કૉલમ : તમારો શત્રુ કોણ છે?

15 April, 2019 04:46 PM IST  |  | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કૉલમ : તમારો શત્રુ કોણ છે?

જેમ દોસ્ત હોય, તેમ દુશ્મન પણ હોય. નરેન્દ્ર મોદીનો દુશ્મન કોણ એવું પુછાય તો મહાગઠબંધનનો દરેક નેતા સમૂહમાં આંગળી ઊંચી કરે. ભારતનું દુશ્મન કોણ એવું પુછાય તો સહેજે પહેલું નામ પાકિસ્તાનનું જ આવે ને એની પાછળ ચીન પણ ઉમેરાય. વાત જયચંદો અને મીર જાફરોની આવે ત્યારે કાશ્મીરના અલગાવવાદીઓ, નક્સલવાદીઓ, વિદ્રોહી અને નકારાત્મક માનસિકતાને વળગીને ચાલતા બૌદ્ધિકો નજર સમક્ષ ઊપસી આવે. શયદા શત્રુતાને જીવનનો એક રસપ્રદ હિસ્સો ગણાવે છે...

જાશું, જઈને મોતથી પંજો લડાવશું

મળશે સમય તો આપની મહેફિલમાં આવશું

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ

ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું?

સંઘર્ષ વગર જીવનમાં રસ ન ઉમેરાય. નદી હાઈવેની જેમ સીધીસટાક નથી જતી. એ વાંકીચૂકી થઈને વહે એટલે જ રૂપાળી લાગે. દુશ્મનાવટ વાનગીમાં મરચાની ગરજ સારે છે. માપસર હોય તો આપણી તરક્કીમાં આડકતરી રીતે કામ આવે. વધારે હોય તો નુકસાન કરે. બેફામસાહેબ પણ શત્રુત્વની મહત્તા કરે છે...

દુ:ખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે

સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર

હોય સૌ નાદાન ત્યાં કોઈ તો દાનો જોઈએ

દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઈ એકાદ કર

હિન્દી ફિલ્મો શત્રુત્વ વગર કલ્પી ન શકાય. ‘સૌદાગર’ ફિલ્મમાં દિલીપ કુમાર અને રાજ કુમાર જેવા બે દિગ્ગજ કલાકારોએ પોતાના અભિનયથી શત્રુતાને અજવાળી હતી. ‘ઝંઝીર’ ફિલ્મ જુઓ તો ખ્યાલ આવે કે અમિતાભનું પાત્ર ત્યારે જ વધારે ઊપસી આવ્યું જ્યારે સામે પ્રાણ જેવો બળૂકો શત્રુ હતો. આ શત્રુ પાછળથી અચ્છો દોસ્ત બની ગયો. આવું વાસ્તવિક જિંદગીમાં પણ થતું હોય છે. એકમેકને ઉતારી પાડવા ગમે ત્યારે તૈયાર હોય એવા બે જણ એકમેકની પડખે ઊભા રહેતા થઈ જાય. આ સારપની બૂરાઈ પર જીત છે. કિરણસિંહ ચૌહાણ કારણ-નિવારણ બન્ને આપે છે...

મિત્રો જો શત્રુ ના બને તો એ કરેય શું

દુશ્મન ઉપર તમારું વધુ ધ્યાન હોય છે

ઝઘડો કરીને થાકી ગયા ચાંદ ને નિશા

ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે

બે દેશ વચ્ચેની દુશ્મનાવટ વિfવને અસર કરે. સાઉથ કોરિયા અને નૉર્થ કોરિયા વચ્ચેની જડબેસલાક દુશ્મનાવટ હમણાં હમણાંથી થોડી કૂણી પડવાની શરૂઆત થઈ. ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન તો પડખામાં પણ મશીનગન લઈને સૂવું પડે એવી નખશિખ દુશ્મનાવટ ધરાવે છે. જોકે દુશ્મન આરબ દેશોથી ઘેરાયેલા ઇઝરાયલની સાહસિકતા ને શૂરવીરતા પોષવા-વિકસાવવામાં આ દુશ્મનાવટ જ કારણભૂત છે. પાકિસ્તાન તો લાજશરમ નેવે મૂકીને પ્રૉક્સી વૉર ખેલી ભારતને સતત રંઝાડતું રહ્યું છે. સામેની સેનાનો સૈનિક મરી જાય પછી નિયમ પ્રમાણે કેટલીક વિધિ કરવાની હોય છે. એના દેહને ચૂંથાય નહીં, પણ પાકિસ્તાન આવી કોઈ વાતમાં માનતું નથી. અરે પોતાના સૈનિકોનો ખાત્મો થયો હોય તો એના શબ લેવાની તહેઝીબ અને તમીઝ પણ રાખતું નથી. પંકજ વખારિયાના શેરમાં આ બારીક સંવેદન વણાયેલું છે...

રોશન કરી જા, યા તો પછી ભડભડાવી જા

માચીસનો ધર્મ કોઈ પણ રીતે બજાવી જા

મૃત્યુ પછી શરીર તો કેવળ શરીર છે

મિત્રોની સાથે શત્રુનાં પણ શબ ઉઠાવી જા

ચાણક્યનીતિ પ્રમાણે પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેને કદાપિ માફ ન કરાય. તેને નષ્ટ કરવામાં જ હિત છે.

હાથીને કાબૂ રાખવા માટે અંકુશ, ઘોડાને કાબૂમાં રાખવા માટે ચાબુક અને શીંગડાંવાળા પ્રાણીઓને કાબૂમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે, પણ પાપી, દુષ્ટ લોકોને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવી પડે. આવા દુષ્ટ લોકોની હત્યા કરી દેવામાં કોઈ બૂરાઈ નથી.

દીપક નાયકવાડ વાતના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે...

આફત કદી જો આવી તમારા ઉપર પડે

છે મિત્ર કોણ, કોણ છે દુશ્મન ખબર પડે

કહેવું છે સહેલું, કરવું એ ખૂબ જ કઠિન છે

મુશ્કેલી શું છે જાણો જો માથા ઉપર પડે

ભગવાન રામને પણ શત્રુ હતા તો ભક્ત નરસિંહ મહેતાને પણ શત્રુ હતા. સમરાંગણમાં ભીષ્મ કહે છે: હે તાત, એવા કોઈ શત્રુને હું જોતો નથી જે યુદ્ધમાં મને જીતી શકે.

કેટલીક વાર શત્રુ વ્યક્તિ સ્વરૂપે ન પણ હોય. કદાચ એનું સ્વરૂપ આંગળી ચીંધીને કહી ન શકાય. એ અવગુણ સ્વરૂપે હોઈ શકે, નબળાઈ-ખામી સંદર્ભે હોઈ શકે. આપણાં સુભાષિતોમાં કહ્યું છે કે દેવું કરનાર પિતા, અવિનયી પત્ની અને અભણ પુત્રને શત્રુ ગણવા. ભગવદ્ગીતામાં કામ, ક્રોધ, રાગ-દ્વેષને શત્રુ લેખવામાં આવ્યા છે. શત્રુને નાથવા માટે પહેલાં તેની ઓળખ થવી જરૂરી છે. હિમલ પંડ્યા દોસ્તી-દુશ્મનીને એક તુલામાં જોખે છે...

જખ્મને લીલા સદાયે રાખજો

દર્દની ભાષા તમે પણ વાંચજો

દોસ્ત છે, ક્યારેક દિલ દુભાવશે!

દુશ્મનો સાથે ઘરોબો રાખજો

વર્ચસ જમાવવા માટે કે સામ્રાજ્યવાદના વિસ્તારને કારણે ઊભી થતી શત્રુતા માત્ર મનુષ્યોમાં જ હોય એવું નથી, જંગલનાં પ્રાણીઓમાં પણ જોવા મળે છે. વાઘ પોતાના વિસ્તારમાં આવેલા અન્ય વાઘને સાંખી શકતો નથી. બન્ને લડાઈ કરીને પોતપોતાનું વર્ચસ ટકાવવા કે સ્થાપવા એકબીજાનો જીવ લેતાં પણ અચકાતા નથી.

સવાલ એ છે કે સિત્તેર-એંસી વર્ષના આયુષ્યમાં પ્રેમ માટે પણ સમય ઓછો પડે છે તો દુશ્મનાવટમાં સમય શું કામ વેડફવો. હા, જાતને નુકસાન ન થાય એની તકેદારી લેવી પડે, પણ દ્વેષભાવનો વિસ્તાર અંતે તો માણસાઈને પતન તરફ જ દોરી જાય છે. મધુસૂદન પટેલ સાર તારવે છે...

છે બહુ ઓછો સમય / તો દુશ્મનોને માફ કર

દિલને ગમતા હોય એવા માણસોની વાત કર

બાગ, ટહુકા, બાંકડા, ઠંડી હવા / ને સાંજ છે

ચોતરફ આમંત્રણો છે, / તું નજર તો બ્હાર કર

ક્યા બાત હૈ

એક બે નહિ અપાર વાવીશું

આ હવામાં વિચાર વાવીશું

આ પણ વાંચો : પવિત્ર ચૈત્ર મહિનામાં જૈનોની ત્રણ ઐતિહાસિક ઘટનાઓ આવી રહી છે એની આપને જાણ છે ખરી?

નાત તડકાની છો થતી દુશ્મન

એક વડલો ધરાર વાવીશું

- રાકેશ હાંસલિયા

columnists