સારપ ને મીઠાશ વાયુવેગે પ્રસરે બસ, એને એક ફૂંકની જરૂર હોય

11 January, 2022 12:39 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

આ જગતમાં સજ્જનો અને સંતો દ્વારા થતાં સત્કાર્યોનો કોઈ જ તોટો નથી, પણ એ સત્કાર્યોની સુવાસને પવન બનીને અનેક લોકો સુધી પહોંચાડનાર આત્માઓ તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે

મિડ-ડે લોગો

‘પુષ્પ ઊગે બગીચાના એક નાનકડા છોડ પર, પણ એની સુવાસ સેંકડો લોકો સુધી પહોંચાડવાનું કામ તો પવન જ કરે છે અને પરોપકારની પવનની આ પ્રવૃત્તિ, એ સુવાસને અનુભવનારા સેંકડો માણસોને બગીચા તરફ આવવા માટે લાલાયિત કરીને જ રહે છે. આ જગતમાં સજ્જનો અને સંતો દ્વારા થતાં સત્કાર્યોનો કોઈ જ તોટો નથી, પણ એ સત્કાર્યોની સુવાસને પવન બનીને અનેક લોકો સુધી પહોંચાડનાર આત્માઓ તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે અને એને કારણે જ આ જગતનો બહુજન વર્ગ સત્કાર્યોની સુવાસને માણવાથી વંચિત જ રહી જાય છે. દુખદ વાસ્તવિકતા તો એ છે કે દુર્જનો દ્વારા આચરાતાં દુષ્કાર્યોને જગતમાં ખૂણે-ખૂણે પહોંચાડવા આજે જાણે સૌએ હરીફાઈ લગાવી છે અને એમાંય જેમના હાથમાં પ્રચારમાધ્યમ છે તેમણે તો દાટ વાળી દીધો છે.’ વિષયના અંત પર જતાં મેં કહ્યું, ‘આપણે નક્કી કરીએ કે સારી વાતો ક્યાંય પણ સાંભળવા મળશે, સારું કાંઈ પણ જોવા મળશે, એને આગળ ફેલાવ્યા વિના હું રહીશ નહીં અને નબળું કાંઈ પણ જોવા કે સાંભળવા મળશે એને ફેલાવવાનું પાપ હું ક્યારેય કરીશ નહીં. આટલું થશે તો આપણને એટલો તો સંતોષ થશે કે હું પોતે તો આ દુર્ગંધનો વાહક નથી બન્યો.’
‘ઉપાય?’
‘પ્રભુનાં જે પણ તમને સાંભળવા મળી રહ્યાં છે એ વચનોને પાંચ કે પચીસ વ્યક્તિઓને તમે પહોંચાડશો અને દિવસ દરમ્યાન જેને ફોન કરો એની સાથે જરૂરી વાતો કરી છેલ્લે પ્રવચનમાંથી ગમેલું એક વાક્ય કહી ફોન મૂકવો.’
પ્રવચનમાં શ્રોતાઓ સમક્ષ આ વાતને મૂકતાંની સાથે જ લગભગ તમામ શ્રોતાઓએ આ વાત ઝીલી લીધી અને અઠવાડિયા માટે સૌએ નિયમ લીધો. ત્રીજા જ દિવસે સીએ થયેલો યુવક મળવા આવ્યો. ‘મહારાજસાહેબ, મજા આવી ગઈ. આપે જે પ્રવચનનું એકાદ ગમતું વાક્ય સંભળાવવાનો નિયમ લેવડાવ્યો હતો એ મેં પણ લીધો હતો.’
‘અનુભવ?’
‘એ વાત કરવા આપની પાસે આવ્યો છું. ગઈ કાલે મુંબઈના એક બ્રોકરને ફોનમાં પ્રવચનનું એક વાક્ય સંભળાવ્યું. તેને એટલો બધો આનંદ આવ્યો કે આજે સવારના હજી તો હું સૂતો હતો ત્યાં તેનો ફોન આવ્યો. ફોનમાં મને તેણે એટલું જ કહ્યું કે મહારાજસાહેબના પ્રવચનનાં એક-બે વાક્ય સાંભળવાથી મને સંતોષ થાય એમ નથી. તું એક કામ કર, આજનું આખું પ્રવચન તું ફેક્સ કરીને મને મોકલી દે. આવી વાતો સંભળાવનારા સંત તમારા આંગણે આવ્યા છે એ તમારા સૌનું સદ્ભાગ્ય ભલે રહ્યું, પણ તેમનાં પ્રવચનોને અમારા સુધી પહોંચાડતા રહીને અમને સદ્ભાગી બનાવવા એ તારા હાથની વાત છે.’
સારપ અને મીઠાશ વાયુવેગે પ્રસરે. બસ, એને એક ફૂંકની જરૂર હોય છે.

columnists