મહારાષ્ટ્ર BJPનું છેવટે પૂર્ણ મોદીફિકેશન થયું, ગુજરાત મૉડલ અમલમાં

06 October, 2019 02:58 PM IST  |  મુંબઈ | મનમર્ઝી - મયૂર જાની

મહારાષ્ટ્ર BJPનું છેવટે પૂર્ણ મોદીફિકેશન થયું, ગુજરાત મૉડલ અમલમાં

મહારાષ્ટ્રનું રાજકારણ મરાઠા આગેવાનોના દબદબા હેઠળ ૨૦૧૪ની સાલ સુધી ચોક્કસપણે રહ્યું છે. રાજ્યનો મુખ્યમંત્રી મરાઠા ન હોય અને સંઘનો દીક્ષિત બ્રાહ્મણ હોય, સત્તાની ધુરા પાંચ વર્ષ સુધી અખંડ સ્વરૂપે સંભાળી શક્યો હોય એવું પણ પ્રથમ વાર બન્યું છે. આ ઘટના એ મહારાષ્ટ્ર બીજેપીના સંપૂર્ણ મોદીફિકેશનની શરૂઆત ગણી શકાય અને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારોની યાદીને જોતાં એમ કહેવામાં કોઈ સંકોચ નહીં થાય કે હવે મહારાષ્ટ્ર બીજેપીનું છેવટે સંપૂર્ણ મોદીફિકેશન થયું છે અને એક રીતે જોતાં મહારાષ્ટ્રમાં ગુજરાત મૉડલ અમલમાં મુકાયું છે.

હવે જો એવો સવાલ થાય કે હું આમ શા માટે કહી રહ્યો છું તો એનો જવાબ એ છે કે મને એક પત્રકાર તરીકે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી અને એ પણ ખાસ કરીને તેમના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને હાલમાં બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા ત્યાં સુધીની કારકિર્દીને અત્યંત નજીકથી નિરીક્ષણ કરવાની તક મળી છે. તેમની કાર્યપદ્ધતિની પૅટર્નનું ઍનનૅલિસિસ કરી શકું છું એટલે જ કહું છું કે નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં જ્યારે પૅરૅશૂટ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી લઈને ૨૦૦૨ અને વિશેષ રૂપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં જે મૉડલ અપનાવ્યું હતું એ મહારાષ્ટ્રમાં આ વખતે પૂરેપૂરું અમલમાં મૂક્યું છે.

આ મૉડલ મુજબ બીજેપીના પ્રથમ અને બીજી હરોળના વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ કરતા કદાવર નેતાઓને એકઝાટકે ખૂણે ધકેલી દેવાયા હતા. ૨૦૦૫ની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેશુબાપાના છૂપા આશીર્વાદ સાથે મોદી સામે મેદાને પડેલા ગોરધન ઝડફિયા, બેચર ભાદાણી, બાલુ તંતી, રાકેશ રાવ, બિમલ શાહ, બાવકુ ઊંધાડ, નલિન ભટ્ટ વગેરેની શેહમાં આવ્યા વિના મોદીએ એકલા હાથે ૬ મહિનાનો પંચાયતની, નગરપાલિકાઓની તેમ જ તમામ મહાનગરોની ચૂંટણીનો પ્રચાર પોતાના ખભા પર ઉપાડીને એ ચૂંટણીઓ જીતી બતાવી હતી. જેનું પરિણામ એ આવ્યું કે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ આગળ ઉપર જણાવેલા તમામ કદ્દાવર નેતાઓની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

તો મોદીએ એ વખતે બીજું શું કર્યું? જવાબ છે કે મોદીએ ઠોઠનિશાળિયાઓને મૉનિટર બનાવવાનું શરૂ કરી દીધું. મતલબકે ૧થી ૧૦ની લાઇનમાં ૧૦મા ક્રમે ઊભેલાને ઊંચકીને પ્રથમ ક્રમે ઊભો રાખી દીધો. પરિણામે એ ઠોઠનિશાળિયાઓ આજ સુધી પોતાની સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના ફક્ત સાહેબના આદેશનો અમલ આંખ બંધ કરીને કરી રહ્યા છે. આ મૉડલ હવે મહારાષ્ટ્રમાં લાગુ કરાયું છે. સાઉથ મુંબઈમાં જેણે બીજેપીને બેઠી કરવાનું કામ કર્યું છે એમ કહેવાય છે તેવા રાજ કે. પુરોહિત, ઘાટકોપરમાં છેલ્લી ૬ ટર્મથી ચૂંટાઈ આવતા પ્રકાશ મહેતા, મહારાષ્ટ્ર બીજેપીનું પરોક્ષ રીતે પાવર સેન્ટર ગણાતા વિનોદ તાવડે, એકનાથ ખડસે તેમ જ ચંદ્રશેખર બાવનકુળે જેવા કદ્દાવર નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. આ નામમાં અન્યોનો ઉમેરો કરી શકાય એમ છે, પરંતુ ઉદાહરણ તરીકે આટલા કાફી છે.  મતલબ સાફ છે કે હવે મહારાષ્ટ્રમાં પણ બીજેપીને એવા જ આગેવાનો, જનપ્રતિનિધિઓ જોઈએ છે જે ફક્ત ને ફક્ત સૂચનાનું પાલન કરે, બીજું કંઈ જ નહીં.

ગુજરાતી ઉમેદવારોની સંખ્યાને લઈને સવાલ ઊઠે એમ છે. ૧૯૯૯ની ચૂંટણીમાં મૂંબઈમાં બીજેપી-કૉન્ગ્રેસમાંથી કુલ ૬ ગુજરાતી ઉમેદવારોને ટિકિટ મળી હતી. ૨૦૦૪માં મુખ્ય ચાર પક્ષોએ મળીને ૧૧ ગુજરાતી ઉમેદવારોને ટિકિટ આપી હતી, જે ૨૦૦૯માં ઘટીને ચાર થઈ હતી. ૨૦૧૪માં ગુજરાતી ઉમેદવારોની સંખ્યા ૭ પર પહોંચી હતી, પરંતુ ૨૦૧૯માં ફરીથી ઘટીને એ ફક્ત ચાર ગુજરાતી ઉમેદવાર પર સીમિત થઈ ગઈ છે. જોકે આ મૂદ્દો વિશેષ છણાવટ માગે એમ છે એથી એની વિસ્તારપૂર્વક ચર્ચા ફરી ક્યારેક કરીશું.

હવે જ્યારે ગુજરાત મૉડલ લાગુ પડી ચૂક્યું જ છે અને મહારાષ્ટ્ર બીજેપીનું સંપૂર્ણ મોદીફિકેશન થઈ જ ચૂક્યું છે ત્યારે ઑન અ લાઇટર નૉટ જો વાત કરીએ તો જેમનાં પત્તાં કપાઈ ચૂક્યાં છે એવા મહારાષ્ટ્ર-મુંબઈના બીજેપી આગેવાનોએ આ આઘાત સહન કરવા શું કરવું જોઈએ? એ જ કે જે ગુજરાત બીજેપીના આગેવાનોએ કર્યું છે અને એ છે અદબ પલાંઠી અને મોં પર આંગળી.

આ પણ વાંચો : અદૃશ્ય રૂપે વહેતી સરસ્વતીની જલધારાનાં સાક્ષાત્ દર્શન થશે?

અહીં મને, ટિકિટ કપાતાં નિરાશ થયેલા બીજેપીના નેતાઓ માટે ફરહત શહેઝાદસાહેબની મશહૂર ગઝલના બે શૅર અર્પણ કરવાનું મન થાય છે, જે કદાચ તેમને માટે આગામી સમયમાં શું ન કરવું એ માટેની ગાઇડલાઇન પણ બની શકે છે. તો અર્ઝ કિયા હૈ...

તન્હા, તન્હા મત સોચા કર,

 મર જાએગા મત સોચા કર,

 પ્યાર ઘડીભર કા હી બહોત હે,

‍જૂઠા-સચ્ચા મત સોચા કર

ધૂપ મેં તન્હા કર જાતા હૈ,

 ક્યોં યે સાયા મત સોચા કર,

 મર જાએગા મત સોચા કર

columnists weekend guide