વડીલોને જલસો કરાવીને કોવિડ વૉરિયર્સ માટે સાડાછ લાખ રૂપિયા ભેગા કરી દીધા આ ટીનેજર્સે

18 June, 2021 02:32 PM IST  |  Mumbai | Jigisha Jain

સિનિયર સિટિઝન્સને ઘેરબેઠાં એન્ટરટેઇન કરીને તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે વિલે પાર્લેના બે છોકરાઓ મલ્હાર સંઘવી અને પરમ મોદીએ એક ઑનલાઇન મ્યુઝિકલ એન્ટરટેઇનમેન્ટનો કાર્યક્રમ યોજ્યો જેના થકી લોકોને દાન માટે અપીલ કરી

મલ્હાર સંઘવી અને પરમ મોદીએ પહેલી વાર ફન્ડ રેઝિંગનું કામ કર્યું હતું

ગ્રૅન્ડ પેરન્ટ્સને ઘરમાં ઉદાસ અને કંટાળો ખાતા બેઠેલા જોઈને બે ટીનેજર્સને કંઈક એવો વિચાર આવ્યો જેણે એક કાંકરે બે પક્ષી માર્યાં. વડીલોને મનોરંજન થાય એવો કાર્યક્રમ યોજીને એના થકી ગ્રામીણ વિસ્તારના કોવિડ વૉરિયર્સ માટે ભંડોળ પર એકઠું કરી નાખ્યું. જમનાબાઈ નરસી સ્કૂલના બારમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ મલ્હાર સંઘવી અને પરમ મોદીએ એક ઑનલાઇન ઇવેન્ટ ‘સમર્પણ’નું આયોજન કર્યું હતું, જેમાં એમણે ૬.૫ લાખ જેવી મોટી રકમ ભેગી કરી હતી જેનો ઉપયોગ કરીને પીપીઈ કિટ્સ, ઑક્સિજન, કૉન્સન્ટ્રેટર્સ, માસ્ક, ઑક્સિમીટર જેવી જીવન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની હૉસ્પિટલો, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં પહોંચતી કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં દેશ અને વિદેશના કુલ ૪૪૦ ગુજરાતી વડીલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કુલ મળીને લગભગ ૮૦૦થી ૧૦૦૦ લોકોએ આ પ્રોગ્રામ માણ્યો હતો અને કોરોનામાં સહાય કરવા માટે દાન પણ આપ્યું હતું.

કઈ રીતે તેમને આવા ડબલ પૉઝિટિવ વર્કનો આઇડિયા આવ્યો એ વિશે વાત કરતાં મલ્હાર સંઘવી કહે છે,  ‘આ સમય એવો છે કે જેમાં શારીરિક હેલ્થ જ નહીં, માનસિક હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અમે અમારા ગ્રૅન્ડ પેરન્ટ્સને ઘરમાં ઉદાસ બેઠેલા કંટાળતા જોયેલા. તેમને જોઈને અમને અહેસાસ થયો કે ફક્ત અમારા જ નહીં, સમાજના બધા જ વડીલોની આ જ હાલત છે. તેમને તરોતાજા કરવાનો વિચાર અમને આવ્યો, પરંતુ લાગ્યું કે એની સાથે જો ફન્ડ રેઝ કરી શકાય અને એ પૈસા કોવિડ હૉસ્પિટલ્સ પાછળ ખર્ચ કરી શકાય તો એનાથી સારું શું હોઈ શકે? આ પ્રકારે અમારાં બન્ને ધ્યેય સિદ્ધ થતાં હતાં.’

મલ્હાર અને પરમે મળીને વિચાર્યું કે ગેમ-શો કે એવી કોઈ ઇવેન્ટ રાખીશું તો અમુક લોકોને મજા આવે અમુકને ન પણ આવે. એટલે તેમણે મ્યુઝિકલ શો રાખવાનું વિચાર્યું અને એનું નામ રાખવામાં આવ્યું સમર્પણ. આ કાર્યક્રમમાં લોકોને એન્ટરટેઇન કરવા માટે  પાર્થિવ અને માનસી ગોહિલે ટીમ સાથે મળીને ગીતો રજૂ કર્યાં હતાં. ગુજરાતીનાં નિવૃત્ત શિક્ષિકા દીપ્તિ શુક્લાએ ‘પૉઝિટિવિટીનો પ્રાણવાયુ’ દ્વારા હકારાત્મકતા વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કોવિડના હજારો દરદીઓને કોરાનામુક્ત કરનાર ડૉ. તુષાર શાહ જે એક કૉમેડિયન પણ છે તેમણે પોતાની સ્ટૅન્ડ-અપ કૉમેડી દ્વારા લોકોને હળવા કર્યા હતા. એન. એમ. કૉલેજના ગુજરાતી વિષયના પ્રોફેસર શ્રી જિમિત મલે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સંપૂર્ણ ઇવેન્ટનું ઝૂમ અને વર્ચ્યુઅલ પ્લૅટફૉર્મ પર પ્રસારણ થયું હતું. આ કાર્યક્રમને પાછળથી બીજા લોકો પણ માણી શકે એ માટે યુટ્યુબ પ્લૅટફૉર્મ પર પણ મૂકવામાં આવ્યો છે.

લોકોએ છૂટા હાથે દાન આપ્યું

આ આખો કાર્યક્રમ મોટા ભાગે ગુજરાતી ભાષામાં જ પ્રસારિત થયો, કારણ કે એમાં ભાગ લેનાર વડીલો બધા મોટા ભાગે ગુજરાતી જ હતા. કોઈ પણ પ્રકારના અનુભવ વગર તેમના માટે આ કામ પાર પાડવું અઘરું તો હતું જ એમ વાત કરતાં પરમ મોદી કહે છે, ‘પહેલાં અમે થોડી કમ્યુનિટી સર્વિસ કરી છે પરંતુ આ પ્રકારની ફન્ડ રેઝિંગ ઇવેન્ટ ક્યારેય કરી નહોતી. જોકે તમારો આશય સારો હોય તો બધાં કામ પાર પડી જાય છે એમ વગર અનુભવે પણ આ કામ અમારું પાર પડ્યું. સાડાછ લાખ જેવી રકમ ભેગી થશે એમ અમે ધાર્યું નહોતું, પણ જ્યારે લોકોએ ખુશ થઈને મન ખોલીને દાન આપ્યા ત્યારે અમે ભાવુક થઈ ગયેલા. એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ પણ અમારી અંદર આવ્યો હતો કે અમે કંઈક વિચારીએ તો એ શક્ય બનાવી શકીએ છીએ.’

columnists Jigisha Jain