મન એ જ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ

08 September, 2019 03:41 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

મન એ જ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ

આ જગતમાં મનને જીતવું તે અતિ દુષ્કર કાર્ય છે. નિ:શંક અને નિરંકુશપણે ભમતો આ મનરૂપી રાક્ષસ આ વિશ્વના જીવોનું ભવાંતર જ વધારે છે. મનને જીત્યા વિના યોગસાધના કરવાવાળો મનુષ્ય પંગુ પુરુષની જેમ આગળ વધવામાં અસફળ જ રહે છે.

મનરૂપી વાનરવૃત્તિને ઓળખીને અધ્યાત્મયોગી શ્રી આ‌નંદઘનજી સ્પષ્ટ કહે છે :

‘કુંથુ જિન! મનડું કિમ હિ ન બાજે,

હો, કુંથુ જિન! મનડું કિમ હિ ન બાજે

જિમ જિમ જતન કરીને રાખું,

તિમ તિમ અલગુ ભાજે... હો કુંથુ જિન...’

હે કુંથુનાથ સ્વામી! મારા મન પર કોઈ રીતે વિજય મેળવાતો નથી. હું જેમ જેમ તેને જીતવાનો પ્રયત્ન કરું છું, તેમ તેમ તે ખીલે બંધાવાના બદલે દૂર દૂર ભાગતું જાય છે. કહો આ સંયોગોમાં હું શું કરું?

આપણા ધર્મશાસ્ત્રોમાં એથી જ કહેવાયું છે :

‘સુકરં મલધારિત્વં સુકરં દુસ્ત તપ:

સુકરો અક્ષનિરોધશ્વ, દુષ્કંર ચિત્તરોધભ્ય.’

શરીર વિભુષાનો ત્યાગ કરી મેલા રહેવું તે સહેલું છે. અન્નજલના ત્યાગરૂપ તપ કરવું એ સહેલું છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ પણ સહેલું છે, પણ મનની વૃત્તિઓને મારવી એ કામ ઘણું દુષ્કર છે. ઉપરના કથનનો અર્થ એ નથી કે મનની વૃત્તિઓને મારી શકાતી નથી. મનને અવશ્ય મારી શકાય છે. જો મનને મારી શકાતું ન હોત તો કોઈ પણ આત્મા અર્હત્ કે સિદ્ધ થયો જ ન હોત, પરંતુ આજ સુધીમાં અનંત આત્માઓ અર્હત્ અને સિદ્ધ થયા છે, એ વાત જ પુરવાર કરે છે કે મનને અવશ્ય મારી શકાય છે, કાબૂમાં લઈ શકાય છે.

આપણા આગમ શાસ્ત્રોમાં એથી જ સ્પષ્ટ નિર્દેશ્યું છે :

‘જો સાહસ્સં સહસ્સાણં, સંગામે દુજ્જએ જિણે,

એગં જિણેજજ અપ્પાણં, એસ સે પરમો જઓ.’

દસ લાખ સૈનિકોને યુદ્ધમાં જીતવા કરતાં એક આત્માને જીતવો એ જ ઉત્તમ છે, અને એ જ પરમ જય છે.

આ વિશે વધુ સ્પષ્ટતા કરતા આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે:

‘અપ્પાણમેવ જુજન્નહિ કિં તે જુજજેહા બજજવો !’

અપ્પાણમેવ અપ્પાણં, જઇતા સુહમેહએ.’

આત્માની સાથે જ યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું મળવાનું છે? આત્માથી આત્માને જીતીને જ સુખ મેળવી શકાય છે.

મનને મારવાનું કામ મન જ કરે છે. શુભ વિચારોથી વાસિત થયેલું મન અશુભ વિચારોને હઠાવી દે છે અને એ રીતે તેની દુષ્ટતાનો ક્રમશ: નાશ કરી શકાય. મન એ જ મનુષ્યનાં બંધ અને મોક્ષનું કારણ છે. તેનો પરમાર્થ પણ એ જ છે. મન જો દુષ્ટ વર્તન કરે તો તેનાથી કર્મબંધન થાય છે, અને સમ્યક વર્તન કરે તો તેનાથી મુક્તિ મળે છે. વળી અંર્તદૃષ્ટિવાળાને તે મોક્ષનો હેતુ થાય છે. બર્હીદૃષ્ટિવાળાને તે બંધનનો હેતુ થાય છે. આ કથનનું તાત્પર્ય એ જ છે કે મન એ આપણું વૈરી જ નથી પરંતુ મિત્ર પણ છે અને તેની સહાયથી મુક્તિનું સુખ મેળવી શકાય છે.

જૈન દર્શનમાં મનના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. (૧) દ્રવ્ય મન અને (૨) ભાવ મન. મનપર્યાપ્તિરૂપી શક્તિ વડે મનોવર્ગણાના પુદગલોને ગ્રહણ કરવા અને મનપણે પરિણમવા તે પુદ્ગલોને દ્રવ્ય મન કહેવાય. તેમ જ મનપણે પરિણમેલા એ પુદ્ગલોના અવલંબનથી ક્ષયોપક્ષમથી જે વિચાર કરવો તેને ભાવ મન કહેવાય છે. મનના ગ્રાહ્ય વિષયને ભાવ કહેવાય છે. તેમાં જે ભાવ રાગનો હેતુ છે તેને મનોજ્ઞ કહેવાય છે, અને જે દ્વેષનો હેતુ છે તેને અમનોજ્ઞ કહેવાય છે. આ મનોજ્ઞ અને અમનોજ્ઞ ભાવના દ્વંદ વચ્ચે જે સ્થિર રહી શકે તે જ સાચો વીતરાગ છે. બીજાઓના અભિપ્રાયથી આંતરિક ભાવોનું સાધન તે અંત:કરણ છે. તેના ચાર વિભાગો છે : (૧) મન (૨) બુદ્ધિ (૩) ચિત્ત અને (૪) અહંકાર. જેના વડે સંકલ્પ-વિકલ્પો કે વિચારો થાય તે મન છે. જેના વડે સત્યાસત્યનો કે હિતાહિતનો નિર્ણય થાય તે બુદ્ધિ છે. જેના વડે વસ્તુ સ્વરૂપનું ચિંતન થાય તે ચિત્ત છે. જેના વડે આ કાર્ય હું કરું છું એવો વિકલ્પ થાય તે અહંકાર છે.

જૈન ધર્મગ્રંથોમાં મનને જીતવા માટેનાં આઠ સાધનો બતાવ્યાં છે તે છે : (૧) વૈરાગ્ય, (૨) સત્સંગ, (૩) સ્વાધ્યાય, (૪) ભક્તિ, (૫) વિનય, (૬) તપ, (૭) જપ અને (૮) ધ્યાન. સાંસારિક સુખોનું આકર્ષણ નાશ પામવું કે તે પ્રત્યે  ઉદાસી પ્રગટાવવી તેને વૈરાગ્ય કહે છે. કુસંગના ફળ કડવા છે. નાદાનની સોબત સર્વનાશ નોતરે છે. મિથ્યાત્વીનો સંસર્ગ સમ્યકત્વનો નાશ કરે છે. તેથી જ મનને મારવા માટે સંયમી, જ્ઞાની, ધ્યાનીઓનો સત્સંગ રાખવો હિતાવહ છે. સત્સંગ એટલે સમ્યકત્વને મજબૂત કરવાની પ્રક્રિયા. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા અને મહર્ષિઓએ ઉપદેશેલા સત્ય વચનોનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવું એ સ્વાધ્યાય છે. વૈરાગ્ય સત્સંગ અને સ્વાધ્યાયની જેમ ભક્તિ પણ મનને જીતવાનું અમોઘ સાધન છે. જેને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે, મનને મારવાનું બળ પ્રાપ્ત કરવું છે  તેમણે ગુરુનો યોગ્ય વિનય કરતા શીખવું જોઈએ. તપ બાહ્ય અને અભ્યંતર એમ બે પ્રકારના છે. તપથી કર્મની નિર્જરા થાય છે, મનનું મારણ થાય છે. કોઈ પણ મંત્રનું રટણ કરવું, તેની ગણના કરવી તેને જપ કહે છે. પરમાત્માના સ્મરણમાં એકાગ્ર થવાની પ્રક્રિયાને ધ્યાન કહે છે. ધ્યાનથી અશાંત મન પર કાબૂ આવે છે. મન પર કાબૂ આવતા કર્મબંધ અટકે છે.  અંતે તો ધ્યાની આત્માનું કલ્યાણ જ થાય છે.

આ પણ વાંચો : હરિકથા અને જીવન યાત્રા : સમાપ્તિ નહીં પણ વિરામ

આપણે ઉપવાસ, એકાસણા, આયંબિલ કે તેથી અન્ય ભારે તપશ્ચર્યા કરીએ પણ ક્રોધને જીતવાનો કોઈ પ્રયત્ન ન કરીએ, મનને મારવા માટે જરા પણ પ્રયત્ન ન કરીએ, માયાની ચૂંગાલમાંથી છૂટવા કોઈ કષ્ટ ન ઉઠાવીએ,  વિવિધ તૃષ્ણાના તારને તોડવામાં સ્વાશ્રયી ન બનીએ તો એ તપશ્ચર્યાનું ફળ શું? સંયમ પાલન માટે વિવિધ વ્રતો ધારણ કરીએ, બાહ્યાચારને બરાબર રાખીએ પરંતુ લૌકિક લાભની લાલચ છૂટે નહીં કે માન-પ્રતિષ્ઠાનું ભૂત કેડો મૂકે નહીં તો એ સંયમ સાધનાનું પ્રયોજન શું? તેથી જ આપણા શાસ્ત્રકારોએ મનની શુદ્ધિની વારંવાર પ્રશસ્તિ કરી છે. સો વાતની એક વાત એ જ છે કે મનને માર્યા વિના કોઈ કાળે મુક્તિ મળવાની નથી.

weekend guide columnists