કહી દેજો તમે સારી દુનિયાનેઃ તકલીફો પણ ક્ષમતા જોઈને મસ્તક ટેકવવા આવે

27 February, 2020 06:18 PM IST  |  Mumbai Desk | manoj joshi

કહી દેજો તમે સારી દુનિયાનેઃ તકલીફો પણ ક્ષમતા જોઈને મસ્તક ટેકવવા આવે

પ્રતીકાત્મક તસવીર

સમૃદ્ધિની છોળો આવે એ પહેલાં આર્થિક સંકડાશ, શારીરિક વ્યાધિઓ અને રોજબરોજની અનેક એવી તકલીફો અનેક લોકોએ જોઈ હશે. તમે પણ અને મેં પણ. શરૂઆતના સંઘર્ષના દિવસો આજે પણ ભુલાતાં નથી હોતાં. ઘણીવાર રોજબરોજની કઠણાઈઓનો કંટાળો આવતો. શૂટિંગના શરૂઆતના દિવસો હતા. એે સમયે શૂટિંગના સપોર્ટ સ્ટાફમાં એક કૅમેરામૅન હતો. મોજીલો માણસ કહોને. એની નજરમાંથી કંઈ જ ન છૂટે એટલો બાહોશ. ક્યારેક એેની સાથે વાતોએ વળગતો. ઘણીવાર તમારી આસપાસ પણ પ્રેરણાની ખાણ જેવા લોકો હોય, પણ આપણે તેમનાથી અજાણ હોઈએ. વાતવાતમાં તેણે કહેલી વાત મને જીવનમાં ખૂબ કામ લાગી. તેના શબ્દો આજે પણ મને યાદ છેઃ ‘દેખો સાહબ, તકલીફ ભી હૈ ના ઔકાત દેખ કે આતી હૈ. બડ‌ી તકલીફ આયે તો અપને આપ કો બડા સમજના શૂરુ કર દેના.’

આ શબ્દોએ મારામાં ગજબનાક જુસ્સો અને ઊર્જા ભરવાનું કામ કર્યું. એ પછી જીવનની એકેય તકલીફો મને મારી જાતથી, મારા આત્મવિશ્વાસથી મોટી લાગી નથી અને એવું જ હોવું જોઈએ. એની વાતમાં, એના શબ્દોમાં ભારોભાર સચ્ચાઈ હતી.
જીવનમાં મોટી તકલીફો એને જ આવે જેનામાં એ જીરવવાની તાકાત હોય. શક્તિ અને સહનશક્તિ વિનાની વ્યક્તિ શું સંકટને પાર પાડવાની. હું ઘણીવાર કહેતો હોઉં છું કે સંકટનો સમય સેલિબ્રેશનની ક્ષણ બની જાય એ રીતે એને હેન્ડલ કરી લેવો જોઈએ. તમારા પર મોટી તકલીફો ઝળકી રહી છે એનો અર્થ જ એટલો કે તમારામાં એ સહન કરવાની ક્ષમતા-તાકાત છે, સહેવાની તાકાત છે, એટલું જ નહીં પણ તમે એમાંથી પાર ઊતરવાની શક્તિ પણ ધરાવો છે. તકલીફોને ત્રેવડથી દૂર કરવાની તમારી ખુમારીને જગાડીને આગળ વધવું એ જ તમારો ધર્મ અને કર્તવ્ય બનવું જોઈએ. ઘણા લોકોને જોઉં છું કે જેઓ ૫૦૦ રૂપિયાની નોટ ખોવાઈ જાય તોય રડીને રાતા થઈ ગયા હોય અને ઘણા પાંચ લાખનું નુકસાન થાય તો પણ વિચલિત થયા વિના હવે શું, એ વિચારે. પાંચ લાખવાળાને પૈસામાં ગયેલી ખોટ નથી નડવાની એવું નથી, તેને પણ એટલા જ વહાલા છે રૂપિયા અને તેણે પણ એવી જ મહેનતથી એ કમાયા છે, પરંતુ તેને ખબર છે કે આગળ વધવા માટે આવેલા આ સમયને સ્વસ્થતા સાથે જીરવવાનો છે. ઘણા લોકો એવા જોયા છે જે મામૂલી બીમારીમાં પણ પડી ભાંગતા હોય છે અને આખું ઘર માથે લઈ લેતા હોય છે. તો ઘણા મોટામાં મોટો દૈત્ય ગણાતી બીમારીને પણ સહજ અને મામૂલી બીમારીની જેમ ટ્રીટ કરીને એમાંથી બહાર પણ આવતા હોય છે. એવું નથી કે શરદી-ખાંસીવાળાને વધુ પીડા છે અને કૅન્સરવાળાને કોઈ તકલીફ નથી. તકલીફ ખૂબ વધારે છે અને ભવિષ્ય ધૂંધળું છે, છતાં તે હારતા નથી. એ અવસ્થાને આધિન નથી, પણ સંજોગોને પોતાને આધિન કરીને જીવતા હોય છે, કારણ કે જીરવવાની શક્તિ તેમનામાં છે. એટલે જ કહું છું મોટી તકલીફો જીરવવાની ક્ષમતા તમે કેળવી હોય તો જ એ તમારી પાસે આવે. તમારી મોટાઈનું એ જ પ્રૂફ છે. આવું જ્યારે પણ બને ત્યારે આકાશમાં ઈશ્વરીય ‌તત્ત્વનાં દર્શન કરીને એક આંખ મિંચકારી લેવાની અને કહી દેવાનું - આવેલી તકલીફોનું વળતું સ્વાગત કરવા તૈયાર રહેજો, અહીં તો એ ટકવાની નથી.

manoj joshi columnists