મેનકાને તપ ન આવડે, પણ ભંગ કરાવતાં પાકું આવડે

22 May, 2022 04:55 PM IST  |  Mumbai | Swami Satchidananda

આપણી વાત ચાલે છે ધર્મગ્રંથો અને પુસ્તકોની ત્યારે એક વાચકમિત્ર પુછાવે છે કે મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખવો જોઈએ કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

આપણી વાત ચાલે છે ધર્મગ્રંથો અને પુસ્તકોની ત્યારે એક વાચકમિત્ર પુછાવે છે કે મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખવો જોઈએ કે નહીં?
મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખો નહીં, પણ જો મહાભારત મનમાં ચાલતું હોય તો એનું પરિણામ અનુભવવું પડે. ગ્રંથ નહીં, સારને જુઓ અને એ સારને મનમાં રાખો તો જીવનમાં કોઈ વિપદા આવે નહીં. મહાભારતની કથાને આજના સમયમાં બહુ ટૂંકાવી નાખવામાં આવી છે, પણ મહર્ષિ વેદવ્યાસજીએ ‘મહાભારત’ની કથા શરૂ કરતાં પહેલાં એની ઘણી મોટી માંડણી કરી છે. આપણે સીધી જ કથા શરૂ કરી દેવાની છે, કારણ કે આપણે તો કથાનો સાર જ કહેવો છે, મહાગ્રંથ રચવો નથી અને સારનું કલેવર નાનું હોય અને અર્થસભર રહે એ જોવાની ફરજ એ સાર માંડનારાની હોય છે.
ઋષિઓમાં સમર્થ એવા વિશ્વામિત્ર તપ કરે છે. તપનો હેતુ ઇન્દ્રનું સિંહાસન મેળવવાનો છે. સિંહાસન શત્રુ વિનાનું હોતું નથી, પછી તે રાજસિંહાસન હોય કે ધર્મસિંહાસન હોય. સિંહાસન પર બેસવાનું સૌને મન થાય છે. પોતાનું સિંહાસન બચાવવા ઇન્દ્રે દાવપેચ શરૂ કર્યા. દાવપેચ વિનાનું સિંહાસન હોય જ નહીં. જેને દાવપેચ આવડે તે જ સિંહાસન પ્રાપ્ત કરી શકે અને પ્રાપ્ત કર્યા પછી જેને દાવપેચ રમતાં અને કાપતાં આવડે તે જ લાંબો સમય એના પર બેસી શકે. આને જ રાજરમત કહેવાય. જેને આવી રમતો ન આવડે તે રાજા ન થઈ શકે. કદાચ થાય તો ટકી ન શકે. કદાચ ટકે તો કોઈનું રમકડું-માત્ર થઈને ટકી શકે.    
બધા દાવપેચોમાં છેલ્લો દાવપેચ અપ્સરાનો છે. સિંહાસનધારીઓની સેનામાં અપ્સરાઓની પણ સેના હોવી જરૂરી છે. જે કામ એક અપ્સરા કરે એ હજાર સૈનિકો ન કરી શકે. ઇન્દ્રે પોતાની અપ્સરા-સેનામાંથી મેનકા નામની અપ્સરાને વિશ્વામિત્રનો તપોભંગ કરવા મોકલી. અપ્સરા એ કે જેને તપ કરતાં તો નથી આવડતું, પણ ભલભલાના તપનો ભંગ કરતાં આવડે છે. રાજાના ભાથામાં આ પણ એક શસ્ત્ર છે.    
ભારતીય ધર્મમાં બ્રહ્મચર્ય વિના તપની કોઈ કલ્પના જ ન કરી શકે. વિશ્વામિત્ર ચુસ્ત રીતે બ્રહ્મચર્ય પાળીને તપ કરી રહ્યા છે. મહાન બ્રહ્મચારીઓની મહાન કથાઓ હોય છે, પણ એ માત્ર કથાઓ જ હોય છે, પ્રચારકથાઓ હોય છે, એમાં વાસ્તવિકતા નથી હોતી. ભોળા અને શ્રદ્ધાળુ લોકોને મુગ્ધ કરવા આ કથાઓ મહત્ત્વનું કામ કરતી હોય છે. વાસ્તવિકતા વિનાનું બધું જ મુગ્ધ હોય છે. 

columnists swami sachchidananda