સનટૅનથી બચવા 30 એસપીએફવાળું સનસ્ક્રીન પૂરતું છે

13 March, 2023 06:01 PM IST  |  Mumbai | Kajal Rampariya

સૂર્યનાં યુવી-એ અને યુવી-બી કિરણોથી ત્વચાનું ડૅમેજ થતું બચાવવા માટે પ્રોટેક્શન લેયર લગાવવાનું જરૂરી છે. એ પછી પણ જો ત્વચા કાળી પડી ગઈ હોય તો ડીટૅન કરવાના ઘરેલુ નુસખાઓ તો છે જ

પ્રતીકાત્મક તસવીર

સામાન્યપણે ઉનાળામાં લોકોને મોટા ભાગે મહિલાઓ જ સનટૅનિંગ દૂર કરવા શું કરવું જોઈએ એ પૂછતી હોય છે અને પાર્લરમાં જઈને એ માટેની ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે, પરંતુ પુરુષો આ વિશે એટલા સભાન નથી હોતા. ઇન ફૅક્ટ, પુરુષોને તડકામાં વધુ બહાર ફરવાનું થતું હોવાથી તેમના હાથ-પગ અને ચહેરા પર સનટૅન થવાનું પ્રમાણ પણ વધુ હોય છે. સૂર્યનાં નુકસાનકારક કિરણોથી બચવાની જેટલી જરૂર મહિલાઓને છે એટલી જ જરૂર પુરુષોને પણ છે, કેમ કે આ જ સન-એક્સપોઝરને કારણે ભવિષ્યમાં કૅન્સર જેવી જીવલેણ બીમારી થવાની શક્યતા વધી જાય છે. 

સનટૅન કેવી રીતે થાય છે?

બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ૪૨ વર્ષનો અનુભવ ધરાવતાં અને મુલુંડમાં રહેતાં ભારતી શ્યામ શેવાલેએ પુરુષો માટે કેટલીક ટિપ્સ આપી છે. દીદીના નામે જાણીતાં ૬૦ વર્ષનાં ભારતીબહેન કહે છે,  ‘સૂર્યનાં યુવી-એ અને યુવી-બી આ બંને કિરણો આપણી ત્વચા માટે હાનિકારક હોય છે. આ કિરણો એટલાં સ્ટ્રૉન્ગ હોય છે કે એ આપણી ત્વચાના પાંચમા લેયર સુધી પહોંચે છે. એને એપિડર્મિસનું પહેલું લેયર કહેવામાં આવે છે. આ જગ્યાએ આપણી ત્વચાનો કલર બનતો હોય છે. સૂર્યનાં કિરણો ત્યાં પહોંચે તો તમારી ત્વચા બળી જાય છે. એ સમયે ખબર ન પડે પરંતુ એ ધીરે-ધીરે ઉપર આવે છે. ત્યાર બાદ ટૅનિંગની સમસ્યા ઉદ્ભવે છે. ફકત ઉનાળાની ઋતુમાં જ  નહીં, પરંતુ બહારગામ ફરીને આવ્યા હોય કે પછી સ્વિમિંગ-પૂલમાંથી બહાર આવ્યા બાદ પણ સ્કિન ટૅન થઈ જાય છે. એક વખત તમે તડકામાં જાઓ અને સ્કિનનું ધ્યાન ન રાખો તો ચહેરા પર કાળા નાના ડાઘ રહી જાય છે, જેને દૂર કરવા એ અઢળક પૈસાની ટ્રીટમેન્ટ અને ટાઇમ માગે છે. આજનો જમાનો બ્યુટી કૉન્શિયસ થઈ ગયો છે. તેમ છતાં મોટા ભાગના પુરુષો બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતાં અચકાતા હોય છે. જોકે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સૂર્યકિરણોથી તમારી ત્વચાને પ્રોટેક્ટ કરી શકો છે.’

સનસ્ક્રીન ઇઝ મસ્ટ

તડકામાં ઘરની બહાર નીકળતાં પહેલાં કેટલું પ્રોટેક્શન ધરાવતું સન સ્ક્રીન લગાવવું જરૂરી છે એ વિશે ભારતી શેવાલે કહે છે, ‘સનસ્ક્રીનમાં 15થી 30 એસપીએફ (સન પ્રોટેક્ટિવ ફૅક્ટર) હોવું જોઈએ. 30 એસપીએફનું સનસ્ક્રીન તમને આખો દિવસ સૂર્યનાં કિરણોથી પ્રોટેક્શન આપે છે, જ્યારે 15 એસપીએફનું સનસ્ક્રીન વાપરશો તો દર ચાર કલાકમાં એને લગાવવું પડશે. બાઇક ચલાવતી વખતે પુરુષોના હાથ-પગ પર સૂર્યનાં કિરણો પડે જ છે અને ત્યાં ટૅન થઈ જાય છે. તેથી ઘરેથી બહાર નીકળતી વખતે ચહેરા સિવાય હાથ-પગ અને ગળાના ભાગ પર પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ. સનસ્ક્રીન લોશનની ચીકાશને કારણે સનસ્ક્રીન લગાવવાનું પસંદ ન નથી હોતું, પરંતુ સ્કિનની સંભાળ રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઑઇલી સ્કિન ધરાવતા પુરુષોએ જેલ બેઝ્ડ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને ડ્રાય સ્કિન હોય એવા પુરુષોએ ક્રીમ બેઝ્ડ સનસ્ક્રીન લગાવવું જોઈએ.’

આ પણ વાંચો:  સૅલોંમાં જઈને ફેશ્યલ કરાવવાનો સમય નથી?

ટૅનિંગ માટે હોમ રેમેડીઝ

ટૅનિંગ અને પિગમેન્ટેશન માટે કેટલાક ઘરેલુ નુસખા પણ અજમાવી શકો છો. સંતરાની છાલના પાઉડરમાં ગુલાબજળ ચહેરા પર લગાવવાથી પિગમેન્ટેશનની સમસ્યા દૂર થઈ શકે છે. કેટલાક પુરુષોની સ્કિન પતલી હોય છે. તમે ધોમધખતા તડકામાં બહાર નીકળો છો ત્યારે સનસ્ક્રીન નેસેસરી છે. ટૅનિંગ દૂર કરવા માટે વધુ એક પૉપ્યુલર ઘરેલુ નુસખો છે કાચા બટેટાનો. કાચા બટેટાના બે ભાગ કરીને ચહેરા પર ઓછામાં ઓછી દસ મિનિટ ઘસવું જોઈએ, જે ટૅનિંગને દૂર કરવામાં મદદ કરે છે. આમ તો પુરુષોને સેલ્ફ-કૅર માટે ઓછો ટાઇમ મળે છે, પરંતુ સવારના સમયે જો દસ મિનિટ આ રેમેડી માટે આપે તો ટૅનિંગથી બચી શકે છે. ઘરગથ્થુ નુસખા ધીરે-ધીરે અસર કરશે. ડીટૅન ક્રીમ પણ ટૅન રિમૂવલ માટે બેસ્ટ છે અને એ ૧૦૦ ટકા પૉઝિટિવ રિઝલ્ટ આપશે.

ટ્રીટમેન્ટ 

હવે પુરુષો પણ પ્રેઝન્ટેબલ લુક જાળવવા માટે ડીટૅનિંગ ટ્રીટમેન્ટ્સ કરાવતા હોય છે. એમાં ઇનિશ્યલ લેવલ પર થતા ટૅનિંગ માટેની ટ્રીટમેન્ટ પણ અફૉર્ડેબલ છે. ટૅન રિમૂવલ ફેશ્યલ એક વાર કરાવશો તો સનટૅનથી છુટકારો મળી જશે. આ ફેશ્યલનો ખર્ચ આશરે ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો થાય.

લીંબુ નહીં

ત્વચાની કાળાશ દૂર કરવા માટે પુરુષો લીંબુનો ડાયરેક્ટ રસ વાપરતા હોય તો એ ઠીક નથી. ભલે પુરુષોની ત્વચા સ્ત્રીઓની સરખામણીએ થોડીક થિક હોય છે, પણ એ લીંબુની ડાયરેક્ટ ઍસિડિટી સહન કરી શકતી નથી.

columnists beauty tips