સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 45

30 June, 2019 01:01 PM IST  |  મુંબઈ | ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 45

સરદાર: ધ ગેમ-ચેન્જર

પાકિસ્તાનના લશ્કરના બ્રિટિશ અધિકારી લેફ્ટેનન્ટ જનરલ સર ફ્રેન્ક મેસર્વીના લંડન રવાના થતાંની સાથે જ દેહાતી પઠાણોથી ભરેલી ટ્રક કાશ્મીર ભણી મોકલવાની શરૂ થઈ ગઈ. જોકે આ પઠાણોની ટુકડીઓ જાય એ પહેલાં સપ્ટેમ્બર મહિનાથી જ કાશ્મીરમાં સંઘર્ષ સર્જવાની કામગીરી સલૂકાઈથી શરૂ કરી દેવામાં આવી હતી.

‘એક બાત ધ્યાન સે સુન લો કિ યે કાફિર કભી તુમ્હારા ભલા નહીં સોચેંગે. ઔર યે તુમ્હારા મહારાજા હરિ સિંઘ હિન્દુસ્તાન કા પિઠ્ઠુ હૈ. નેહરુ ઔર પટેલ કા ચમચા હૈ. યે સબ બડી-બડી બાતેં કરતે હૈ ઔર એક બાર કશ્મીર ઉનકે હાથ મેં આ ગયા બાદ મેં તુમ સબ કો યે ગુલામ બના કર રખેંગે. હમ સબ અલ્લાહ કે બંદે હૈ. ઇસ્લામ સિર્ફ મેરા મજહબ નહીં, મેરા ઈમાન હૈ. ઇસ્લામ કે લિયે મૈં કિસી કી કતલ ભી કર સકતા હૂં... કાશ્મીરના પૂંચ જિલ્લાના સુરનકોટ ગામમાં સત્તી અને સુધાન આદિવાસીઓ મોડી સાંજે તાપણું કરીને બેઠા હતા ત્યારે એક મૌલવી જેવા લાગતા પચ્ચીસેક વર્ષના યુવાને આ નાનકડા જૂથને સંબોધવા માંડ્યું. હિન્દુસ્તાન અને મહારાજા હરિ સિંહ વિશે આગ ઓકી રહેલા આ યુવાનનું નામ આમ તો અમીન-ઉલ હઝનત હતું, પરંતુ તે પોતાની જાતને મનકી શરીફના પીર તરીકે ઓળખાવતો હતો.

કાશ્મીરમાં મુસલમાનોની વસ્તી વધુ હતી, પણ આ મુસલમાનો પરંપરાગત સુન્ની નહોતા. તેઓ ઉદારતમવાદી સૂફી હતા અને હિન્દુ ઋષિઓ તથા મહાત્માઓમાં પણ શ્રદ્ધા ધરાવતા હતા. પૂંચ જિલ્લાના સત્તી અને સુધાન કોમના આદિવાસીઓ તો મૂળભૂત રીતે બ્રાહ્મણ હતા, પણ મોગલકાળમાં તેમનું ધર્મપરિવર્તન થયું હતું. આમ આ લોકો મુસલમાન હોવા છતાં તેમનાં મૂળિયાં તો હિન્દુ જ હતાં.

દેશના ભાગલા થયા બાદ પાકિસ્તાનની સરહદ તરફના પ્રાંતોમાં સર્વસામાન્ય લોકોની આર્થિક સ્થિતિ બહુ જ કથળી ચૂકી હતી. ખાસ તો કાશ્મીરમાં અગાઉ પાકિસ્તાન તરફના ભાગથી જે પુરવઠો આવતો હતો એ બંધ થઈ જવાને કારણે સ્થિતિ વધુ વિકટ હતી. આવી અછતગ્રસ્ત સ્થિતિમાં પરેશાન થઈ રહેલી આ આદિવાસી જાતિના કાનમાં મનકી શરીફના પીર જેવા પાકિસ્તાનીઓએ હિન્દુસ્તાન અને મહારાજા વિરુદ્ધ ઝેર રેડવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, પણ તેમને થોડીક આર્થિક સહાય પણ પહોંચાડી. આ રીતે મુસ્લિમ લીગના પ્રતિનિધિઓએ પૂંચ જિલ્લાના દસેક હજાર કાશ્મીરીઓને બળવો કરવા તૈયાર કર્યા.

આ દસ હજાર બળવાખોરોએ બાગ નામના શહેરમાં ઘૂસવાની કોશિશ કરી. આ શહેરમાં બહુમતી હિન્દુ અને શીખ હતા. તેમણે અને કાશ્મીરના સૈનિકોએ બળવાખોરો સામે ટક્કર લીધી, જેના કારણે બંને તરફ થોડીક જાનહાનિ થઈ. આ બળવો તો દબાવી દેવાયો, પણ આનો ફાયદો લઈ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે એવું ગાણું શરૂ કરી દીધું કે કાશ્મીરમાં મહારાજા હરિ સિંહ મુસ્લિમોનો સામૂહિક નરસંહાર કરી રહ્યા છે.

***

પાકિસ્તાન અને કાશ્મીર વચ્ચે જાણે એક જળની રેખા ખેંચી હોય એ રીતે જેલમ નદી વહી રહી હતી. 22મી ઑક્ટોબરની રાતે જેલમનાં પાણી રાબેતા મુજબ ખળખળ વહી રહ્યાં હતાં. કાશ્મીરમાં શિયાળો બેસી ગયો હતો અને ઠંડો પવન સુસવાટા મારી રહ્યો હતો. સામાન્ય પ્રજા પોતપોતાના ઘરમાં ગોદડાં ઓઢીને સૂતી હતી ત્યારે જેલમ પરના પુલના પાકિસ્તાન તરફના છેવાડે એક છોકરડો બેચેનીથી આંટા મારી રહ્યો હતો. ઘડીક તે પાકિસ્તાન ભણી તો વળી થોડીક ક્ષણોમાં તે કાશ્મીર તરફ જોઈ લેતો હતો. તેણે પોતાની જૂની ફૉર્ડ સ્ટેશનવૅગન પુલ નીચે ઊભી રાખી હતી. આ વેરાન જગ્યામાં વૃક્ષો, પક્ષીઓ અને પશુઓ અંધકારની કાળી ચાદર ઓઢીને સૂતાં હતાં. ચારેતરફ એટલો સૂનકાર હતો કે તેના ચાલવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો. અચાનક તેના કાને મશીનની ઘરઘરાટીનો અવાજ પડ્યો અને તે ચોંકી ગયો, પરંતુ પાકિસ્તાન તરફથી 300 ટ્રકનો જથ્થો આવતો જોઈ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. બીજી જ ક્ષણે તે સતર્ક થઈ ગયો. હવે તેની નજર પુલના બીજા છેડા તરફ ખોડાઈ રહી હતી. થોડી જ વારમાં પુલના પેલે છેડેથી ફટાકડાની હવાઈની રોશની દેખાઈ અને તેને રીતસર નાચવાનું મન થઈ આવ્યું, પણ તેણે પોતાની જાત પર કાબૂ જાળવી રાખ્યો. તે સભાન થઈ ગયો કે ઊંચા, કદાવર પઠાણી કાફલાનો તે આગેવાન હતો અને આ સમયે કોઈ પણ છોકરમત કરવી તેને પરવડે એમ નહોતી. આ ત્રેવીસ વર્ષીય યુવાન સૈરાબ ખયાત ખાને પુલની નીચે ઊભેલી સ્ટેશનવૅગન સ્ટાર્ટ કરી અને ટ્રકના જથ્થાને પાછળ આવવા ઇશારો કર્યો. તેની સ્ટેશનવૅગનના ઇગ્નિશન સાથે કાશ્મીર સાથેના યુદ્ધનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં. પુલના પેલા છેડેથી છૂટેલી ફટાકડાની હવાઈ એ બાબતનો સંકેત હતો કે કાશ્મીરના મહારાજા હરિ સિંહના લશ્કરના મુસલમાન સૈનિકોએ બગાવત કરી હતી.

થોડા દિવસ પહેલાં મહારાજા હરિ સિંહે પોતાના લશ્કરના લેફ્ટેનન્ટ કર્નલ નારાયણ સિંહને પૂછ્યું હતું, ‘તમારા સૈન્યના અડધાથી વધુ સૈનિકો મુસલમાન છે. તેમના પર વિશ્વાસ રાખી શકાય?’ ત્યારે કર્નલ નારાયણ સિંહે ગર્વથી કહ્યું હતું કે ‘તેઓ ડોગ્રા (જમ્મુના હિન્દુઓ) કરતાં વધુ વિશ્વાસપાત્ર છે.’ પરંતુ તેમનો આ ભરોસો સદંતર ખોટો સાબિત થયો હતો. તેમના સૈન્યના મુસલમાનોએ બગાવત કરી કર્નલ નારાયણ સિંહની જ નહીં, પણ અન્ય હિન્દુ અધિકારીઓની હત્યા કરી, ટેલિફોન લાઇનો કાપી નાખી હતી. બગાવત બાદ મુસલમાન સૈનિકો ‘ગ્રીન શર્ટ્સ ઑફ મુસ્લિમ લીગ’ ટુકડીના યુવાન સૈરાબ ખયાત ખાન સાથે જોડાઈ ગયા. પઠાણો ભરેલી ટ્રક લઈને સૈરાબ ખાન જેલમ પરના પુલની પેલે પાર પહોંચ્યો ત્યાં કાશ્મીરના બાગી મુસલમાન સૈનિકો તેની સાથે જોડાયા. આ આખો કાફલો મુઝફરાબાદ પહોંચ્યો.

સૈરાબ ખાનની ખુશીનો પાર નહોતો, કારણ કે તેની ગણતરી મુજબ શ્રીનગરના મહારાજા હરિ સિંહનો મહેલ ગુલાબભવન હવે ૧૩૫ માઈલ જ દૂર હતો. તે માનતો હતો કે 23મી ઑક્ટોબરની સવારે તે મહારાજા સાથે ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરતાં-કરતાં કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડતા દસ્તાવેજો પર સહી-સિક્કા કરાવી લેશે. આ કાર્ય પૂરું પાડતાં હવે તેને કોઈ રોકી શકે એમ નહોતું, પરંતુ મુઝફરાબાદની સરહદમાં પ્રવેશતાં જ તેણે પાછળ ફરીને જોયું તો તે સડક થઈ ગયો. પાછળ આવી રહેલી ત્રણસોએ ત્રણસો ટ્રકો ખાલીખમ હતી. રાત્રિના એ છેલ્લા પહોરના ગાઢ અંધકારમાં ટ્રકમાંથી ઊતરી-ઊતરીને પઠાણો મુઝફરાબાદની બજારોમાં ફરી વળ્યા હતા. એ હિન્દુ બજારોની દુકાનોનાં તાળાં અને દરવાજા સુધ્ધાં તેમના સશક્ત સ્નાયુઓની મદદથી તોડી-તોડીને તેઓ લૂંટ મચાવવા માંડ્યા હતા. તેમના માટે જેહાદ કરતાં લૂંટ વધુ લોભાવનારી હતી. કદાવર પઠાણો સામે સાવ બચૂકડો લાગે એવા યુવાન સૈરાબે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ માતેલા સાંઢ જેવા પઠાણોના કાન સુધી તેનો અવાજ પણ પહોંચતો નહોતો. સવાર સુધી ગુલાબભવનમાં પહોંચવાનું તેનું ખ્વાબ ચૂર-ચૂર થઈ ગયું.

મુઝફરાબાદ પછી શ્રીનગર તરફના રસ્તે આવતાં દરેક નાનાં-મોટાં ગામમાંથી પઠાણોની લૂંટફાટ ચાલુ રહી. બીજા દિવસે સવારે શ્રીનગર પહોંચવાનું નક્કી કરીને બેઠેલો સૈરાબ 48 કલાકે માંડ 83 માઈલનું અંતર કાપીને રાજૌરી જિલ્લાના મહુરા ખાતે પહોંચી શક્યો.

“યહાં ઇધર લાઓ. મેરે હાથ મેં દે દો...” સૈરાબ ખાને કાશ્મીરના સૈન્યમાંથી બગાવત કરીને આવેલા સૈનિકને કહ્યું.

સૈનિકે તેના હાથમાંની ડાઇનેમાઇટની સ્ટિક્સનું એક બંડલ પકડાવ્યું. સૈરાબ ખાન મશીનોથી ભરેલા વિશાળ ખંડમાં પ્રવેશ્યો. એ મશીનોની વચ્ચે તેણે ડાઇનેમાઇટ સ્ટિક્સનું બંડલ ગોઠવ્યું.

‘બાહર... બાહર નિકલો સબ...’ તેણે જોરથી આદેશ આપ્યો. બધા બહાર નીકળી ગયા છે એ ખાતરી થઈ જતા તેણે હાથમાંની જામગરીને માચીસ વડે સળગાવી. જામગરી ભડભડ સળગી ઊઠી. અગ્નિની કેસરી રંગની ઝાંય સૈરાબ ખાનના રૂપાળા ચહેરાને વધુ સુંદરતા બક્ષતી હતી. તેની ઘાટી મૂછો નીચે એક ખંધુ સ્મિત ફરકી ગયું. તેણે હાથ લાંબો કર્યો અને પછી એ હાથમાંની જામગરીનો એ રીતે ઘા કર્યો કે એ સીધી ડાઇનામાઇટની સ્ટિક પર પડે. ઘડીના છઠ્ઠા ભાગમાં તેણે મુખ્ય દરવાજા તરફ દોટ મૂકી. જામગરીનો અગ્નિ પોતાનું કામ કરે એ પહેલાં તે સલામત અંતરે પહોંચી ગયો હતો.

એક મોટો ધમાકો થયો.

***

શ્રીનગરમાં ગુલાબભવનનો દરબાર હૉલ રોશનીથી ઝળહળી રહ્યો હતો. નવરાત્રિ પૂરી થઈ હતી. ઝરીભરેલા સોનેરી જામેવાર ડિઝાઇનના જોધપુરી બંધગલા અચકનની ઉપર મોતીની માળા પહેરેલા મહારાજા હરિ સિંહ કાશ્મીરના તખ્ત પર બિરાજ્યા હતા. રાજ્યના પ્રતિષ્ઠિતો મહારાજાને ભેટસોગાદો ધરી રહ્યા હતા. ખાણીપીણીની મહેફિલ ચાલી રહી હતી.

અચાનક ગુલાબભવનના દરબાર હોલનાં બધાં જ ઝુમ્મરો ઓલવાઈ ગયાં. ફક્ત દરબાર હૉલમાં કે મહેલમાં જ નહીં, પણ પાકિસ્તાનની સરહદથી માંડીને લડાખ સુધી અને ચીનની સરહદ પર અંધારપટ છવાઈ ગયો.

કાશ્મીરના મહુરાનું વીજમથક સૈરાબ ખાને ફેંકેલી જામગરીને કારણે ડાઇનામાઇટના ફાટવાથી ધ્રૂજી ઊઠ્યું હતું અને આખા વિસ્તારની લાઇટો બુઝાઈ ગઈ.

***

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 44

મહુરાનું વીજમથક ઉડાવી સૈરાબ ખાને બગાવતી કાશ્મીરી મુસલમાન સૈનિકો અને પઠાણોના કાફલા સાથે બારામુલ્લા તરફ કૂચ આદરી. પઠાણોના વર્તનથી તે થોડોક નાસીપાસ થયો હતો, પણ તેનો ઉત્સાહ હજુ મરી પરવાર્યો નહોતો. બારામુલ્લામાં આ આખો કાફલો જોઈને કાશ્મીરના સેનાપતિ બ્રિગેડિયર રાજિન્દર સિંહ ચોંકી ગયા, પણ તેમણે પોતાના ૧૫૦ સૈનિકો સાથે હુમલાખોરો સાથે બાથ ભીડી. ઉરીમાં બે દિવસ એક સમયે એકબીજાના સાથી રહેલા કાશ્મીરી મુસલમાન સૈનિકો અને બ્રિગેડિયર રાજિન્દર સિંહની ટુકડીના હિન્દુ સૈનિકો વચ્ચે લડાઈ ચાલી. બ્રિગેડિયર અને તેમના તમામ ૧૫૦ સૈનિકો આ જંગમાં શહીદ થયા. હુમલાખોરોને અટકાવી તો ન શકાયા, પણ બે દિવસ સુધી તેમને શ્રીનગર તરફ આગળ વધતાં રોકી શકાયા. આ બે દિવસનો સમય બહુ જ મહત્ત્વનો સાબિત થયો.

***

૨૪મી ઑક્ટોબરે રાવલપિંડીના ૧૭૦૪ નંબરના ટેલિફોન પરથી દિલ્હીનો ૩૧૦૭ નંબર ડાયલ થયો... (ક્રમશઃ)

columnists weekend guide