જગાડવા બદલ થૅન્ક યુ અને જિવાડ્યા એ બદલ પણ થૅન્ક યુ

04 July, 2020 08:29 PM IST  |  Mumbai | Sanjay Raval

જગાડવા બદલ થૅન્ક યુ અને જિવાડ્યા એ બદલ પણ થૅન્ક યુ

જીવનમાં દરેક માણસને ઘણી તકલીફો હોય છે. પાર વગરની, કહોને અપાર તકલીફ, એટલી તકલીફ જેનો કોઈ અંત ન હોય એવી અને એટલી. જ્યાં જુઓ ત્યાં અને જેને જુઓ તે, તકલીફોના ડુંગર ખભે નાખીને ફર્યા કરે. આમ થયું, તેમ થયું, આમ કરીશ અને તેમ કરીશ અને એ પછી પણ બધું હતું એમ ને એમ જ. હું તો કહીશ કે આપણે ત્યાં બધા ક્વેશ્ચનમાર્કની જેમ ફર્યા કરે છે, ઉપાધિ ઉપાડીને ફર્યા કરે છે. જવાબ પૂછો તો કોઈને ખબર નથી. શું કરે છે, શા માટે કરે એની ખબર નથી. બસ કરવાનું છે એટલે કરે છે. શું કામ? આવું દિશાહીન જીવન શા માટે? આ બધા સવાલોના જવાબ ખરેખર સવાલમાં જ છુપાયેલા છે. મારી પાસે પુરાવા પણ છે. આપણને ભગવાને ધર્મ આપ્યો, પણ આ ધર્મ એટલે શું?

હિન્દુ-મુસ્લિમવાળો ધર્મ કે પછી જૈન, પટેલ અને સિખ નિભાવે છે એ ધર્મ?

ના, વાત એની નથી થતી અત્યારે, વાત છે સ્વધર્મની. હવે મુદ્દો એ છે કે સ્વધર્મ એટલે શું? બહુ અગત્યનો આ પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ મેળવવામાં જ લોકો થાપ ખાઈ જાય છે. ભગવાને બધા ધર્મગ્રંથોમાં એક જ વાત કરી છે કે તમે તમારો સ્વધર્મ જાળવો. સ્વધર્મને અનુસરો અને બાકીનું બધું મારા પર છોડી દો, પણ સાહેબ, આ સ્વધર્મ એટલે શું? મિત્રો અને સમાજે આજ સુધી જે ધર્મની વ્યાખ્યા સમજાવી છે એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે ખોટી છે. સમાજ આપણને એક જ વાત કહે છે, ભિખારી બનો. હા, જેકાંઈ જોઈતું હોય એ ઈશ્વર પાસે માગો, પણ મારો સવાલ એક જ છે, શું કામ ઈશ્વર પાસે માગવાનું? હું શું કામ ઈશ્વરની સામે હાથ ફેલાવું. પેલી બહુ જાણીતી ઉક્તિ છેને કે ‘હાથ આપી દીધા ભગવાન તેં મને, બહુ આપ્યું, હવે નથી જોઈતું મને કાંઈ.’

પણ ના, સોસાયટી કે આપણો સમાજ આ ઇચ્છતો નથી. એ તો એક જ વાત કહે છે, મંદિર બહાર ભિખારી બેઠો હોય એવી જ રીતે મંદિરની અંદર દર્શન કરવા જનારો પણ ભિખારી બનીને જ જાય અને ભગવાનને કહે, ‘ભગવાન આ આપ, ભગવાન હવે પેલું આપ મને. આ તો હવે તારે આપવું જ પડશે ભગવાન.’

આ આખી વાત પછી આપણે ભગવાનને શું કહેવાનું?

‘ભગવાન, તું આ આપીશ તો શ્રીફળ વધેરીશ અને પેલું આપીશ તો હું પગપાળા દર્શન કરવા તારે ત્યાં આવીશ.’

દરરોજ માગવા માટે સોગિયું મોઢું લઈને મંદિરે આવતા લોકોને જોવામાં ભગવાનને રસ જ નથી. આવા મરેલાઓનાં સોગિયાં મોઢાં જોઈને શું તેને રાજીપો થવાનો? ના, જરાય નહીં. મિત્રો, મારા શબ્દો યાદ રાખજો કે જીવનમાં હડકાયું કૂતરું બનવું, પણ ગળામાં પટ્ટો બાંધેલું પાળેલું કૂતરું ક્યારેય નહીં બનવાનું. પાળેલું કૂતરું તો માત્ર એનો માલિક કહે એમ કર્યા કરે અને માલિક પણ જો કૂતરાની ફિતરત સમજતો ન હોય તો તે આ કૂતરાને વાંદરાની જેમ ખેલ પણ કરાવે. કોઈને દેખાડવા માટે તે કૂતરાને બે પગે ઊભો પણ કરે અને પેપર ફેંકીને પેપર લેવા જવા માટે પણ કહે અને જો પાળેલું કૂતરું બન્યા હો તો તમારે એ કરવું પણ પડે. કરો નહીં તો માલિકને ખરાબ લાગી જાય. હું તો ઘણી વાર કહું છું કે પાળેલાં કૂતરાં અને વાંદરામાં કોઈ ફરક નથી, પણ હડકાયા કૂતરાની વાત જુદી છે. હડકાયું કૂતરું દીવાલ ઠેકીને નવો રસ્તો શોધી કાઢે અને હડકાયા કૂતરાની બીજી પણ એક ખાસિયત છે કે એ કૂતરું ક્યારેય વાંદરું નહીં બને અને એનાથી પણ આગળની વાત કહું તો સિંહની આજુબાજુમાં જવામાં એક સેકન્ડ માટે બીક નહીં લાગે, પણ પેલા હડકાયા કૂતરાની નજીક જવામાં પણ રૂંવાડાં ઊભાં થઈ જશે.

નથી બનવું કોઈના પાળેલા પોમેરિયન અને એટલે જ નિયમ બનાવો કે ભગવાન પાસે કંઈ માગવું નથી. બસ, ખાલી બે જ પ્રકારના વ્યવહાર, સૉરી અને થૅન્ક યુ.

સવારના ક્ષેમકુશળ જગાડ્યા એ બદલ થૅન્ક યુ, બપોરે પેટ ભરીને જમવાનું આપ્યું એ બદલ થૅન્ક યુ. દિવસ દરમ્યાન અજાણતાં ભૂલ થઈ તો એને માટે સૉરી. જુઓ, યાદ રાખજો કે ભગવાનને ખબર જ છે કે મેં જેને જન્મ આપ્યો છે એની કઈ જરૂરિયાત મારે પૂરી કરવાની છે અને કઈ જરૂરિયાત મારે ક્યારે સંતોષવાની છે. ભગવાન બધું સમયસર કરે જ છે અને તે કરતો જ રહેવાનો છે તો પછી કારણ વિના માગ-માગ કરીને ભગવાનનો લોડ શું કામ વધારવો છે. હું તો મારા બધા મિત્રોને પણ કહેતો હોઉં છું કે ભગવાન પાસે દુખી થઈને નહીં, પણ ખુશ થઈને જાઓ, ભગવાનને પણ મજા આવવી જોઈએ કે આ મર્દનો બચ્ચો છે. ભગવાન પણ બીજી વાર તમારી રાહ જોતો બેસવો જોઈએ. મારી દૃષ્ટિએ આ માગ-માગ નહીં કરવાની જે માનસિકતા છે એ માનસિકતા એ સ્વધર્મ.

- અને બીજો ધર્મ છે સતત અને મજબૂત રીતે મા-બાપનું સ્મરણ.

ધ્રુવ તારાની વાર્તા સાંભળી છેને. એ માણસ હતો ને મર્યા પછી એ તારો થઈ ગયો. તે એક મિનિટ માટે પણ પોતાનાં મા-બાપને પોતાનાથી દૂર કરતો નહોતો. વાત મા-બાપને ચીપકી રહેવાની કે પછી તેમને ફિઝિકલી દૂર કરવાની નથી. મારું કહેવું છે કે રોજ મા-બાપને એક વખત પગે લાગો, તેની સાથે નિરાંતે બેસો, વાતો કરો, તેમને માટે ખાસ પ્રોગ્રામ બનાવો અને તેમને લઈને બહાર જાઓ. આ બહુ જરૂરી છે. તમારામાં જે હોશિયારી છે એ હોશિયારી તેમને લીધે જ આવી છે અને એ તેમનું જ પરિણામ છે. ઈશ્વરે પણ આ મા-બાપને જ માધ્યમ બનાવીને તમને આ પૃથ્વી પર મોકલ્યા છે. જે માના પેટમાં હતા ત્યારે તેમણે તમને જોયા પણ નહોતા અને તમારા માટે સ્વેટર બનાવેલું. બાપ ઘોડિયું લઈ આવ્યો હતો. એ ક્યારે? સાહેબ, આટલો પ્રેમ સંસારમાં ક્યારેય કોઈ કરી ન શકે. તમે તમારી વાઇફને જે પ્રેમ કરો છો એ જોયા પછીનો અને તેની સાથે રહ્યા પછીનો પ્રેમ છે, પણ મા-બાપે તો કોઈ જાતના બદલાની અપેક્ષા વિના જ તમને લખલૂટ પ્રેમ આપ્યો તો હવે એનું માત્ર વ્યાજ ચૂકવો. તેનું કહ્યું ન કરો તો કાંઈ નહીં, પણ તેમની વાત સાંભળો અને તેમની સામે ઉદ્ધતાઈ પડતી મૂકી દો. તમારી વાત રાખો, તમારી ઇચ્છા દર્શાવો, પણ યાદ રાખજો કે એ માણસ તમને કાંઈ પણ કહે છે એમાં તેનો સ્વાર્થ નથી હોવાનો. આ મા-બાપ જેકાંઈ કહેશે એમાં તમારા સ્વાર્થની જ વાત હોવાની, તમારું જ હિત હોવાનું.

સ્વધર્મમાં ત્રીજો પેટાપ્રકાર છે, તમારા ગુરુ. તમારા ગુરુને મહત્ત્વ આપો અને તેની આજ્ઞાનું પાલન કરો. હવે કોઈ પૂછશે કે ગુરુ એટલે કોણ? જે શિક્ષક સ્કૂલમાં ભણાવે છે તે અને જે પ્રોફેસર કૉલેજમાં લેક્ચર લે છે તે. એમ તો તમારાં દૂરનાં માસી પણ ક્યારેક-ક્યારેક સલાહ આપી દેતાં હશે તો શું એ તમારાં ગુરુ થયાં? ના અને તમારા ધર્મની સાથે જોડાયેલા પેલા ભગવાધારી કે પછી શ્વેત વસ્ત્રધારી તમારા ગુરુ થયા તો જવાબ છે ના. જે વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે તમને સાચી સલાહ આપે અને તમારા માટે લોહી બાળે તે તમારા ગુરુ. મિત્રો, ક્યારેય ભૂલતા નહીં કે આ દુનિયામાં સ્વાર્થ વિનાની વ્યક્તિઓ બહુ ઓછી છે અને એ સ્વાર્થ વિનાની વ્યક્તિમાં આ ગુરુનો પણ સમાવેશ છે. તમે આર્કિટેક્ટ બની જશો, પણ એ તો શિક્ષકનો શિક્ષક જ રહેશે અને ત્યાં જ નોકરી કરતો રહી જશે. ગુરુને માન આપો, તેને સાચવો અને બને તો તેની આજ્ઞાનું પાલન કરો.

મા-બાપ પછી જો કોઈ એવું હોય જે તમને ઊંચા સ્થાન પર જોઈને ખુશ થાય તો એ છે તમારા ગુરુ. તે તમને ક્યારેય એકલા નહીં પડવા દે અને સદાય તમારી સાથે પડછાયો બનીને રહેશે. એવા ગુરુની સોનેરી સલાહ તમને સિકંદર બનાવી શકે છે.

ચોથા નંબરે જે આવે છે એ સ્વધર્મનું નામ છે શરીર. તમારું પોતાનું શરીર. તમારા શરીરની જવાબદારી તમારી પોતાની છે, બીજા કોઈની નહીં. તમે એને માંદલું, મારેલું રાખો કે તાજુંમાજું અને શ્રેષ્ઠ રાખો. જો શરીર સાથ નહીં આપે તો તમે કોઈ કામ નથી કરવાના કે નથી કરી શકવાના, માટે શરીરને બેસ્ટ બનાવો અને તમારું શરીર છે જો તમે એને જોઈને રાજી ન થતા હો તો બીજા તો ક્યાંથી થવાના. સારો ખોરાક લો. કસરત કરો. જરૂરી નથી કે જિમમાં જઈને રોજ ત્રણ કલાક આપો, ઘરે કસરત કરવાનું રાખો. શરીર સાથ આપશે તો ક્યારેય કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે.

columnists Sanjay Raval