હસતાં-હસતાં બાંધેલાં કર્મો રોતાં-રોતાં પણ છૂટી શકતાં નથી

07 July, 2019 10:15 AM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

હસતાં-હસતાં બાંધેલાં કર્મો રોતાં-રોતાં પણ છૂટી શકતાં નથી

આ જગત કેટલી વિચિત્રતાથી ભરેલું છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક રાજા, એક રંક, એક સુખી, એક દુખી, એક રોગી, એક નીરોગી, એક કાળો, એક ગોરો, એક જાડો, એક પાતળો, એક શેઠ, એક નોકર, એક મૂર્ખ, એક બુદ્ધિશાળી, એક આંધળો, એક દેખતો, એક રૂપાળો, એક કદરૂપો. આ બધી કેટકેટલી વિચિત્રતા છે. આ વિચિત્રતાઓ પાછળ કોઈ શક્તિ કામ કરી રહી છે. એથી જ આ જગતઆખું ચિત્ર-વિચિત્ર ભાસે છે. આ શક્તિનું નામ છે કર્મ. જૈન દર્શનમાં ‘કર્મવાદ’ વિશે આપણે ગતાંકમાં કેટલીક ચર્ચાઓ કરી છે. આજે અહીં આ જ વિષય પર કેટલીક મહત્ત્વની વાત પર પુન: રસપ્રદ પ્રશ્નોત્તરીથી આગળ વધીએ.

પ્રશ્ન : આઠ પ્રકારનાં કર્મના ઉત્તરભેદ કેટલા?

ઉત્તર : આઠ પ્રકારનાં કર્મોના ઉત્તરભેદો ૧૫૮ છે. એમાં જ્ઞાનાવરણીય કર્મના-૫, દર્શનાવરણીય કર્મના-૯, વેદનીય કર્મના-૨, મોહનીય કર્મના-૨૮, આયુ કર્મના-૪. નામ કર્મના-૨, મોહનીય  કર્મના-૨૮, આયુ કર્મના-૪, નામ કર્મના-૧૦૩, ગૌત્ર કર્મના-૨ અને અંતરાય કર્મના-૫. આ ૧૦૮ ઉત્તરભેદોનો વિસ્તાર આપણા કર્મગ્રંથોમાં આપેલો છે. અભ્યાસીઓ ગુરુગમથી પણ એની વિશેષ જાણકારી મેળવી શકે છે.

પ્રશ્ન: બંધ કોને કહેવાય?

ઉત્તર : આત્માની સાથે કાર્મદા વર્ગણાનો સંબંધ થવો એને બંધ કહેવાય છે.

પ્રશ્ન : આ બંધ કેટલા પ્રકારનો છે?

ઉત્તર : આ બંધ ચાર પ્રકારનો છે : (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગબંધ અને (૪) પ્રદેશબંધ.

પ્રશ્ન : પ્રકૃતિબંધ કોને કહેવાય?

ઉત્તર : પોતપોતાના ફળનો સ્વભાવ નક્કી થવો એને પ્રકૃતિબંધ કહેવાય છે, જેમ કે અમુક કર્મબંધનથી જ્ઞાનનો રોધ થવો, અમુક કર્મ-બંધથી દર્શનનો રોધ થવો, અમુક કર્મબંધથી શ્રદ્ધા અને ચારિત્ર્યનો રોધ થવો.

પ્રશ્ન : સ્થિતિબંધ કોને કહેવાય?

ઉત્તર : કેટલા કાળ સુધી કર્મ રહેશે, એનો નિર્ણય થવો એ સ્થિતિબંધ કહેવાય છે, જેમ કે આ જ્ઞાનાવરણીય કર્મ અમુક કાળ સુધી આત્માની સાથે સંબંધમાં રહેશે. આ દર્શનાવરણીય કર્મ અમુક કાળ સુધી આત્માના સંબંધમાં રહેશે વગેરે.

પ્રશ્ન : અનુભાગ બંધ કોને કહેવાય?

ઉત્તર : ફળ દેવાની શક્તિનો નિર્ણય થવો એને અનુભાગ બંધ કહેવાય છે, જેમ કે આ કર્મ તીવ્ર ફળ આપશે, આ કર્મ મંદ ફળ આપશે વગેરે.

પ્રશ્ન : પ્રદેશબંધ કોને કહેવાય?

ઉત્તર : કાર્મણ વર્ગણાના સંચયને પ્રદેશબંધ કહેવાય છે.

પ્રશ્ન : ચારે પ્રકારના કર્મબંધ એકસાથે એક અધ્યવસાયથી પડે છે. એમાં જે અધ્યવસાય અતિ તીવ્ર હોય એનો બંધ નિકાચિત પડે છે અને જે અધ્યવસાય તીવ્ર મંદ કે મંદતર હોય એનો બંધ નિવ્યત્ત, સ્પષ્ટ કે બદ્ધ પડે છે. આ બંધોમાંથી નિકાચિતમાં કંઈ પરિવર્તન થઈ શકતું નથી, જ્યારે બીજા બંધોમાં શુભ અધ્યવસાયો દ્વારા પાછળથી પરિવર્તન થઈ શકે છે.

પ્રશ્ન : કર્મનો કાયદો શું?

ઉત્તર : સારા કર્મનું ફળ સારું જ મળે અને ખરાબ કર્મનું ફળ ખરાબ જ મળે એ કર્મનો કાયદો છે. એમાં પક્ષપાત કે દયાને સ્થાન નથી. માટે દરેક જીવોએ સારાં કામમાં પ્રવૃત્ત થવું.

પ્રશ્ન : જો સારાં કર્મોનું ફળ સારું જ મળતું હોય અને ખરાબ કર્મોનું ફળ ખરાબ જ મળતું હોય તો આ દુનિયામાં કેટલાક માણસો સારાં કામ કર્યા છતાં દુખી જણાય છે અને કેટલાક માણસો ખરાબ કામ કર્યા છતાં સુખી જણાય છે, આવું કેમ?

ઉત્તર : આ દુનિયામાં કેટલાક માણસો સારાં કામ કરવા છતાં દુખી જણાતા હોય તો એનું કારણ પૂર્વે બાંધેલાં અશુભ કર્મોનો ઉદય સમજવો અને કેટલાક માણસો ખરાબ કામ કરવા છતાં સુખી જણાતા હોય તો એનું કારણ પૂર્વે બાંધેલાં શુભ કર્મોનો ભોગવટો સમજવો. બાકી અત્યારે તેઓ જે સારાં કે ખરાબ કર્મો કરી રહ્યાં છે એનું ફળ તેમને જે પ્રકારે મળવાનું છે એ નિ:શંસય છે. એથી સુખી થવા ઇચ્છનારે નિરંતર સારાં કામ કરવા તરફ જ લક્ષ રાખવું ઘટે. સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ એ ત્રિકાલાબાધિત સનાતન સત્ય છે, એમાં કોઈ કાળે કોઈ પરિવર્તન સંભવિત નથી.

આ પણ વાંચો : જૈન દર્શનમાં કર્મવાદ વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી

પ્રશ્ન : કર્મ સાહિત્ય વિશે વિશેષ અભ્યાસ કરવો હોય તો આપણા જ્ઞાનભંડારોમાં એના કયા કયા ગ્રંથો મળી શકે?

ઉત્તર : કર્મ સાહિત્યમાં આપણા પૂર્વાચાર્યોએ ઘણું વિષદ ખેડાણ કરીને જૈન સમાજને ચરણે અનેકાનેક ગ્રંથો ભેટ ધર્યા છે. મારા જાણવા મુજબ નીચેના ગ્રંથો આ વિષય પરના અભ્યાસ માટે અભ્યાસુઓને સહાયક બની શકે એમ છે. શિવશર્મસુરિ કૃત કર્મ પ્રકૃતિ, ચન્દ્રર્ષિ મહત્તર કૃત પંચ સંગ્રહ અને પ્રાચીન છ કર્મગ્રંથ, જિનવલ્લભ ગણિકૃત સાર્દ્ધશતક, દેવેન્દ્ર સૂરિકૃત પાંચ નવીન કર્મગ્રંથ, જયતિલકસૂરિ કૃત સંસ્કૃત ચાર કર્મ ગ્રંથ અને કર્મ પ્રકૃતિ દ્વાંત્રિંશિકા, મહેન્દ્રસૂરિ કૃત મનસ્થિરીકરણ પ્રકરણ, વિજય વિમલગણિ કૃત ભાવ પ્રકરણ, હર્ષકુલ ગણિકૃત બંધ હેતુદયત્રિભંગી, રાજહંસ શિષ્ય દેવચંદ્ર કૃત કર્મ સંવેદન પ્રકરણ અને બંધ શતક પ્રકરણ વગેરેને ગણાવી શકાય.

columnists weekend guide