ભવિષ્યમાં તમે પણ તમારી કારને ઘરબેઠા ડ્રાઇવ કરી શકો એ દિવસો હવે દૂર નથી

05 May, 2019 01:17 PM IST  |  | હર્ષ દેસાઈ

ભવિષ્યમાં તમે પણ તમારી કારને ઘરબેઠા ડ્રાઇવ કરી શકો એ દિવસો હવે દૂર નથી

અવેન્જર્સ : એન્ડગેમ

‘અવેન્જર્સ : એન્ડગેમ’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ એના સુપરહીરોઝની સાથે એની ટેક્નૉલૉજીને કારણે પણ લોકોને ખૂબ જ પસંદ પડી છે. ૨૦૦૮માં આવેલી ‘આયર્નમૅન’થી માર્વલ સિનેમૅટિક યુનિવર્સની શરૂઆત થઈ હતી. ૨૦૦૮માં આપણે ફેસબુકનો પૂરતો ઉપયોગ કરતાં નહોતા શીખ્યા. એ શું છે એની પણ કેટલાકને જાણ નહોતી ત્યારે આ ફિલ્મમાં એક હીરો લોખંડનો સૂટ પહેરીને ઊડતો જોવા મળ્યો હતો. ૨૦૦૮થી શરૂ થયેલી માર્વલ સિરીઝમાં અત્યાર સુધીમાં બાવીસ ફિલ્મો રિલીઝ થઈ છે. આ દસ વર્ષના સમયગાળા દરમ્યાન એક-એકથી ચડિયાતી ફિલ્મો બની છે અને એની સાથે જ એમાં ટેક્નૉલૉજીનો પણ વિકાસ થતો ગયો છે.

ટેક્નૉલૉજીનો ઉપયોગ આજે સામાન્ય જીવનને વધુ સરળ બનાવી શકાય એ માટે કરવામાં આવે છે. જોકે ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે મેડિકલ ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેક્નૉલૉજી દિવસે-દિવસે ખૂબ જ ઍડ્વાન્સ્ડ થઈ રહી છે ત્યારે આપણે માર્વલ સિનેમૅટિક યુનર્વિસની કેટલીક એવી ટેક્નૉલૉજી વિશે વાત કરીએ જેમાંની આજે ઉપલબ્ધ છે અથવા તો નજીકના ભવિષ્યમાં એ બનાવવામાં આવે એવી શક્યતા છે.

રિયલ-લાઇફ વાઇબ્રેનિયમ

આ કોઈ ટેક્નૉલૉજી નથી, પરંતુ એક ધાતુ છે જેની મદદથી ‘કૅપ્ટન અમેરિકા’નું શીલ્ડ બનાવવામાં આવ્યું હતું. માર્વલ યુનિવર્સમાં આ ધાતુ સૌથી સ્ટ્રૉન્ગ અને પાવરફુલ દેખાડવામાં આવી છે. વાઇબ્રેનિયમનો સૌથી વધુ ઉપયોગ ‘બ્લૅક પૅન્થર’માં કરવામાં આવ્યો છે. આ એક જવલ્લે જ જોવા મળતી ધાતુ હોવાથી એને દુનિયાની નજરથી બચાવીને રાખવામાં આવી હોય છે. જોકે દુ:ખની વાત છે કે આ વાઇબ્રેનિયમ રિયલ નથી. જોકે આ ધાતુની સૌથી નજીક કોઈ હોય તો એ છે કે ટંગસ્ટન કાર્બાઇડ. ટંગસ્ટન એક ધાતુ છે જેમાં ઘણાં કેમિકલ એલિમેન્ટ હોય છે. આ ધાતુ અને કાર્બન ઍટમના એકસરખા પ્રમાણ દ્વારા ટંગસ્ટન કાર્બાઇડ બનાવવામાં આવે છે. કોઈ પણ મટીરિયલને કૉમ્પ્રેસ કરવા માટે આ ધાતુનો ઉપયોગ કરવામાં આવ છે, પરંતુ આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી કેટલીક એનર્જીને એ સ્ટોર પણ કરે છે. આ એનર્જી એવી હોય છે કે એને જરૂરિયાત સમયે રિલીઝ કરવી શક્ય છે. પેઇઝોઇલેક્ટ્રિક મટીરિયલ આ વાઇબ્રેશનને ઇલેક્ટ્રિસિટીમાં ટ્રાન્સફૉર્મ કરે છે. જે રીતે બાળકોના ચાલવાથી શૂઝમાં લાઇટ થાય છે એ જ રીતે આ ધાતુનો ઉપયોગ કરી શકાય છે.

કાઇનૅટિક એનર્જીનો ઉપયોગ સ્ર્પોટ્સવેઅરમાં બ્લૅક પૅન્થરનો સૂટ પણ આ વાઇબ્રેનિયમાંથી બનાવવામાં આવ્યો છે. આ ધાતુનો ઉપયોગ હથિયાર અને વાહનો બનાવવા માટે પણ કરવામાં આવ્યો છે. બ્લૅક પૅન્થર એટલે કે વકાંડાના રાજા ટીચલાનો આ સૂટ બુલેટપ્રૂફ હોવાની સાથે જ એના પર થતા ઘર્ષણને કારણે ઉદ્ભવતી એનર્જીને એ સ્ટોર કરે છે અને જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરી શકે છે. આ સૂટ નાના-મોટા ઝટકાઓને પણ ઍબ્સૉર્બ કરી લે છે. તેમ જ ખૂબ જ ઊંચો જમ્પ કરવા અથવા તો જમ્પ કર્યા બાદ લૅન્ડ થતી વખતે પણ એ ખૂબ જ મદદરૂપ નીવડે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાક ઍડ્વાન્સ્ડ નૅનોમટીરિયલ્સ દ્વારા વાઇબ્રેનિયમના કેટલાક ગુણને મેળવી શકાય છે. હાલમાં જ ડાયમન્ડ નૅનોથ્રેડ્સની શોધ કરવામાં આવી છે, જેમાં કાર્બન ઍટમ્સનું બંધારણ એ રીતે થાય છે જે રીતે ડાયમન્ડમાં હોય છે. જો એનો કપડાંમાં સમાવેશ કરવામાં આવે તો એના દ્વારા એનર્જીને સ્ટોર અને ઉપયોગ કરી શકાય છે.

કાઇનૅટિક એનર્જી માટે સૌથી મોટો પ્રશ્ન એનર્જીને સ્ટોર કરવાનો છે. કપડાંમાં એને સ્ટોર કરવાનું હજી થોડું અઘરું છે. જોકે શૉક ઍબ્સૉર્બ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. કેટલીક ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સવેઅર કંપનીએ આવી ટેક્નૉલૉજી માટેની એમની પેટન્ટ પણ રજિસ્ટર કરાવી છે. ક્રિકેટની મૅચમાં હેલ્મેટ માટે આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકાય છે. તેમ જ ફુટબૉલ પ્લેયર માટે શૂઝ અને પગના નળાના પ્રોટેક્શન માટે એનો ઉપયોગ કરી શકાય છે.

હેલ્થ માટે કિમોયો બીડ્સ

બ્લૅક પૅન્થરમાં કિમોયો બીડ્સના ઘણા ઉપયોગ કરવામાં આવ્યા છે, જેમાંથી એક છે હેલ્થ. આ બીડ્સ જોવા જઈએ તો બહારની દુનિયા માટે એક બ્રેસલેટ છે. જોકે એ ઘણું કામ કરતાં હોય છે. આ બ્રેસલેટમાં ઘણાં બીડ્સ હોય છે અને એ દરેક અલગ-અલગ કામ કરતું હોય છે. એક બીડ શરીરની હેલ્થની દેખભાળ કરતું હોય છે. મગજ, હૃદય અને કિડની જેવાં તમામ અંગની જાણકારી તમને આપતું રહે છે. આજે વેઅરેબલ ગૅજેટ્સમાં તમે તમારા જરૂરી ડેટા એટલે કે ઉંમર, વજન અને ઊંચાઈ વગેરે ઍડ કરી દો અને ત્યાર બાદ તમે કેટલાં સ્ટેપ ચાલ્યા અને કેટલું દોડ્યા એના પરથી તમારી કેટલી કૅલરી બર્ન થઈ એનો અંદાજ તમને આપી દેવામાં આવે છે. તેમ જ કેટલીક ઍપ્લિકેશન તમારા શરીર માટે કેટલી કૅલરીની જરૂર છે એ પણ તમને કહે છે. આ સાથે જ તમારા હાર્ટબીટ કેટલા છે એ પણ જાણી શકાય છે. ટેક્નૉલૉજીમાં આવેલી ક્રાન્તિને જોઈને લાગે છે કે કિમોયો બીડ્સ ભવિષ્યમાં બનાવવામાં આવશે. વેઅરેબલ ગૅજેટ્સ તમારા દિમાગ સાથે કૉન્ટૅક્ટ કરી તમારા સ્માર્ટફોનમાં જરૂરી ડેટા આપતાં રહેશે. જો આ ટેક્નૉલૉજીની શોધ થઈ તો યુઝર્સ પહેલેથી તેમની હેલ્થ વિશે જાણી શકશે અને જરૂરી સારવાર લઈ શકશે.

હોલોગ્રામ કૉલ્સ અને જાર્વિસ

‘બ્લૅક પૅન્થર’માં હોલોગ્રામ કૉલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આ ટેક્નૉલૉજી માટે વાઇબ્રેનિયમનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી ટૅક્ટિકલ સૅન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સૅન્ડ સાઉન્ડ વેવની મદદથી જે-તે રૂપ ધારણ કરે છે અને એના પર પ્રકાશ પાડવાથી જે-તે વ્યક્તિનું રૂપ જોઈ શકાય છે. આજે હોલોગ્રામની શોધ તો થઈ ગઈ છે, પરંતુ એનો ઉપયોગ વધુ પ્રમાણમાં નથી થઈ રહ્યો. આપણે વિડિયો કૉલ કરીએ છીએ, પરંતુ એ દિવસ દૂર નથી કે આપણે વિડિયો કૉલની જગ્યાએ જે-તે વ્યક્તિનું રૂપ આપણી સામે જ જોઈ શકીશું.

આયર્નમૅનના વૉઇસ અસિસ્ટન્ટ તરીકે જાર્વિસ જોવા મળે છે. આ જાર્વિસ એટલે આજના જમાનાની ઍપલની સીરી, ઍમેઝૅનની ઍલેક્સા, ઍન્ડ્રૉઇડ માટેની ગૂગલ અસિસ્ટન્ટ અને માઇક્રોસૉફ્ટ માટેની કોર્ટના. આજે દરેક સામાન્ય વ્યક્તિ પાસે આયર્નમૅનનો જાર્વિસ ઉપલબ્ધ છે. જોકે એનો ઉપયોગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરતી હશે. જોકે આ એક ખૂબ જ યુઝફુલ ટેક્નૉલૉજી છે અને એ માટે તમારે ફક્ત ઑર્ડર કરવાનો રહે છે. આ સુવિધા ફોન કરવા, મેસેજ વાંચવા અને સર્ચ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. જોકે રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં આવે એવી ટેક્નૉલૉજી માટે રોબો પર કામ ચાલી રહ્યું છે અને મહદ્ અંશે એ સફળ પણ રહ્યું છે.

અદૃશ્ય શીલ્ડ

‘કૅપ્ટન અમેરિકા’નું શીલ્ડ હોય કે પછી ‘બ્લૅક પૅન્થર’માં દેખાડવામાં આવેલાં અદૃશ્ય શીલ્ડ, ‘બ્લૅક પૅન્થર’માં દેખાડવામાં આવેલાં તમામ હથિયાર માટે વાઇબ્રેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં જે શીલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ અદૃશ્ય હોય છે, પરંતુ એ ખૂબ જ પાવરફુલ હોય છે. ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માં થાનોસના હુમલાથી બચવા માટે આયર્નમૅન લોખંડના શીલ્ડનો ઉપયોગ કરે છે, પરંતુ એનાથી બચવામાં તે નિષ્ફળ રહે છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં આયર્નમૅન પણ અદૃશ્ય શીલ્ડનો ઉપયોગ કરે છે જે વાઇબ્રેનિયમમાંથી બનાવવામાં આવ્યું હોય છે. આમ દરેક ફિલ્મ સાથે તેમણે ટેક્નૉલૉજીને એક સ્ટેપ આગળ વધારી છે. જોકે આ અદૃશ્ય શીલ્ડ બનાવવું શક્ય છે કે નહીં એ એક સવાલ છે. આ બનાવવા માટે ગ્રાફીન શક્ય છે. વાઇબ્રેનિયમની કેટલીક પ્રૉપર્ટીઝ અથવા તો ક્વૉલિટી કહો જે મેળવવી મુશ્કેલ છે, પરંતુ એ નામુમકિન નથી. ૧૯૬૨માં એક વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કાર્બનના એક નવા ફૉર્મને ઑબ્ઝર્વ કર્યું હતું, જેને ગ્રાફીન નામ આપવામાં આવ્યું હતું. ૨૦૦૪માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આન્દ્રે ગેમ અને કૉન્સ્ટેનટિન નોવોસેલોવ દ્વારા આ ગ્રાફીનની ફરીથી શોધ કરવામાં આવી હતી અને એના સ્ટ્રક્ચર અને કૅરૅક્ટરાઇઝને વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રાફીનને સ્ટીલ કરતાં દસગણું બુલેટપ્રૂફ ગણવામાં આવે છે. જોકે ગ્રાફીન બનાવવું ખૂબ જ મુશ્કેલ છે અને એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. શીલ્ડ બનાવવું તો હાલમાં મુશ્કેલ છે, પરંતુ જે દિવસે આ ગ્રાફીનને જથ્થાબંધ બનાવવામાં આવશે એ દિવસે રેલવે અને પ્લેન પણ બુલેટપ્રૂફ થઈ જશે એમાં બેમત નથી. ગ્રાફીનનો ફાયદો એ છે કે એ અદૃશ્ય છે એટલે કે એનાં કોઈ રંગરૂપ નથી.

‘થૉર’ની લાઇટનિંગ

‘થૉર’ એના હથોડા એટલે કે ‘જોનિર’ અને ‘સ્ટૉર્મબ્રેકર’ દ્વારા દુશ્મન પર વીજળી પાડતો હોય છે. આ વીજળી દ્વારા એને વધુ પાવર મળે છે અને સાથે જ એ દુશ્મનોનો વિનાશ પણ કરે છે. આ પાવર રિયલ-લાઇફમાં મિલિટરીને આપવામાં આવે તો? એ દિવસ પણ દૂર નથી કે કૃત્રિમ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકા માટે હથિયાર બનાવતી કંપની અપ્લાઇડ એનર્જેટિક્સ દ્વારા એક પેટન્ટ દાખલ કરવામાં આવી છે જેની મદદથી આર્ટિફિશ્યલ લાઇટનિંગ કરી શકાય. અપ્લાઇડ એનર્જેટિક્સ ખાસ લેઝર ટેક્નૉલૉજી પર કામ કરી રહી છે અને એની મદદથી એ આ દિશામાં પ્રયાણ કરી રહી છે. જો તેઓ સફળ રહ્યા તો અમેરિકા વધુ પાવરફુલ દેશ બની જશે.

જેટપૅક શૂટ

માર્વલ સિનેમૅટિક યુનિવર્સની શરૂઆત ૨૦૦૮માં ‘આયર્નમૅન’ ફિલ્મ દ્વારા થઈ હતી. દસ વર્ષમાં ‘આયર્નમૅન’ના શૂટમાં ગજબની ટેક્નૉલૉજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શૂટની મદદથી એ બુલેટપ્રૂફ તો બની જાય છે, પરંતુ સાથે જ હથિયારોથી સજ્જ પણ હોય છે. એ હવામાં ઊડી પણ શકે છે. અમેરિકન એવિએશન કંપની જેટપૅક એવિએશને આવું જ એક શૂટ બનાવ્યું છે જેને જેટપૅક નામ આપવામાં આવ્યું છે. આને એક બૅગપૅકની જેમ ભેરવી દેવાનું હોય છે અને ત્યાર બાદ એની મદદથી હવામાં ઊડી શકાય છે. જેટપૅક એવિએશનના મૉડલ દ્વારા પંદર હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકાય છે. આ જેટપેકની મદદથી તમે ૧૯૦ કિમી પ્રતી કલાકની ઝડપથી સુધી મુસાફરી કરી શકો છો. જોકે આ જેટપૅકમાં ફ્યુઅલ કૅપેસિટી ઓછી હોવાથી દસ મિનિટની જ સફર કરી શકાય છે. આ જેટપૅકની કિંમત અંદાજે ૨.૩૬ કરોડ રૂપિયા છે.

રિમોટ પાઇલટિંગ

‘બ્લૅક પૅન્થર’માં રિમોટ પાઇલીંટગ ટેક્નૉલૉજી દેખાડવામાં આવી છે. શુરી વકાંડામાં બેસીને તેના ભાઈ ટીચલાની કારને ડ્રાઇવ કરતી હોય છે. આ સાથે જ અમેરિકાની ધ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનો એજન્ટ પણ રિમોટ લોકેશનથી પ્લેન ઉડાવતો જોવા મળે છે. આજે ઇલૉન મસ્કની કાર બનાવતી કંપની ટેસ્લાએ ઑટો-પાઇલટ અથવા તો સેલ્ફ-ડ્રાઇવિંગ કાર માર્કેટમાં મૂકી છે. આ કાર હાલ અમેરિકા પૂરતી છે. જોકે આ કારમાં રિમોટ પાઇલટિંગનો ઑપ્શન આપવામાં આવે તો? આજે ઘણી લક્ઝુરિયસ કારમાં ૩૬૦ કૅમેરા ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કૅમેરાને રિમોટ પાઇલટિંગ દરમ્યાન મૉનિટર માટે ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘણી કંપનીઓ કામ કરી રહી છે, પરંતુ સૌથી મોટો ઇશ્યુ એ આવી રહ્યો છે કે એનું રિમોટ લોકેશન કેટલા અંતરથી અને કેવી રીતે ઍક્સેસ કરી શકાય.

આ પણ વાંચો :

હાઇપર લૂપ ટ્રેન્સ

વકાંડામાં ઘણાં ફ્યુચર વેહિકલ્સને દેખાડવામાં આવ્યાં છે. જોકે મૅગ્નેટિક લેવિટેશન સબવેએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ટ્રેનને મેગ્લેવ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને ટીચલા એટલે કે બ્લૅક પૅન્થરની બહેન શુરીએ બનાવી હોય છે. ‘બ્લૅક પૅન્થર’ના ડિરેક્ટર રાયન કૂલરે કહ્યું હતું કે અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કો અને ઑકલૅન્ડને જોડતી બે એરિયા રૅપિડ ટ્રાન્સપોર્ટ પરથી પ્રેરણા લઈને વકાંડાની મેગ્લેવ ટ્રેન બનાવી હતી. જોકે આ ટ્રેનની ઝડપ ખૂબ જ છે. આ ટ્રેનની ઝડપને જોઈને શાંઘાઈની મેગ્લેવ ટ્રેનની સ્પીડ પણ ઓછી લાગે છે. શાંઘાઈની મેગ્લેવ ટ્રેન ૪૨૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જોકે આ ટ્રેન બનાવવાનું બીડું ઇલૉન મસ્કે હાથમાં લીધું હોય એવું લાગે છે. ઑટો-પાઇલટ કારના કો-ફાઉન્ડર ઇલૉન મસ્ક હાલમાં હાઇપરલૂપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ઇલૉન મસ્ક તેમની કંપની સ્પેસ એક્સ હેઠળ એના પર રિસર્ચ કરી રહ્યા છે. તેમના આ પ્રોજેક્ટ માટે વૉશિંગ્ટનમાં ટેસ્ટ માટે પરવાનગી આપવામાં આવી હતી. તે વૅક્યુમ-પાવર રેલવે બનાવી રહ્યા છે જેથી ન્યુ યૉર્કથી વૉશિંગ્ટનની મુસાફરી ૩૦ મિનિટની અંદર પૂરી કરવાનો તેમનો ટાર્ગેટ છે. ન્યુ યૉર્કથી વૉશિંગ્ટનનું અંતર અંદાજે ૩૬૫ કિલોમીટર છે અને એ માટે હાલમાં અંદાજે ત્રણ કલાકનો સમય લાગે છે. જોકે આ તો હજી શરૂઆત છે. આ પ્રોજેક્ટ પર ઘણો સમય નીકળી જશે અને એના રિસર્ચ માટે ઇલૉન મસ્ક એક કૉમ્પિટિશન પણ રાખે છે. દુનિયાભરના સ્ટુડન્ટ અને વૈજ્ઞાનિકો એમાં ભાગ લઈ શકે છે. આથી તેમની શોધ અને નવા આઇડિયા દ્વારા ઇલૉન મસ્ક તેમનું મિશન જલદી પૂરું કરી શકે. જોકે આપણે તો હાલપૂરતું બુલેટ ટ્રેન આવશે એ સમાચારથી જ ખુશ થવું રહ્યું.

columnists