કૉલમ: ભારતીયોની હેલ્થ કોના હાથમાં છે?

07 April, 2019 03:19 PM IST  |  | દર્શિની વશી

કૉલમ: ભારતીયોની હેલ્થ કોના હાથમાં છે?

હેલ્થ

બ્લુમબર્ગ હેલ્થ ઇન્ડેક્સનાં હેલ્ધીએસ્ટ નૅશનની યાદીમાં ભારત ૧૨૦માં નંબરે છે અને સ્પેન પહેલા નંબરે. ભારત કરતાં ઘણા નાના અને વિકાસની દૃષ્ટિએ પાછળ કહી શકાય તેવા નેપાળ, શ્રીલંકા અને બંગલાદેશ જેવા દેશો પણ હેલ્ધીએસ્ટ નૅશનની યાદીમાં આગળ હોય ત્યારે ભારતદેશના હેલ્થકૅર ક્ષેત્રના વિકાસ અને પહોંચને લઈને સવાલ ઊઠવો સ્વાભાવિક છે. આજે ‘વર્લ્ડ હેલ્થ ડે’ નિમિત્તે આ દિશામાં થોડુક મનોમંથન કરીએ.

લોકો પર ફાઇનૅન્શિયલી પ્રેશર આવ્યા વિના તેમને હેલ્થ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે સરકાર દ્વારા નૅશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ, આયુષમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી અનેક આરોગ્ય યોજનાઓની જાહેરાતો અને તેના અમલીકરણ બાદ પણ આજે ભારતના લોકો હેલ્ધી ગણાતા નથી. જ્યારે ભારત પર જ નિર્ભર રહીને મોટા થયેલા તેના પડોશી દેશો હેલ્થની બાબતમાં તેનાથી ઘણા આગળ નીકળી ગયા છે. જે બાબત આજે ‘વિશ્વ આરોગ્ય દિને’ ગંભીરતાથી વિચારવા જેવી છે.

વાત જાણે એમ છે કે અમેરિકાની જાણીતી કંપની બ્લુમબર્ગે સરેરાશ આવરદા, મૃત્યુના કારણો, આરોગ્યને લઈને રહેલાં જોખમો સહિતનાં વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને એક સર્વે હાથ ધર્યો હતો જે મુજબ તેના હેલ્ધીએસ્ટ કન્ટ્રી ઇન્ડેકસમાં ભારતનો ક્રમાંક ૧૨૦મો આવ્યો છે, જે ગયા વર્ષે ૧૧૯મો હતો. જ્યારે પાડોશી દેશ શ્રીલંકા, નેપાળ અને બંગલાદેશનો ક્રમાંક આપણા કરતાં ચઢતા ક્રમે આવ્યો છે. આ યાદીમાં ટોચના સ્થાને સ્પેન આવે છે. આ સિવાય ટૉપ ટેન દેશમાં ઇટલી, સિંગાપોર, જપાન અને સ્વિટ્ઝર્લેન્ડનું નામ આવે છે. દેશના હેલ્થ ક્ષેત્ર માટે ખતરાની ઘંટી સમાન છે.

હેલ્થમાં ભારત કેમ પાછળ?

આપણા દેશની જનસંખ્યા ૨૦૧૯માં ૧.૩૭ અબજને પાર કરી ગઈ હોવાની ધારણાં છે. આટલી મોટી જનસંખ્યાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બને છે, જેના માટે હેલ્થ પાછળ એટલી મોટી રકમની ફાળવણી કરવી પણ જરૂરી બને છે. જોકે આ બાબતને ધ્યાનમાં રાખીને હેલ્થકૅર પાછળ છેલ્લાં પાંચ વર્ષમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં ફાળવણીની રકમમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. નૅશનલ હેલ્થ પૉલિસીના અહેવાલ પ્રમાણે, હેલ્થ સેક્ટર પર આપણી સરકાર કુલ જીડીપીના ૧.૪ ટકાની આસપાસ ખર્ચ કરે છે જેની સામે વિશ્વના અન્ય ટોચના દેશો તેઓની કુલ જીડીપીના ૬ ટકા હેલ્થ ક્ષેત્ર પાછળ ખર્ચ કરે છે. જોવા જઈએ તો વિશ્વનું બીજું મોટું અર્થતંત્ર ગણાતો ભારતદેશ વિશ્વનાં મોટાં અર્થતંત્રોમાં કુલ જીડીપીની સામે હેલ્થકૅર પાછળ સૌથી ઓછો ખર્ચ કરનાર બીજો દેશ છે. રૂરલ હેલ્થ સ્ટૅટિસ્ટિકના ૨૦૧૬ના આંકડા પ્રમાણે, દેશમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરની સંખ્યા ૨૨ ટકા જેટલી ઓછી છે. ત્યારે કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરની સંખ્યા ૩૦ ટકા જેટલી ઓછી છે. બેશક, છેલ્લાં પાંચ વર્ષમાં હેલ્થકૅર પાછળ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમ બમણી થઈ છે, તેમ છતાં જીડીપીની સરખામણીમાં હજી પણ હેલ્થકૅર ક્ષેત્ર માટે ફાળવવામાં આવતી રકમ અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે. દેશના તમામ વર્ગના લોકો સુધી આરોગ્ય સેવા પહોંચી શકે તે માટે સરકારે અનેક યોજનાઓની જાહેરાત પણ કરી છે, પરંતુ લૅક ઑફ અવેરનેસ, યોગ્ય માર્ગદર્શનનો અભાવ, બેજવાબદારી સહિતનાં અનેક કારણોને લીધે આ સેવાનો લાભ મોટા ભાગના લોકો લઈ રહ્યા નથી.

મુખ્ય હેલ્થ યોજનાઓ

દેશમાં હેલ્થને સંબધિત અને દરેક સમાજ, જાતિ અને વર્ગના લોકો લાભ લઈ શકે તેવી અનેક યોજનાઓ અને સ્કીમો છે. આ સ્કીમોમાં મુખ્ય સ્કીમોની વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમાંકે આયુષમાન ભારતનું નામ આવે છે, જે વિશ્વનો સૌથી મોટો હેલ્થકૅર પ્રોગ્રામ છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે આયુષમાન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના ૫૦ કરોડ જેટલા ગરીબ લોકોને આવરી લેવાનું ધ્યેય છે, જેમાં આ નાગરિકોને પ્રતિવર્ષ પાંચ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે. આ સેવાનો લાભ લેવા માટે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે યોજનાની વેબસાઇટ પર ચકાસી લેવું. જો નામ લાભાર્થીની યાદીમાં હશે તો તમને કોઈ પણ સરકારી હૉસ્પિટલમાં આ યોજનાનો લાભ મળી શકશે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી રાહતના ભાવે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૩૫૦ પ્રકારની વિવિધ તપાસ, સર્જરી અને પ્રોસીજરનો લાભ લઈ શકાય છે. આજ સુધીમાં આ સેવાનો લાભ દસ લાખથી વધુ પેશેન્ટ લઈ ચૂક્યા છે. આવી જ બીજી એક યોજના છે, જેનું નામ ઇન્દ્રધનુષ અભિયાન. જેના અંતર્ગત તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાનો છે. રસી થકી અંકુશમાં આવી શકે તેવા રોગો અને બીમારીઓથી બાળકોનું રક્ષણ કરવા માટે દર વર્ષે ૨.૫૦ કરોડથી વધુ બાળકોને રસી આપવામાં આવે છે. બીજી એક યોજના છે મુખ્યમંત્રી અમૃતમ યોજના, જે અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબને માટે છે, જેમાં હૃદય, મગજ, કિડનીને લગતી ગંભીર સારવાર, નવજાત બાળકોને થતાં રોગો જેવી ગંભીર બીમારીઓ માટે કુટુંબદીઠ વર્ષે ૨,૦૦,૦૦૦ની કૅશલેસ સારવાર આપવામાં આવે છે. હેલ્થને સંબંધિત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના પણ ચલાવવામાં આવે છે, જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવે છે. હૉસ્પિટલમાં દાખલ થવું પડે એવી ગંભીર બીમારીઓમાં વર્ષે ૩૦,૦૦૦ સુધીનું વળતર આપવામાં આવે છે.

હેલ્થકૅર સિસ્ટમ

ગરીબી રેખા હેઠળ રહેતા લોકોને પબ્લિક હેલ્થકૅરની સેવા ફ્રી અથવા તો મામૂલી દરે આપવામાં આવે છે, પરંતુ સરકારી આંકડા પ્રમાણે, પોવર્ટી લાઇન હેઠળ રહેતા લોકોની સરખામણીમાં મિડલ ક્લાસ અને અપર ક્લાસના લોકો સરકારી આરોગ્ય સેવાનો લાભ વધુ લેતાં નોંધાયા છે. ૨૦૧૪માં નૅશનલ હેલ્થ એશ્યૉરન્સ મિશન તરીકે ઓળખાતી રાષ્ટ્રવ્યાપી યુનિવર્સલ હેલ્થકૅર સિસ્ટમની યોજના તરતી મૂકવામાં આવી હતી, જે યોજના હેઠળ તમામ વરિષ્ઠ નાગરિકોને મફત દવા, તપાસણી અને ગંભીર બીમારી માટે વીમા પૂરો પાડવાની નેમ હતી. જોકે ઓછા બજેટને લીધે યુનિવર્સલ હેલ્થકૅર સિસ્ટમ પાછળ ઠેલાઈ હતી. ૨૦૧૮માં સરકાર આયુષમાન ભારત સ્કીમ લઈને આવી હતી. ખાનગી હેલ્થકેરની વાત કરીએ તો ૨૦૦૫ બાદથી પ્રાઇવેટ ક્ષેત્રે હેલ્થકૅર સંબધિત તમામ કૅપેસિટી ઍડ થઈ ગઈ છે. એક આંકડા પ્રમાણે, દેશની કુલ હેલ્થ કેર સિસ્ટમની તુલનાએ પ્રાઇવેટ ક્ષેત્ર પાસે ૫૭ ટકા હૉસ્પિટલ, ૨૯ ટકા બેડ અને ૮૧ ટકા ડૉક્ટર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અનુસાર ૭૦ ટકા જેટલા શહેરી લોકો અને ૬૩ ટકા જેટલા ગ્રામીણ સ્તરના લોકો પ્રાઇવેટ મેડિકલ ક્ષેત્રનો લાભ લેવાનું પસંદ કરે છે.

ઘણા કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે ગુણવત્તા અને ટાઇમ પ્રોસેસને લીધે ઘણા લોકો નાની બીમારીનાં લક્ષણોને અવગણીને તેનો ઇલાજ કરવાનું ટાળે છે. પબ્લિક હેલ્થકૅર દ્વારા સસ્તા દરે સારવાર કરવામાં આવતી હોવા છતાં અનેક કારણોને લીધે લોકો પ્રાઇવેટ સેવા લેવાનું પસંદ કરે છે, જેમાંથી ૫૭ ટકા લોકો પબ્લિક હેલ્થકૅરની નબળી ક્વૉલિટીનું કારણ બતાવી રહ્યા છે. આ સિવાય પબ્લિક હેલ્થસેવામાં ચેક-અપ માટે લાંબી લાઇન, કામકાજના કલાકો અને અન્ય કારણોને લીધે પણ લોકો સરકારી સેવા લેવાનું ટાળી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. પેશન્ટની સાથે ડૉક્ટર પણ અપૂરતા ઇક્વિપમેન્ટ, અપૂરતી સુવિધા, લૅક ઑફ મૅનેજમેન્ટ સહિતનાં અનેક કારણોને લીધે ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાનું ટાળે છે, તો બીજી તરફ વધુ તપાસણીની લાંબી પ્રોસેસ, ચેક-અપ માટે વારેઘડીએ આંટાફેરા અને કૉસ્ટલી ટ્રીટમેન્ટને લીધે લોકો પ્રાઇવેટ મેડિકલ સેવાનો પણ લાભ લેતાં અચકાય છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં બે વર્ષ પહેલાં છપાયેલા એક અહેવાલમાં કેટલાક ગ્રામીણ વિભાગમાં હેલ્થકૅર સિસ્ટમમાં જોવા મળતી બેદરકારી અને વધી રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડયો હતો. એક વાત મહત્વની છે કે આપણા દેશના ગ્રામિણ વિસ્તારોમાં હેલ્થકૅરને લઈને ખૂબ જ નબળી છે. આધુનિક તમામ સાધન-સગવડો શહેરોમાં છે પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનું શું? આજે પણ ભારતની ૬૮ ટકા પ્રજા તો ગામડામાં જ વસે છે એ વાત ભુલાવી ન જોઇએ.

વિરોધાભાસ લાગી શકે અહીં

આપણા દેશમાં મેડિકલ ટુરિઝમ વધ્યું છે. જેનું કારણ છે આપણા શહેરો. યસ, દેશના કેટલાક મેટ્રો સિટીમાં હેલ્થકૅર સિસ્ટમ ઘણી બહેતર છે. અહીં આધુનિક સાધનો, સ્કિલ્ડ ડૉક્ટરો, સસ્તી ટ્રીટમેન્ટ, ઉચ્ચ દરજ્જાની આયુર્વેદિક ટ્રીટમેન્ટને કારણે મેડિકલ ટૂરીઝમ સતત વધી રહ્યું છે. ૨૦૨૦ સુધીમાં ૨૦૦ ટકા વધવાનો અંદાજ છે. સરકારી આંકડા પ્રમાણે, વિદેશીથી મેડિકલ સેવાનો લાભ લેવા આવતા ટૂરિસ્ટની સંખ્યા બે ગણી વધીને ૨૦૧૭માં ૨,૩૪,૦૦૦ની થઈ હતી. શહેરોનું હેલ્થ કૅર સેક્ટર વર્ષે લગભગ દસ ટકાના ધોરણે વિકાસી રહ્યું છે.

કેટલાક ચોંકાવનારા આંકડા

- ચાર વર્ષ પૂર્વે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માત્ર ૧૭ ટકા ભારતીયો વીમાકવચ ધરાવે છે.

- અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો સૌથી વધુ ઍન્ટી-બાયોટિકનો ઉપયોગ કરે છે.

- ભારતમાં ૧૪ લાખ ડૉક્ટર છે, જેમાંથી ૨૮ ટકા એટલે લગભગ ૩ લાખ ૯૨ હજાર ડૉક્ટરો જ ગ્રામીણ ભારતમાં છે.

- હવાની ગુણવત્તા ખરાબ થવાને લીધે દર વર્ષે ૧૨ લાખ ભારતીયોનાં મૃત્યુ થાય છે.

- બાળકોનો મૃત્યુદર અગાઉનાં વર્ષો કરતાં ઘટ્યો તો છે તેમ છતાં, હજી તેનો આંક ઊંચો જ છે. એક આંકડા પ્રમાણે, દર ૧૦૦૦ બાળકોમાંથી ૪૧ બાળકો કુપોષણ, બીમારી તેમ જ અન્ય આરોગ્ય સંબધિત કારણોને લીધે મૃત્યુ પામે છે.

- દેશના ૫૧ ટકા જેટલા ગરીબ પરિવારોને બે ટાઇમનું પુરતુ ભોજન પણ મળતુ નથી.

- દેશમાં પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરનાં ૪૪ ટકા બાળકોમાં પોષણનો અભાવ છે.

- ૭૨ ટકા બાળકો ઍનિમિયા ધરાવે છે, જયારે બાવન ટકા પરિણીત મહિલા ઍનિમિયાનો શિકાર થયેલી છે.

આ દેશો શું કામ ટૉપ ૧૦ માં આવે છે?

હેલ્થમાં સ્પેન નંબર વન છે શું કામ? યસ, ત્યાંના લોકોની સરેરાશ આવરદા વધારે છે તે સાચું, પરંતુ આ સિવાય હેલ્થને સ્વસ્થ રાખે તેવાં મુખ્ય પરિબળો, જેવાં કે વાતાવરણમાં સ્વચ્છતા, ક્લીન વૉટર, સેનિટાઇઝેશન, તમ્બાકુનો ઓછો વપરાશ અને ઓછી સ્થૂળતા અહીંના લોકોને બીમારીથી બચાવે છે. ઉપરાંત અહીંના ભોજનમાં વધુમાં વધુ પ્રમાણમાં કરવામાં આવતો ફ્રૂટ અને વેજિટેબલ્સનો ઉપયોગ પણ તેમને તંદુરસ્ત રાખે છે. સ્પેન પછીના ક્રમાંકે ઇટલી આવે છે, જેના માટે અહીંના લોકોના ખુશમિજાજ સ્વભાવને શ્રેય આપવામાં આવે છે. ખુશ રહેવાથી શરીરની સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે. આ સિવાય અહીંનું લો ફૅટ ભોજન તેમને સ્ફૂર્તિલા રાખે છે, જેથી કરીને તેઓ ઍક્ટિવ રહી શકે છે. ત્રીજા ક્રમાંકે આવે છે આઇસલૅન્ડ. એકદમ ઠંડા વાતાવરણની વચ્ચે રહેતાં હોવા છતાં અહીંના લોકો સક્રિય પણે ફિઝિકલી રીતે કાર્યરત રહે છે, જેઓ ખોરાકમાં ડેરી પ્રોડક્ટ અને હેવી ડાયટ ફૂડનો સમાવેશ કરે છે.

હેલ્ધી નૅશનની હેલ્થકૅર સિસ્ટમ

ટૉપટેન માં આવેલા દેશોમાં હેલ્થકૅરને લઈને સરકાર દ્વારા પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સ્પેન તેની કુલ જીડીપીના ૬.૨ ટકા રકા જેટલી રકમનો ઉપયોગ હેલ્થકૅર ક્ષેત્ર પાછળ કરે છે. સિંગાપોર હેલ્થ માટે વાર્ષિક ૧૧.૭૨ અબજ સિંગાપોર ડૉલરનું બજેટ ધરાવે છે અને કુલ જીડીપીના ૩ ટકા જેટલું રોકાણ હેલ્થ પાછળ કરે છે. બાળમરણમાં પણ અહીંની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે સિંગાપોર વન ઑફ ધ મોસ્ટ સક્સેફુલ હેલ્થકૅર સિસ્ટમ ધરાવે છે. અહીંના લોકોના પગારમાંથી હેલ્થના માટે એક અલગ રકમ બાદ કરવામાં આવે છે. જપાનમાં દરેક વ્યક્તિ હેલ્થ ઇન્શ્યૉરન્સ હેઠળ કવર છે. અહીંના દર્દીઓ તેમના મનપસંદ ફિઝિશ્યનનો તબીબી સેવા માટે આગ્રહ રાખી શકે છે, ભલે તે સેવા ઇન્શ્યૉરન્સ કવર હેઠળ હોય કે નહીં હોય. આઇસલૅન્ડમાં પણ જપાનની જેમ જ છે, જ્યાં કોઈ પણ દર્દી તેની મનપસંદ હૉસ્પિટલમાં સારવાર લઈ શકે છે. અહીં પગારદાર વર્ગ પાસેથી લેવામાં આવતા ટૅક્સનો મોટા ભાગનો હિસ્સો હેલ્થકૅર પાછળ વાપરવામાં આવે છે. ઇટલીમાં પણ મોટા ભાગનો ટૅક્સનો હિસ્સો હેલ્થકેર પાછળ વાપરવામાં આવે છે. અહીં કેટલીક ઇમર્જન્સી સર્વિસ તેમ જ જનરલ ડૉક્ટર માટે કોઈ ફી લેવામાં આવતી નથી. સ્પેન અહીંના તમામ નાગરિકોને તેમ જ નૉન-સિટિઝન લોકોને યુનિવર્સલ હેલ્થકૅર પ્રોગ્રામ હેઠળ આવરી લે છે. સ્વિત્ઝર્લેન્ડમાં તમામ લોકોએ ફરજિયાત પણે બેઝિક હેલ્થ ઇન્શ્યૉરન્સ લેવો જ પડે છે. આ દરેક દેશોની હેલ્થકૅર સિસ્ટમમાંથી આપણે ત્યાં પણ અમલમાં મુકી શકાય એવી ઘણી બાબતો છે.

columnists