કલ્યાણજી અડધી રાત્રે કિશોર કુમારના બંગલાની બહાર તેમની રાહ જોતા હતા

05 May, 2019 01:03 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

કલ્યાણજી અડધી રાત્રે કિશોર કુમારના બંગલાની બહાર તેમની રાહ જોતા હતા

કલ્યાણજી

કિશોર કુમાર વિશે આ પહેલાં ઘણી વાતો લખી ચૂક્યો છું. કિશોર કુમાર એક એવા વિવિધરંગી કળાકાર હતા કે આજ સુધી તેમના જીવનના નવા નવા કિસ્સાઓ મને જાણવા મળે છે. તેમના વિશે એક પુસ્તક નહીં, ગ્રંથ લખી શકાય. આ પહેલાં જે કિસ્સાઓ તમારી સાથે શૅર કર્યા એમાં એ પણ લખાયું હતું કે એક સમય એવો આવ્યો કે તે પરિવારના સભ્યો અને અંગત મિત્રોને કહેતા; ‘અબ મેરે જાનેકા સમય આ ગયા હૈ. એક દિન મૈં ઐસે ચલ પડુંગા કે દુનિયા દેખતી રહ જાયેગી.’ આણંદજીભાઈ આ વાતની પુષ્ટિ કરતાં જે વાત કરે છે એ મારા માટે પણ નવી હતી. ‘કતારમાં અમારો શો હતો. પ્લેનમાં કિશોર કુમાર મને કહે, ‘બસ, અબ મેરા ટાઇમ હો ગયા હૈ. મૈંને વિલ ભી બના દિયા હૈ.’ મૈં કહ્યું, ‘કિશોરદા, અચાનક આ વિચાર કેમ આવે છે. હજી તો આપણે કેટલાય શો કરવાના છે. તો કહે, ‘મુજે સબ પતા હૈ, ઇસ લિયે તો વિલ બનાયા હૈ. અબ સબ કુછ છોડકર, ખંડવા જાનેકી સોચ રહા હૂં. આપ કો તો માલૂમ હૈ કી (એક મશહૂર કળાકારનું નામ લે છે) જાને કે બાદ, ઉનકે ફૅમિલી મેં પ્રૉપર્ટી ઔર પૈસે કે બારેમે કિતની ગડબડ હુઈ થી. મૈંને સબ કે લિયે સોચકર, કિસકો ક્યા મિલેગા, વો ડીટેલમેં લિખા હૈ,’ અને આટલું કહી મને વિગતવાર વાત કરી...

કચ્છમાં તેમની સાથે અમારો સ્વામિનારાયણ માટે એક શો હતો; જે અમારી સાથેનો તેમનો છેલ્લો કાર્યક્રમ બન્યો. તે દિવસોમાં ગરમી પુષ્કળ હતી તે છતાં તે અમારી સાથે આવ્યા હતા... મને કહે, ‘તમે તો ઘરવાળાને સાથે લઈને આવો છો, એટલે શૉપિંગની ચિંતા નથી. મારે અહીંથી કંઈક લઈ જવું છે.’ એટલે અમે ત્યાંની પ્રખ્યાત શાલ લેવા ગયા. તેમણે ચાર-પાંચ શાલ લીધી. અમે પૈસા તૈયાર રાખ્યા હતા. તો કહે, ‘યે મેરી શૉપિંગ હૈ. મૈં હી પૈસા દુંગા.’ દુકાનદાર પૈસા લેવાની આનાકાની કરે તો હાથમાં જબરજસ્તી પૈસા આપીને કહે, ‘ઠીક સે ગિન લો, બરાબર હૈ ના.’ પેલો કહે, ‘ગણવાની જરૂર નથી.’ તો કહે, ‘ના, જરૂરી હૈ, ફિર મૈં યહાં કહાં આનેવાલા હૂં.’ ત્યાં ઊંટ જોયાં તો મને કહે, ‘ઝિંદગી મેં કભી ઊંટ કી સવારી નહીં કી હૈ.’ આમ એ ઇચ્છા પણ પૂરી કરી. સ્વામિનારાયણ તરફથી ત્યાંની પ્રખ્યાત હસ્તકળાકારીગરીવાળો મારો ફોટો મને ભેટમાં મળ્યો. તે એમને એટલો ગમ્યો કે મને કહે કે મારો પણ આવો એક ફોટો ઑર્ડર કરીને બનાવીએ. મારા ગયા પછી ખંડવાના ઘરમાં લગાડીશું તો લોકો યાદ કરશે. કોણ જાણે કેમ તેમને એ વાતનું ઇન્ટ્યુશન થઈ ગયું હતું કે તેમનો સમય પૂરો થયો છે.

આણંદજીભાઈની આ વાત સાંભળી દાદામુનિ ‘અશોક કુમાર’ના પુત્ર અરૂપ કુમારે મને એક કિસ્સો કહ્યો હતો તે યાદ આવ્યો. બન્યું એવું કે દાદામુનિના પત્ની શોભા દેવીના અવસાનના લગભગ છ મહિના બાદ તેમનો જન્મદિવસ આવ્યો. તે દિવસે સવારે કિશોર કુમારે તેમને ફોન કર્યો કે આજે સૌ મારા ઘરે ભેગા થઈને તમારો જન્મદિવસ ઊજવીએ. દાદામુનિએ ના પાડી કે ઉજવણીનો મારો કોઈ મૂડ નથી... કિશોરદાએ કહ્યું; ‘ના, તમારે આવવું જ પડશે.’ દાદામુનિ મક્કમ હતા કે હું નહીં આવું. કિશોરદાએ કહ્યું, ‘મૈં દેખતા હૂં; આપ કૈસે નહીં આતે હૈ? આપકો આના હી પડેગા.’ બન્યું એવું કે તે જ દિવસે કિશોરદાને હાર્ટઅટૅક આવ્યો અને તેમનું અવસાન થયું. દાદામુનિએ કહ્યું કે મને ખબર નહોતી કે તે એની જીદ આ રીતે પૂરી કરશે. આમ ૧૩મી ઑક્ટોબર, દાદામુનિનો જન્મદિવસ ; કિશોરદાનો નિર્વાણદિવસ બની ગયો.

આમ પણ કહેવાય છે કે દરેક વ્યક્તિમાં કશુંક ન સમજાય એવું હોય છે. કિશોર કુમારની વિદાય બાદ તેમના અતરંગી સ્વભાવને યાદ કરતાં કલ્યાણજીભાઈ એક ઇન્ટરવ્યુમાં કહે છે:

‘સ્ટેજ પ્રોગ્રામમાં તે જેટલા લોકપ્રિય હતા એટલા જ તેમના પ્રોગ્રામના આયોજકને ટેન્શનમાં રાખવા માટે જાણીતા હતા. અમારો લાયન્સ ક્લબ તરફથી કોઈ ચૅરિટી પ્રોગ્રામ નક્કી થયો હતો, જેને દિલીપ કુમાર પ્રેઝન્ટ કરવાના હતા. અમે કિશોરદાને સમજાવેલું કે એક વખત વચન આપ્યા પછી તમારે આવવું જ પડશે. આમાં દિલીપ કુમારની પ્રતિષ્ઠાનો પણ સવાલ છે, પણ તે તો તેમની સ્ટાઇલ પ્રમાણે કહેતા જ રહ્યા કે, ‘નક્કી એટલે નક્કી, આવવાનું એટલે આવવાનું.’ કિશોર કુમાર આમ કહે એટલે આપણે માનવું જ પડે.

પરંતુ પ્રોગ્રામને ત્રણ-ચાર દિવસની વાર હતી ત્યાં તેમના સેક્રેટરીએ મને જાણ કરી કે કિશોર કુમાર ક્યાંક બહારગામનો કાર્યક્રમ બનાવી રહ્યા છે. તેમના સેક્રેટરી સાથે અમારે સારી દોસ્તી હતી. તેમણે કહ્યું કે તે બહારગામ જશે તો તમારા પ્રોગ્રામમાં ગરબડ થઈ જશે. શો એટલો મોટો હતો કે કિશોર કુમાર વિના ચાલે જ નહીં. મેં દિલીપ કુમારને વાત કરી એટલે તે પણ અપસેટ થઈ ગયા. કોઈ પણ હિસાબે તેમને બહારગામ જતાં રોકીને પ્રોગ્રામમાં લઇ આવ્યા વગર ચાલે તેમ નહોતું. એટલે અમે (હું, દિલીપ કુમાર અને ચંદ્ર બારોટ) રાત્રે તેમના બંગલે પહોંચ્યા.

શરૂઆતમાં તો ગુરખો અંદર જવા જ ન દે. ‘શાબ ઘરમેં નહીં હૈ.’ પણ અમને ખબર હતી કે આ તો કિશોર કુમાર છે; ઘરમાં હોય તો પણ ના પાડી દે. અમે તો અંદર પહોંચી ગયા અને ખબર પડી કે કિશોરદા ખરેખર કોઈ ફિલ્મનો રાતનો શો જોવા ગયા છે. એ સમયે રાતના ૧૦ વાગ્યા હતા. અમને થયું બાર-સાડાબાર સુધીમાં ઘેર આવી જશે. એટલે અમે બહાર ગાડીમાં રાહ જોતા બેસી રહ્યા. લગભગ સવાબારે તેમની ગાડી આવી, પણ અમને જોયા કે તરત ગાડી પાછી ફરી ગઈ. અમને થયું કે આજે તેઓ છટકી ગયા. અમે પાછા ફરવાના મૂડમાં હતા, પણ દિલીપ કુમાર કોઈ સ્ટોરી સંભળાવવાના મૂડમાં હતા એટલે અમે કિશોર કુમારની રાહ જોતા બેસી રહ્યા. અડધી રાતે કુલફીવાળો પસાર થયો એટલે કુલફી ખાધી, શેરડી ખાધી. એમ કરતાં કરતાં બે વાગ્યા, પણ કિશોર કુમારનો પત્તો જ નહોતો. મેં દિલીપ કુમારને કહ્યું, ‘અભી ચલતે હૈ, સુબહ ફિર સે આયેંગે.’ પણ તે મક્કમ હતા, ‘વો આયેગા નહીં તો જાયેગા કહાં?’ અને સાચ્ચે જ સવાબે વાગ્યે કિશોર કુમારની ગાડી આવી. ઊતરીને તે સીધા મારી તરફ આવ્યા અને રીતસર મને પગે લાગવા માંડ્યા અને કહે, ‘મુજે માફ કરના.’ મેં કહ્યું, ‘વાત શું છે? શેની માફી માગો છો?’ ‘તો કહે, ‘મુજે પતા ચલા કી આપકો પતા ચલ ગયા હૈ કિ મૈં બહાર ચલે જાનેવાલા હૂં.’ અને પછી એકદમ ગળગળા થઈને મને કહે, ‘પતા નહીં કલ્યાણજીભાઈ, મૈં ઐસા કયૂં કરતા હૂં? આપ કિતને ઘંટે સે મેરી રાહ દેખ રહે હો... મૈ આપકો કિતના પરેશાન કરતા હબં.’

આપણને પરેશાન કરીને પછી આપણને જ એનું કારણ એવી રીતે પૂછે કે તેમના પરનો ગુસ્સો ગળી જવો પડે. મનમાં તો એમ થતું હોય કે ભેટો થાય તો એક વાર ન કહેવા જેવું સંભળાવી દઈએ. એના બદલે આપણે તેમને સમજાવવા પડે એવી પરિસ્થિતિ આવી જાય. બીજી વાર રિહર્સલમાં વહેલા આવી જાય અને આપણને પૂછે કે ‘આપને માફ કર દિયા કે નહીં?’ હવે આને કોણ પહોંચે?

કલ્યાણજીભાઈ રજનીશજીના ચાહક હતા. રજનીશજી કહેતા, આપણે સૌ બે વિરોધાભાસી અંતિમો વચ્ચે જીવીએ છીએ. કિશોર કુમાર માટે પણ એમ કહી શકાય કે હી વૉઝ અ બન્ડલ આફ કૉન્ટ્રાડિક્શન્સ. ભારે રમૂજી છતાં અતિ મૂંજી, બહુ બુદ્ધિમાન છતાં થોડા બાલિશ, ઉદાર થવાની ભાવના છતાં ધનની માયા ન છૂટે એવા બહિર્મુખી કળાકાર; જેને તમે મૂડી નહીં, પણ એક્સ્ટ્રા-ઑર્ડિનરી મૂડી કહી શકો. તેમના આવા મૂડના કિસ્સાની વાત કરતાં કલ્યાણજીભાઈ કહે છે:

‘હમણાં હમણાં ત્રણ-ચાર વર્ષથી કિશોરદામાં ઘણું પરિવર્તન આવી ગયેલું. પ્રોગ્રામમાં હાજર રહેવા બાબત તેમના તરફથી કોઈ પરેશાની થતી નહીં. થોડા વખત પહેલાં અમારે ‘ફિલ્મફેર’ મૅગેઝિન માટે કિશોર કુમાર પર એક લેખ લખવાનું થયું. એમાં અમે તેમની કેટલીક વિશિષ્ટતા લખી કે તેઓ અમને ક્યારેય તંગ નથી કરતા, માણસ તરીકે પણ ખૂબ સારા છે, પૈસા વિના પણ ક્યારેક કામ કરી લે છે વગેરે, વગેરે.

આ લેખ વાંચીને તે અમને મળવા દોડી આવ્યા, અને કહે, ‘તમે મારા માટે એટલું બધું સારું લખ્યું છે કે ભલે તમે લખ્યું હોય એવો હું ન હોઉં તો પણ હું એવો થવા માગું છું.’ એટલે અમને થયું કે આજે સારા મૂડમાં છે તો વડોદરાથી એક પાર્ટી પ્રોગ્રામ માટે આવી છે; તેની સાથે મુલાકાત કરાવી દઉં. પાર્ટી આવી એટલે મેં પૂછ્યું, ‘તમને સાઇનિંગમાં કેટલા પૈસા આપવાના છે?’ તો કહે, ‘તમે શું વાત કરો છો? તમે લખ્યું છે ને કે હું અગાઉથી પૈસા લીધા વિનાય કામ કરું છું. તો પછી ઍડવાન્સ રકમની શું જરૂર છે? લાવો કૉન્ટ્રૅક્ટ પર સહી કરી આપું.’ અને સાચે જ તેમણે ઍડવાન્સ લીધા વિના સહી કરી આપી. મનમાં થયું કે લેખની ઘણી અસર થઈ કહેવાય.

બે કલાક પછી તેમના સેક્રેટરી આવ્યા અને કહે, ‘સાહેબે પેલા પ્રોગ્રામની ઍડવાન્સ રકમ મગાવી છે.’ મને નવાઈ લાગી. ‘તારા સાહેબે જ જાતે ઍડવાન્સ લેવાની ના પાડી. પાછું શું થયું?’ તે બિચારો કહે, ‘સાહેબે મને ઘેર જઈ ધમકાવ્યો કે હું તો લાગણીવશ થઈને આવું ખોટું કરી બેસું, પણ મને રોકવાની તારી ફરજ ખરી કે નહીં?’

એક વાર સુરતમાં મોટો પ્રોગ્રામ હતો. કિશોરદાને લઈ ગયા વગર ચાલે તેમ નહોતું. તેમને મળીને કહ્યું, ‘તમને હેરાન કરવા આવ્યા છીએ. લોકોની તમારા માટે એટલી ડિમાન્ડ છે કે તમારી પાસે આવવું જ પડે.’ તો કહે, ‘મેં તમને ક્યાં કોઈ દિવસ ના પડી છે અને હા કહીને ક્યારેય ન આવ્યો હોઉં એવું બન્યું છે? તમને કદી તકલીફ આપી છે?’ હવે તેમને કહેવું કેમ કે તમે આવો તો છો, પણ એ પહેલાં કેટલી તકલીફ ભોગવવી પડે છે એનું શું? અમે હંમેશાં કહેતા કે પ્રોગ્રામ પહેલાં જે ચીજ જોઈતી હોય એ માગી લો, જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે. એટલે જ ઍડવાન્સ રકમ પણ આયોજક પાસેથી અપાવી દઈએ, જેથી પૈસાને કારણે કોઈ રુકાવટ ઊભી ન થાય.

સુરતના પ્રોગ્રામના ત્રણ-ચાર દિવસ અગાઉ ગરબડ થઈ. સેક્રેટરીએ કહ્યું કે ‘તેઓ આવી શકે એવો કોઈ ચાન્સ નથી. તેમને એક એવી ઑફર આવી છે કે ના પાડી શકાય તેમ નથી. તમારો પ્રોગ્રામ અઠવાડિયા પછી રાખો.’ અમે કહ્યું કે ‘ટિકિટો વેચાઈ ગઈ છે, હવે કોઈ પણ ફેરફાર ન થઈ શકે.’ આ સાંભળી સેક્રેટરીએ રૂપિયાની થેલી પાછી આપતાં કહ્યું, ‘તો પછી સાહેબે આ ઍડવાન્સ પાછા મોકલ્યા છે.’

આ પણ વાંચો :

અમે મૂંઝાઈ ગયા. સેક્રેટરીને કહ્યું, ‘એક કામ કર. આ ઍડવાન્સ પાછા લઈ જઈ તારા સાહેબને કહે કે કલ્યાણજીભાઈ ખૂબ જ ગુસ્સે થયા છે. ખરાબ તબિયત સિવાય કોઈ કારણસર પ્રોગ્રામમાં નહીં આવો તો પછી અમે પણ જોઈ લઈશું.’ સેક્રેટરી અબ્દુલ પૈસા લઈને ગયો પછી બે દિવસ સુધી તેને પૂછ્યા કરે, ‘ખરેખર કલ્યાણજીભાઈ ગુસ્સે થઈ ગયા હતા? આપણે પ્રોગ્રામમાં ન જઈએ તો શું કરે? કંઈ કરે ખરા?’ સેક્રેટરીનો જવાબ હતો, ‘આ લોકો બનિયા છે. ધારે તો કંઈ પણ કરી શકે.’ આ વાત તેમને ગળે ઊતરી ગઈ. બે દિવસ પછી સામેથી દોડતા આવ્યા, કહે, ‘અરે યાર, મૈં તો મઝાક કર રહા થા ઔર આપ સિરિયસ હો રહે હો? આપ મઝાક કી સિરિયસનેસ ભી નહીં સમઝતે?’ આમ કહીને પાછા આપણને સમજાવે કે જાણે આપણો જ વાંક ન હોય?

આ પણ વાંચો : કૉલમ: જયપુરની હોટેલના ગાર્ડનમાં મોડી રાતે જામેલી મહેફિલમાં જૉની લીવરે શું ચમત્કાર કર્યો

કલ્યાણજી ભાઈનો આ ઇન્ટરવ્યુ ગ્રીસના મહાન ફિલોસૉફર એરિસ્ટોટલની વાતની પુષ્ટિ કરે છે કે, ‘ધેર ઇઝ નો ગ્રેટ જિનિયસ વિધાઉટ અ મિક્સર ઑફ મૅડનેસ.’ કિશોર કુમાર જેવા, નોખા-અનોખા જિનિયસ કળાકારની આ ખામીઓ જ તેમની ખૂબીઓ હતી.

columnists dilip kumar