સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ

19 June, 2020 08:46 PM IST  |  Mumbai | J D Majethia

સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

આખા જીવનમાં ક્યારેય ન વિચાર્યું હોય, કલ્પના પણ ન કરી હોય એવી-એવી ઘટનાઓ રોજ બની રહી છે. આટલા લાંબા સમય સુધી ઘરની બહાર નીકળ્યા ન હોય એવું ક્યારેય બન્યું નહોતું. પગમાં ફ્રૅક્ચર થયું હોય તો પણ માણસ લાકડીના ટેકે કે પછી બીજા કોઈનો સપોર્ટ લઈને સોસાયટીની નીચે કે બિલ્ડિંગના ગાર્ડનમાં આંટો મારી આવે છે. વ્હીલચૅરમાં બેસીને પણ કોઈના સપોર્ટ સાથે બહાર ફરી આવે છે. અરે, બીજું કાંઈ ન કરે તો લિફ્ટમાં નીચે જઈ, થોડી વાર નીચે ઊભા રહી ફરી પાછા ઉપર આવે એવા પણ કિસ્સા જોયા છે, પણ આ વખતે જે જોવા મળ્યું છે એ ગજબનાક છે.
હવેની જે દુનિયા આવવાની છે, હવેની જે દુનિયાનું સર્જન થયું છે એ ખૂબ જ ક્રીએટિવ અને ઇનોવેટિવ રહેવાની છે. ૯૦ દિવસમાં લોકોએ એટએટલું ક્રીએટ કર્યું છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો. મેં મારી લાઇફમાં ક્યારેય ઑનલાઇન મીટિંગ કરી નહોતી. ભાગ્યે જ એકાદ કરી હોય તો મને એ યાદ નથી, પણ આટલા બધા લોકો સાથે એકસાથે મીટિંગ થઈ હોય અને એ પણ કામની મીટિંગ કરવી હોય એવું પહેલી વાર આ દિવસોમાં બન્યું. વિડિયો-કૉલ કર્યા હોય તો એ ઘરના સભ્યો સાથે કર્યા હોય, પણ બહારના લોકો સાથે એવું કરવું પડે અને આપણે કરીએ એવું પહેલી વાર બન્યું છે. હવે ઘરે બેસીને લોકો કામ કરે છે, ઑનલાઇન કામ કરે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગને તો એટલુંબધું મનમાં ઉતારી લીધું છે કે દરેક પાસે પોતપોતાના કિસ્સા છે. મારી જ વાત કહું તમને.
હું અને મારો મિત્ર આતિશ કાપડિયા બાજુબાજુના બિલ્ડિંગમાં જ રહીએ છીએ. લૉકડાઉન વચ્ચે ૩૦ એપ્રિલે એનો બર્થ-ડે હતો. અમે શાકભાજી લેવા માટે સાથે નીચે ઊતર્યા, પણ બન્ને એકબીજાથી ૩ ફુટ દૂર હતા. હું ભેટીને તેને બર્થ-ડે વિશ નહોતો કરી શક્યો. આવા તો કેટકેટલા કિસ્સા બધાના જીવનમાં છે. બે અઠવાડિયાં પહેલાં મેં કહેવત કહી હતી, ‘શાંત દરિયો કુશળ નાવિકને જન્મ નથી આપી શકતો.’
આપણે આ કહેવતને હવે થોડી બદલવાની જરૂર છે અને પુરવાર કરવાની જરૂર છે કે ઘણી વાર શાંત દરિયો બહુ કુશળ નાવિક સર્જી દે છે. તમે અત્યારે શાંત છો, પણ મનમાં તો મોજાં ઊછળે જ છે. આ ઊછળતાં મોજાંનો ઉપયોગ કરો અને લૉકડાઉનમાં જે સમયે ઘરમાં રહ્યા એ સમયને યાદ કરીને નક્કી કરો કે હવે હું બહાર જઈશ ત્યારે બહાર રહેલી બધી ચૅલેન્જને ફેસ કરવા માટે પ્રિપેર્ડ થઈને જઈશ.
હું હજી પણ કહું છું અને વારંવાર કહું છું કે તમારી આસપાસ ક્યારેય પણ કંઈ પણ બની શકે છે માટે ખૂબ સાચવજો, ખૂબ ધ્યાન રાખજો અને આ માત્ર તમારી એકની જવાબદારી નથી, દરેકેદરેક વ્યક્તિની જવાબદારી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું એ આત્મનિર્ભરતાની વાત પણ બહુ મહત્ત્વની છે, બહુ મોટી અને જબરદસ્ત ઊંડી ફિલોસૉફી છે એમાં. માત્ર પ્રોડક્ટ માટે જ નહીં, તમારા જીવન માટે પણ આ આત્મનિર્ભરતાની વ્યાખ્યા ઉપકારક બનવાની છે. તમે સમજો કે કોઈ પણ ચીજ માટે જો આત્મનિર્ભર રહેશો, દરેક કામ તમે પોતે જ કરશો અને તમારી આખી સિસ્ટમને સમજીને જો તમે આત્મનિર્ભર બનશો તો આ વાઇરસ તમારાથી દૂર જ રહેશે. આ વાત સમજવા માટે પણ બહુ સમય જશે પણ જો તમને સમજાઈ હોય તો એ સમજણની સાથોસાથ એ વાત પણ મનમાં ઉમેરી દેજો કે આત્મનિર્ભર એટલે ફક્ત પોતાની કમાણીથી જાતે ઘર ચલાવવાની વાત નથી, જાતને કઈ રીતે આત્મનિર્ભર કરી શકો અને આવી રહેલા સંકટ સામે એને કેવી રીતે સુરક્ષિત રાખી શકો એની વાત પણ એમાં છે. તમારી ગાડી તમે ડ્રાઇવ નથી કરતા અને ડ્રાઇવર ક્યાંથી આવે છે એની તમને ખબર નથી, પણ એ સમજણ હોવી બહુ જરૂરી છે. આ સમજણ સુધી તમે પહોંચો અને તમારી આસપાસની દરેક વ્યક્તિને કેવી રીતે આ સમજણ સુધી લઈ જશો એ મહત્ત્વનું છે. તમને ડગલે ને પગલે આ વાઇરસની બીક છે એટલે બધું બંધ તો થઈ નથી શકવાનું, પણ જો કંઈ પણ બને એમ હોય તો પછી એને માટે સંપૂર્ણ સતેજ રહેવાનું છે.
અત્યારથી તમારા આસપાસ શોધી રાખો કે કોઈને કંઈ થાય તો કેવી રીતે આખી સિસ્ટમ ચેક કરવી, કઈ રીતે એ વાઇરસ આવ્યો એની જાણકારી મેળવવી, કેવી રીતે ઘરે ક્વૉરન્ટીન થવું, સિમ્પ્ટમ્સ વધારે છે કે નહીં એની કેમ ખબર પડે, નજીકમાં નજીક કઈ હૉસ્પિટલ છે, ધારો કે ઘરને બદલે હૉસ્પિટલ જવાનું થાય તો ત્યાંની શું પ્રોસીજર છે, કૉર્પોરેશનને કઈ રીતે જાણ કરવી એ બધું હવે જાણવું જરૂરી છે અને ફૅમિલીના મોટા ભાગના લોકો આ વાત જાણી લે એ જરૂરી છે. જાણવું પણ જરૂરી છે અને સાચી રીતે સમજવું પણ જરૂરી છે. જો એ જાણી રાખશો તો કોઈ પ્રૉબ્લેમ આવ્યો તો પૅનિકનેસ નહીં આવે. આ બધા સામે પણ બેસ્ટ ઇલાજ છે જ. રોગપ્રતિકારક શક્તિ હમણાંથી વધારી દો, કસરત કરો, તમારી તબિયત જે ચીજોથી બગડતી હોય એને દૂર કરી દો. જે દવા નિયમિત લેવાની છે એના પર ધ્યાન રાખો. આ ટાઇમ એવો નથી કે તમે લાઇટલી લઈ શકો. લૉકડાઉનના ત્રણ મહિના ગયા છે, એણે તમને શું શીખવાડ્યું અને તમે શું શીખ્યા એ જાણવાનો સમય આવી ગયો છે. લૉકડાઉને તમને કેવી વ્યક્તિ બનાવ્યા અને હવેના સમયમાં કેવી વ્યક્તિ તમે બનવા માગો છો તો સાથોસાથ આવનારા સમયમાં કેવી વ્યક્તિ સર્વાઇવ કરી શકશે એ સમજવું પણ બહુ મહત્ત્વનું છે.
સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ.
સદીઓથી ચાલી આવતી આ લાઇન છે. ફિટ રહેવું જરૂરી છે. જિમ ચાલુ નથી એટલે નીચે ગ્રાઉન્ડમાં કે પછી ઘરમાં એક્સરસાઇઝ કરી શકો છો. નાનામાં નાની જગ્યામાં પણ તમે કેવી રીતે કસરત કરી શકો એના હવે તો હજારો વિડિયો ઑનલાઇન ફરી રહ્યા છે. ખાવાપીવામાં હજારો ચીજવસ્તુઓને લઈને પણ વિડિયો તમને મળી જશે. હળદર તો ઇમ્યુનિટી વધારવાનું બેસ્ટ મીડિયમ છે જ. હળદરવાળું પાણી રોજ પી શકો છો. અમારા ઘરમાં તો હળદર, મધ, સૂંઠ પાઉડર, મીઠું અને લીંબુ નાખેલું પાણી બધાએ દિવસમાં બે વાર પીવાનું જ. તમે પણ આવા રસ્તા શોધી શકો છો અને અપનાવી પણ શકો છો. આવા રસ્તા પર ચાલતા હશો તો કદાચ વાઇરસ અડી જાય તો પણ તરત જ ચાલ્યો જાય એવું બની શકે છે. હું ફરી એક વાર કહીશ કે કશું પણ અકલ્પ્ય થઈ શકે છે એમ માનીને જ ચાલો, જાતને તૈયાર રાખો.
આવું કહીને ડરાવતો નથી, સાવચેત કરું છું. દેશમાં લોકો એમ કહે છે કે ઘરે બેસીને પરિવાર સાથે નજીક આવ્યા અને ઘણા એવા પણ છે કે ડિવૉર્સ સુધી વાત પહોંચી ગઈ છે. ઘરે બેઠા તો ખ્યાલ આવ્યો કે મને તો તમારી સાથે ફાવતું જ નથી. અમુક લોકો સાવ ઘરે બેઠા છે, કામ જ નથી. અમુક લોકો ઓવરબર્ડન રાખીને પણ કામ કરે છે, ઓવરબિઝી છે. પોલીસ અને ડૉક્ટર જેવા લોકોના સમયના કલાક પણ નક્કી નથી. કમ્પ્લીટ ઇન ઇક્વલિટી. કોઈને ખાવાની ચિંતા નથી, તો કોઈને એક ટંકના ખાવાના પણ વાંધા થઈ ગયા છે.
આ બધું જોતાં આપણે એટલું જ સમજવાનું કે કશું જ અશક્ય નથી. કંઈ પણ આપણી સાથે બની શકે માટે આપણી જાતને બહુ સારી રીતે તૈયાર કરવાની છે. હજારો વાર લોકોએ કહ્યું છે એ રીતે તમારા હાથ ધોયા કરો. જરા પણ ઓવર-કૉન્ફિડન્સમાં રહેવાનું નથી. હાથ કેટલી સરફેસને અડ્યા હશે એની તમને પણ ખબર નથી. મોબાઇલ, તમારો સાથી છે એવા મોબાઇલને ક્યાંય પણ મૂકતાં પહેલાં યાદ રાખો કે એ પણ વાઇરસને તમારા સુધી લઈ આવશે, તમારા ઘરમાં કે ઑફિસમાં વાઇરસને ઘુસાડી દેશે અને આગળ જતાં ઘાતક બનશે. જેટલા જલદી સમજશો એટલા ઝડપથી રાહત અનુભવશો. બીજી પણ એક વાત યાદ રાખજો કે આ વાઇરસ નહીં જાય. વૅક્સિન આવશે એ પછી ભય થોડો ઓછો થશે, પણ વાઇરસ તો રહેવાનો જ છે. એ જવાનો નથી એટલે હવે આ વાઇરસ સાથે જીવવાની આદત પાડવાની છે અને એને અનુરૂપ થઈને જીવવાનું પણ છે. ધ્યાન રાખો, સાવચેત રહો અને હું આશા રાખું કે મારા વાચકોમાં કે તેમની આસપાસ ક્યાંય વાઇરસ આવે નહીં અને આવે તો જાનહાનિ કર્યા વિના જતો રહે. 

JD Majethia columnists