અદૃશ્ય રૂપે વહેતી સરસ્વતીની જલધારાનાં સાક્ષાત્ દર્શન થશે?

06 October, 2019 02:47 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

અદૃશ્ય રૂપે વહેતી સરસ્વતીની જલધારાનાં સાક્ષાત્ દર્શન થશે?

ગ્રંથોમાં દર્શાવવામાં આવેલી પ્રાચીન સરસ્વતી નદીનું ચિત્ર

સિંધુ નદી કરતાં પણ હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન અને પ્રવાહને શોધવામાં પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો સફળ થશે તો હડપ્પા અને મોહેં-જો-દરો સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ બદલાઈ જશે એવું ઇતિહાસકારોનું કહેવું છે ત્યારે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં જેનાં અઢળક ગુણગાન ગવાયા છે એવી પવિત્ર અને વંદનીય સરસ્વતી નદી વિશે પ્રચલિત દંતકથાઓ તેમ જ ટેક્નૉલૉજીની સહાયથી એની જલધારાને ફરીથી જીવંત કરવાની દિશામાં જાગેલી આશા વિશે વાત કરીએ

ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી

નર્મદે સિંધુ કાવેરી જલે સ્મિન સંનિધિં કુરુ

હિંદુ ધર્મ અનુસાર ન્હાતી વખતે પવિત્ર નદીઓનાં ઉચ્ચારણ સાથેનો ઉપરોક્ત શ્લોક બોલવાથી નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ નદીઓ દેશની પ્રાચીન સંસ્કૃતિ અને તીર્થસ્થાનો સાથે સંકળાયેલી હોવાથી એનો મહિમા અપરંપાર છે. વિદ્વાનો અને પંડિતોએ ગંગા અને સરસ્વતીના તટને જ્ઞાનભૂમિ, નર્મદાને તપોભૂમિ અને યમુનાને પ્રેમરસની ભૂમિ કહી છે.

ધર્મની દૃષ્ટિએ જ નહીં, દેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ સદીઓથી એકધારી વહેતી નદીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સતલજ, જેલમ, બ્રહ્મપુત્રા, તાપી વગેરે ભારતની જીવાદોરી છે.

ગંગા, યમુના, સરસ્વતી - આ ત્રણ નદીઓનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો અને વેદ-ઉપનિષદમાં પણ જોવા મળે છે. અલ્હાબાદના ત્રિવેણી સંગમ પર આ ત્રણેય નદીનો સંગમ થાય છે, પરંતુ સરસ્વતી નદી દેખાતી નથી. સરસ્વતી નદી આશરે ચાર હજાર વર્ષ પહેલાં જ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ ગઈ છે, એવી લોકવાયકા છે. જોકે, સેટેલાઇટ ઇમેજ તેમ જ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નૉલોજી અને લંડનની ઇમ્પિરીયલ કૉલેજના સહિયારા પ્રયાસથી સરસ્વતી નદીનું અસ્તિત્વ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. ગુપ્ત રીતે વહેતી સરસ્વતીના વાવડ મળતાં એની જલધારાને શોધી કાઢવા અભિયાન શરૂ થયું છે.

લગભગ બે વર્ષ પહેલાં હરિયાણાના યમુનાનગરમાં સરસ્વતીની જલધારા શોધી કાઢવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકોએ પણ આ સ્થળે પાતાળમાં જ‍ળ હોવાની પુષ્ટિ કરી છે. જોકે આ દાવા સાથે જ નદીના ઉદ્ગમ સ્થાન વિશે પુરાતત્ત્વવિદોમાં વિવાદ શરૂ થયો છે. કેટલાંકનું કહેવું છે કે હાલમાં નોર્થ-વેસ્ટ પાકિસ્તાનથી ભારત તરફનો પ્રવાહ ધરાવતી ઘગ્ગર નદી જ મૂળ સરસ્વતી નદી છે તો કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અફઘાનિસ્તાનમાં છે.

નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ ચંદ્રાની દેખરેખ હેઠળ ડેન્માર્કના ત્રણ વૈજ્ઞાનિક સહિત દસ જણની ટીમે આ વર્ષે અલ્હાબાદના પ્રયાગમાં યોજાયેલા કુંભ મેળામાં ગંગા-યમુના સિવાય અહીં બીજી કોઈ નદીના નિશાન છે કે નહીં, એ શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે હરિયાણા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સાથે ચર્ચા-વિચારણા કરી આ પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપતાં રિસર્ચ એક સ્ટેપ આગળ વધ્યું છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે આ પૌરાણિક નદીના અભ્યાસ અને માર્ગની શોધખોળ માટે કાયમી પેનલની રચના કરી છે. ભારત સહિત વિશ્વની અનેક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને પુરાત્ત્વવાદીઓ સરસ્વતીની જલધારાને શોધવા રિસર્ચ કરી રહ્યા છે.

અત્યાર સુધી થયેલા સંશોધન પ્રમાણે ભારતનો ઇતિહાસ સિંધુ નદીની ઘાટીમાં આવેલા મોહેં-જો-દરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. સિંધુ નદી કરતાં પણ હજારો વર્ષ પહેલાં સરસ્વતીની જલધારા અસ્તિત્વમાં હતી, એવું શોધી કાઢવામાં સફળતા મળશે તો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે એવું ઇતિહાસકારો માને છે. હાલમાં આ દિશામાં રિસર્ચ ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ ધર્મમાં જેના અઢળક ગુણગાન ગવાયા છે, એવી અદૃશ્ય સ્વરૂપે વહેતી સરસ્વતી નદીના ઉદ્ગમથી વિલુપ્ત થવા સુધીની દંતકથાઓ, ગ્રંથો અને શ્રદ્ધાળુઓની આસ્થા શું કહે છે એ પણ જાણી લઈએ.

ઉદ્ગમ સ્થાન

સ્કંધ પુરાણ અનુસાર સરસ્વતીને બ્રહ્માની પુત્રી કહી છે. મહામુનિ માર્કેંડ્યના તપ સ્વરૂપ સરસ્વતીનો જન્મ થયો હતો. એનું ઉદ્ગમ સ્થાન હિમાલયમાં હોવાની દંતકથા પ્રચલિત છે. અન્ય ગ્રંથોમાં સરસ્વતીને બ્રહ્માની પુત્રી નહીં પણ પત્ની તરીકે દર્શાવી છે. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દૃષ્દ્વતી નદીનો ઉલ્લેખ છે. કહે છે કે આ બન્ને નદીની વચ્ચેની જમીનને બ્રહ્માજીએ પોતાના હાથે બનાવી હતી. ઋગ્વેદ અનુસાર સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન યમનોત્રી પાસે છે. આ ગ્રંથના એક શ્લોકમાં સરસ્વતીને સપ્તસિંધુ નદીઓની (આજની જેલમ, ચેનાબ, રાવી, બિયાસ, સિંધુ અને સરસ્વતી) જનની કહી છે.

મહાભારતમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે. ઉદ્ગમ સ્થાન અને વિલુપ્ત થવા વિશે મહાભારતના વર્ણન મુજબ સરસ્વતી નદી હરિયાણાના યમુનાનગરથી ઊંચે અને શિવાલિક પર્વતોની નીચે આવેલા બદ્રી નામના સ્થળથી નીકળતી હતી. આજે પણ આ સ્થળને ભક્તો પવિત્ર તીર્થસ્થાન માને છે. ગુજરાતમાં આવેલું સિદ્ધપુર સરસ્વતીના તટ પર વસેલું છે એવો ઉલ્લેખ પણ છે. ભારતીય પુરાતત્ત્વ પરિષદ અનુસાર સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન ઉત્તરાંચલમાં હિમનદ હિમશિલા (ગ્લેશિયર) છે. નૈતવાર સુધી પહોંચતાં આ હિમશિલાનું જળમાં પરિવર્તન થાય છે અને એ જલધારા બદ્રી પહોંચે છે.

મહિમા અપરંપાર

સરસ્વતીનો અર્થ થાય છે અનેક સરોવરો ધરાવતી નદી. પૌરાણિક હિંદુ ગ્રંથો અને ઋગ્વેદમાં છંદો અને શ્લોકોના માધ્યમથી એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વેદના એક શ્લોકમાં સરસ્વતીને યમુનાની પૂર્વમાં અને સતલજની પશ્ચિમ દિશામાં વહેતી દર્શાવવામાં આવી છે. વૈદિક ગ્રંથોમાં સરસ્વતી નદીને નદીતમા (સૌથી મોટી નદી)ની ઉપાધિ આપવામાં આવી છે. વૈદિક કાળમાં નદીના તટ પર વસવાટ કરતાં ઋષિમુનિઓને વેદોનું જ્ઞાન પ્રાપ્ત થયું અને અહીંથી જ એનો વિસ્તાર થયો ત્યારથી સરસ્વતી જ્ઞાન અને બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજનીય છે. શ્રીમદ્ ભાગવતમાં યમુનાની સાથે સરસ્વતીનો પણ મહિમા વર્ણવવામાં આવ્યો છે. મેઘદૂતમાં કાલિદાસે સરસ્વતીના અઢળક ગુણગાન ગાયાં છે. બ્રાહ્મણો દ્વારા રચિત ગ્રંથોમાં સરસ્વતીને વાક્ એટલે કે વાણીના સ્વરૂપમાં જોવામાં આવી છે. એનું કારણ આ ગ્રંથોની રચના થઈ ત્યાં સુધીમાં સરસ્વતીની જલધારા વિલીન થઈ ગઈ હતી, પરંતુ એનો મહિમા બ્રાહ્મણો અને પંડિતોની જિવ્હા (જીભ) પર હતો. આજે પણ આપણે સરસ્વતીને વાણીની દેવી કહીએ છીએ. 

ત્રિવેણી સંગમ

ત્રિવેણી શબ્દ કાનમાં પડતાં જ દરેક હિન્દુ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ થયા વગર ન રહે. હિન્દુ પરંપરા અનુસાર ત્રિવેણી સંગમ એટલે ત્રણ નદીઓનું મિલન થાય એ સ્થળ. જ્યાં ત્રણ નદીઓ એકબીજામાં ભળે એ સ્થળને પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે. આ જગ્યાએ સ્નાન કરવાથી પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે અને માનવી પુનર્જન્મના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે. અલ્હાબાદના પ્રયાગમાં ગંગા-યમુના અને અદૃશ્ય સરસ્વતીનું ત્રિવેણી સંગમ થાય છે. 

પૌરાણિક માન્યતાનુસાર સરસ્વતી પંજાબના પ્રાચીન સિરમૂરરાજ્યની પર્વતમાળામાંથી નીકળી અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ થઈ સિરસાની કાંગાર નદીમાં મળતી હતી. ત્યાર બાદ પ્રયાગની નિકટ આવી ગંગા-યમુનામાં વિલીન થઈ જાય છે તેથી આ સ્થળ ત્રિવેણી સંગમ કહેવાય છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે ભૂસ્તરીય પરિવર્તનના કારણે સરસ્વતીનો પ્રવાહ ગંગા અને યમુનામાં ભળી ગયો તેથી પ્રયાગને ત્રિવેણી સંગમ કહેવાય છે. વાસ્તવમાં અહીં બે જ નદી છે, સરસ્વતી નદી ક્યારેય અલ્હાબાદ સુધી પહોંચી નથી.

વિલુપ્ત ક્યારે થઈ

મહાભારતના કાળમાં સરસ્વતી નદી પ્લક્ષવતી (યમુનોત્રી વિસ્તારમાં આવેલા પ્લક્ષ નામના વૃક્ષની સમાંતર વહેતી નદી) અને વેદવતી જેવા નામથી ઓળખાતી હતી. રાજા-મહારાજાઓ સરસ્વતીના તટ પર યજ્ઞ કરતા. એ જ સમયગાળા દરમ્યાન નદી સૂકાવાની શરૂઆત થઈ હતી. મહાભારતમાં નદીના સૂકાવાની શરઆતને વિનાશ તરીકે વર્ણવી છે. વિજ્ઞાન કહે છે કે જે સ્થળે પાણીનું વહેણ ઊંડું હોય, તે જગ્યાએ નદીનો પટ સૂકાયા બાદ પણ જમીનની નીચે જલધારા હોય છે. આ સંશોધનની પૃષ્ટિરૂપે આજે પણ કુરુક્ષેત્રમાં જ્યાં સરસ્વતીનો પ્રવાહ ઊંડો હતો ત્યાં પાતળી અર્ધચંદ્રાકાર ધારાઓ વહે છે. આ સરોવર અહીં ક્યારેક નદી હતી, એનું પ્રમાણ છે. શ્રદ્ધાળુઓમાં આ ધારાઓ બ્રહ્મ સરોવરના નામે પ્રચલિત છે.

આ પણ વાંચો : કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આનાકાની કરતા ખૈયામ અચાનક કેમ રાજી થઈ ગયા!

મહાભારત અને ઋગ્વેદ પછીના તમામ ગ્રંથોમાં સરસ્વતી નદી મરૂસ્થલ (રણ પ્રદેશ)માં વિલુપ્ત થઈ હોવાનો ઉલ્લેખ છે. ઋગ્વેદ તથા અન્ય પૌરાણિક ગ્રંથોના આધારે વિજ્ઞાનીઓ અને પુરાતત્ત્વવિદો માને છે કે હરિયાણાથી રાજસ્થાન તરફ વહેતી, હાલમાં સૂકાઈ ગયેલી ઘગ્ગર-હકરા નદી પ્રાચીન સમયમાં વૈદિક સરસ્વતીની મુખ્ય સહાયક નદી હતી. યમુના અને સતલજ નદીની કેટલીક શાખાઓ પણ સરસ્વતીમાં વિલીન થતી હતી, એવું પુરાતત્ત્વવાદીઓનું કહેવું છે.   ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે હજારો વર્ષ પહેલાં હરિયાણામાં ધરતીકંપ આવવાથી સરસ્વતી અને દૃષ્દ્વતી નદીનું જળ ભૂગર્ભમાં વિલીન થઈ ગયું હતું. કાળાંતરે આ જળ રાજસ્થાનના જેસલમેર અને બાડમેર સુધી પહોચ્યું છે. આઇઆઇટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અહીં ભૂગર્ભમાં જળનો વિપુલ ભંડાર છે. અનેક રિસર્ચ બાદ વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે સરસ્વતી નદીનો ઇતિહાસ સિંધુ સંસ્કૃતિ કરતાં હજારો વર્ષ જૂનો છે.

Varsha Chitaliya columnists