જગપ્રસિદ્ધ ડિસ્કો દાંડિયાની શરૂઆત રિધમકિંગ બાબલાએ કરી હતી

12 May, 2019 12:57 PM IST  |  | રજની મહેતા - વો જબ યાદ આએ

જગપ્રસિદ્ધ ડિસ્કો દાંડિયાની શરૂઆત રિધમકિંગ બાબલાએ કરી હતી

કલ્યાણજી આણંદજી

 

વો જબ યાદ આએ

યુ કૅન ડુ ઍનીથિન્ગ, બય નૉટ એવરીથિન્ગ - ડૅવિડ એલન (પ્રોડક્ટિવિટી કન્સલ્ટન્ટ)

કોઈ પણ ટીમ ત્યારે જ સફળ થાય જયારે કામની વહેંચણી યોગ્ય વ્યક્તિઓ વચ્ચે થાય. જીવનના દરેક ક્ષેત્રમાં આ નિયમ લાગુ પડે છે. ‘ડિવિઝન ઑફ વર્ક’ કામને ઝડપી અને બહેતર બનાવે છે. જેમ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, એમ દરેક સફળ જોડીની પાછળ કુશળ આસિસ્ટન્ટ હોય છે. ૭૦ અને ૮૦ના દાયકામાં ફિલ્મસંગીતમાં જે બદલાવ આવ્યો તેમાં મેલોડીની સાથે રિધમને પણ પ્રાધાન્ય મળ્યું. એ સમયે કલ્યાણજી- આણંદજીના સંગીતમાં જે નવી ફ્લેવર આવી એમાં તેમના આસિસ્ટન્ટ બાબલાનો મહત્વનો ફાળો હતો. કલ્યાણજી-આણંદજીના નાના ભાઈ લક્ષ્મીચંદને સંગીતની દુનિયા બાબલાને નામે ઓળખે છે. એક સાંજે ગોરેગામ તેમના ફ્લૅટમાં મારી તેમની સાથે મુલાકાત થઈ. પ્રસ્તુત છે તેમની સંગીતસફરની વાતો તેમના જ શબ્દોમાં:

‘મેં સભાનપણે સંગીત શીખવાનો કદી પ્રયત્ન કર્યો નથી. મને લાગે છે કે મારાં નાના અને નાનીમાં સંગીતની સારી સૂઝબૂઝ હતી. તેના કારણે સંગીતનો વારસો અમને ભાઈઓને મળ્યો હશે. હું ત્રણ વર્ષનો હતો ત્યારથી વાસણ-કુસણ પર રિધમ વગાડતો. મારા હાથ ચૂપ રહે જ નહીં. જ્યાં બેઠો હોઉં ત્યાં રિધમ વગાડતો હોઉં. હું પ્રાર્થનાસમાજ પાસેની કબુબાઈ હાઈ સ્કૂલમાં ભણતો. બાજુમાં રામસિંગની સંગીતનાં વાદ્યોની દુકાન હતી. ત્યાં અનેક વાજિંત્રો જોયા કરું. મને ઇંગ્લિશ મ્યુઝિક સાંભળવાનો શોખ હતો. તે દિવસોમાં મોટા ભાઈઓએ ઑર્કેસ્ટ્રા પાર્ટી શરૂ કરી અને આઠ વર્ષની ઉંમરે મેં સ્ટેજ પર બૉંગો વગાડવાનું શરૂ કર્યું. એ સમયે આણંદજીભાઈ ગાતા અને ઢોલક વગાડતા. ૧૯૫૮માં ફિલ્મ ‘સમþાટ ચંદ્રગુપ્ત’ના એક ગીતમાં મેં સાઇડ રિધમ વગાડી. ત્યાર બાદ ફિલ્મ ‘સટ્ટાબાઝાર’માં બૉંગો પ્લેયર તરીકે પહેલી વાર વગાડ્યું. તે પછી હું નિયમિત રેકૉર્ડિંગમાં વગાડતો. ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’ દરમ્યાન લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ શરૂ કર્યું એટલે હું અને ફ્રૅન્ક ફર્નાડ, કલ્યાણજી-આણંદજીના આસિસ્ટન્ટ બન્યા.

મને રિધમનો પહેલેથી શોખ હતો. એટલે એમાં નવા નવા પ્રયોગો કરું. ૧૯૬૨માં ૨૦ વર્ષની ઉંમરે મેં નૉવેલ્ટી થિયેટરમાં રિધમ બેઝ્ડ ગીતોનો એક શો કર્યો, જેમાં રિધમિસ્ટ તરીકે તુમ્બા, ટીંબાની, ઑક્ટોબંસ (આઠ ડ્રમ્સનો સેટ) જેવાં નવાં રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો. આ બધાં લૅટિન અમેરિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ શો એકદમ હિટ ગયો અને મારું નામ થઈ ગયું.

૧૯૬૭માં રિધમ પ્લેયર તરીકે મારો પહેલો વિદેશપ્રવાસ મુકેશજી સાથે કર્યો. અમે વેસ્ટ ઇન્ડીઝ, અમેરિકા, લંડનમાં શો કર્યા. ૧૯૬૭માં મેં મારા શો શરૂ કર્યા. તે દિવસોમાં કાંચન અમારી લીડિંગ સિંગર હતી. મુંબઈમાં અમારા શો લોકપ્રિય થયા. ઘણી વાર તો દિવસના ત્રણ શો કર્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર એમ દેશભરમાં અમે અનેક શો કર્યા. અમે ટૂરિંગ માટે એક સ્પેશ્યલ કોચ બસ બનાવી હતી, જેમાં નાના છોકરા માટે પારણાની વ્યવસ્થા પણ કરી હતી, ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા બસમાં આગળ સ્પેશ્યલ જગ્યા બનાવી હતી.

અમારા શોમાં કાંચન ઉપરાંત અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક, મનહર ઉધાસ, દિનેશ હિંગુ, જૉની લીવર અને બીજા અનેક નવા કલાકરોને અમે ચાન્સ આપ્યો અને તેમને સ્ટેજ શોની ટ્રેઇનિંગ આપી.

૧૯૭૨માં અમે પહેલી વાર વિદેશપ્રવાસે ફિજી આઇલૅન્ડ ગયા. અમાર ગ્રુપમાં સૌ યંગ હતા એટલે ત્યાંના લોકોને એમ લાગ્યું કે કૉલેજના છોકરાઓ ફરવા માટે આવ્યા હશે. પહેલા જ શોમાં લાઇટ, સાઉન્ડનું કૉમ્બિનેશન અને અમારા ડ્રેસનો જે ઠસ્સો હતો, એના કારણે ધમાલ થઈ ગઈ. અમારે ૧૮ શો કરવાના હતા, એને બદલે અમે ૨૫ શો કર્યા. આમ ‘બાબલા ઍન્ડ હિઝ ઑર્કેસ્ટ્રા’નું નામ થઈ ગયું. તે પછી અમે વેસ્ટ ઇન્ડીઝમાં ઘણા શો કર્યા. આજ સુધી ચીન અને જપાન છોડી દુનિયાના અનેક દેશોમાં શો કર્યા છે.

મને પહેલેથી ઇંગ્લિશ મ્યુઝિકનો શોખ હતો એટલે ફૉરેનમાં ટૂર પર ગયા હોઈએ એટલે ત્યાં એફ.એમ. પર જે સંગીત વાગે એ રેકૉર્ડ કરી લઉં. એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગતાં હોય એના વિશે તપાસ કરું. એક રિધમિસ્ટ તરીકે ત્યાંની દુકાનોમાં જે નવાં રિધમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે ખરીદવામાં મારો સમય જાય. ‘લાલી’ નામનું લાકડાનું જે ડ્રમ છે એ ફિજીનું છે. એનો ઉપયોગ ફિલ્મ ‘ડૉન’ના ‘યે મેરા દિલ, પ્યાર કા દીવાના’માં કર્યો છે. ફિલ્મ ‘કુરબાની’ના ગીત ‘લયલા મૈં લયલા’માં ‘રોટો ડ્રમ’ વગાડ્યું છે.’

બાબલાભાઈની યાદોંકી બારાત અવિરત ચાલતી રહે છે. નાસ્તો કરતાં હું વાત આગળ વધારું છું, ‘તમે એક અદ્ભુત રિધમિસ્ટ હતા એ દુનિયા જાણે છે તો ફિલ્મોમાં તમે બીજા કોઈ સંગીતકાર માટે કામ કર્યું છે?’ એના જવાબમાં બાબલાભાઈ કહે છે, ‘સંગીતકાર સી. રામચન્દ્ર, એસ. ડી. બર્મન, શંકર-જયકિશન, ચિત્રગુપ્તનાં અમુક ગીતોમાં મેં સાઇડ રિધમિસ્ટ તરીકે કૉન્ગા, બૉન્ગા વગાડ્યા છે. ફિલ્મ ‘હાથી મેરે સાથી’ માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝીકમાં મેં ‘તુમ્બા’ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું જે એ સમયે એકદમ નવું હતું. આ માટે ખાસ પ્યારેભાઈએ મને બોલાવ્યો હતો. તે દિવસોમાં હું આસિસ્ટન્ટ તરીકે અને મારા સ્ટેજ શોમાં એટલો બિઝી હતો કે બીજા સંગીતકારો માટે સમય જ મળતો નહોતો.’

સંગીતપ્રેમીઓને ખબર હશે કે એક સમયે આપણી નવરાત્રિમાં ઢોલ અને શરણાઈ પર રાસ-ગરબાની રમઝટ જામતી. ૮૦ના દાયકામાં એનું સ્વરૂપ બદલાયું અને ‘ડિસ્કો દાંડિયા’નો પ્રવેશ થયો એ બાબલાભાઈનું ઇન્વેન્શન હતું. એ કેવી રીતે થયું એની વાત કરતાં તે કહે છે, ‘અમે ફૉરેન ટૂરમાં જઈએ અને ત્યાં જોઈએ કે નવરાત્રિમાં લોકો કૅસેટ પર દાંડિયા રમે. એ ટુકડે ટુકડે વાગે, એટલે જામે નહીં. મેં મ્યુઝિક ઇન્ડિયા સાથે એક રેકૉર્ડ બહાર પડી, જેમાં ફિલ્મોનાં ગીતોનું ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત હતું. ધીમી રિધમથી શરૂ થઈ ધીમે ધીમે રિધમ ફાસ્ટ થતી જાય એટલે અટક્યા વિના લોકો દાંડિયા રમી શકે. એનું ટાઇટલ રાખ્યું, ‘નૉન-સ્ટૉપ ડિસ્કો દાંડિયા બાય રિધમ કિંગ બાબલા’ આ વાત ૧૯૮૨ની છે. આ રેકૉર્ડ એટલી હિટ થઈ કે અહીં પણ એની ડિમાન્ડ વધી ગઈ. અમે મુંબઈના ડ્રાઇવ ઇન થિયેટરમાં લાઇવ ઑર્કેસ્ટ્રા સાથે આનો પહેલો શો રાખ્યો, જે લોકોને ખૂબ પસંદ આવ્યો, અને પછી તો દરેક જગ્યાએ ઑર્કેસ્ટ્રા પર દાંડિયાની શરૂઆત થઈ.’

‘મારાં અનેક આલબમ આવ્યા છે. ‘યસ્ટરડે વન્સ મોર’ નામનું જૂની ફિલ્મોનાં ગીતોનું ઇન્સ્ટ્રુમેન્ટલ આલબમ વેસ્ટ ઇન્ડીઝ પાસે આવેલા એક દેશ સુરીનામમાં એટલું લોકપ્રિય બન્યું છે કે ત્યાંના લોકલ રેડિયો પર સિગ્નેચર ટ્યુન તરીકે વાગે છે. વેસ્ટ ઇન્ડીઝમાં એક આલબમ ‘કૈસે બની ચટની’ મ્યુઝિક તરીકે ફેમસ છે, કારણ એનું ગીત ‘ફૂલોરી બીના ચટની કૈસે બની’ પાછળ લોકો ગાંડા છે. ક્લિપ્સો આલબમ ‘કુછ ગડબડ હૈ’ પણ હિટ છે, જેમાં ‘દુલ્હા હૈ, બારાતી હૈ, કન્યા કયું ન આતી હૈ, કુછ ગડબડ હૈ’ સાંભળતાં લોકો નાચવા માંડે. વેસ્ટ ઇન્ડીઝના ગયાનાના ફૉક સૉન્ગ્સનું એક આલબમ કાંચનના સ્વરમાં ગયાનીઝ ભાષામાં રેકૉર્ડ કર્યું હતું, ત્યાંના યુપી, બિહારથી આવેલા લોકો માટે તેમનાં પ્રિય લોકગીતોના આલબમ વેસ્ટ ઇન્ડિયન ક્લિપ્સો ફ્લેવરમાં રેકૉર્ડ કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝમાં મારાં આલબમ આજ સુધી લોકપ્રિય છે. જૂની ફિલ્મોનાં અમર ગીતો અને લોકપ્રિય ગઝલોનું ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝકનું આલબમ પણ રેકૉર્ડ કર્યું છે.’

સ્વતંત્ર સંગીતકાર તરીકે બાબલાભાઈની ફિલ્મો છે, ‘ખરા-ખોટા’, ‘બ્યુટી’ (ગોવિંદાની પહેલી ફિલ્મ), ‘મીઠા ઝહર’, ‘હીરો હીરાલાલ’ અને ટેલી ફિલ્મ ‘શ્રી અને શ્રીમતી ભૂષણ.’ આ ઉપરાંત ‘ઇન્સાન કી ઔલાદ’ અને પ્રકાશ મહેરાની પહેલી ફિલ્મ ‘દૂસરા જનમ’માં તેમનું સંગીત હતું, પરંતુ આ બે ફિલ્મો રિલીઝ નહોતી થઈ. ફિલ્મ ‘દલાલ’ માટે તેમણે કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં ‘ઓયે ઓયે, મૈંને ચોરી ચોરી અખિયાં ચુરાઈ’ રેર્કોડ કર્યું. બાદમાં સંગીતકાર બપ્પી લાહિરીએ આ જ ગીત કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં રેકૉર્ડ કર્યું. આ ઉપરાંત મરાઠી ગીત, ભક્તિ સંગીત અને ગણપતિ ભજનનાં આલબમ રેકૉર્ડ કર્યાં છે.’

કલ્યાણજી-આણંદજી જેવા બે ભાઈઓની છત્રછાયામાં મોટા થયેલા બાબલાભાઈ તેમના વિશે વાત કરતાં કહે છે; ‘બન્ને ભાઈઓના સાંનિધ્યમાં મને જીવન અને સંગીતમાં ઘણું શીખવા મળ્યું. સંગીતમાં મારાં સજેશનને તેઓ પૂરતું મહત્વ આપતા. મારા કામને તેમણે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. કલ્યાણજીભાઈ શાંત અને ધીરગંભીર હતા. સંગીત સિવાય તેમને કશું સૂઝતું નહીં. તેમને ભાગ્યે જ ગુસ્સો આવતો. તેમને કંઈ પણ કહેવું હોય તે શુગરકોટેડ વાતમાં કહી દે. તેમની સેન્સ ઑફ હ્યુમર જોરદાર હતી. જોકે તેમની સાથે મોટા ભાઈની જેમ વર્તન કરવું પડે. હું આણંદજીભાઈની વધુ નજીક હતો. નાનો હતો ત્યારે તે મને હરવાફરવા અને ફિલ્મો જોવા લઈ જતા. મને યાદ છે કે એક ફિલ્મ જોવા ઓપેરા હાઉસ થિયેટરમાં ગયા હતા. ત્યાં બાલ્કની ત્રીજે માળે છે. લિફ્ટ નહોતી. અમે ઉપર પહોંચ્યા અને મેં કહ્યું મારે શીંગ ખાવી છે. તે તરત મારે માટે નીચે ઊતરી શીંગ લઈ આવ્યા. આ ઉંમરે પણ આણંદજી ભાઈની યાદશક્તિ એક્દમ તીવþ છે. આજે પણ વર્ષો પહેલાંની વાતો તેમને પૂરી ડીટેલમાં યાદ હોય (હું આ વાતનો સાક્ષી છું). એ ઉપરાંત તેમની મૅનેજમેન્ટ સ્કિલ જોરદાર છે. પરદેશમાં શો કરતા ત્યારે ગમે તેવી પરિસ્થિતિને તે પોતાની આગવી સૂઝથી ઉકેલતા. દરેક પ્રૉબ્લેમનું તેમની પાસે પ્રૅક્ટિકલ સૉલ્યુશન હોય. ઉંમરમાં મોટા પણ તેમની સાથે કોઈ જાતના ભાર વિના મસ્તીમજાક કરી શકાય.’

આણંદજીભાઈ બાબલાભાઈને યાદ કરતાં કહે છે, ‘બાબલાને રિધમ કિંગ તરીકે દેશવિદેશમાં એટલું નામ મળ્યું કે અમે જ્યારે પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝ ગયા ત્યારે અમારી ઓળખાણ ત્યાં રિધમ કિંગ બાબલાના મોટા ભાઈ તરીકે આપવામાં આવતી. તે સમયે મન ભરાઈ આવતું. તે દિવસોમાં તે ‘રોટો ડ્રમ’ વગાડતો. એ એટલું પૉપ્યુલર બની ગયું કે તેના મોટા દીકરાને અમે વહાલથી ‘રોટો’ કહેતા. તે આજે સંગીતમાં સારી પ્રગતિ કરી રહ્યો છે. મને યાદ આવે છે કે ઓપેરા હાઉસમાં પાંચ આનાની ટિકિટ લઈને હું તેને ફિલ્મ જોવા લઈ ગયો હતો ત્યારે તેની ઉંમર પાંચ-છ વર્ષની હશે. તેને શીંગ ખાવી હતી. એકલો બેસવાની તેણે ના પડી એટલે ફરી પાછો તેને ખભે બેસાડી, ત્રણ દાદરા ઊતરીને શીંગ લઈ આવ્યો. એ દિવસોની વાત જ જુદી હતી.’

આ પણ વાંચો : શા માટે કલ્યાણજીભાઈ અને દિલીપ કુમાર અડધી રાત્રે કિશોર કુમારના બંગલાની બહાર તેમની રાહ જોતા હતા

વર્ષો પહેલાં ઓપેરા હાઉસની સાંજે જે ખુશી આણંદજીભાઈને થઈ હશે તેવી જ ખુશી; એક આત્મસંતોષ સાથે તેમના ચહેરા પર સ્પક્ટ દેખાતી હતી, મને એક પ્રસંગ યાદ આવી ગયો. પોતાની કેડ પર ત્રણ-ચાર વર્ષના નાના બાળકને લઈને પવર્ત નાં કપરા ચઢાણ ચડતી એક દસ બાર વર્ષની બાળકીને કોઈએ પૂછ્યું, ‘તું હજી આટલી નાની છે અને આટલો ભાર લઈને ઉપર ચડે છે? થાક નહીં લાગે?’ જવાબ મળ્યો, ‘થાક શેનો લાગે? મને મજા આવે છે. આ તો મારો ભાઈ છે.’

ભ્રાતૃભાવ પાસે કોઈ ચીજનો ભાર લાગતો નથી એ વાતનો જવાબ બીજે ક્યાંય શોધવાની જરૂર છે ખરી?

columnists weekend guide