા અને આઉટ ઑફ બૉક્સ કહેવાય એવા વર્કઆઉટ પણ કરું. કહો કે હવે મને વર્કઆઉટનો નશો લાગ્યો છે અને આ નશો ખોટો પણ નથી. 
શરૂઆતમાં મારું વર્કઆઉટ બહુ પ્રૉપર ચાલે પણ ફૂડ ઇન્ટેક બહુ ઇરેગ્યુલર હતું. તમે બરાબર સમજી લેજો, બૉડીનું કામ બ્લડ-સર્ક્યુલેશન કરવાનું છે તો સાથે એ ડાઇજેશન સિસ્ટમ મેઇન્ટેન કરવાનું અને માઇન્ડ અને હાર્ટ સુધી બ્લડ પહોંચાડે. આ સાઇકલને હું એકદમ અસ્તવ્યવસ્ત રાખતો હતો. ફૂડ ઇન્ટેક ઇરેગ્યુલર એટલે ખાવાનો ટાઇમ ફિક્સ નહીં. પણ પછી મને સમજાયું કે વર્કઆઉટ મુજબની ડાયટ લેવી જોઈએ. આ જ વાત તમે પણ યાદ રાખજો. રોજ કૅલરી બર્ન કરશો પણ સામે એટલી કે પછી એનાથી વધારે કૅલરી શરીરમાં નાખતા રહેશો તો વર્કઆઉટની સાચી અસર નહીં દેખાય.
પ્લેટ પર રાખો નજર | મારા અમુક બેઝિક ફન્ડા છે. બહારનું ફૂડ સદંતર બંધ. તળેલું કશું ખાવાનું નહીં અને જન્કને કાયમ માટે તિલાંજલિ. આજે હું એકદમ ડાયટ કૉન્શિયસ છું. 
મૉર્નિંગમાં પહેલાં સ્પ્રાઉટ્સ, પછી જિમ અને પછી જિમમાં એક સ્કૂપ પ્રોટીન પાઉડર. એ પછી ઘરે બ્રેકફાસ્ટમાં પનીર અને સ્પ્રાઉટ્સ કે ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ. લંચમાં દાળ, રોટલી, ભાત અને વેજિટેબલ્સ. સાંજે ભૂખ લાગે તો દાળના પૂડલા. પનીર અને દાળ પ્રોટીનનાં બેસ્ટ સપ્લિમેન્ટ્સ છે. ડિનરમાં દાળ-રોટલી નહીં તો પૂડલા કે પછી દાળ-ભાત. ક્યારેય કોઈ ચીટ-ડે નહીં. ચૉકલેટ અને કૉફી મારા ફેવરિટ છે એટલે ડાર્ક ચૉકલેટ અને બ્લૅક કૉફી હું પ્રિફર કરું પણ લિમિટમાં. મૉર્નિંગમાં એક પીસ ડાર્ક ચૉકલેટનો અને દિવસ આખામાં બે કપ બ્લૅક કૉફી લઉં.

columnists Rashmin Shah