બૅન્કોની પણ નિયમિત ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવું નથી લાગતું?

01 October, 2019 05:55 PM IST  |  મુંબઈ | તરુ કજારિયા

બૅન્કોની પણ નિયમિત ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવું નથી લાગતું?

સોશ્યલ સાયન્સ

ગયા અઠવાડિયે અનેક અખબારોમાં અને ન્યુઝ ચૅનલો પર વિચલિત કરી દે એવાં દૃશ્યો જોવા મળેલાં. લાચાર ચહેરા અને ભીની આંખો સાથેનાં એ સ્ત્રી-પુરુષો એક કહેવાતી સારી બૅન્કનાં ખાતેદારો હતાં. એ બધામાં ઉંમર, જેન્ડર, વ્યવસાય કે સ્ટેટસની દૃષ્ટિએ ઘણો તફાવત હતો; પરંતુ એ દિવસે તેમના પર થયેલા વજ્રાઘાતથી સ્તબ્ધ એ તમામ વિશ્વાસઘાતના શિકાર બન્યા હતા અને એ ઘાત કરનાર તેમની બૅન્ક હતી. એ બૅન્ક, જેની અફલાતૂન સર્વિસિસથી તેઓ બહુ ખુશ હતા. શનિ-રવિવારે પણ બૅન્ક ખુલ્લી રહેતી અને કોઈ પણ સેવા સહર્ષ અને સત્વરે મળતી. પણ એ દિવસે એ બૅન્કમાંથી જે કોઈ પણ ખાતેદાર નાણાં ઉપાડવા ગયા તેને નાણાંને બદલે નિરાશા મળી હતી. કોઈ ઑનલાઇન ઑર્ડર કરેલા લંચનું પેમેન્ટ કરવા બૅન્કની સાઇટ પર ગયું હતું તો કોઈ એ.ટી.એમ.માંથી રૂપિયા કાઢવા ગયું હતું. પણ તેમની સામેની સ્ક્રીન પર એક જ સંદેશો ફ્લૅશ થતો હતો કે સૉરી, હાલ કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે! અને પછી તો ખાતાધારકો સુધી સંદેશા પહોંચી ગયા કે હમણાં થોડા સમય સુધી બૅન્કમાંથી એક હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકાશે નહીં. એ ખાતાધારકોમાં કેટલાકનાં તો ઘરમાં લગ્નપ્રસંગ નજીક છે. તેમણે એની ખરીદી માટે બચાવેલી રકમ સલામતી માટે બૅન્કમાં મૂકી હતી. તો કેટલાકનાં ઘર જ દર મહિને બૅન્કમાંથી આવતા વ્યાજ પર ચાલે છે. કોઈને યુનિવર્સિટીની પ્રવેશ-ફીનો ડ્રાફ્ટ કઢાવવાનો હતો તો કોઈને હૉસ્પિટલનું બિલ ભરવાનું હતું. જોકે બે દિવસ બાદ એ મર્યાદા દસ હજાર રૂપિયાની કરાઈ હતી. પરંતુ કેટલાય લોકોની આખી જિંદગીની બચત ફિક્સ્ડ ડિપોઝિટરૂપે બૅન્કમાં હતી. હવે એનું શું? એ સવાલ તેમને કોઈ બિહામણા રાક્ષસની જેમ ડરાવી રહ્યો હતો. તેમની સાજી-સારી બૅન્ક અચાનક નબળી પડી ગઈ હતી અને તેમના પોતાના કોઈ વાંકગુના કે ભૂલ વગર આ ખાતાધારકોનું અને તેમના પરિવારજનોનું સ્ટ્રેસ લેવલ એ એક જ દિવસમાં અચાનક શૂટઅપ થઈ ગયું હતું. એ ખાતેદારોનો રિઝર્વ બૅન્ક સામેનો આક્રોશ યોગ્ય જ હતો કે બૅન્કની કામગીરી યોગ્ય માપદંડ અનુસાર ચાલતી નહોતી તો તમે ખાતાધારકોને ચેતવ્યા કેમ નહીં? મને ખાતરી છે એ દિવસે દેશના બીજા લાખો લોકોને પણ તેમને જોઈને એકાદ વાર તો વિચાર આવી જ ગયો હશે કે ક્યાંક આપણી બૅન્કમાં આવું તો નહીં થાયને! આ ભય સહજ છે.

છેલ્લાં થોડાં વરસોમાં દેશની ઘણી બૅન્કોએ જંગી ખોટ કરી છે. કૌભાંડો, છેતરપિંડી કે નીતિ-નિયમોનો ઉલાળિયો કરીને અપાયેલાં ધિરાણોમાં બૅન્કોના કરોડો રૂપિયા ડૂબ્યા છે. ધોખાબાજો અને કહેવાતા ‘બિઝનેસમેનો’ (વાસ્તવમાં તો સમાજદ્રોહી, દેશદ્રોહી લૂંટારા ને પિંઢારાઓ) સાથે મળીને બૅન્કના લાલચી અધિકારીઓ ખુદ બૅન્કોને નુકસાનીમાં ધકેલે અને એ બધી ખોટનો માર શું મારા-તમારા જેવા બૅન્કના ખાતાધારકોએ વેંઢારવાનો? મોટા પગારો અને બોનસ મેળવતા બૅન્કરો અને અધિકારીઓના ગફલતભર્યા નિર્ણયો કે બેદરકારીનો બોજ આપણે વહન કરવાનો? આવા વિચારો સામાન્ય નાગરિકોને આવે એ સહજ છે. આજે જે પણ વ્યક્તિની કોઈ પણ બૅન્કમાં એક લાખ રૂપિયા કરતાં વધુ રકમની ફિક્સ્ડ ડિપોઝિટ છે તેણે તો એ સમજીને ચાલવાનું છે કે ન કરે નારાયણ અને કાલ સવારે મારી બૅન્કની સ્થિતિ બગડી તો લાખની ઉપરની રકમથી હાથ ધોઈ નાખવા તૈયાર રહેવાનું! રિઝર્વ બૅન્કની આ જોગવાઈ વિશે જયારે-જ્યારે વિચારું ત્યારે લાગે કે કેમ આ અંગે લોકો ચૂપ છે? પોતાની મહેનતની કમાઈ, પોતાનાં કંઈ કેટલાય શોખ અને રુચિઓનું ગળું ઘોંટીને, પોતાના વર્તમાનને વેચીને સુંદર ભવિષ્ય માટે કરેલી બચત જેના ભરોસાએ મૂકી હોય એ બૅન્ક પાસેથી એ રકમની પૂરેપૂરી સલામતી માગવાનો અધિકાર ખાતાધારકને કેમ ન હોય?

આ બધા સવાલોએ ફરી એક વાર મગજને ભરડો લીધો હતો ત્યાં એક સમાચાર વાંચતાં એમાંના એક અંગ્રેજી શબ્દપ્રયોગ પર આંખ અને મન બન્ને સ્થિર થઈ ગયા. એ હતો ડ્યુ ડિલિજન્સ. કોઈ પણ સામાન્ય રીતે જવાબદાર વ્યાપારી કે વ્યક્તિ જ્યારે અન્ય પાર્ટી સાથે કોઈ વસ્તુ કે સેવા અંગે કરાર કે સમજૂતી કરે એ અગાઉ તેણે સામેવાળી પાર્ટી વિશે તકેદારીભરી તપાસ કરવી અનિવાર્ય હોય છે. સાવધાનીની આ કવાયતને ડ્યુ ડિલિજન્સ એટલે કે યોગ્ય મહેનત કે ખંતપૂર્વકની ચોકસાઈ કહે છે. જેમ કે એક વ્યક્તિને આપણે નોકરી પર રાખવી હોય તો તેના અભ્યાસ કે ક્ષમતાનાં પ્રમાણપત્રો તો જોઈએ જ પણ સાથે-સાથે તેની અગાઉની નોકરીઓમાં તેનો રેકૉર્ડ કેવો હતો, એ તેણે શા માટે મૂકી દીધી એવીબધી તપાસ કરીએ છીએને! એ જ ડ્યુ ડિલિજન્સ. વ્યાપાર, ઉદ્યોગ કે વ્યવસાયમાં નવું સાહસ કરવાનું હોય કે કોઈ કંપની અન્ય કંપનીને ટેકઓવર કરે ત્યારે આવી ડ્યુ ડિલિજન્સ હાથ ધરાય છે. કોઈની પણ સાથે કરાર કરતાં પહેલાં કરવામાં આવતી આ એક ઝીણવટભરી તપાસ છે, જે સામેવાળી પાર્ટી પર ભરોસો મૂકી શકાય એવી ખાતરી કરાવે છે.

કૉર્પોરેટ જગતમાં વધી રહેલાં કૌભાંડો અને છેતરપિંડીના કિસ્સાથી શૅરબજારે ભયંકર થપાટો ખાધી છે. આઇ.એલ.એફ.એસ. અને ડી.એચ.એફ.એલ.ની ગેરરીતિઓના ઘા શૅરબજારના કેટલાય રોકાણકારોએ ભોગવ્યા છે. પ્રાઇવેટ ઇક્વિટીમાં રોકાણ કરતી કંપનીઓ હવે આ બધાથી ચેતી ગઈ છે. તેમણે પોતે જે કંપનીમાં રોકાણ કર્યું હોય એના પ્રમોટર્સની કડક તપાસ કરવાનું શરૂ કર્યું છે. આવી કેટલીક નામાંકિત કંપનીઓએ તો આ ડ્યુ ડિલિજન્સ માટે ખાનગી તપાસ એજન્સીઓની સેવા લીધી છે. પોતે જે શૅરમાં રોકાણ કરવા માગતા હોય એ કંપનીના અને એના માલિકોના ઇતિહાસ-ભૂગોળની અથથી ઇતિની તેઓ તપાસ કરાવડાવે છે. એ કંપનીના અકાઉન્ટ્સ, ચોપડા, કૅશફ્લો, બિઝનેસ અને વહીવટની પદ્ધતિઓ, કૉર્પોરેટ ગવર્નન્સ, નિયમો અને કાયદાનું અનુસરણ જેવી તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરીને તેઓ કંપનીના શૅરોમાં રોકાણ કરવું કે નહીં એનો નિર્ણય લેવાનું તેમણે શરૂ કર્યું છે. આ વાંચીને વિચાર આવ્યો કે દેશના કરોડો નાગરિકોની મહેનતની કમાણી જે બૅન્કોમાં થાપણ તરીકે મૂકવામાં આવે છે એ બૅન્કોનું અને તેમની કામગીરી, પર્ફોર્મન્સ ઇત્યાદિનું પણ નિયમિત ડ્યુ ડિલિજન્સ હાથ ન ધરી શકાય? આવી કવાયત કદાચ ખાતાધારકોને અંદાજ આપી શકે કે કઈ બૅન્ક કેટલી બૅન્કે‍‍બલ છે અને તેમની મહેનતની કમાણી ક્યાં વધુ સુરક્ષિત રહી શકશે! અને હા, થાપણદારોની સમગ્ર થાપણની સલામતીની જવાબદારીની માગ પણ હવે ઉઠાવવી જ જોઈએ.

columnists