કૉલમ: જયપુરની હોટેલમાં જામેલી મહેફિલમાં જૉની લીવરે શું ચમત્કાર કર્યો

28 April, 2019 01:45 PM IST  |  | વો જબ યાદ આએ - રજની મહેતા

કૉલમ: જયપુરની હોટેલમાં જામેલી મહેફિલમાં જૉની લીવરે શું ચમત્કાર કર્યો

કલ્યાણજી આણંદજી સ્પેશ્યલ

અંધેરીથી સાઉથ બૉમ્બે જસલોક હૉસ્પિટલ સુધીની મારી જૉની લીવર સાથેની દોઢ કલાકની મુસાફરી, ફિલ્મોનાં જૂનાં ગીતો, મહેંદી હસન અને જગજિત સિંહની ગઝલો સાંભળતા, અને એની બારીકીઓની ચર્ચા કરતા પૂરી થઈ ગઈ. એ દરમ્યાન મેં તેમને એક પ્રશ્ન કર્યો, ‘તમારી સંગીતની આટલી ઊંડી સમજ જોઈને મને લાગે છે કે તમે સંગીતની વ્યવસ્થિત તાલીમ લીધી હશે.’ એના જવાબમાં જૉની લીવર કહે છે,

‘મને નાનપણથી ફિલ્મોનાં ગીતો સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. મિત્રો સાથે ગીતો ગાઈએ અને ધમાલ કરીએ. એથી વિશેષ બીજું કશું નહીં. એ સમયનાં ગીતો મારા દિલ પર ખૂબ અસર કરતાં. સંગીતનો અસલી નશો મને કલ્યાણજી-આણંદજીના પરિચયમાં આવ્યો ત્યાર પછી ચડ્યો. શરૂઆતમાં ફુરસદના સમયમાં હું તેમના મ્યુઝિક હૉલ પર જતો. ત્યાં કોઈ ને કોઈ કલાકાર બેઠા હોય. સંગીતની મહેફિલ જામેલી હોય. મહેંદી હસન આવે; ગુલામ અલી આવે, મુકેશજી આવે. દિલીપ કુમાર હોય. પુરુષોત્તમ ઉપાધ્યાય હોય, ક્લાસિકલ સંગીતના ઉસ્તાદો આવે. નવા-જૂના અનેક કલાકારો ત્યાં સિટિંગ માટે આવે. આખું વાતાવરણ સંગીતમય હોય. નવા સિંગર્સને જે બારીકીથી આ ભાઈઓ ટ્રેઇનિંગ આપે, એ જોઇને મને પણ મજા આવે; ઘણું શીખવા મળે. મને લાગે છે; આ સોબતને કારણે; જાણેઅજાણે મારા કાન ગાયકીની સમજ માટે કેળવાતા ગયા.’

‘આ ઉપરાંત મારી મિમિક્રીમાં હું સંગીતની આઇટમ પણ ઉમેરતો ગયો, જેના કારણે સંગીતમાં મારો રસ વધતો ગયો. ગુજરાતી, મરાઠી, હિન્દી અને બીજી પ્રાદેશિક ભાષાના લોકસંગીતની જાણકારી મળતી ગઈ; જેને હું મારી કૉમેડીમાં ઉમેરતો ગયો, જેથી લોકો સાથે સહેલાઈથી કનેક્ટ થઈ શકાય. અમે ટૂરમાં જઈએ એટલે મ્યુઝિશ્યન્સ સાથે ઊઠવા બેસવાનું થાય. ઑલ ઇન ઑલ, મારી સંગીતની જે કંઈ સમજ છે, એનું સંપૂર્ણ શ્રેય હું કલ્યાણજી-આણંદજીને આપું છું.’

જૉની લીવરને જસલોક હૉસ્પિટલમાં તેમના પાડોશીની ખબર કાઢવા જવાનું હતું. મને કહે, ‘હું દસ મિનિટમાં ખબર કાઢીને આવું છું. તમે એક કામ કરો. ગાડીમાં બેસી મહાલક્ષ્મી મંદિર જઈ આવો.’ ત્યાં જ મેં મારા મિત્ર હરેશભાઈને જોયા. મેં કહ્યું, ‘ચિંતા ન કરો, હું દસ મિનિટ તેમની સાથે ગપ્પાં મારું છું. તમે ઉપર જઈ આવો. એટલે કાઠિયાવાડી લહેકામાં મને કહે, ‘બાપુ, તમે અંદર નિરાંતે બેહો, હું ફટાફટ આવું છું.’

મારી સાથે ગપ્પા મારતા મારા મિત્ર હરેશભાઈ તો આ સાંભળી નવાઈ પામી ગયા. મેં કહ્યું, ‘આજે કેવળ હાસ્ય કલાકાર નહીં, પણ સંગીતપ્રેમી જૉની લીવરનો મને પરિચય થયો.’ કહ્યા મુજબ ૧૦ મિનિટમાં જ તે પાછા આવી ગયા. હૉસ્પિટલમાં તેમના ચાહકો સાથે જે રીતે તેમણે મસ્તી-મજાક કરી સહજતાથી વ્યવહાર કર્યો અને સેલ્ફીઓ લીધી એ જોઈને એમ લાગ્યું કે આ કલાકારના પગ હજી ધરતી પર જ છે. નક્કી થયા મુજબ અમે આણંદજીભાઈને સરપ્રાઇઝ આપવા ‘દેવ આશિષ’ પહોંચ્યા. બેલ મારી અને નોકરે દરવાજો ખોલ્યો તો કહે, ‘કહેતો નહીં કે અમે આવ્યા છીએ. કહેજે, કુરિયરવાળો હતો. અને અમે ડ્રૉઇંગરૂમમાં બેઠા. આણંદજીભાઈ બેડરૂમમાં આરામ કરતા હતા. આ તરફ જૉની લીવર કચ્છી ભાષામાં બોલવા લાગ્યા. એ સાંભળી આણંદજીભાઈ બહાર આવ્યા અને અમને જોઈ કહે, ‘જૉનીનો અવાજ તો હું દૂરથી ઓળખી જાઉં. તમે બન્ને આમ અચાનક સાથે ક્યાંથી? મેં વિગતે વાત કરી...

આણંદજીભાઈને ત્યાં જઈએ એટલે હંમેશાં ખાણી-પીણીની મહેફિલ જામે. પાણીપૂરીની જ્યાફત ઉડાવતાં અમે સૌ બેઠા હતા ત્યારે જૉની લીવર ફરી એક વાર વીતેલા દિવસોને યાદ કરતાં કહે છે, ‘કલ્યાણજી-આણંદજી; આ બન્ને ભાઈઓ દૂરંદેશી છે. તેમનામાં એ ખૂબી છે કે તમારામાં જો કંઈ કાબેલિયત હોય તો એને નિખારવા ખૂબ જ મહેનત કરે. એક પાસા પડ્યા વિનાનો, કાચો હીરો, જો પારખુ ઝવેરીના હાથમાં આવે તો તેને તરત ખબર પડી જાય એવી જ રીતે આ ભાઈઓની ર્દીઘદૃષ્ટિને કારણે અમારા જેવા કેટલાય નવા કળાકારોની જિંદગી બની ગઈ છે. કોઈ પણ જાતની અપેક્ષા વિના; આવા આશાસ્પદ કલાકારો પાછળ મહેનત કરીને, તેમણે પ્લૅટફૉર્મ આપ્યું છે. મને અફસોસ થાય છે કે અમુક કલાકારો આ વાતનો જાહેરમાં સ્વીકાર નથી કરતા.’

આ વાતનું સમાપન કરતાં આણંદજીભાઈ એટલું જ કહે છે, ‘બાપુજીએ હંમેશાં એક જ વાત કરી હતી. બને ત્યાં સુધી કોઈનું ભલું થતું હોય તો કરવું. તેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી, કારણ કે લોકો તમારો ઉપકાર ભૂલી જાય, પરંતુ ઈશ્વર તમે કરેલો પરોપકાર ભૂલતો નથી. અમને તો આ વાતનો કોઈ અફસોસ જ નહોતો. એટલે જ આજે પણ જ્યાં જઈએ ત્યાં લોકોનો અનહદ પ્રેમ મળે છે.’

આણંદજીભાઈ અને જૉની લીવર સાથે વીતેલા સમયનાં અનેક સંભારણાં યાદ કરીને અમે ત્યાંથી નીકળ્યા. નીચે ઊતરતાં ત્યાંના લિફ્ટમૅન અને સિક્યૉરિટી ગાર્ડ જૉની લીવરને જોઈને કહે, ‘સાબ, કિતને દિનો કે બાદ આયે.’ તેમની સાથે પ્રેમથી વાતો કરતાં જૉની લીવરે બન્નને સો-સો રૂપિયાની બક્ષિસ આપી. જતી વખતે આણંદજીભાઈએ તેમને કહ્યું હતું, ‘જયપુરનો મોરવાળો કિસ્સો રજનીભાઈને ખાસ કહેજે.’

જૉની લીવરનો આગ્રહ હતો કે મને છેક ઘર (ઘાટકોપર) સુધી મૂકી જાય, પરંતુ મેં કહ્યું કે તમને ઘણું મોડું થશે. તો કહે, ‘ના, એ બહાને તમારી સાથે વાતો કરવાનો સમય મળશે. ખબર નહીં, તમારી સાથે પહેલી મુલાકાતમાં જ એમ લાગે છે કે મારી અમુક વાતો શૅર કરી શકું. સામાન્ય રીતે આ વાતો હું જાહેરમાં નથી કહેતો. કેવળ મને નજીકથી ઓળખતા લોકોને આની જાણ છે.’

હું મનમાં વિચાર કરતો હતો કે એવી કઈ વાત હશે જે જૉની લીવર પહેલી જ મુલાકાતમાં મારી સાથે શૅર કરવા માગે છે, અને જૉની લીવર વાત માંડતાં કહે છે, ‘મેં તમને કહ્યું કે ૧૮ વર્ષની ઉંમરે મારા પહેલા સ્ટેજ પર્ફોર્મન્સ સમયે મારો જે ફિયાસ્કો થયો ત્યારે ઈશ્વરે મને સધિયારો આપ્યો કે ચિંતા ન કર, હું તારી સાથે છું. એ પછી મારી કોઈ પણ મુશ્કેલીમાં હું ઈશ્વરને યાદ કરું તો જાણે તે મારી સાથે વાત ન કરતો હોય તેમ મને માર્ગદર્શન આપે. કોઈ પોતાનો પ્રૉબ્લેમ લઈને આવે તો ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે ભગવાન, આની મુશ્કેલી દૂર કરી દે. હું નિયમિત ચર્ચમાં જાઉં છું, અને મારા માટે નહીં, પણ લોકો માટે પ્રાર્થના કરું છું (સુરેશ દલાલનું વાક્ય યાદ આવે છે, ‘બીજા માટે કંઈ માગીએ એ જ સાચી પ્રાર્થના છે; આપણા માટે માગીએ એ તો યાચના છે). ‘આજે હૉસ્પિટલમાં મારા પાડોશીનાં મમ્મીને મળવા ગયો હતો ત્યારે મેં એ જ વાત કરી, ડૉક્ટરોએ કહ્યું હતું કે તમારે બાયપાસ કરાવવી પડશે. મેં કહ્યું હતું, ‘આપ ફિકર મત કરના, આપકો કુછ નહીં હોગા.’ અને તેમના ‘રિપોર્ટસ એકદમ ક્લિયર છે. કોઈને દુખી જોઉં છું તો તેના વિશે મનમાં જે સારા ભાવ આવે છે તે કહું છું. મને લાગે છે હું જે કંઈ સારી વાત કરું છું એ ભગવાન મારી પાસે બોલાવે છે. ‘આઇ થિન્ક, આઇ ઍમ જસ્ટ હિઝ માઉથપીસ.’ તમને જયપુરની વાત કરું. અમે ટૂરમાં ગયા હતા. મોડી રાતે હોટેલના ગાર્ડનમાં મહેફિલ જામી હતી. ત્યાં મોરનો કલરવ ચાલતો હતો. કોઈએ કહ્યું, ‘આટલી રાતે આટલા મોર મેઆઉં. મેઆઉં કરે છે તો વાતોમાં ખલેલ પડે છે.’ હું બે ડ્રિન્કસ લીધા પછી રાજાપાઠમાં હતો. મેં કહ્યું, ‘તો ચૂપ કરાવી દઉં?’ સૌ મારી તરફ જોવા લાગ્યા. આણંદજીભાઈએ કહ્યું, ‘કરા દે.’ અને મેં જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં જોઈ એટલું જ કહ્યું, ‘શી... શ... ચૂપ.’ અને માનશો? એકસાથે દરેક મોર ચૂપ થઇ ગયા. લોકો પણ શાંત થઈ ગયા. થોડી ક્ષણ પછી સૌ મને કહે, ‘જૉની, કમાલ કર દિયા.’ આણંદજીભાઈને મસ્તી સૂઝી, કહે, ‘અચ્છા, અબ વાપિસ આવાઝ શરૂ કરા સકતા હૈ?’ મેં આરામથી કહ્યું, ‘ઇસમેં કૌન સી બડી બાત હૈ?’ એટલું કહી મેં મોરની દિશામાં બે-ત્રણ ચપટી વગાડી અને ફરી પાછો કેકારવ શરુ થયો. લોકોને આર્ય થયું. આવું બે-ત્રણ વાર થયું. જોકે હું મારી મસ્તીમાં હતો એટલે મને આ વાતની કંઈ ખબર નહોતી. આ વાતના અનેક લોકો સાક્ષી છે. મને ખબર નથી આની પાછળ કઈ શક્તિ કામ કરતી હતી. બીજે દિવસે સવારે લોકોએ આ ચમત્કારની વાત કરી ત્યારે હું પોતે પણ આ વાત માનવા તૈયાર નહોતો.’

જૉની લીવર આ ઉપરાંત બીજા અંગત બેત્રણ કિસ્સા મારી સાથે શૅર કરે છે, અને કહે છે. ‘જેમ જેમ દિવસો જતા ગયા એમ મને ઈશ્વર પર વધુ ને વધુ વિશ્વાસ બેસતો ગયો. અને મેં નક્કી કર્યું કે મારે હવે જીવન પ્રત્યે વધુ સિરિયસ થઈ જવું જોઈએ. મેં વર્ષોથી દારૂ પીવાનું બંધ કર્યું છે. આજે શક્ય હોય ત્યાં સુધી લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું. મારી લાયકાત કરતાં વધુ સુખ ઈશ્વરે મને આપ્યું છે એ બદલ તેનો •ણી છું. તમે ઉંમરમાં મારાથી મોટા છો તો મને આર્શીવાદ આપો કે હું આવાં કામો વધુ સારી રીતે કરી શકું.’ આટલું કહેતાં જૉની લીવર મારો હાથ પકડી ભાવવિભોર થઈ જાય છે. હું તેમને શુભેચ્છાઓ આપતાં એટલું જ કહું છું કે જે બીજાની પીડાને દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે તેને સદાય ઈશ્વરનો આર્શીવાદ હોય છે.’

છૂટા પડતી વખતે જૉની લીવર કહે છે, ‘તમને મળીને ખૂબ આનંદ થયો. આ તરફ આવો ત્યારે જરૂર ફોન કરજો. આપણે મળીશું, વાતો કરીશું અને સંગીત સાંભળીશું,’

હું ફિલ્મજગતના અનેક મોટા કલાકારોને મYયો છું. સમય જતાં કેટલાય કલાકારો સાથે ઘરોબો બંધાયો છે; પરંતુ પહેલી જ મુલાકાતમાં જૉની લીવર સાથે જે આત્મીયતા બંધાઈ એવું સંગીતકાર ઓ. પી. નય્યર સિવાય, ભાગ્યે જ બન્યું છે. મોટા ભાગે દરેક વ્યક્તિ પોતાના અસલી ચહેરા પરની ખામીઓને ઢાંકવા એક ખૂબસૂરત નકલી ચહેરો લગાવીને જીવતી હોય છે. મને લાગે છે; જૉની લીવર કદાચ તેમની ખૂબીઓને ઢાંકવા એક નકલી ચહેરો લઈને જીવે છે.

જૉની લીવર સાથેની મારી આ વાતો જ્યારે મેં આણંદજીભાઈ સાથે શૅર કરી ત્યારે તેમણે કહ્યું, ‘જયપુરના મોરવાળા કિસ્સા પછી સવારે જૉની બ્રેકફાસ્ટ ટેબલ પર મારાથી નજર બચાવતો હતો.’ મેં કહ્યું, ‘જૉની, સચ બતા. કલ રાત યે કમાલ કૈસે કિયા?’ તો કહે, ‘સચ કહેતા હૂં, યે કૈસે હુઆ મુજે કુછ પતા ભી નહીં ઔર કુછ યાદ ભી નહીં. સુબહ જબ લોગોને બતાયા તો લગા સબ મેરી મજાક કર રહે હૈ.’ મને લાગે છે ઈશ્વરે તેને કંઈક એવું વરદાન આપ્યું છે જેની કદાચ તેને પણ ખબર નથી. તેણે મર્સિડીઝ ગાડી લીધી તો સૌથી પહેલાં અહીં આવીને મને કહે, ‘બન્ને ભાઈઓના આર્શીવાદના કારણે આજે મર્સિડીઝમાં ફરું છું. એને હાથ લગાડો.’ અને મને આગ્રહ કરી રાઉન્ડ મારવા લઈ ગયો. તેના યુવાન દીકરાને કૅન્સરની જીવલેણ બીમારી હતી. એમાંથી તે સાજો થઈ ગયો, ત્યાર બાદ તે ખૂબ બદલાઈ ગયો છે. તેના ઘરમાં એક બરણી (જાર) રાખી છે. એમાં ગણ્યા વિના, સમયાન્તરે રૂપિયાની નોટો નાખ્યા કરે. કોઈ મદદ માટે આવે તો પોતે આડું જોઈને એક હાથની મુઠ્ઠી ભરી પેલાને પૈસા આપે. મેં પૂછ્યું, ‘કેમ આડું જોઈને પૈસા આપે છે?’ તો કહે, ‘જોઈને આપું તો ખબર પડે કે કેટલા પૈસા આપ્યા છે. એ વિચારે કદી મનમાં ઘમંડ આવી જાય કે આને તો આટલી મદદ કરી; એટલે જોવાનું જ નહીં. તેના નસીબમાં જે હોય તે એને મળી જાય.’

આ પણ વાંચો : કૉલમ: સમજદારી વધી શકે

જૉની લીવર વિશેની આ વાતો સાંભળતાં મનમાં થયું, ‘એક હાથે મદદ કરો એની બીજા હાથને ખબર ન પડવી જોઈએ.’ આ સુવાક્ય અનેક વાર સાંભળ્યું છે; વાંચ્યું છે, પરંતુ આજે તે સમજાયું. જે બીજાનાં આંસુ લૂછે છે તેની આંખોમાં ઈશ્વર કદી આંસુ આવવા દેતો નથી. જૉની લીવરના ફેવરિટ ચાર્લી ચૅપ્લિનની વાત યાદ આવે છે, ‘જો તમારી પાસે આંસુ નહીં હોય તો તમે બીજા માટે હાસ્ય નિષ્પન્ન ન કરી શકો.’ જૉની લીવર જેવા સફળ હાસ્યકલાકારની સફળતાનું ‘ટ્રેડ સીક્રેટ’ મને પહેલી જ મુલાકાતમાં મળી ગયું.

columnists