ખૂન કા બદલા ખૂન

30 June, 2019 12:25 PM IST  |  મુંબઈ | વિવેક અગરવાલ - તમંચા

ખૂન કા બદલા ખૂન

પ્રતીકાત્મક તસવીર

તમંચા

એક નિશાન...

એક કાર...

ત્રણ હત્યારા...

ત્રણ હથિયાર...

ડઝન ગોળીઓ...

અને...

૧૨ ફેબ્રુઆરી ૧૯૭૯...

આ જ એ મનહૂસ દિવસ હતો જેણે માયાનગરી મુંબઈને ‘સ્વપ્નનગરી’માંથી ‘કાળનગરી’ બનાવી દીધી.

આ જ દિવસે શરૂ થયો હતો મુંબઈમાં ખૂનખરાબાનો એ ખરાબ દોર, જેણે મુંબઈની હવાઓમાં હંમેશ માટે બારુદની ગંધ ભરી દીધી. આ જ દિવસે મુંબઈની તમામ સડકો અને ગલીઓને લોહીથી લથબથ કરી દીધી. આ જ એક દિવસે મુંબઈના લોકોનાં દિલોમાં ખોફ અને આતંક ભરી દીધા.

આ જ દિવસે સાબિર ઘરેથી કૅનેડી બ્રિજ પહોંચ્યો, જ્યાં તેની માશૂકા રહેતી હતી. તે વેશ્યા હતી. પહેલેથી જ દુશ્મનોએ એ વિશે જાણકારી મેળવી રાખી હતી.

જ્યારે છોકરીને સાથે લઈને સાબિર કારમાં રવાના થયો ત્યાં સુધી અમીરઝાદા, આલમઝેબ અને ઝફર નજીકની રેસ્ટોરાંમાં રાહ જોતા પાંઉભાજી ખાતા હતા.

વૉચરે ઇશારો કર્યો.

ત્રણેએ અંદરોઅંદર ઇશારો કર્યો.

ત્રણેય સાથે રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા.

તેમણે કારમાં સાબિરનો પીછો કર્યો.

સાબિરની કાર પ્રભાદેવી પાસે પેટ્રોલ-પમ્પ પર ઈંધણ ભરાવા રોકાઈ.

ત્રણેય ફટાફટ કાર રોકીને ત્યાં પહોંચ્યા.

તેમના હાથમાં ખતરનાક હથિયાર દેખાવા લાગ્યાં.

તેમની રિવૉલ્વરો સાબિર તરફ આગ ઓકવા માંડી.

સાબિર ઘટનાસ્થળે જ માર્યો ગયો. ત્યારે મોબાઇલ ફોન નહોતા કે હત્યાની સૂચના તરત જ દાઉદ સુધી પહોંચે. એ ત્રણેય આ હત્યાથી ઉત્સાહી બની મુસાફરખાના પહોંચ્યા. ત્યાં દાઉદની ઑફિસ હતી, જ્યાં તેના હોવાની પૂરી ઉમ્મીદ હતી. ત્રણેએ બહાર જ ગોળીબાર શરૂ કરી દીધો.

ઘરની બહાર જ ખાલીદ પહેલવાન ઉર્ફે કેપી મોજૂદ હતો. તેણે વળતો ગોળીબાર કર્યો, જેમાંથી એક આલમઝેબના પગમાં જઈ ઘૂસી. આલમઝેબ ધરાશાયી થયો. હવે ત્રણેય ત્યાંથી ભાગ્યા. દાઉદ તો ત્યાં મળ્યો નહોતો, પણ તેના સિપહસાલારે તેમનો જીવ આફતમાં મૂકી દીધો હતો. સાબિરની હત્યાની ખબર મળતાં જ દાઉદની અંદર ભૂચાલ આવ્યો. તેણે તરત જ પોતાના સાથીદારોને એકઠા કરીને સમદ ખાન, અમીરઝાદા, આલમઝેબનાં ઠેકાણાંઓ પર હુમલા શરૂ કરી દીધા. ત્યાં સુધીમાં એ બધા ગાયબ થઈ ગયા હતા. તેમને ખબર હતી કે બદલાની કાર્યવાહી તરત થવાની એે નક્કી જ છે.

ગુસ્સાના પાગલપનમાં દાઉદે એ ન જોયું કે સામે કોણ આવી રહ્યું છે. તેણે આલમઝેબ-અમીરઝાદા અને સમદ ખાન સાથે થોડી પણ ઓળખાણ રાખનારાઓને પીટ્યા, તેના ધોબી, નાઈ અને પાનવાળાને પણ ધોઈ નાખ્યા.

ખરાબ રીતે નારાજ દાઉદે તો આલમઝેબ અને અમીરઝાદાનાં ઘરોની ગલીઓમાં ઊભેલી ટૅક્સીઓ પર પણ હૉકીથી હુમલો કર્યો, તોડ-ફોડ કરી અને આગ લગાવી દીધી.

આ પણ વાંચો : વરદાનો ઉસૂલ

ભાઈના મોતથી આઘાત પામેલા દાઉદે પૂરા દક્ષિણ મુંબઈ ઇલાકામાં એવો આતંક મચાવ્યો કે બધા ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા. આ એ દિવસ બન્યો જેણે મુંબઈમાં ગૅન્ગવૉરની શરૂઆત કરી હતી.

એ પછી દાઉદનું એકમાત્ર લક્ષ્ય બની ગયું:

‘ખૂનકા બદલા ખૂન.’

columnists weekend guide