સલીમ ઉર્ફે એસટીડી ઉર્ફે બાબા ઉર્ફે સલીમ રિપોર્ટર

06 October, 2019 02:24 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

સલીમ ઉર્ફે એસટીડી ઉર્ફે બાબા ઉર્ફે સલીમ રિપોર્ટર

પ્રતીકાત્મક તસવીર

હિન્દી અખબાર ‘દો બજે દોપહર’ના રિપોર્ટર તરીકે મુંબઈ પોલીસની મુખ્ય કચેરીમાં સલીમની રોજ અવરજવર રહેતી. નાના-મોટા તમામ અધિકારીઓ સાથે તેની ઊઠ-બેસ રહેતી. પ્રેસ-કૉન્ફરન્સમાં તે બધાથી આગળ બેસતો. તેના ચરિત્ર વિશે બધાને શંકા તો હતી, પણ... આભાર - નિહારિકા રવિયા કોઈ કશું કહેતું નહોતું. તે કલાકો સુધી પ્રેસ-રૂમમાં બધા સાથે વાતો કરતો, તેમની વાતો સાંભળતો. ત્યાં મૂકેલા ફોન પર લોકો સાથે કલાકો સુધી વાતો કરતો.

મોટી સમસ્યા એ હતી કે તે કોની સાથે શું વાત કરે છે એ કોઈને સંભળાતું નહીં. એટલે સુધી કે તેની બરાબર સામે કે બાજુમાં બેઠેલી વ્યક્તિને સુધ્ધાં કશું સંભળાતું નહીં.

ટેમકર મહોલ્લામાં સલીમ તેની પત્ની, બે બાળકો અને માતા-પિતા સાથે રહેતો હતો. સંયુક્ત આરબ અમીરાતના લશ્કરમાં થોડાં વર્ષો સુધી ફરજ બજાવ્યા પછી તે ૧૯૯૪માં મુંબઈ પાછો આવી ગયો. તે પૂર્ણ તાલીમ મેળવેલો સૈનિક હતો અને તેને અત્યાધુનિક શસ્ત્રો વાપરતાં આવડતું હતું.

પાછો ફરીને સલીમે નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ જોઈતું કામ ન મળ્યું. આખરે, લાચારીવશ ટેમકર મહોલ્લામાં એસટીડી-બૂથ ખોલી દીધું, જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય.

તેના એસટીડી-બૂથ પર લોકોની સતત અવરજવર રહેતી. એમાંથી ઘણા લોકો ડી-કંપની સાથે પણ સબંધ ધરાવતા હતા. તેમની સાથે પણ સલીમના સંબંધ સ્થપાયા. આ ગુંડાઓએ છોટા શકીલને જણાવ્યું કે ગૅન્ગ માટે કામ આવે એવો એક માણસ ટેમકર મહોલ્લામાં વેડફાઈ રહ્યો છે. તેનો સારો ઉપયોગ થઈ શકે એમ છે. શકીલે સલીમને મળવાનું કહ્યું.

એક દિવસ સલીમ અને શકીલની મુલાકાત થઈ. શકીલે તેને ધર્મના નામે સહેલાઈથી મનાવી લીધો.

થોડા જ દિવસોમાં તે ડી-કંપનીનો પીઆરઓ બની ગયો.

માહિમ કપડાબજારમાં ગણેશોત્સવ મંડપમાં રાજેન્દ્ર ગુપ્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનામાં ડી-કંપનીના ગુંડાઓ સાથે સલીમ પણ પકડાઈ ગયો. જામીન મળતાં તે બહાર આવ્યો.

ત્યાર બાદ એક દિવસ પોલીસના બાતમીદાર અયુબ ટોપીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. પોલીસનો દાવો હતો કે આ મામલામાં સલીમે કાવતરું રચવામાં ભાગ લીધો હશે. ફરી તેની ધરપકડ થઈ.

હવે સલીમને ચૂપ રહેવાનું યોગ્ય લાગ્યું. તેણે સુધરવાના સોગંદ ખાઈને અખબારના સંપાદકને ગૅન્ગસ્ટરોની અંદરની માહિતી પૂરી પાડવા માટે પટાવી લીધો. સલીમને લેશમાત્ર જાણ ન થઈ કે તેની હરકતો પર એક બાતમીદારની નજર છે.

એક દિવસ બાતમીદારે ગુના શાખાના અધિકારીને કહ્યું કે સલીમ ડી-કંપનીનો માણસ છે. તે પત્રકાર બનીને દરરોજ પોલીસ મુખ્ય કચેરીમાં બેધડક ફરે છે. હવે ઘણી ઝીણવટપૂર્વક દેખરેખ રાખી તેના ફોન-ટૅપિંગ શરૂ કરવામાં આવ્યું.

ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે સલીમ અધિકારીઓની માહિતી શકીલ સુધી પહોંચાડે છે. તે એટલો ચબરાક હતો કે તેના ખિસ્સામાં સેલફોન ચાલુ રાખીને શકીલને આખી પ્રેસ-કૉન્ફરન્સ પણ સંભળાવતો. કરાચીમાં શકીલ આ માહિતીના આધારે આગામી કામગીરી નક્કી કરતો. તેને ભાવિ યોજનાઓ ઘડવામાં ઘણી મદદ મળી રહેતી.

એક પ્રેસ-કૉન્ફરન્સમાં સલીમે પૂછ્યું કે શું પોલીસ ક્લબમાં ખાનગી વાહનો ઊભાં રાખી શકે છે? આ સાંભળીને અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ. તેમને લાગ્યું કે શકીલના ઇશારે પૂછવામાં આવેલા આ સવાલ પાછળ ઘણું મોટું ષડ્‍યંત્ર આકાર લઈ રહ્યું છે.

બસ, સલીમના બે મહિનાના ટૅપિંગે આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. તેને પોલીસે ફરી પકડી લીધો. કોઈ ગુનેગાર દ્વારા પત્રકારત્વના પવિત્ર વ્યવસાયનો દુરુપયોગ કરવાનું આ સૌથી અલગ, સૌથી વિચિત્ર, સૌથી પહેલું અને સૌથી ખતરનાક દૃષ્ટાંત ગણાય છે.

વાત સમાપ્ત કરતાં પહેલાં દાંત વચ્ચે ફસાયેલી પાન સાથેની સોપારીને પિન વડે કાઢવાની મથામણ દરમ્યાન તેઓ બોલ્યા, ‘સલીમ કો સમઝાયા થો ભોત અપુન ભી, દિમાગ કો જાસ્તી તાન નહીં દેને કા... ગયા ના બારા કે ભાવ મેં...’

columnists