દેખના, અભી આએંગે ઔર કહેંગે... વન મોર

17 March, 2022 10:56 AM IST  |  Mumbai | Rashmin Shah

લતાજીની સેન્સ ઑફ હ્યુમર ગજબનાક હતી એ તો ઘણા કહેશે પણ હું કહીશ કે લતાજીમાં એક ઍક્ટર પણ જીવતો હતો જે બહુ સરસ ઍક્ટિંગ પણ કરી લેતો અને જાણે કે કશું બન્યું નથી એવો ભાવ ચહેરા પર લાવી દેતો

૨૦૧૯માં જ્યારે ખય્યામસાહેબ બહુ બીમાર હતા ત્યારે લતાજીનો નિયમિત ફોન આવતો. મૂકતી વખતે તે છેલ્લે અચૂક કહે કે કંઈ પણ કામ હોય તો મને ભૂલ્યા વિના કહેજો.

યે મહકતી હુઈ ગઝલ મખદૂમ
જૈસે સહરા મેં રાત ફૂલોં કી
ફિર છિડી રાત બાત ફૂલોં કી
રાત હૈ યા બારાત ફૂલોં કી 
ફિલ્મ ‘બાઝાર’નું આ ગીત તમે એક વાર સાંભળશો તો તમને સમજાશે કે લતાજીએ કેવી ઉમદા રીતે જબાનને ઉર્દૂ શબ્દો પર ઢાળી છે. લતાજીના ઉર્દૂ શબ્દોનું જે ઉચ્ચારણ એટલું અદ્ભુત હતું કે જો ઉર્દૂના ધુરંધરોને એ સંભળાવવામાં આવે તો એ પણ માની ન શકે કે આ એક નૉન-ઉર્દૂ સિંગરે ગાયેલું ગીત હશે. મેં સાંભળેલું છે કે બડે ગુલામ અલી ખાંસાહેબ પણ રેડિયો પર લતાજીને સાંભળવા બેસી જતા. ગુલામ અલી ખાંસાહેબ કહેતા કે લતાજીનું કોઈ પણ સૉન્ગમાં તમને એક શબ્દમાં પણ સૂર જતો દેખાશે નહીં. આવું તો જ શક્ય બને જો તમારા પર ઈશ્વર મહેરબાન હોય અને લતાજી પર ઈશ્વર મહેરબાન હતા એ દુનિયા આખી જાણે છે. જોકે એ પછી પણ લતાજીના વર્તનમાં ક્યાંય અને ક્યારેય સહેજ પણ એ વાતનું ઘમંડ નહોતું અને જે કોઈ તેમને મળ્યું હોય, જેણે પણ તેમની સાથે થોડું અમસ્તું પણ કામ કર્યું હોય તેનામાં આ ગુણ આવ્યો જ હોય. 
લતાજીની સેન્સ ઑફ હ્યુમર સુપર્બ હતી. એની સાથોસાથ તેમનામાં કદાચ ઍક્ટિંગના પણ જન્મજાત જ ગુણ હતા. 
‘ફિર છિડી રાત...’ના રેકૉર્ડિંગ સમયે ત્રણ ટેક થયા. ખય્યામસાહેબ એકદમ ખુશ થતાં જ રેકૉર્ડિંગ રૂમમાંથી જ બોલ્યા કે ‘ક્યા બાત હૈ, ક્યા બાત હૈ...’
ખય્યામસાહેબ આવું બોલ્યા કે તરત મેં લતાજી સામે જોયું કે હવે તે હેડફોન ઉતારશે પણ દીદી તો એમ જ ઊભાં રહ્યાં. એ સમયે એકસાથે બે ઘટના ઘટી. લતાજીએ મને કહ્યું, ‘દેખના, અભી આએંગે ઔર કહેંગે... વન મોર.’
હું કંઈ કહું કે સમજું એ પહેલાં જ મારું ધ્યાન અમારી કૅબિનના ગ્લાસમાંથી બહાર ગયું અને મેં જોયું કે ખય્યામસાહેબ બહાર આવે છે. ખય્યામસાહેબ અંદર આવ્યા અને પોતાની આગવી અદા સાથે કહેવાનું શરૂ કર્યું.
‘મઝા આ ગયા. બહોત મઝા આ ગયા. ક્યા અંદાઝ પકડા હૈ, હર સૂર કો સમજકર આપને ક્યા ઉસે પ્રેઝન્ટ કિયા હૈ. મઝા આ ગયા, દિલ ખુશ હો ગયા.’
લતાજી ચૂપચાપ તેમની સામે જોયા કરે અને હું જ્યાં હતો ત્યાંથી મને તે બન્ને દેખાય. ખય્યામસાહેબ એકધારા તારીફોના પુલ બાંધતા ગયા, બાંધતા ગયા અને પછી ધીમેકથી બોલ્યા,
‘લતાજી, એક ઓર કરતે હૈં, પ્લીઝ...’
મને અત્યારે પણ એ આખો સીન મારી આંખ સામે દેખાય છે. લતાજી ધીમેકથી મારી તરફ ફર્યાં અને આંખોથી જ તેમણે સંદેશો આપ્યો કે કહ્યું હતુંને તને, જો...
કોઈ જાતના એક્સપ્રેશન વિના લતાજીએ આપી દીધેલા આંખોના આ સંદેશને જોઈને મને અતિશય હસવું આવે પણ હું કશું કરી શકું નહીં. ત્યાં હતા એ બન્ને દિગ્ગજો અને તેમની સામે હું સાવ જુનિયર. કેવી રીતે મારાથી આ વાત પર હસી શકાય અને કેવી રીતે મારાથી આ વાતને નજરઅંદાઝ પણ કરી શકાય, પણ આ જ મજા હતી લતાદીદીની. લતાજીએ ફરીથી રેકૉર્ડિંગની શરૂઆત કરી અને ચોથા ટેકમાં ગઝલને ફાઇનલ ઓપ મળી ગયો. ખય્યામસાહેબને જોઈતું હતું એવું રિઝલ્ટ મળી ગયું.
હું એક વાત ખાસ કહીશ કે લતાજી દૃઢપણે એવું માનતાં કે ડ્યુએટ ક્યારેય એકલાં રેકૉર્ડિંગ ન કરવું જોઈએ, એ હંમેશાં સાથે જ ગાવું જોઈએ. અફકોર્સ, કમ્પ્યુટરનો સમય આવ્યા પછી એવું બનવા માંડ્યું કે સિંગર પોતાની રીતે આવીને રેકૉર્ડિંગ કરવા માંડ્યા અને ખાલી ટ્રૅક ભરવા લાગ્યા પણ લતાજીને એ યોગ્ય નહોતું લાગતું. લતાજી કહેતાં કે ડ્યુએટ ફીડબૅકનું સર્જન છે, આદાન-પ્રદાનનું સર્જન છે. બન્ને સિંગર પોતપોતાની રીતે આવીને ખાલી ટ્રૅક ભરી જાય એનાથી ક્યારેય ફીલિંગ જન્મે જ નહીં. લતાજી એવાં અનેક ગીતોનું ઉદાહરણ આપીને સમજાવતાં કે આ ગીત જો બન્ને સિંગર પોતપોતાની રીતે આવીને ગાઈ ગયા હોત તો ક્યારેય આ લહેક, આ લિજ્જત ન આવી હોત. તમને પણ એ સમજાશે. તમે એક કામ કરજો, કિશોરકુમાર અને લતાજીનાં કોઈ પણ ડ્યુએટ સાંભળશો તો તમને રીતસર દેખાશે કે આ તમામ હરકત માત્ર અને માત્ર સાથે રેકૉર્ડિંગ કરો તો જ આવે.
‘બાઝાર’ની ગઝલ પછી અમે સાથે બીજું કોઈ ડ્યુએટ ગાયું નથી પણ હા, અમારે વાતો થતી રહેતી. ૨૦૧૯માં જ્યારે ખય્યામસાહેબ બહુ બીમાર હતા અને હૉસ્પિટલાઇઝ્ડ હતા ત્યારે લતાજીનો નિયમિત ફોન આવતો. ઑલમોસ્ટ દરરોજ. ખય્યામસાહેબની તબિયતની જાણકારી લે અને ફોન મૂકતી વખતે તે છેલ્લે અચૂક કહે કે કંઈ પણ કામ હોય તો મને ભૂલ્યા વિના કહેજો. આવું થોડા દિવસ ચાલ્યું, પછી એક દિવસ લતાજીએ મને એમ જ પૂછ્યું કે કયા ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે, નામ ને નંબર હોય તો મોકલી રાખજે. મેં તો કૉન્ટૅક્ટ ડીટેલ મોકલી દીધી.
થોડી વાર પછી ડૉક્ટર ખય્યામસાહેબની રૂમમાં આવ્યા અને રૂમમાં આવીને મને કહે, ‘પતા હૈ આજ કિસકા ફોન આયા?’
હું કંઈ કહું કે પૂછું એ પહેલાં તો તેણે મને કહ્યું, ‘લતાજી કા, લતા મંગેશકરજી કા. ખય્યામસાહેબ કી હેલ્થ કે બારે મેં પૂછતે થે ઔર યે ભી કહા કિ કિસી ભી હાલ મેં ઉન્હે ટ્રીટમેન્ટ તો બેસ્ટ હી મિલની ચાહિએ...’
ડૉક્ટર એકદમ અહોભાવ સાથે વાત કરતા હતા અને એ જ અહોભાવ એ સમયે મારા મનમાં પણ જન્મી રહ્યો હતો. લતાજી એ જ હતાં, જે લતાજીને હું નાનપણથી જોતો આવતો હતો. બધું બદલાયું હતું. ટેક્નૉલૉજી અને ટેક્નૉલૉજીના કારણે મ્યુઝિક, શબ્દો, રેકૉર્ડિંગ પૅટર્ન અને બધેબધું; પણ લતાજી એ જ હતાં. 
ધ લતા મંગેશકર.       

શબ્દાંકનઃ રશ્મિન શાહ

(લતાદીદીનાં સંસ્મરણોની છેલ્લા સવા મહિનાથી ચાલી રહેલી શબ્દાંજલિ આજે સમાપ્ત થાય છે.) 

columnists lata mangeshkar