ગોલ્ડન વર્ડ્‍સ : વિચારો, કેમ વિનોદ કાંબલીની કરીઅર સચિન તેન્ડુલકરની કરીઅર કરતાં ટૂંકી પુરવાર થઈ?

30 March, 2023 03:22 PM IST  |  Mumbai | Manoj Joshi

લોકસભામાં સભ્યપદ ગુમાવવાની વાત જે છે એ ક્યાંય પૉલિટિકલ નથી, પણ એ વાત સમજાવે છે કે તમે ક્યા સ્થાન પર છો અને તમારે એ સ્થાન પર રહીને તમારા એ પદની આચારસંહિતા જાળવી રાખવાની છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

લોકસભામાં સંસદસભ્યપદ ગુમાવવાની જે ઘટના હમણાં રાહુલ ગાંધી સાથે બની એ ઘટના વિશે ખરેખર જે પ્રકારે લખાવું જોઈએ એવું કોઈએ લખ્યું નથી અને એ દિશામાં ધ્યાન પણ કોઈએ આપ્યું નથી, જે ખરેખર બહુ ગંભીર બાબત છે. લોકસભામાં સભ્યપદ ગુમાવવાની વાત જે છે એ ક્યાંય પૉલિટિકલ નથી, પણ એ વાત સમજાવે છે કે તમે ક્યા સ્થાન પર છો અને તમારે એ સ્થાન પર રહીને તમારા એ પદની આચારસંહિતા જાળવી રાખવાની છે. જાળવી પણ રાખવાની છે અને એની આમન્યા પણ અકબંધ રાખવાની છે. આજે મોટા ભાગે એવું બને છે કે તક મળતાં સફળતા મળી જાય છે, પણ મળેલી એ સફળતા અને એ સફળતાને કારણે મળેલા પદની આમન્યા અને એ પદનું સન્માન જાળવવાનું કામ નથી થઈ શકતું, એની ગંભીરતા દેખાતી નથી અને એ ગંભીરતા દેખાતી નથી એ જ પુરવાર કરે છે કે ભગવાન મોટી નિષ્ફળતા આપીને પોતાની ભૂલ સુધારી પણ લે.

થોડા સમય પહેલાં ડિરેક્ટર સાજિદ ખાને એક ટીવી રિયલિટી શોમાં કરોડો દર્શક સામે કબૂલ કર્યું કે મને મળેલી સફળતા હું પચાવી શક્યો નહીં, એનું માન જાળવી શક્યો નહીં અને સાતમા આસમાન પર લહેરાવાનું મેં શરૂ કરી દીધું, જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ મને નકારી કાઢ્યો. ઉપરાઉપરી મને બે એવી ફ્લૉપ ફિલ્મો દેખાડી જેણે મને ખરેખર રિયલાઇઝ કરાવ્યું કે સફળતા મેળવવી જ નહીં, પણ એ સફળતાને અકબંધ રાખવાની પ્રક્રિયા માટે પણ મહેનત કરવી પડે છે અને એ મહેનત તમને ક્યાંક ને ક્યાંક સફળતા પ્રત્યે ગંભીર બનાવવાનું કામ પણ કરે છે. રાહુલ ગાંધીએ પણ જો એ જ મહેનત કરી હોત, જો તેણે પણ એ જ ગાંભીર્ય દાખવ્યું હોત તો નિશ્ચિતપણે આવા કોઈ સંજોગો ઊભા ન થયા હોત. 

આ પણ વાંચો: ગાયને માતા માનનારા ગૌમાતા પ્રત્યે આટલા બેદરકાર કેવી રીતે રહી શકે?

બે દિવસ પહેલાં જ કહ્યું હતું. સફળતા કોઈને પણ વરી શકે, સફળતા કોઈ પણ મેળવી શકે. અઘરું કામ સફળતા પામવાનું નથી, પણ અઘરું કામ જો કોઈ હોય તો એ સફળતાને સાચવી રાખવાનું અને એ સ્થાન પર ટકી રહેવાનું છે. અમિતાભ બચ્ચન આજે પણ એ સ્થાન પર અકબંધ છે. કેવી રીતે એ વિચાર્યું છે ખરું? કેમ રાજેશ ખન્નાએ નિષ્ફળતા જોવી પડી અને તેમને ઘરે બેસવાનો વારો આવ્યો? જરા વિચારજો. જવાબ તમને મળશે જ. જો ક્રિકેટના ફૅન હશો તો તમને વિનોદ કાંબળી યાદ હશે જ. એવું તે શું બન્યું કે કાંબળીની કરીઅર તેના ખાસ ભાઈબંધ એવા સચિન તેન્ડુલકર કરતાં ખાસ્સી નાની રહી અને તે બહુ ઝડપથી આપણા સૌના માનસપટ પરથી વિખેરાઈ પણ ગયો. વિચારશો તો ખરેખર રિયલાઇઝ થશે કે જીવનમાં સફળ થવું નહીં, પણ સફળતા મેળવ્યા પછી એને સાચવી રાખવાની પ્રક્રિયા જ અઘરી છે અને એ કરવા માટે જ જહેમત ઉઠાવવાની છે.

સફળ વ્યક્તિ સામે લોભ, લાલચ, પ્રલોભન બધું આવશે. મોઢામાંથી લાળ પડવા માંડે એવા સંજોગો પણ ડેવલપ થશે અને એવી સિચુએશન પણ આવશે જેમાં તમામ સિદ્ધાંતોને પડતા મૂકી દેવાનું મન સુધ્ધાં થઈ જાય, પણ એ પ્રલોભન જો જાળવી ગયા, જો એ સમય ખેંચી ગયા અને એ સમયમાંથી ક્ષેમકુશળ રીતે બહાર નીકળી ગયા તો ચોક્કસ સફળતાને તમે સલામત રીતે સાચવી લેશો. ભૂલતા નહીં, નહીં તો બની શકે કે રાહુલ ગાંધીના જીવનમાં બનેલી ઘટના તમારે પણ જોવાનો વારો આવે.

columnists rahul gandhi manoj joshi