ફિલ્મોમાં કામ કરવા માટે ખૈયામ 11 વર્ષની વયે ઘેરથી ભાગીને ક્યાં પહોંચ્યા

13 October, 2019 03:41 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

ફિલ્મોમાં કામ કરવા માટે ખૈયામ 11 વર્ષની વયે ઘેરથી ભાગીને ક્યાં પહોંચ્યા

ખૈયામ

હાલમાં ક્રિકેટની સીઝન ચાલે છે. મોટા ભાગે આપણે વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત અને બીજા ખેલાડીઓની ચર્ચા વધારે કરતા હોઈએ છીએ; કારણ કે આ ખેલાડીઓ આક્રમક ક્રિકેટ રમે છે, સફળતા તેમનાં કદમ ચૂમતી હોય છે. આવા ખેલાડીઓ ક્રિકેટના ‘ગ્લૅમર બૉયઝ’ કહેવાય. જોકે દરેક ટીમમાં ચેતન પુજારા જેવા એક ‘ટેક્નિકલી પર્ફેક્ટ’ ખેલાડી હોય છે જે મુસીબતના સમયે ધીરગંભીર રહીને સૂઝ્બુજથી રમતા હોય છે. તેમના યોગદાનની જોઈએ તેટલી નોંધ લેવાતી નથી . આવું જ કૈંક હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં બન્યું છે. શંકર  જયકિશન, ઓ.પી. નય્યર અને બીજા સંગીતકારો એ અનેક લોકપ્રિય ગીતો આપ્યા. સમયની માંગ અને સંગીતપ્રેમીઓની ડિમાન્ડ મુજબ કોઈ પણ જાતના છોછ વિના કેવળ લોકપ્રિય સંગીત આપવાની તેમની કોશિશ રહી. આ માટે તેમની ટીકા કદાપિ ન થઈ શકે કારણ કે એક પ્રોફેશનલ તરીકે તેમણે ‘ડિમાન્ડ ઍન્ડ સપ્લાય’ના નિયમનું પાલન કર્યું. એ ટીમમાં સંગીતકાર ખૈયામ જેવા એક ટેક્નિકલી પર્ફેક્ટ સંગીતકાર હતા જેણે પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય સાધીને  સંગીત આપ્યું. કામ ભલે ઓછું કર્યું પરંતુ એ આછું નહોતું. અત્યંત ગુણી હોવા છતાં જેને જોઈએ એટલું રેકગ્નિશન ન મળ્યું એવા સંગીતકાર ખૈયામની જાણીઅજાણી વાતો તમારી સાથે શૅર કરું છું.

મોહમ્મદ ઝહૂર ખૈયામ હાશમીનો જન્મ ૧૮ ફેબ્રુઆરી ૧૯૨૭ના દિવસે પંજાબના જલંદર ડિસ્ટ્રિક્ટના એક ગામ રાહોંમાં થયો. પિતા અલ હજ મિયાં મોહમ્મદ અબ્દુલ્લા હાશમી અને માતા હુરમત જહાં હાશમીનો પાંચ પુત્ર અને ત્રણ પુત્રીનો બહોળો પરિવાર ખેતીની આવક પર નભતો હતો. કુદરતના ખોળે વસેલા આ નાના ગામમાં  વિતાવેલા પોતાના બાળપણના દિવસોને  યાદ   કરતા ખૈયામ કહે છે :

‘ખળખળ વહેતી નદી, ખેતરો, ચારે તરફ હરિયાળી અને આસપાસના પર્વતોને કારણે મારું ગામ એક હિલ-સ્ટેશન જેવું લાગતું. ગામ ભલે નાનું હતું, પરંતુ આસપાસનાં ગામો કરતાં અહીં વધારે સુવિધા હતી. ગામમાં ટાઉનહૉલ અને કન્યાશાળા હતી જે એ જમાનામાં નવાઈની વાત હતી. પિતાજી ખેતી કરતા. ‘થોડા હૈ થોડે કી  ઝરૂરત હૈ’માં માનવાવાળો અમારો પરિવાર સંતોષી હતો. મારા ઘરમાં સંગીત અને સાહિત્યનું વાતાવરણ હતું. સવારસાંજ નજીકના  ગુરુદ્વારામાં થતી ગુરુબાનીના સ્વર મને ખૂબ ગમતા.  વહેલી સવારે બાજુના મંદીરમાં ઘંટનાદ સાથે ‘જય જગદીશ હરે’ આરતી થતી ત્યારે હું  ભક્તિરસમાં  તરબોળ થઈ જતો.

અમારા પરિવારમાં ‘સર્વ ધર્મ સમભાવ’ના નાતે દરેક સંપ્રદાયને પૂજ્ય ભાવે ભજવાની પ્રથા હતી. સાંજે ખેતરનું કામ પતાવી પિતાજી ઘરે આવતાં પહેલાં ત્યાંની મસ્જિદમાં સુરીલા સ્વરમાં આઝાન ગાતા જેના સ્પંદન આજે પણ હું અનુભવી શકું છું. આવા સંગીતમય વાતાવરણના કારણે જ  નાનપણથી  મારામાં સંગીતના અંકુર ફૂટયા હશે એવું મને લાગે છે .

પંડિત બુટારામજી મારી સ્કૂલના હેડમાસ્તર હતા. મારું હોમવર્ક પૂરું કરવાને બહાને હું રોજ તેમના ઘેર જતો. ભણવામાં મને બહુ રસ નહોતો. સાચું કહું તો મને ત્યાં જે ભક્તિભાવથી આરતી થતી હતી એમાં અને ત્યાર બાદ જે પ્રસાદ મળતો હતો એમાં વધુ રસ હતો. એ સમયે દરેક ધર્મના ભક્તિસંગીતનો પ્રભાવ મારા પર એટલો હતો કે દિવસરાત હું એની અસરમાં જ રહેતો. કદાચ આ કારણે જ મારા સંગીતમાં એ રાગરાગિણીઓની શુદ્ધતા અને દિવ્યતા આવી હશે. જીવનભર સતત મારો એ જ પ્રયાસ રહ્યો છે કે હું તે સંગીતમય  વારસાને વફાદાર રહી શકું.

મારા પરિવારમાં મારા સિવાય દરેક ભણવામાં હોશિયાર હતા. મને સ્કૂલની ટેક્સ્ટ બુક કરતાં સાહિત્ય, કવિતા અને સંગીતમાં વધુ  રસ હતો. મારા ભાઈને વાંચવાનો શોખ હતો. તેની પાસે મોટા સાહિત્યકારોના અનેક પુસ્તકો હતાં. પુસ્તકોના આ દરિયામાં હું એવો ડૂબી જતો કે સમયનું ભાન ન રહે. ઉર્દૂના ઘણા શબ્દોના અર્થ મને એ સમયે સમજાતા નહોતા ત્યારે મોટાભાઈ મને મદદ કરતા. મારા સૌથી મોટાભાઈનો જલંધરમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. શનિવારે સ્કૂલ પૂરી થાય એટલે અમે ભાઈબહેનો શનિરવિની રજા ગાળવા તેમના ઘેર જતા. ત્યાં અમને જલસો પડી જતો. ખાણીપીણીની મહેફિલ સાથે અમે ફિલ્મો જોવા જતા. તે દિવસોમાં ફિયરલેસ નાદિયા અને જૉન કાવસની સ્ટંટ ફિલ્મોની બોલબાલા હતી. એ ઉપરાંત કે. એલ. સૈગલનાં ગીતો સાંભળવાની ખૂબ મજા આવતી. દર અઠવાડિયે જલંધર જવાની અમે આતુરતાથી રાહ જોતા.

જલંધરથી પાછા ફરતાં ટ્રેન ખટકડ કલાન નામના એક નાના સ્ટેશન પર એક  મિનિટ ઊભી રહેતી ત્યારે મારા પિતાજી અમને કહેતા, ચાલો, ઊભા થઈને વંદન કરો આ ભૂમિને. અને અમે થોડી ક્ષણો માટે ઊભા થઈ એ ભૂમિને પૂજ્યભાવથી વંદન કરતા. એ શહીદ ભગતસિંહની જન્મભૂમિ હતી. એ દિવસોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. પૂરા દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ હતું એ આજે પણ હું ભૂલ્યો નથી.

જલંધરમાં જયારે હું ફિલ્મો  જોવા જતો ત્યારે હું રોમાંચિત થઈને એ આભાસી  દુનિયામાં ડૂબી જતો. એ સમયથી ફિલ્મોએ મારા મન પર કબજો લઈ લીધો. એક તરફ સ્ટંટનાં દૃશ્યો અને  બીજી તરફ કુંદનલાલ સહગલની મધુર ગાયકી મને રોમાંચિત કરી દેતાં. મનોમન હું મારી જાતની સરખામણી  ફિલ્મના કલાકારો સાથે કરવા લાગ્યો. મારો ચહેરોમહોરો અને મારો સુરીલો અવાજ હું આ બન્ને પર  થોડો મુસ્તાક હતો. મને લાગ્યું કે ફિલ્મમાં કામ કરવાની પૂરતી લાયકાત મારામાં છે. ભણવામાં આમ પણ મારું મન લાગતું નહોતું. મને લાગ્યું કે મારું સ્થાન ગ્લૅમર વર્લ્ડમાં છે. ફિલ્મોની ઝાકમઝાળ મને બોલાવી રહી છે. આ ઘેલછાએ મારા મનમાં એવું ઘર કરી લીધું કે દિવસ-રાત મને એમ જ થાય કે કઈ રીતે હું એ દુનિયામાં પહોંચું. ફિલ્મોમાં કામ કરવું હોય તો શું કરવું જોઈએ એની મને કોઈ ગતાગમ નહોતી. ફિલ્મો કેમ બને છે એની કોઈ જાણકારી નહોતી. આજ સુધી મેં એવું સાંભળ્યું હતું કે દિલ્હી એક મોટું શહેર છે એટલે મારું માનવું હતું કે  દિલ્હીમાં જ ફિલ્મો બનતી હશે, પણ ત્યાં જવું કઈ રીતે? મને એ ખબર હતી કે જો ઘરમાં હું આ વાત કરીશ તો કોઈ માનશે  નહીં. તો પછી કરવું શું?’

આ વાતો કરતાં ખૈયામના ચહેરા પર એક શરારત અને અને માસૂમિયત દેખાઈ આવે છે. એક રહસ્યકથા સાંભળતા હોઈએ એટલી રસપ્રદ આ વાત હતી. ‘એ વખતે તમારી ઉંમર કેટલી હતી?’ મારા એ પ્રશ્નના જવાબમાં હસતાં-હસતાં પોતાની સાહસકથાને આગળ વધારતાં ખૈયામ કહે છે, ‘હું કેવળ ૧૧ વર્ષનો હતો. આ જુનૂનને કોઈ રીતે દબાવી શકાય તેમ નહોતું એટલે એક દિવસ કોઈને કહ્યા વિના હું દિલ્હી જવા નીકળી પડ્યો, કારણ કે ત્યાં મારા  કાકા રહેતા હતા. મને એકલો જોઈ તે નારાજ થયા, પરંતુ પ્રેમથી આવકાર આપ્યો. જેવું તેમને સાચું કારણ કહ્યું તો ગુસ્સે થઈને મને મેથીપાક આપવાનું શરૂ કર્યું. એ તો મારું નસીબ સારું  કે મારાં દાદી, જે તેમની સાથે રહેતાં હતાં તેમણે મને બચાવ્યો. બીજા દિવસે કાકાનો ગુસ્સો ઠંડો પડ્યો અને દાદીના કહેવાથી તેમણે મને દિલ્હીમાં રહેવાની રજા આપી. શરત એટલી હતી કે મારે અહીંની સ્કૂલમાં ભણવું પડશે. હું તો દિલ્હી છોડવા માગતો નહોતો એટલે મેં હા પાડી. જોકે થોડા જ દિવસોમાં તેમને સમજાઈ ગયું કે મને ભણવામાં કોઈ રસ જ નહોતો. કંટાળીને એક દિવસ તેમણે પાસે બેસાડીને ધીમેથી મને  પૂછ્યું કે જિંદગીમાં તારે કરવું શું છે? હું એ જ દિવસની રાહ જોતો હતો કે શાંતિથી મને કોઈ આ પ્રશ્ન પૂછે. મેં તેમને મારા દિલની વાત કરી. મારા દૃઢ નિશ્ચય અને મારો સંગીત પ્રત્યેનો સાચો લગાવ જોઈને તેમને અહેસાસ થયો કે હું આ જ દિશામાં આગળ વધવા માગું છું.                      

તેમના મનમાં રામ વસ્યા અને બીજા દિવસે મને તેમના ખાસ મિત્રને ઘરે લઈ ગયા. એ મિત્ર હતા પંડિત હુસ્નલાલ (જે પાછળથી વિખ્યાત સંગીતકાર જોડી હુસ્નલાલ ભગતરામના નામે મશહૂર થયા) એ દિવસોમાં તે ઑલ ઇન્ડિયા રેડિયોના વિખ્યાત કલાકાર હતા. ક્લાસિક્લ સિંગર હોવા ઉપરાંત તે વાયોલિનિસ્ટ પણ હતા. મારા કાકાએ તેમની સાથે મારી ઓળખાણ કરાવતાં એટલું જ કહ્યું, ‘આ છોકરા પર ફિલ્મોનું ભૂત સવાર થયું છે. મને ખબર નથી કે એને માટે  આગળ શું  કરવું એટલે તમારી પાસે લઈ આવ્યો છું. હવે તમે જ એની મદદ કરો.’

પંડિતજીએ મને નખશિખ ધ્યાનથી જોયો અને કહે, ‘શક્લોં સૂરત તો અચ્છી હૈ પર બેટા અભી તેરી ઉમ્ર ફિલ્મોં કે લિયે છોટી હૈ. કુછ સાલ ઇન્તઝાર કરના પડેગા. ઔર  હાં, ફિલ્મોં કે લિયા ગાના સિખના બહુત ઝરૂરી હૈ. (એ દિવસોમાં ફિલ્મોમાં કામ કરતા કલાકારો માટે સારા ગાયક હોવું એ જરૂરી હતું, કારણ કે પ્લેબૅકની પ્રથા હજી વિકસી નહોતી.) મુઝે ભરોસા હૈ કે સહી તાલીમ કે બાદ જબ સમય આયેગા તબ તુમ્હે ફિલ્મોં મેં કામ મિલને મેં કોઈ દિક્કત નહીં આયેગી. આજ સે મૈ તુમ્હે ગાના સિખાઉંગા.’ તેમની વાત સાંભળી હું તો એટલો ખુશ થઈ ગયો કે મનોમન એમ જ વિચાર આવ્યો કે કુંદનલાલ સૈગલ પછી લોકો મને જ યાદ કરશે.

આમ મારી સંગીતની તાલીમ શરૂ થઈ. હું તેમના ઘેર રહેતો. મારી સંગીતની લગન અને  સમજ જોઈને તે મને પ્રેમથી શીખડાવતા. પૂરી મહેનત અને ધૈર્યથી હું કલાકોના કલાક રિયાઝ  કરતો. તે મને વધુમાં વધુ સમય આપતા. તેમની તાલીમ એટલી ઊંડાણવાળી હતી કે હું ઝડપથી રાગરાગિણીની ઓળખ, એનું બંધારણ અને નોટેશન્સ સમજવા લાગ્યો. આ સમય દરમ્યાન હિન્દુસ્તાની ક્લાસિક્લ સંગીત પ્રત્યેની મારી રુચિ ખૂબ જ વધી ગઈ અને એની બારીકીઓથી હું  માહિતગાર થયો. ટૂંકમાં કહીએ તો સંગીત મહાસાગરમાં હું નવી-નવી મંઝિલ તરફ આગળ વધવા લાગ્યો.’

પંડિતજી એચએમવીના આર્ટિસ્ટ હતા. એ દિવસોમાં કંપની માટે સંગીત નાટકોનું રેકૉર્ડિંગ થતું હતું. એક નાટક માટે ચાર રેકૉર્ડ્સ બહાર પડતી. મારી ઉંમરને કારણે સ્ત્રીપાત્રો માટે મારા અવાજમાં થોડી પંક્તિઓ રેકૉર્ડ કરવામાં આવતી. થોડા સમય બાદ મને એકલાને  ગીત  ગાવાનો મોકો મળવા લાગ્યો. ત્યાર બાદ મને દિલ્હીના રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થતા  બાળનાટકોમાં ભાગ લેવાનો અનુભવ મળ્યો. આને લીધે  મને સિંગિંગ , મ્યુઝિક મેકિંગ અને રેકૉર્ડિંગ બાબતની અનેક ટેક્નિક શીખવા મળી.

પંડિતજી સાથે મારાં પાંચ વર્ષ વીતી ગયાં. હું પૂરી નિષ્ઠાથી મારું કામ કરતો. પંડિતજીએ એક દિવસ મને કહ્યું, ‘આ પાંચ વર્ષોમાં તેં ફિલ્મસંગીત માટે જોઈતી ઘણી વાતો શીખી લીધી છે. હવે સમય આવ્યો છે તારું સપનું સાકાર કરવાનો. એ માટે  તારે મુંબઈ જવું જોઈએ. મારા આશીર્વાદ તારી સાથે છે.’ અને એક પળનો વિલંબ કર્યા વિના હું મુંબઈ જવા રવાના થયો. ત્યારે મને એ હકીકત ધ્યાનમાં નહોતી કે આયુષ્યના એ પડાવ પર હું ઊભો હતો જ્યાં બાળકલાકાર માટે  મારી ઉંમર મોટી હતી અને હીરો બનવા માટે નાની હતી. એટલે જિસકા ડર થા વહી હુઆ. દરેક પાસેથી એક જ જવાબ મળતો, હમણાં તમારે લાયક કોઈ કામ નથી, થોડા સમય પછી મળજો.

આ પણ વાંચો : ઇલેક્શનમાં સોશિયલ મીડિયા બેધારી તલવાર

મુંબઈથી થાકીને હું લાહોર તરફ ઊપડ્યો. એ દિવસોમાં મુંબઈ ઉપરાંત લાહોરમાં ઘણી ફિલ્મો બનતી. જોકે અહીં પણ મારે માટે મુંબઈ જેવી જ પરીસ્થિતિ હતી. એક દિવસ મને સલાહ મળી કે મારે ચિશ્તીબાબાને મળવું જોઈએ. એ દિવસોમાં તેમનું નામ એક મોટા સંગીતકારનું હતું. ઇન્ડસ્ટ્રીમાં તેમનું ખૂબ માન હતું. મેં નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે એક વખત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવી છે તો આ મોકો ગુમાવવો નથી. હું તેમને મળવા સ્ટુડિયો પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો તે કામમાં મશગૂલ હતા. એક કલાક સુધી હું ચૂપચાપ દૂરથી તેમની કામગીરીને જોઈ રહ્યો હતો. ત્યાં એવું બન્યું કે તેમણે પોતાના અસિસ્ટન્ટ્સ બોલાવ્યા અને પૂછ્યું કે અડધા કલાક પહેલાં મેં એક ઇન્ટરલ્યુડ માટે ઇન્સ્ટ્રુમેન્ટલ પીસ (બે પંક્તિ વચ્ચે આવતા સંગીતનો ટુકડો) બનાવ્યો એ યાદ છે? અસિસ્ટન્ટ કહે કે ધૂન તો બહુ સૂરીલી હતી પણ અફસોસ એ યાદ નથી આવતી. આ સાંભળી ચિશ્તીબાબા નિરાશ થઈ ગયા. તેમને પણ એ ધૂન યાદ નહોતી આવતી. વાતાવરણ ગંભીર થઇ ગયું. આ જોઈ મેં થોડી હિંમત કરતાં તેમની નજીક જઈ ચરણસ્પર્શ કરતાં કહ્યું, મેં એ ધૂન સાંભળી છે અને  મને  યાદ છે. તેમણે નવાઈ પામતાં પોતાના અસિસ્ટન્ટને પૂછ્યું કે આ છોકરો કોણ છે? હું તો પહેલીવાર તેને જોઉં છું. મારા મ્યુઝિક રૂમમાં આ શું કરે છે?  મેં  તેમને  દિલ્હીમાં મારી પૂરી તાલીમ અને કામ વિશેની વાત ટૂંકમાં જણાવી અને કહ્યું કે તમારી રજા હોય તો આ ધૂનના નોટેશન્સ પણ હું લખી શકું છું. તે મારી વાત માનવા જ તૈયાર નહોતા. તેમની રજા મળતાં જ મેં એ કામ કરી બતાવ્યું. તે એટલા ખુશ થઈ ગયા, કહે, આજથી તું મારો અસિસ્ટન્ટ બની  જા. તારા રહેવાની અને ખાવાપીવાની જવાબદારી મારી, પણ તને પગાર નહીં મળે. કબૂલ છે? મેં વિચાર કર્યો, એક વાર આ લાઇનમાં પગપેસારો કરવા મળશે તો આગળ બીજા મોટા માણસો સાથે  મારી ઓળખાણ થશે. એ પછી ફિલ્મોમાં હીરો બનવાનો ચાન્સ મળી શકે અને આમ મારું સપનું પૂરું થાય. મેં તેમની ઑફર સ્વીકારી લીધી. એ સમયે મને ખબર નહોતી કે આ ઑફર મારા જીવનની  રાહ બદલાવી નાખશે.’

columnists weekend guide