ચાખી લો મારા બનાવેલા ચીઝબર્સ્ટ ભાખરી પીત્ઝા

10 June, 2020 11:15 PM IST  |  Mumbai | Rashmin Shah

ચાખી લો મારા બનાવેલા ચીઝબર્સ્ટ ભાખરી પીત્ઝા

કિંજલની રસોઇ

છેલ્લો દિવસથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દાખલ થનારી કિંજલ રાજપ્રિયાની કરીઅર વણથંભી ભાગી રહી છે. છેલ્લો દિવસની ઑફિશ્યલ હિન્દી રીમેક ધ ડેઝ ઑફ ટફરીથી બૉલીવુડમાં દાખલ થનારી કિંજલે સાહેબ, શૉર્ટસર્કિટ, શું થયું? અને હમણાં રિલીઝ થયેલી કેમ છો?માં લીડ ઍક્ટ્રેસનો રોલ નિભાવ્યો છે. કિંજલ ઑલરેડી એક વેબ-સિરીઝ અને બે ફિલ્મોમાં વ્યસ્ત હતી, પણ લૉકડાઉને તેને ઘરમાં અને એ પછી કિચનમાં ધકેલી છે. કિંજલ પોતાના કિચન એક્સ્પીરિયન્સ અહીં રશ્મિન શાહ સાથે શૅર કરે છે. વાંચો...

કુકિંગ માટે હું ખૂબ પૅશનેટ છું એવું કહું તો ચાલે. મારા આ સ્વભાવ માટે જો કોઈ જવાબદાર હોય તો એ મારાં મમ્મી છે. મમ્મી બહુ સરસ કુક છે. દરેકની મમ્મી કુકિંગ એક્સપર્ટ જ હોય, પણ મારાં મમ્મીની વાત જરા જુદી છે. મમ્મી બધા પ્રકારનાં ક્વિઝીન એકદમ એક્સપર્ટની જેમ બનાવી શકે. હું કહીશ કે આ બાબતમાં હું પણ તેમના રસ્તે ચાલી છું. મમ્મીએ મને ફૂડ-મેકિંગ શીખવ્યું છે તો સાથે ફૂડ-પ્રેઝન્ટેશન પણ શીખવ્યું છે. મારે એક વાત સૌકોઈને કહેવી છે કે ફૂડ પ્લેટમાં આવે એ પહેલાં જ એનું પ્રેઝન્ટેશન એવું થઈ જવું જોઈએ જેથી ટેમ્પ્ટિંગ લાગે. એ જોઈને ખાવાની ઇચ્છા થઈ જવી જોઈએ. ફૂડ બની ગયા પછી હું એને ખૂબ જ સારી રીતે સજાવું અને પછી એ સર્વ કરું. મને યાદ નથી કે મેં ક્યારેય સજાવ્યા વિનાનું ફૂડ કોઈની સામે મૂક્યું હોય. ઘણાં ઘરમાં જેમાં ફૂડ બનાવ્યું હોય એમાં જ સીધું ફૂડ ડાઇનિંગ ટેબલ પર લઈ આવવામાં આવે. આવું કરવાને બદલે એને બીજા વાસણમાં લઈને સરસ રીતે ડેકોરેટ કરીને ટેબલ પર લાવીને એક વખત તમે જોઈ લેશો તો તમને પણ સમજાશે કે લોકોની ખાવાની ઇચ્છા કેવી બદલાઈ ગઈ છે.
મારા માટે એવું છે કે મને મળનારી વ્યક્તિ પહેલી જ વાર મને મળતી હોય તો પણ તેને ખબર પડી જાય કે હું કેટલી અને કેવી ફૂડી છું. મારી દરેક વાતમાં ફૂડનો ઉલ્લેખ આવે જ આવે. ફૂડનો ઉલ્લેખ આવે એટલે મારી વાત કરવાની રીત પણ બદલાઈ જાય. જો સામેની વ્યક્તિ પણ ફૂડની વાતમાં ઇન્ટરેસ્ટ લે તો વાત પૂરી. મારું પૂરું ધ્યાન પછી એ વાતમાં જ હોય. ઘણી વાર એવું બન્યું છે કે અમે કોઈ બીજા ટૉપિક પર વાત કરતા હોઈએ પણ બન્ને ફૂડમાં સરખો રસ ધરાવતા હોઈએ એટલે અમારી મૅક્સિમમ વાતો ફૂડને રિલેટેડ જ થાય.
હું ફૂડની બાબતમાં ચૂઝી છું એવું કહું તો ચાલે, પણ એ વાત બિલકુલ સાચી નથી કે ફિલ્મોમાં આવી એટલે હું ફૂડની બાબતમાં કૉન્શિયસ થઈ હોઉં. કૉલેજના સમયથી જ મારી ફૂડ ચૉઇસ એવી રહેતી કે ફૂડને લીધે મારે પછી વધારે વર્કઆઉટ ન કરવું પડે. ઝીરો ઑઇલ ફૂડના કન્સેપ્ટમાં હું માનું છું એટલે ઑઇલનો વપરાશ જેમાં ન થવાનો હોય એવું ફૂડ હું વધારે પ્રિફર કરું છું. ફૂડમાં જો રેગ્યુલર ઑઇલને બદલે ઑલિવ ઑઇલ કે પછી ઘરનું બટર કે ઘી વાપરીને ફૂડ બનાવવામાં આવે તો એ હેલ્થ માટે વધારે લાભદાયી છે. મેં તો એવી ઘણી રેસિપીઝ તૈયાર કરી છે જેમાં ઑઇલને બદલે બટર કે ઘીનો ઉપયોગ કર્યો હોય અને તમને એની ખબર સુધ્ધાં ન પડે. મારું માનવું છે કે હેલ્થ કૉન્શિયસ હોય તેણે તો બીજા ઑપ્શન ટ્રાય કરવા જ જોઈએ. હા, ચીટ-ડે વખતે હું બધું ટ્રાય કરું અને એવા દિવસે ખાસ સ્ટ્રીટ-ફૂડ પર ફોકસ રાખું.
મને બુફેનો પણ બહુ શોખ છે એટલે મેં ઘણા સારા અને ફેમસ કહેવાય એવા બુફે પણ ખૂબ ટ્રાય કર્યા છે. બુફે વખતે મારો એક નિયમ હોય. એકસાથે બધું લઈને જમવા બેસવાને બદલે એક ટાઇમે એક જ વરાઇટી લાવીને એને ટ્રાય કરવાની અને તમામ વરાઇટી લેવાની જેથી બધું ટ્રાય કરવા મળે. હું જ્યારે ભણતી ત્યારથી મારો એક નિયમ કે જેટલાં ફૂડ ઓરિએન્ટેડ મૅગેઝિન આવતાં એ બધાં મંગાવવાનાં અને કાં તો ઇન્ટરનૅશનલ ક્વિઝીનની રેસિપી વાંચવા મળે તો એ કટિંગ કરીને રાખી દેવાની. પંદર-સત્તર વર્ષ પહેલાં હમસ કે પછી બીજું લેબનીઝ ફૂડ એટલું પૉપ્યુલર નહોતું પણ મેં એના કટિંગ સાચવીને રાખ્યાં હતાં અને એ બનાવીને ઘરે ટ્રાય પણ કર્યું હતું. નાની હતી ત્યારે ઘણી વાર તો એ વાંચીને હું ગભરાઈ ગઈ હોઉં તો હું મમ્મી પાસે એ વાનગી બનાવડાવું અને પછી ટ્રાય કરું, પણ એ આઇટમ બને એટલે બને જ.
ગુજરાતીઓને જમવામાં દાળ, ભાત, શાક અને રોટલી મળી જાય એટલે જલસો પડી જાય. મારું પણ એવું જ છે. શૂટિંગ ન હોય એવા સમયે હું બહારનું ખાવાનું પસંદ કરવાને બદલે મેં ફૂડ ઘરે જ બનાવ્યું હોય તો શૂટિંગ દરમ્યાન હેલ્થનું ધ્યાન રાખવાનું હોય એટલે એવા ટાઇમે હેલ્ધી ટિફિનનું પ્લાનિંગ કરું કે પછી ઘરેથી ટિફિન લઈ આવું પણ ચીટ-ડે સિવાય ફૂડ સાથે ક્યારેય કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરું. મને બધાં વેજિટેબલ્સ પણ ભાવે, એવું જરા પણ નહીં કે આ એક ભાવે અને આ ચાર ન ભાવે. બધું ભાવે છે એટલે બધું બનાવતા પણ આવડે. જો મારું ફેવરિટ શાક જો હોય તો એ ભીંડા છે. રોટલી અને ભીંડાનું શાક મળી જાય તો પછી બીજું કંઈ ન જોઈએ. ભરેલા ભીંડાનું શાક તો હું એમ જ ખાઈ લઉં, એની માટે તો રોટલીની જરૂર પણ ન પડે. હું અહીં એક ટિપ આપીશ. ભીંડાના શાકમાં સીધો ચણાનો લોટ ભરવાને બદલે જો ગાંઠિયાનો ભૂકો ભરીને એને બનાવવામાં આવે તો એ શાકની મજા બદલાઈ જાય છે. ચણાના લોટના બનેલા ગાંઠિયાનું તેલ ભીંડાની એકેક નસમાં ઊતરી જાય, જેને લીધે ભીંડો વધારે કૂણો થઈ જાય અને એને સાંતળતી વખતે કરકરો રાખ્યો હોય તો એની ક્રન્ચીનેસ વધી જાય.
ઘણી વાર મેં વરાઇટીઓનાં ફ્યુઝન પણ તૈયાર કર્યાં છે. ભાખરીના પીત્ઝા બનાવ્યા છે તો ચૉકલેટ શીરો પણ ટ્રાય કર્યો છે અને રવાની કેક પણ બનાવી છે. દાળઢોકળી મારી ફેવરિટ  છે. આપણને ગુજરાતીઓને નથી ખબર, પણ દાળઢોકળી બહુ હેલ્ધી પણ છે. હું તો એ વારંવાર બનાવું. હમણાં લૉકડાઉનમાં વીગન વરાઇટી ઘણી બનાવી તો ભાખરી પીત્ઝાના બેઝમાં જે ભાખરી હોય એ ભાખરીને ચીઝબર્સ્ટ પણ બનાવી. મારું જો કોઈ ફેવરિટ કામ હોય તો એ છે ડેકોરેશન કરવાનું અને એમાં પણ આઇસક્રીમ સન્ડે મેં બનાવ્યા છે. ઘણી વખત એવું પણ બને કે કંઈ કરવાનું મન ન થાય એટલે ખાલી રોટલી બનાવીને એમાં જૅમ, બટર અને ચૉકલેટ સૉસથી રોટીરૅપ તૈયાર કરી દઉં. હું ગૅરન્ટી આપું છું કે મારા જેવા રોટીરૅપ તમને ક્યાંય ખાવા નહીં મળે.

બ્લન્ડર્સ નહીં, વન્ડર્સ થાય

ફૂડ સાથે હું નવા પ્રયોગો કરું પણ એને લીધે બ્લન્ડર્સ નથી થતાં પણ સદ્નસીબે વન્ડર્સ બહુ થાય. હું ફૂડ માટે બહુ મૂડી છું અને ફૂડ માટે મૂડી છું એટલે મારા મૂડ સ્વિંગ્સ મારા ફૂડમાં દેખાઈ આવે. બને એવું કે એક વરાઇટી બનાવવા માટે ગઈ હોઉં, એની પ્રિપેરેશન પણ કરું અને પછી વિચાર બદલાઈ જાય. વિચાર બદલાઈ જાય એટલું જ નહીં, હું તો એ નવા વિચાર મુજબની વરાઇટી બનાવી પણ નાખું. બનાવવા ગઈ હોઉં સૂકી ભાજી અને પછી અચારી આલૂનો વિચાર આવે એટલે એ ચાલુ કરી દેવાનું. ચાની તૈયારી કરી હોય અને ચાની પત્તી નાખતાં પહેલાં વિચાર આવે કે ચાલો બૉર્નવિટા પીએ એટલે બૉર્નવિટાનું કામ થવા માંડે. ઘણી વાર એવું પણ બને કે બીજાને મેં ચા માટે રેડી કર્યા હોય અને એ પછી તેમની સામે મેં કૉફી મૂકી હોય. ગાર્લિક બ્રેડનું પ્લાનિંગ હોય અને એ પછી ગાર્લિક ટોસ્ટ બન્યા હોય. થેપલાં બનવાનાં હોય અને એની જગ્યાએ મૂડ આવ્યો હોય અને દાળઢોકળી બનાવી લીધી હોય એવું પણ ઘણી વાર બન્યું છે.

હું જ્યારે ભણતી ત્યારથી મારો એક નિયમ કે જેટલાં ફૂડ ઓરિએન્ટેડ મૅગેઝિન આવતાં એ બધાં મંગાવવાનાં અને કાં તો ઇન્ટરનૅશનલ ક્વિઝીનની રેસિપી વાંચવા મળે તો એ કટિંગ કરીને રાખી દેવાની. પંદર-સત્તર વર્ષ પહેલાં હમસ કે પછી બીજું લેબનીઝ ફૂડ એટલું પૉપ્યુલર નહોતું પણ મેં એના કટિંગ સાચવીને રાખ્યાં હતાં અને એ બનાવીને ઘરે ટ્રાય પણ કર્યું હતું.

indian food columnists Rashmin Shah