આભાર માનું છું

29 March, 2020 06:53 PM IST  |  Mumbai Desk | HIten Anandpara

આભાર માનું છું

ભારતભરમાં લૉકડાઉન અમલમાં આવી ગયું છે. રોજ સવારે ઊઠીને ચા સાથે અખબાર પીવાની ટેવ ધરાવતી આંખો એક પ્રકારનો જુદાગરો વેઠી રહી છે. ગુજરાતી મિડ-ડે સહિત જે અખબારોની પીડીએફ વાંચવા મળે છે એના કારણે અસ્પૃશ્ય આંખોને થોડી રાહત મળે. માત્ર દેશ નહીં, જગત આખું કોરોનાની કડકાઈથી કંપિત, વિસ્મિત અને ભયભીત છે. આજે વાત કરવી છે જનતા કરફ્યુને દિવસે કરવામાં આવેલા સામૂહિક થૅન્ક્સ ગિવિંગની.

૨૨ માર્ચે સાંજે પાંચ વાગ્યે ઘરના દરવાજે, બારી પાસે કે બાલ્કનીમાં ઊભા રહી કોરાના સામે લડત લડતા સ્વાસ્થ્ય-સેનાનીઓ, સ્વચ્છતાકર્મીઓ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને છડેચોક થૅન્ક્સ કહેવામાં આવ્યું. તાળી, થાળી અને ઘરવાળી સાથે થયેલું આ સહિયારું આભારદર્શન ભલે પહેલી નજરે મુખર લાગે, પણ એમાં નાની વાત મોટા સ્વરૂપે સમાયેલી હતી. કસોટીની આ ઘડીમાં કાર્યરત વિવિધ કર્મઠોને સ્મરીને ભરત વિંઝુડાનો આ શેર પાઠવીએ.
ઠીક છે બીજું બધું પણ તારી જે રચના કરી
હું પ્રભુનો માનું છું આભાર તારા કારણે
કોરાના સામે લડતા લોકોને સેનાનીઓ સાથે સરખાવીને તેમનું ગૌરવ સરકારે વધાર્યું છે. તેમણે બજાવેલી ફરજને ઍક્નૉલેજ કરી જનતાએ કર્મશીલતાને બિરદાવી છે.
ચીનનું વુહાન કોરોના-જનક તરીકે જગતમાં કુખ્યાત થઈ ગયું. ચીનના અન્ય પ્રદેશોમાંથી ચાલીસ હજારથી વધારે મેડિકલ સ્ટાફ વુહાનમાં તહેનાત કરવામાં આવ્યો હતો. સ્થિતિ ધીરે-ધીરે નિયંત્રણમાં આવતાં સ્ટાફને પોતપોતાના પ્રદેશમાં પાછા મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. મેડિકલ સ્ટાફ દોઢ મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી દરદીઓની સેવા કરતો રહ્યો. વુહાનની વિવશતા કવિ વિવશ પરમારના શેરમાં આભાર સાથે વ્યક્ત થાય છે...
આપનો આભાર કે આવ્યા અહીં
આપની હર વાત ખમવાના અમે
કેટલા લોકોએ ખમી ખાધું હશે એની કલ્પના પણ ધ્રુજાવી દે. અર્થતંત્રને તો ફટકો પડે જ, પણ સંવેદનતંત્ર ઉપર પણ મણ-મણના ઘા ઝીંકાય. માસ્કથી ચહેરો ઢાંકી શકાય પણ આંખોની વેદના ડોકાયા વિના રહેતી નથી. વુહાનમાં ફરજ બજાવતી એક નર્સ બે વર્ષની છોકરીની મા પણ હતી. દીકરીને પોતાની મમ્મીને સોંપી પોતાની ફરજ બજાવવા આવી હતી. આ બધા સેવાકર્મીઓનું વુહાનની જનતાએ હાથ હલાવી અભિવાદન કર્યું. પોલીસે તેમને એસ્કોર્ટ કર્યા. મેડિકલ સ્ટાફ ચીનના નિંગશિયા પ્રદેશનો હતો. તેમને ‘થૅન્ક યુ નિંગશિયા’ કહીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મનસુખ લશ્કરી આ ભાવ સુપેરે આલેખે છે...
ઠીક છું જ્યાં જેમ છું, જે છું, નમું આભારમાં
ઉરથી આનંદ આ સ્ફુરેલ હોવો જોઈએ
આપણને ખ્યાલ છે કે આ આનંદની ઘડી નથી, સાવચેતીની ઘડી છે. બેએક દિવસમાં આંકડાઓનો ફેર એવો મોટો થઈ શકે કે બાજી હાથથી જાય. કમ્પ્યુટરનો વાઇરસ હોય તો ઇથિકલ હૅકરની મદદથી એનો તોડ નીકળી શકે, પણ નવા પ્રકારના વિષાણુઓ એવા જોરુકા છે કે જલદીથી નમે નહીં. સંશોધકો એનો ઉપાય ખોજવામાં લાગેલા છે. રાતદિવસ મચી પડીને સત્વરે એની રસી કે દવા શોધવામાં વ્યસ્ત છે. આ બધા લૅબોરેટરીમાં કામ કરતા સૈનિકો છે. આપણને તો તેમનાં નામ પણ ખબર પડવાનાં નથી. ફક્ત એટલો અંદાજ આવે કે એક આખું ક્ષેત્ર એ માટે મચી પડેલું છે. પારુલ ખખ્ખરનો શેર હૃદયના એક શાંત ખૂણામાંથી પ્રગટે છે...
ઉપકાર એ અદાથી કરતા રહ્યાો કે બસ
આભાર ના મનાયો પણ ધન્યતા રહી
મહારાષ્ટ્રમાં એક તહેવાર મનાવવામાં આવે છે પોલા. આ તહેવારમાં ખેડૂતો બળદની પૂજા કરીને આભાર વ્યક્ત કરે છે. આખા વર્ષ દરમ્યાન ખેતીમાં તનતોડ મહેનત કરનાર બળદોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ‘બેલ પોલા’ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે બળદોની પૂજા થાય. આ જ રીતે ભોઈ અને કુંભાર સમુદાયના લોકો ગધેડાઓનો આભાર માનવા આ દિવસે એમની પૂજા કરે છે. પ્રાણીઓ પણ આપણા જીવનનો અંતરંગ હિસ્સો છે. આપણી થાળીમાં પીરસાતું અન્ન કયા બળદે કરેલી ખેડનો પરિપાક હશે એની આપણને ખબર નથી. મરીઝસાહેબનો શેર છે...
તારા વચનનો કેટલો આભાર માનીએ
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં
રાજકોટમાં રહેતા આ કટારના વાચક, ચાહક અને મિત્ર વિજય ગજ્જર દર વર્ષે અનેક મિત્રો-સ્વજનોને ઑર્ગેનિક ગોળ મોકલીને પોતાનો ગળચટ્ટો પ્રેમ વિસ્તારે છે. ઑટોમોબાઇલના પાર્ટ્સનું ઉત્પાદન કરતા તેમના ઉદ્યોગ સાહસિક મિત્ર વિનુભાઈ વેકરિયાની ફૅક્ટરીમાં અમલમાં મુકાયેલી બે વાત પ્રેરણાદાયક છે. રોજ સવારે કામકાજની શરૂઆત રાષ્ટ્રગાનથી જ થાય. એથી એક વેંત આગળ હૃદયસ્પર્શી વાત. કર્મચારીઓને ખાસ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન કાર્ય ચાલતું હોય ત્યારે પ્રાર્થના કરી સારા ભાવોનું આરોપણ ઑટોમોબાઇલના પાર્ટ્સમાં કરવું. જે પણ ગાડીમાં એ પાર્ટ ફિટ થવાનો હોય એને ક્યારેય અકસ્માત ન નડે એવી સદ્ભાવના આ વિચાર સાથે જોડાયેલી છે. આપણે એ મશીનોનો પણ આભાર માનવો જોઈએ ને એના પૂર્જાઓનો પણ, જેની ઊર્જા આપણી જિંદગીને સરળ ને સુગમ બનાવે છે. રિષભ મહેતાની વાત સાથે હકારાત્મક, વિચારાત્મક અને આભારાત્મક અભિગમ કેળવીએ.
આકાશ રૂપે આપનો પાલવ મળી ગયો
આંસુ અમારા તારલા થઈ ટમટમી ગયા
જ્યારે લોકો થથરી રહ્યા હોય એવા સંજોગોમાં પોતાની ફરજ બજાવનાર રાષ્ટ્રકર્મીઓનું થૅન્ક્સ ગિવિંગ થવું જોઈએ.
આભાર તુજ જુદાઈનો કે એને આશરે
જીવનના સૌ અભાવનાં દુઃખો શમી ગયાં

ક્યા બાત હૈ

કોરોનાસૂર વધ
ડૉક્ટર થઈને હરિ અવતર્યા
નર્સ રૂપે મા અંબા
કોરોનાસૂરનો વધ કરવા
રણે ચડ્યા જગદંબા

સૅનેટાઇઝર, માસ્ક ઉગામી
ધસ્યા અસૂરની સામે
હસ્તે જીવનરક્ષક આયુધ
લઈ ઊતર્યા સંગ્રામે
જાણે વ્હેતી ધવલ વસ્ત્રમાં
માનવતાની ગંગા

આઇસોલેટેડ વૉર્ડ
વૉર્ડમાં સાવ અટૂલી ચીસ
એને નવજીવન અર્પે
તે જનની ને જગદીશ
જીવન જીતે જંગ
બધાના ફરકી ઊઠે તિરંગા
- કૃષ્ણ દવે

columnists weekend guide