મહારાષ્ટ્રમાં બીજેપી પચાસ-પચાસ ટકાની ફૉર્મ્યુલા સ્વીકારે એવી શક્યતા ઓછી

27 October, 2019 04:24 PM IST  |  મુંબઈ | મનમર્ઝી - મયૂર જાની

મહારાષ્ટ્રમાં બીજેપી પચાસ-પચાસ ટકાની ફૉર્મ્યુલા સ્વીકારે એવી શક્યતા ઓછી

ઉદ્ધવ ઠાકરે

અણી ચૂક્યો ૧૦૦ વર્ષ જીવે, તક ચૂક્યા તો...?

મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બીજેપી અને શિવસેના માટે અપેક્ષાથી ઊણાં ઊતરતાં આવ્યાં છે એ તો સર્વવિદિત છે. આ પરિણામે રાજ્યમાં બીજેપી-શિવસેના વચ્ચેનાં ચૂંટણી પહેલાંનાં સમીકરણોમાં પરિવર્તન આણ્યું છે એ નક્કી છે. ૨૦૧૪ની ચૂંટણી વખતે બન્ને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીમાં સમજૂતી ન સધાતાં બન્ને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. બીજેપીને ૧૨૨, જ્યારે શિવસેનાને ૬૩ બેઠકો મળી હતી. મતલબ કે બીજેપીને સેના કરતાં લગભગ બમણી બેઠક મળી હતી. બીજેપીનો હાથ ઉપર હતો અને સેના પાસે નાના ભાઈની ભૂમિકા ભજવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

આ વખતની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ૧૮ બેઠકોનો ઘટાડો થયો છે, જ્યારે સેનાની બેઠકમાં ૭નો ઘટાડો થયો છે. આ વખતનાં પરિણામ બાદ સેનાનો હાથ મરોડવાની બીજેપીની તાકાત ઘટી છે એને કારણે દીકરા આદિત્યને મુખ્ય પ્રધાનપદે આરૂઢ કરાવવાની ઉદ્ધવની મનસા પ્રજ્વલિત થઈ છે. આપણે ત્યાં એક કહેવત છે કે અણી ચૂક્યો ૧૦૦ વર્ષ જીવે. જો કોઈ સામે પડેલી તક ચૂકી જાય તો કેટલું જીવે એ વિશે હજી કહેવત પડવાની બાકી છે. ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પાસે અત્યારે બીજેપીનો હાથ મરડીને મુખ્ય પ્રધાનપદ પર કબજો કરવાની તક છે ત્યારે લાખ ટકાનો સવાલ એ છે કે શું ઉદ્ધવ ઠાકરેમાં એ દમખમ છે કે મોદી-શાહનો હાથ મરડીને ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલાનો અમલ એવી રીતે કરાવી શકે કે પ્રથમ અઢી વર્ષ માટે સીએમની ખુરસી સેનાને એટલે કે આદિત્ય ઠાકરેને મળે?

પરિણામ પછીની મોદીની સ્પીચ જો ઉદ્ધવ સમજ્યા હોય તો ખુરસી દૂર છે

અહીં એક વાત સમજવા જેવી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીનાં પરિણામ બાદ જે સ્પીચ આપી હતી એનો એક ચોક્કસ અર્થ નીકળતો હતો. એ અર્થ એવો હતો કે મહારાષ્ટ્રમાં દાયકાઓ પછી કોઈ મુખ્ય પ્રધાને એક આખી ટર્મ પૂરી કરી છે અને બીજી ટર્મ સંભાળવા જઈ રહ્યા છે. તો પછી આમાં ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલાની વાત ક્યાં આવે છે? મતલબ એ કે એવી કોઈ ચાંપ દબાવવામાં આવશે, એવી કોઈ બત્તી કરવામાં આવશે કે ઓલવાશે, જેને કારણે ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલા વિશેની વાત ભૂતકાળનાં પાનાંઓમાં દફન થઈ જશે.

ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલાને બીજેપી પાળશે કે નહીં? શિવસેનાને આશંકા તો છે જ

શિવસેનાસુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની પોતાના ધારાસભ્યો સાથેની બેઠક સંપન્ન થયા બાદ જ્યારે પ્રતાપ સરનાઈક વગેરે ધારાસભ્યોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપીને એવી માગણી કરી કે ઉદ્ધવ ઠાકરે બીજેપી પાસેથી લેખિત માગે કે ચૂંટણી અગાઉ નક્કી થયા મુજબ બન્ને પક્ષો અઢી-અઢી વર્ષ માટે મુખ્ય પ્ર‍ધાનપદ ભોગવશે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે સેનાને બીજેપીના બોલબચ્ચન પર કોઈ જ વિશ્વાસ નથી. જે આશંકા ધારાસભ્યના માધ્યમથી વ્યક્ત કરાવી એ આશંકા ઉદ્ધવ ઠાકરે જાહેરમાં વ્યક્ત કરે તો વાતનું વજન વધે અને બીજેપીને સીધો સંકેત પહોંચે કે શિવસેના મુખ્ય પ્રધાનપદ અને ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલા વિશે અતિગંભીર છે, પરંતુ ઉદ્ધવ કદાચ એમ નહીં કરી શકે. રાજકારણમાં આજના મોદી-શાહના યુગમાં સત્તાપ્રાપ્તિ અથવા તો એમાં ભાગીદારી માટે માટે જરૂરી જોશ, જુસ્સો અને ઝનૂન, કોઈ પણ ભોગે મેળવવાની પ્રકૃતિની પ્રબળતા ઉદ્ધવમાં જોઈએ એટલી જણાતી નથી. એને કારણે આ વખતે સેના પાસે બીજેપીનું કાંડું આમળવાની તક તો છે, પણ એ આમળી શકશે કે નહીં એ વિશે પ્રશ્નાર્થ છે.

અમિત શાહની મુલાકાત સુધી કોકડું જેમનું તેમ

ભાઈબીજ પછી શાહની મુંબઈ-મુલાકાત સમગ્ર મામલે નિર્ણાયક સાબિત થશે એમાં બેમત નથી. આ મુલાકાત પહેલાં કેટલાંક પડદા પાછળનાં પરિબળો કામે લાગશે એ ચોક્કસ છે. અગાઉ જણાવ્યું એ મુજબ કેટલીક ચાંપ દબાવવાની પ્ર‌ક્રિયા આ દરમ્યાન થઈ જશે જેને કારણે શાહની મુલાકાત ઉદ્ધવ સાથે થાય ત્યારે શિવસેનાનું વલણ પ્રમાણમાં ઘણું વધુપડતું નરમ થઈ જાય તો નવાઈ નહીં. ટૂંકમાં કહીએ તો, અમિત શાહની મુલાકાત સુધી હાકલા-પડકારા થયે રાખશે, કોકડું જેમનું તેમ રાખવામાં આવશે.

ઑન અ લાઇટર નોટ

હાલમાં તો શિવસેના માટે મુખ્ય પ્રધાનપદની ચાહત માટે અલીમસાહેબની પ્રખ્યાત ગઝલના કેટલાક શેર લાગુ પડી શકે છે, જેમ કે તેમની પ્રખ્યાત ગઝલનો આ મત્લા શિવસેનાની મુખ્ય પ્રધાનની ચાહતને બખૂબી બયાં કરે છે...

‘કુછ દિન તો બસો મેરી આંખોં મેં,

ફિર ખ્વાબ અગર હો જાઓ તો ક્યા’

હવે જો ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલાને બીજેપી સ્વીકારે, પરંતુ પ્રથમ અઢી વર્ષ માટે ફડણવીસને જ બેસાડવાનો આગ્રહ રાખે અને સેનાએ માનવું જ પડે તો ગઝલનો આ શેર લાગુ પડે છે...

‘તુમ આસ બંધાનેવાલે થે,

અબ તુમ ભી હમે ઠુકરાઓ તો ક્યા’      

અંતમાં જો ગોળી અને ગોફણ એટલે કે ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલાથી પણ શિવસેનાએ હાથ ધોવા પડે એવી સ્થિ‌તિ ઊભી થાય તો પછી આ શેર લાગુ પડે...

‘જબ હમ હી ના મહેકે ફિર સાહિબ,

તુમ બાદ-એ-સબા કહેલાઓ તો ક્યા’

(બાદ-એ-સબા એટલે હવા)

columnists weekend guide