કૉલમ: ગજરાજ અને માનવજાત વચ્ચે ખેલાઈ રહેલો લોહિયાળ જંગ ક્યાં જઈ અટકશે?

19 May, 2019 11:53 AM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

કૉલમ: ગજરાજ અને માનવજાત વચ્ચે ખેલાઈ રહેલો લોહિયાળ જંગ ક્યાં જઈ અટકશે?

ગજરાજ

હજી થોડાક જ દિવસ પહેલાં ઓડિશાના આંગુલ જિલ્લામાં ઘરના વરંડામાં નિરાંતની ઊંઘ લઈ રહેલા પરિવારના પાંચ સભ્યોને હાથીએ કચડી નાખતાં બે વર્ષની પુત્રી સહિત ત્રણનાં મોત થયાં હતાં. એ જ અરસામાં કોઇમ્બતુરમાં ભુરાયા થયેલા એક હાથીએ ત્રણ વ્યક્તિ પર હુમલો કરતાં ૬૦ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જંગલી હાથીએ એક મહિલાને ઊંચકીને પટકી દીધી, વાડ તોડી ખેતરમાં ઘૂસી આવેલા હાથીઓના ઝુંડથી ઊભા પાકને નુકસાન, વીફરેલા હાથીએ મહાવતને જ પગ તળે કચડી નાખ્યો, રહેવાસી વિસ્તારમાં હાથી ઘૂસી જતાં લોકોમાં થઈ નાસભાગ, હાથીઓનો ઉત્પાત વધતાં ગ્રામજનોએ વનવિભાગને કરી ફરિયાદ. આવી દુર્ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે. શું હાથીઓ માનવજાતના દુશ્મન બન્યા છે? જો તમારો જવાબ હામાં હોય તો અખબારની બીજી હેડલાઇન્સ પણ વાંચી લો. ઇલેક્ટ્રિકના તાર સાથે અથડાતાં હાથીનું મૃત્યુ, સામેથી ધસમસતી આવતી ટ્રેન નીચે કચડાઈ જવાથી ચાર હાથીનાં મોત, ટ્રકની અડફેટે આવતાં હાઈવે પરથી પસાર થઈ રહેલા હાથીને થઈ ગંભીર ઈજા.

સૌથી વધુ એશિયન હાથીની વસતિ ધરાવતા ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અંદાજે ૧૭૦૦ લોકો અને ૩૭૦ જેટલા હાથીઓએ હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટમાં જીવ ગુમાવ્યા છે. માનવી અને હાથી વચ્ચે અથડામણના કારણે આર્થિક, સામાજિક અને સંરક્ષણ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ છે. અત્યારે કદાવર પ્રાણીઓમાં પહેલા નંબરે આવતા ગજરાજ અને માનવજાત વચ્ચે વધી રહેલા સંઘર્ષનું કારણ શું? આ પ્રકારની ઘટનાઓ ઘટાડવાની દિશામાં ભારત સરકાર દ્વારા કેવાં પગલાં લેવામાં આવ્યાં છે એ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ.

લાઇફસ્ટાઇલમાં સામ્યતા

પ્રાણીઓના વસવાટ માટે કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. તેઓ જંગલ (રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો)માં રહે છે તો માનવીએ પોતાની બુદ્ધિના બળે વનવિસ્તારથી દૂર વસાહતો ઊભી કરી છે. સલામતીની દૃષ્ટિએ પણ આ વ્યવસ્થા આવશ્યક છે. સિંહ અને વાઘ જેવાં શિકારી અને ખૂનખાર પ્રાણીઓની સાથે જંગલમાં રહેતા હાથીની રહેણીકરણી અન્ય જંગલી પ્રાણીઓ કરતાં જરા નોખી છે. શાકાહારી પ્રાણી હોવાના કારણે હાથીઓ મુખ્યત્વે ઘાસનાં જંગલો (ગ્રીન ફૉરેસ્ટ), ઝાડી-ઝાખરાં ધરાવતા વન (સવાના ફૉરેસ્ટ), રેઇન ફૉરેસ્ટ અને પાણીના કુદરતી સ્ત્રોતની નજીક જોવા મળે છે. વસવાટની જગ્યાઓ જુદી હોવા છતાં માનવી અને હાથીની જરૂરિયાતો અને લાઇફસ્ટાઇલ લગભગ એકસરખી જ છે. મૂળભૂત રીતે બન્ને સામાજિક પ્રાણી છે તેથી ઘણી સામ્યતાઓ છે. રિસર્ચ કહે છે કે હાથીઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે તેઓ આપણી જેમ જ અભિવાદન કરે છે. ફૅમિલી બોન્ડિંગ અને ચાઇલ્ડ કૅરમાં પણ હાથી કોઈ રીતે આપણાથી ઊતરતા નથી. તેમનામાં ગજબની કુટુંબભાવના જોવા મળે છે. ઇતિહાસ સાક્ષી છે કે અનુકૂળ પરિસ્થિતિ અને સમાનતાના કારણે મહાભારતના કાળથી સરકસના ખેલ સુધી હાથી અને આપણી વચ્ચે પાકી દોસ્તી રહી છે. તો પછી આ મિત્રતાને ગ્રહણ કેમ લાગ્યું? ભૂલ ક્યાં થઈ?          

કૉન્ફ્લિક્ટનાં કારણો

શાકાહારી પ્રાણી હોવાના કારણે સ્વબચાવ સિવાય માનવજાત અથવા પાલતુ પ્રાણીઓ પર હાથીઓ દ્વારા હુમલો કરવાનું દેખીતું કોઈ કારણ નથી. હાથી સ્વભાવે અન્ય વન્ય જીવો જેટલા ઘાતકી હોતા નથી, પરંતુ જ્યારે ઘાયલ થાય છે ત્યારે માર્ગમાં આવતી વ્યક્તિ અથવા વસ્તુઓને પગ તળે રગદોળી નાખે છે. જેને સાદી ભાષામાં આપણે હાથી ગાંડો થયો કહીએ છીએ. તેઓ ખોરાક અને પાણીની શોધમાં વિચરતા હોય છે. વૃક્ષોના નિકંદનને લીધે હાથીઓને પર્યાપ્ત માત્રામાં કુદરતી ખોરાક મળતો નથી તેથી તેઓ હુમલો કરી બેસે છે. હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટમાં ખોરાકની તકરાર મુખ્ય મુદ્દો છે.

હાથીઓમાં એક વિશિષ્ટતા જોવા મળે છે. તેમની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે. પોતાના મિત્ર અને શત્રુને તેઓ ક્યારેય ભૂલતા નથી. વિશ્વભરમાં હાથી અને માનવીની મિત્રતાના અનેક કિસ્સાઓ પ્રચલિત થયા છે. એના પર અસંખ્ય ફિલ્મો પણ બની છે, પરંતુ કેટલાંક કારણોસર હવે આ મિત્રતા રહી નથી. કમિટી ઑન સ્ટાન્ડર્ડ ઇન પબ્લિક લાઇફના અધ્યક્ષ રહી ચૂકેલા બ્રિટિશ ટ્રેડ યુનિયનિસ્ટ એલિસ્ટર ગ્રેહામે આ વાતને ખૂબ જ સરસ શબ્દોમાં સમજાવતાં કહ્યું છે, ‘ઇન ધ કેસ ઑફ એલિફન્ટ ઍન્ડ મૅન વી હૅવ વન ઑફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ નૉન ઑફ ટૂ સુપરફિસિયલી ડિસ્સિમિલર ઍનિમલ્સ શૅરિંગ કૉમલ બાયોલૉજિકલ નીડ્સ, ઍન્ડ ધેરફોર કૉમ્પિટિંગ વિગરસલી વેનએવર ધે કૉન્ટૅક્ટ ઇચ અધર.’ મનુષ્ય અને હાથીની બાયોલૉજિકલ જરૂરિયાતોમાં સમાનતા હોવાથી તેઓ એકબીજા સાથે હરીફાઈમાં ઊતરે છે. છેલ્લાં વર્ષોમાં આ હરીફાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યારે બન્ને જીવ સંઘર્ષ ઝોનમાં પહોંચી ગયા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વનવિસ્તારથી સમૃદ્ધ વિશ્વના ટોચના દસ દેશોમાં સ્થાન તેમ જ અસંખ્ય અભયારણ્યો અને નૅશનલ પાર્ક ધરાવતા ભારતમાં હાથીઓના રહેવાની જગ્યા રહી નથી એ આઘાતજનક બાબત છે. હાથી દ્વારા માનવજાત પર કરવામાં આવતા હુમલાઓ પાછળ કૉન્ક્રીટનાં જંગલો જવાબદાર છે. વન્ય જીવન માટે સુરક્ષિત રાખવામાં આવેલી જમીન પર ઊંચી ઇમારતોનાં બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, સિંચાઈની યોજનઓ, જંગલમાંથી પસાર થતાં હાઇવે અને અન્ય ટ્રાન્સપોર્ટ નેટવર્કે દેશના વન ક્ષેત્ર અને પર્યાવરણનો નખ્ખોદ વાળ્યો છે.

તાજેતરમાં અમેરિકાની વૈજ્ઞાનિક સંસ્થા નાસાએ સૅટેલાઇટ દ્વારા પાડેલી તસવીરો કહે છે કે છેલ્લાં પાંચ જ વર્ષમાં ઇન્ડિયાનાં પ્રાઇમરી ફૉરેસ્ટની એક લાખ વીસ હજાર હેક્ટર જમીન ગાયબ થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૧૩ની સરખામણીએ ૩૬ ટકા વધુ છે. ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા અનુસાર વર્ષ ૧૯૭૨થી અત્યાર સુધીમાં આસામમાં આવેલા એવરગ્રીન ફૉરેસ્ટ વિસ્તારની ૬૫ ટકા જમીન લુપ્ત થઈ ગઈ છે. આવી જ રીતે મેઘાલયના ફૉરેસ્ટની કુલ જમીનમાંથી ૩૩.૧ ટકા જમીન માનવજાતે પોતાના સ્વાર્થ માટે હડપી લીધી છે. ઓડિશા, ઝારખંડ અને કર્ણાટકમાં ખાણકામના લીધે પ્રાણીઓના વસવાટની જમીને મોટો હિસ્સો ગુમાવ્યો છે. માનવજાતે વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત રાખવામાં આવેલી જમીન પર અતિક્રમણ કર્યું છે, પરિણામે તેઓ માનવવસાહતમાં ઘૂસી આવે છે અને હુમલાઓ કરે છે. હાથીઓ અમસ્તા કંઈ માનવજાતના શત્રુ નથી બન્યા. વાસ્તવમાં આ જમીન વન્ય જીવોની જ છે. તેઓ પોતાની જમીનથી જ ડિસ્કનેક્ટ થઈ રહ્યા છે. મનુષ્યની ભૂલનાં દુષ્પરિણામો માત્ર માનવજાતને જ નહીં, હાથીઓને પણ ભોગવવાં પડી રહ્યાં છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હાથી-માનવજાત અથડામણનાં અન્ય કારણોમાં ક્લાઇમેટ ચેન્જના લીધે હાથીઓ દ્વારા સ્થળાંતર પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

હાથીદાંતની દાણચોરી

હ્યુમન-એલિફન્ટ કૉન્ફિલ્ક્ટ એ માત્ર ભારતની સમસ્યા નથી. આફ્રિકા અને એશિયાના અન્ય દેશો પણ આ જ પરિસ્થિતમાંથી પસાર થઈ રહ્યા છે. હાથીદાંતના વેપાર અને ગેરકાયદે પ્રવૃત્તિએ હાથી અને માનવજાત વચ્ચેની અથડામણમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હાથીદાંતની દાણચોરી જેવી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા સંગઠને સમસ્ત માનસજાત સામે જોખમ ઊભું કર્યું છે. એક આંકડા અનુસાર હાથીદાંત મેળવવા માટે આફ્રિકામાં છેલ્લાં ત્રણેક વર્ષમાં અંદાજે એક લાખ જેટલા હાથીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક ગણતરી મુજબ હાથીઓના ગેરકાયદે શિકારના કારણે આફ્રિકામાં વાઇલ્ડ એલિફન્ટની સંખ્યામાં દર વર્ષે ત્રણ ટકા જેટલો ઘટાડો થાય છે. હાથીદાંતમાંથી બનાવેલી દવાઓ ખરીદી કરનારા અને એમાંથી બનાવવામાં આવેલી જ્વેલરીને સ્ટેટસ સિમ્બૉલ માનતા લોકો સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ ગુનેગાર તો છે જ.

નૅશનલ ફૉરેસ્ટ પૉલિસી

સિત્તેરના દાયકામાં ટિમ્બર (લાકડું)ના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના અધિકાર માટે ચાલેલા ચિપકો આંદોલન બાદ સરકારે ગ્રીન કૉરિડોરની સુરક્ષા અર્થે કેટલાક કાયદા ઘડી કાઢ્યા હતા. ૧૯૮૮માં બનાવવામાં આવેલી નૅશનલ ફૉરેસ્ટ પૉલિસીને આજે પણ આપણે વળગી રહ્યા છીએ. વર્તમાન પરિસ્થિતિ જોતાં ભારતમાં વન ક્ષેત્ર અને વન્ય જીવને લગતી આ નીતિમાં સુધારણા અંગે તાકીદે પગલાં લેવાની આવશ્યકતા છે. નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓની ભલામણ બાદ સરકારે વન નીતિને સુધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. પર્યાવરણ મંત્રાલય, વન વિભાગ અને હવામાન ખાતા દ્વારા સંયુક્તપણે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. નવા ડ્રાફ્ટમાં વન્ય જીવન સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ હાથી હેઠળ તેમના વસવાટની જગ્યાઓ પર સ્થાનિક લોકોના આક્રમણ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવવામાં આવી છે. હાથીઓના શિકાર અને અકુદરતી મૃત્યુને અટકાવવા હાથીઓ સ્થળાંતર ન કરે એ જરૂરી છે. વન વિસ્તાર સંરક્ષણ સમિતિના હસ્તક્ષેપ બાદ માનવ-હાથી અથડામણના નિવારણની દિશામાં વધુ પ્રયાસો કરવામાં આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ અને નેપાળ-ભારત કૉરિડોર વિભાજિત કરવામાં આવતા હાથીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. હાથીના વસવાટ, ખોરાક અને સંવર્ધન માટે સુરક્ષિત કૉરિડોરની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.

હાથી અને અન્ય વન્ય જીવ દ્વારા નષ્ટ કરવામાં આવેલા પાક, મિલકતને થયેલા નુકસાન, માનવમૃત્યુ અને ઈજામાં વળતરની ચૂકવણી જે તે રાજ્યની સરકારે કરવી પડે છે. સરકાર દ્વારા કૉમ્પેનશેસન પૉલિસી બનાવવામાં આવી છે, પરંતુ દરેક રાજ્યમાં સમાન વળતર નીતિ નથી એ મોટી ચૂક કહેવાય.

ઍક્શન પ્લાન 

માનવ-હાથી અથડામણ ટાળવા માટે ભારત સરકાર દ્વારા નવી-નવી યુક્તિઓ શોધી કાઢવામાં આવે છે અને એના અમલીકરણ માટેના પ્રયાસો પણ સતત ચાલે છે. અહીં કેટલાક પાઇલટ પ્રોગ્રામ અને અમલી થયેલા પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીએ.

પાઇલટ પ્રોગ્રામ, કર્ણાટક : કર્ણાટકના હસન જિલ્લામાં હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટની ઘટનાઓ વર્ષોથી બનતી હતી, પરંતુ છેલ્લા થોડા મહિનાથી પર્યાવરણવાદીઓ અને વન વિભાગના પ્રયત્નો તેમ જ સ્માર્ટ ઍપ્લિકેશનની સહાયથી અહીં હાથી અને માનવજાત શાંતિથી રહી શકશે એ દિવસો હવે દૂર નથી. ચાર મહિના પહેલાં ટ્રૉપિકલ કન્ઝર્વેશન સાયન્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હસન જિલ્લામાં વસવાટ કરતા હાથીઓની પૅટર્ન પર બે વર્ષ અભ્યાસ કરવામાં આવ્યા બાદ હાથીઓના ડાયરેક્ટ ટ્રૅકિંગ માટે તેમના ગળામાં ઞ્ભ્લ્  ઍપ્લિકેશન ટૅગ્સ બાંધવામાં આવ્યાં છે. આ ડિવાઇસના માધ્યમથી હાથીના લોકેશન અને હિલચાલની જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે. અત્યાર સુધી ૧૦૦ જેટલા હાથીઓની હિલચાલને કૅપ્ચર કરવામાં આવી છે.

પ્લાન બી પ્રોજેક્ટ : રેલવે ટ્રૅક ક્રૉસ કરવા જતાં સામેથી આવતી ટ્રેન નીચે કચડાઈ જવાથી હાથીના મૃત્યુના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી ભારતીય રેલવે દ્વારા હાથીના બચાવ માટે ‘પ્લાન બી’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં ગૌહાટી રેલવે ક્રૉસિંગની નજીક મધુમાખી ગણગણતી હોય એવા અવાજવાળાં ડિવાઇસ મૂકવામાં આવ્યાં છે. ટ્રેન પસાર થવાના સમય પહેલાં આ બઝર શરૂ કરી દેવાથી હાથીઓ રેલવેટ્રૅકથી ૬૦૦ મીટર દૂર ઊભા રહી જાય છે. હાથીઓ મધમાખીના હુમલાથી ડરે છે. આ તેમનો કુદરતી સ્વભાવ છે. ગૌહાટીમાં આ પ્રોજેક્ટની સફળતાથી દેશનાં અન્ય ક્રૉસિંગ પર પણ આવાં ડિવાઇસ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

નેપાલ-ભૂતાન રૂટ પ્રોજેક્ટ : પશ્ચિમ બંગાળના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બૅન્ગલોરની ટેãક્નકલ સપોર્ટ ટીમે નેપાલ અને ભૂતાન સરહદ પરથી પસાર થતા હાથીઓની હિલચાલને ટ્રૅક કરવા રેડિયો કૉલર્સ તૈયાર કર્યા છે. ભૂતાન સરહદ પરના કેટલાક રૂટ પર પ્રયોગ પણ કરવામાં આવ્યા છે. જોકે આ પ્રોજેક્ટ ખૂબ જ ખર્ચાળ (એક રેડિયો કૅલરના રૂ. બે લાખ) હોવાથી વાત જોઈએ એટલી આગળ વધી નથી.

કાઝીરંગા મૉડેલ : વાઇલ્ડ એલિફન્ટના અટૅક અને ઉત્પાતથી ગામવાસીઓને બચાવવા ડબલ્યુડબલ્યુએફ (વર્લ્ડવાઇડ ફંડ ફૉર નૅચર) અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે તરાઈ ક્ષેત્રમાં આવેલા કતારનાઘાટ વન્ય જીવન અભયારણ્યની નજીકનાં ગામોમાં હાથીઓ દ્વારા પાકના વિનાશને અટકાવવા અને માનવજીવન સામે જોખમ ટાળવાના હેતુથી આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક ગિરજપુરીમાં ૨૦ સભ્યોની બનેલી ઍન્ટિ-ડેવિડ્રેશન ટીમ (બચાવટુકડી) ની રચના કરી છે.

ભારત-નેપાલ સરહદ કૉરિડોર વન્ય જીવન માટે મુખ્ય માર્ગ છે. નેપાલના બરડિયા રાષ્ટ્રીય ઉદ્યાનના વન્ય જીવો ઘાટ ઓળંગી જાય છે. કાઝીરંગા નજીકના વિસ્તારમાં પશુઓ માટે રાખવામાં આવેલા ઘાસચારાની શોધમાં જંગલી હાથીઓ દર વર્ષે નેપાલ સરહદ તરફના માર્ગે ગામમાં પ્રવેશે છે અને ખેતીવાડીનો વિનાશ કરી નાખે છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ગ્રામીણ લોકોના જીવ સામે પણ જોખમ હોવાને કારણે સરકારી ધોરણે કડક પગલાં લેવાની ફરજ પડી છે. જંગલી હાથીઓના પ્રવેશને અટકાવવા ટીમના સભ્યો ડ્રમ અને મશાલનો ઉપયોગ કરે છે. ટીમ મેમ્બરોને હાથીની વર્તણૂક અને પ્રતિક્રિયાઓ, રેસ્ક્યુ તેમ જ લોકોનો બચાવ કઈ રીતે કરવો એની તાલીમ આપવામાં આવી છે. ગ્રામજનોને પણ સ્વબચાવ માટેની સામાન્ય તાલીમ આપવામાં આવી છે. ઍન્ટિ-ડેવિડ્રેશન ટીમના મેમ્બરો હાથીની હિલચાલ પર મૉનિટરિંગ રાખે છે. હુમલાનો સંકેત મળતાં તેઓ વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોને જાણ કરે છે. આ પ્રયાસોથી અહીં હ્યુમન-એલિફ્ન્ટ કૉન્ફ્લિક્ટની ઘટનાઓમાં ખાસ્સો ઘટાડો થયો છે.

તમને ખબર છે?

- ભારતમાં સૌથી વધુ વાઇલ્ડ એલિફન્ટ કર્ણાટકમાં છે. હાથીની છેલ્લી વસ્તીગણતરી અનુસાર અહીંનાં અભયારણ્યોમાં અંદાજે છ હજાર હાથી વસવાટ કરે છે.

- છેલ્લાં ત્રણ વર્ષમાં હ્યુમન-એલિફન્ટ કૉન્ફિલ્ક્ટમાં એકલા પિમ બંગાળમાં ૩૦૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્ય સ્તરે આ સૌથી ઊંચો આંકડો છે.

- આજથી બે દાયકા પહેલાં હાથી-માનવજાતની અથડામણમાં વર્ષે સો જેટલા લોકો મૃત્યુ પામતાં હતા. આજે આ સંખ્યા પાંચસોને પાર કરી ગઈ છે.

- હાથીઓના ઉત્પાતથી વર્ષેદહાડે આશરે ૧ મિલ્યન હેક્ટર ખેતીવાડીની જમીન અને ૧૫ હજાર પ્રૉપર્ટીને નુકસાન થાય છે.

- હાથીના મૃત્યુનું કારણ ઇલેક્ટ્રિક તાર છે. ત્યાર બાદ ટ્રેનઅકસ્માત, શિકાર અને ઝેરી દવા હોવાનું જાણવા મYયું છે.

- કેરળમાં ઈજાગ્રસ્ત અને મૃતક હાથી માટે ઍમ્બ્યુલન્સની જોગવાઈ છે.

-હાથીઓની સુરક્ષાને નજરમાં રાખી ઉત્તરાખંડની કોર્ટે જિમ ર્કોબેટ નૅશનલ પાર્ક અને રાજાજી ટાઇગર રિઝર્વમાં એલિફન્ટ રાઇડ પર પ્રતિબંધ મૂક્યો છે.

એલિફન્ટ રિઝર્વ

અત્યારે ભારતનાં ૩૦ એલિફન્ટ રિઝર્વમાં લગભગ ૨૮ હજાર હાથી છે. ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં નાગાલૅન્ડના સિંગાફાનનો એલિફન્ટ રિઝર્વમાં સમાવેશ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાં આ સંખ્યામાં વધારો થયો છે. ૫૮૨૫ એકરમાં ફેલાયેલા સિંગાફાનના અભયારણ્યમાં રહેતા હાથીઓની વસ્તીગણતરી કર્યા બાદ હાલમાં નાગાલૅન્ડમાં ૪૪૬ હાથી હોવાનો અંદાજ છે. ભારતનાં ત્રીસ રિઝર્વનાં નામો મયૂરઝરના, પૂર્વીય ડૂઅર્સ (પિમ બંગાળ), સિંહભમ (ઝારખંડ), મયૂરભંજ, મહાનદી, સંબલપુર (ઓડિશા), બદલાલોહ-તામોરપંગલા (છત્તીસગઢ), કામંગ, દક્ષિણ અરુણાચલ (અરૂણાચલ પ્રદેશ), શોણિતપુર, દિહિંગ-પટકાઈ, કાઝીરંગા, ચિરંગ, ધનસિરી (આસામ), ઇન્ટકી, સિંગાફાન (નાગાલૅન્ડ), ગારો હિલ્સ (મેઘાલય), દાંડેલી, મૈસૂર (કર્ણાટક), વાયનાડ, નિલામ્બપુર, અનામુદી, પેરિયાર (કેરળ), નીલગિરિ, અનામલાઈ, શ્રીવિલીપુથુર, કોઇમ્બતોર (તામિલનાડુ), રાયલા (આંધþ પ્રદેશ), શિવાલિક (ઉત્તરાખંડ) અને ઉત્તર પ્રદેશ અભયારણ્ય (ઉત્તર પ્રદેશ) છે.

વૈશ્વિક સ્તરે શું ચાલે છે?

હાથી જેવા ઉપયોગી અને કદાવર પ્રાણીની સુરક્ષા તેમ જ માનવઅથડામણની ઘટનાના નિવારણ માટે વિશ્વભરના દેશો પ્રયત્નશીલ છે. ભારતની સરખામણીએ હાથીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા આફ્રિકાના દેશો અને અન્ય એશિયન દેશો આ બાબતે વધુ ગંભીર અને જાગૃત છે. વૈશ્વિક સ્તરે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે એ જોઈએ.

ગેબૉન : આફ્રિકન દેશોના ગ્રામીણ વિસ્તારમાં હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટ એક મોટો પડકાર છે. આઇવરી (હાથીદાંત) માટે થતા હાથીઓના શિકાર પર લગામ તાણવા અને તેમના લૅન્ડસ્કેપની સુરક્ષા અર્થે આફ્રિકન હાથીઓના સંરક્ષણ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેસ ફૉર જાયન્ટ્સ ક્લબે આફ્રિકાના ત્રીજા ભાગના હાથીઓની વસ્તી ધરાવતા ગેબૉનમાં હ્યુમન-એલિફન્ટ કૉન્ફિલક્ટ મિટિગેશન પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. હાથીઓના પર સતત મૉનિટરિંગ માટે અહીંના લૅન્ડસ્કેપની વ્યુહાત્મક રચનાનો અભ્યાસ કરી લોકેશનના નક્શા બનાવવામાં આવ્યા છે. ડેટાસંગ્રહ માટે ખાનગી ક્ષેત્ર અને એનજીઓની પણ સહાય લેવામાં આવી છે. જાયન્ટ ક્લબે ૨૦૨૦ સુધીમાં આફ્રિકાના અડધોઅડધ હાથીઓને બચાવી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. લક્ષ્યાંકને પાર પાડવા વિશ્વભરના નિષ્ણાત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. આ સંસ્થા ગેબૉન ઉપરાંત ઝિમ્બાબ્વે, કેન્યા, અંગોલા, નામિબિયા, યુગાન્ડા, ઝામ્બિયા અને બોટ્સવાનામાં પણ કાર્યરત છે.

બંગલાદેશ : અહીંના સંરક્ષણવાદીઓ માટે હાથી-માનવજાત અથડામણ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. બે દાયકાથી આ પડકારનો સામનો કરી રહેલા બંગલાદેશને હવે થોડી સફળતા મળી છે. મુખ્યત્વે ખેતરોમાં ઘૂસી આવતા હાથીઓને અટકાવવા રિડ્યુસ હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટ પ્રોગ્રામ ઘડી કાઢવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં હાથીઓની મોટી વસ્તી ધરાવતા ચિત્તાગોન્ગ હિલ ટ્રૅક્સ રીજન અને બંદરબન (ભારતનું સુંદરવન) પર ફોકસ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ હાથીના વસવાટની જમીનની સુરક્ષા છે, જેથી તેઓ માનવવસાહતમાં ઘૂસી ન આવે. આ સિવાય હાથીઓના શિકાર અને ફૉરેસ્ટ ડિગ્રેડેશનને અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અલવિદા ઇલેક્શન: જો ઈશ્વરે ધાર્યું તો હવે મળીશું પાંચ વર્ષ પછી 2024ના મે મહિનામાં

શ્રીલંકા : એશિયન હાથીની ૨૦ ટકા વસ્તી ધરાવતા શ્રીલંકામાં પણ હાથી-માનવજાત અથડામણની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. એક આંકડા અનુસાર હાથી દ્વારા કરવામાં આવેલા હુમલામાં છેલ્લા એક દાયકામાં બારસો જેટલા શ્રીલંકન ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે તો સામે માનવજાતે ત્રણેક હજાર જેટલા હાથીઓને ગોળી મારી અથવા ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા છે. હ્યુમન-એલિફન્ટ કૉન્ફ્લિક્ટને ટાળવા વન્ય જીવન સંરક્ષણવાદીઓ અને ગાજા મિથુરો નામની સંસ્થાએ સંયુક્તપણે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટને હાલમાં હેમ્બનટોટામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. હાથીઓના પસાર થવાના માર્ગ પર ઇકો-ફ્રેન્ડલી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય દાંદુવેતા (લકડાની લાંબી વાડ) પણ બાંધવામાં આવી છે. વનવિસ્તારમાં હાથીઓના ખોરાક માટે મોટા પાયે વૃક્ષારોપણનું કામ પણ ચાલે છે.

columnists Varsha Chitaliya