ટીવી-ઇન્ડસ્ટ્રી: ડિજિટલ પ્લૅટફૉર્મ બહુ મોટી હરીફાઈ લઈને આવશે

29 June, 2020 02:46 PM IST  |  Mumbai | Manoj Joshi

ટીવી-ઇન્ડસ્ટ્રી: ડિજિટલ પ્લૅટફૉર્મ બહુ મોટી હરીફાઈ લઈને આવશે

પ્રતીકાત્મક તસવીર

ડિજિટલ પ્લૅટફૉર્મ અને ટીવી પ્લૅટફૉર્મ વચ્ચે જો કોઈ મોટો ફરક હોય તો એ જ કે એણે પોતાનો અંત હાથવેંતમાં રાખ્યો છે જ્યારે બીજાની પાસે અંત છે તો પણ એણે અંત સુધી પહોંચવું નથી. સુખ હોય કે તકલીફ, પીડા હોય કે નિરાશા, અંત જરૂરી છે. અંત વિના નવા આરંભની કોઈ દિશા નથી હોતી અને ટીવી-ઇન્ડસ્ટ્રી આ વાત સમજી નથી રહી. બજેટના મુદ્દાઓને એ આગળ ધરે છે. ટીવી-ઇન્ડસ્ટ્રીને નજીકથી જોઈ હોવાથી અમુક લિમિટેશનને સમજવાની કોશિશ કરી શકાય, પણ એ અમુક લિમિટેશન સિવાયના તમામ લિમિટેશનને રાતોરાત ઊભાં કરવામાં આવ્યાં છે. સેટ લાગી ગયો હોવાથી અને સેટનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોવાથી સિરિયલને ખેંચ્યા કરવી એ ક્યાંનો ન્યાય? જે રીતે કહેવામાં આવે છે કે મીડિયા એક જવાબદાર ઇન્ડસ્ટ્રી છે તો હું કહીશ કે એ જ મીડિયામાં ટીવી-ચૅનલ પણ આવી જાય છે.
ટીવી-ચૅનલ જો જવાબદારીપૂર્વક નહીં વર્તે કે પછી ટીવી-ચૅનલ પોતાની જવાબદારી નહીં સમજે, ખાસ તો કન્ટેન્ટ ડિઝાઇન કરવામાં તો એની અસર સ્વાભાવિક રીતે સોસાયટી પર થવાની છે. જે ક્રીએટિવ ચૅનલમાં બેઠા છે એ ક્ર‌ીએટિવ એવું ધારીને કામ કરે છે કે બહારની દુનિયા વિશે બીજા કોઈને કશી ખબર નથી. મોટી યુનિવર્સિટીમાં ભણીને બહાર આવવાનો અર્થ એવો નથી કે તમે કન્ટેન્ટ જનરેટ કરવાની બાબતમાં શ્રેષ્ઠ બની ગયા છો. ના, બિલકુલ નહીં. કન્ટેન્ટ ક્રીએટિવ કરવામાં ક્યાંય કોઈ ડિગ્રી કામ નથી લાગતી અને જો એવું હોત તો ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી કે શરદબાબુનું સાહિત્ય આજે પણ યાદ રાખવામાં ન આવતું હોત. આજે પણ એ સાહિત્ય આધારિત સિનેમા અને નાટકનું સર્જન ન થતું હોત, પણ એ થાય છે અને એ જેના સાહિત્યના આધારે સર્જન થાય છે એ કોઈ ‌મોટી ડિગ્રી લઈને નથી આવ્યા એની પણ સૌકોઈને ખબર છે. સાહિત્યસર્જન એક જુદી વાત છે અને એ સાહિત્યને બજારમાં લઈ જવું એ જુદી ઘટના છે.
ટીવીથી મોટા ભાગના સાહિત્યકારો દૂર નીકળી ગયા છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ લેખક પણ ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવા રાજી નથી. શું કામ, માત્ર સ્ટ્રેસ અને ભાગદોડ કે પછી એ સિવાયનો પણ કોઈ મુદ્દો છે? છે, એ સિવાયનો જ મુદ્દો છે અને એ મુદ્દાને લીધે જ આજે ટીવી માત્ર સ્ટાર સર્જન કરે છે, પણ કોઈ સારો સર્જક આપવાનું કામ એ નથી કરી શકતું. ચૅનલ એક મશીન છે અને મશીન હંમેશાં નિયમિત પ્રોડક્શન આપવાનું જ કામ કરી શકે. ચૅનલ પણ અત્યારે એ જ કામ કરી રહી છે. એવું નથી કે અગાઉ પણ ચૅનલ એવું જ કરતી હતી. ના, જરાય નહીં. અગાઉની સિરિયલ તમે જુઓ તો તમને રીતસર માન થઈ આવે, તમે એ કન્ટેન્ટ જોઈને ગદ્ગદ થઈ જાઓ. હું તો કહીશ કે ઇડિયટ બૉક્સ ટીવી હવે બન્યું છે. પહેલાં તો એ સ્માર્ટ બૉક્સ હતું અને એ ટીવીને સ્માર્ટ બૉક્સ બનાવવાનો સમય હવે ફરીથી આવી ગયો છે. આ સમયમાં સૌકોઈએ એક જ વાત સમજવાની છે કે ટીવી-ચૅનલને ટક્કર આપવા, કૉમ્પિટિશન આપવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ આવી ગયું છે. જે સમયે એની ટક્કર આવશે એ સમયે ટીવીને રડતાં પણ નહીં આવડે એ નક્કી છે અને હમણાં જ વાંચેલા એક સુવાક્ય સાથે અહીં વિરામ લઈશું, ‘ભવિષ્યનાં આંસુ આજે દેખાતાં હોય તો જાગવા માટે આવતી કાલની રાહ જોવી નહીં.’

manoj joshi columnists