હરિકથા અને જીવન યાત્રા : સમાપ્તિ નહીં પણ વિરામ

Published: Sep 08, 2019, 15:34 IST | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી | મુંબઈ

જાહેર કથા વાચનને સંબંધ છે ત્યાં સુધી શ્રીમદ્ ભાગવત્ એ સહુથી વધારે વંચાતો ગ્રંથ છે.

જાહેર કથા વાચનને સંબંધ છે ત્યાં સુધી શ્રીમદ્ ભાગવત્ એ સહુથી વધારે વંચાતો ગ્રંથ છે. રામાયણ અને મહાભારત પૌરાણિક અને ઐતિહાસિક દૃષ્ટિએ વધુ વિશ્વસનીય ગ્રંથો છે અને આમ છતાં મહાભારતનું જાહેર કથાવાંચન ભાગ્યે જ થાય છે અને રામાયણનું પણ ભાગવત્ કરતાં કથાવાંચન ઓછું જ થાય છે. એમાંય ખાસ કરીને આપણે જેને મૂળ રામાયણ તરીકે ઓળખીએ છીએ, એ વાલ્મીકિ રચિત રામાયણ કરતાં તુલસીદાસ લિખિત રામાયણ મોટા પ્રમાણમાં વંચાય છે. ભાગવતની રચના જ પ્રમાણમાં મોડી થઈ છે અને સદભાગ્યે રામાયણની જેમ એની સંખ્યાબંધ આવૃત્તિઓ પ્રચલિત થઈ જ નથી. પરિણામે જે ભાગવતનું કથાવાંચન થાય છે એ મોટે ભાગે એકસરખું જ છે. લગભગ ૧૫મી સદીમાં વલ્લભાચાર્યે જે કથાનકો ભાગવત્ તરીકે પ્રચલિત કર્યાં એ જ કથાનકો મોટા ભાગે કથાકારોએ આજ સુધી યથાતથ જાળવી રાખ્યા છે.

ભાગવતના જાહેર કથાવાંચનને સામાન્ય રીતે સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે. ભાગવતના આમુખમાં જ આ કથાવાંચનને સાત દિવસમાં સમાપ્ત કરવું એવો ઉલ્લેખ છે. આ સાતેય દિવસમાં રોજેરોજ કયા વિધિવિધાનને અનુસરવું એનીય સ્પષ્ટતા કરવામાં આવી છે. આખી કથા રોજ બેસીને સાંભળનારે વ્યાસપીઠથી ક્યાં અને કેટલા અંતરે બેસવું, વ્યાસપીઠ પર આરૂઢ કથાકારે રોજ ક્યાંથી ક્યાં સુધીની કથાનું પારાયણ કરવું ઇત્યાદિ ઝીણીઝીણી વિગતો પણ આપવામાં આવી છે. એટલું જ નહિ પણ આ કથા સવાર અને સાંજ બે સત્રોમાં વાંચવી એવું પણ કહેવાયું છે. આ કથાવાંચનને ઘણી વાર ઘરમાં બેસીને પણ વિધિપૂર્વક વાંચવાનો ઉલ્લેખ છે. લૌકિક ભાષામાં આ ઘરના ખૂણે વંચાતી કથાને પાટલા પારાયણ કહે છે. 

જે રીતે ભાગવત્ સાત દિવસમાં વંચાય છે એ રીતે રામાયણના કથાવાંચનને નવાન્હ તરીકે ઓળખવામાં આવે છે. અન્હ એટલે દિવસ. આમ રામાયણના વાંચનને નવ દિવસમાં આવરી લેવામાં આવ્યું છે. રામાયણની મૂળ કથા ભલે વાલ્મીકિના નામે ચડેલી હોય પણ વ્યવહારમાં એની લોકપ્રિયતા તુલસીદાસને આભારી છે. આજે રામાયણના જે નવાન્હ જાહેર વાંચન થાય છે એ તુલસીદાસની રચના છે. ભાગવતની રચના જ કદાચ જાહેર વાંચન માટે જ થઈ છે અને એટલે એના આરંભે જ જાહેર વાંચન માટેનાં વિધિવિધાનો વિગતે આપવામાં આવ્યાં છે. રામાયણની મૂળ રચના વાલ્મીકિએ ક્યારે કરી એનો કોઈ અધિકૃત દસ્તાવેજ ક્યાંય હાથવગો થતો નથી અને આમ છતાં રામાયણની લગભગ ૩૦૦ જેટલી આવૃત્તિઓ જુદા જુદા સ્થળ-કાળના સંદર્ભમાં રચાયેલી છે. 

મહાભારતનું કથાવાંચન જાહેરમાં થતું નથી. અપવાદ સ્વરૂપે કોઈકે ક્યારેક આવું કથાવાંચન કર્યું પણ હોય, તોય વ્યાસરચિત એક લાખ શ્લોક વાંચીને સમજાવી શકાય એવું સામર્થ્ય વક્તામાં હોવું ભારે દુષ્કર કામ છે. બહુ બહુ તો મહાભારતના કૌરવ-પાંડવોની જે કથા છે એ કથાને વાર્તા સ્વરૂપે અને એ વાર્તાની વચ્ચે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ઉપદેશાત્મક અંશોને કહી શકાય પણ આખું મહાભારત ક્યારેય કોઈ વાંચી શકે નહીં. (જોકે એમ તો અતિ લોકપ્રિય કહેવાતું ભાગવત્ સુધ્ધાં કથાકારો પૂરેપૂરું વાંચતા નથી. ભાગવતમાં બાર સ્કંધો છે અને એ પૈકી કૃષ્ણલીલાનો દશમો સ્કંધ મોટો ભાગ રોકે છે. અગિયારમો સ્કંધ કોઈ કથાકારો ક્યારેય વાંચતા નથી. આ સ્કંધ શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો જ્ઞાનસંવાદ છે અને આ જ્ઞાન ભગવદ્ ગીતા કરતાં પણ વધુ ગહન છે. ભાગવતના નવ સ્કંધ સુધી દશાવતારની મોટા ભાગની રોમાંચક વાર્તાઓ અને પછી દશમા સ્કંધમાં શ્રોતાઓને ભક્તિભાવથી તરબતર કરી મૂકે એવી કૃષ્ણકથાઓ પછી અગિયારમાં સ્કંધમાં જ્ઞાનનો જે વ્યાપ કરવામાં આવ્યો છે એની ભાગ્યે જ કોઈ વાત થતી હોય છે.)

આ ત્રણેય જાહેર કથાવાંચનોના આરંભમાં મંગળ કે શુભારંભ તરીકે સહજતાથી ઓળખવામાં આવે છે પણ એની સમાપ્તિને સમાપન કે સમાપ્તિ તરીકે ઓળખવામાં આવતા નથી. સાતમા દિવસે કે નવમા દિવસે કથા પૂરી થાય ત્યારે એને કથાવિરામ કહેવામાં આવે છે. કથા રામની હોય કે કૃષ્ણની એ ક્યારેય પૂરી થતી નથી. રામ અને કૃષ્ણ ભગવદ્ સ્વરૂપ છે અને જે ભગવદ્ સ્વરૂપ હોય એના વિશેની વાત પૂરી શી રીતે થઈ શકે? ‘હરિ અનંત, હરિકથા અનંતા’ એટલે રામાયણ કે ભાગવતની કથાને સમાપ્ત તો કહેવાય જ નહીં. આ સમાપ્તિને કથાવિરામ તરીકે ઓળખવામાં આવે છે. કથા જે તત્પૂરતી સાતમા કે નવમા દિવસે પૂરી થઈ છે એ ખરેખર તો પરમાત્માની સ્મરણયાત્રાનો એક પડાવ જ કહેવાય. આ પડાવ ઘડીક અટક્યો પણ પછી ફરી એક વાર બીજી કથા દ્વારા એનો શુભારંભ થશે. આ વિરામ શબ્દ કોણે અને ક્યારે પહેલી વાર પ્રયોજ્યો હશે, એ આપણે જાણતા નથી પણ જેણે પણ આ આરંભ કર્યો હોય એ આપણા વંદનના અધિકારી છે.

આ વિરામ શબ્દ જીવનની યાત્રા વચ્ચે પણ વિચારવા જેવો છે. પુનર્જન્મનો સિદ્ધાંત લગભગ બધા જ ધર્મોએ વધતા-ઓછા પ્રમાણમાં સ્વીકારેલો જ છે. આ સિદ્ધાંત સ્વીકાર સાથે જો આ વિરામ શબ્દને પણ ગોઠવી દેવામાં આવે તો જીવનયાત્રા અને યાત્રાના અંત સાથે જોડાયેલો શબ્દ મૃત્યુ ભારે હળવાફૂલ બની જાય એમ છે. મૃત્યુ સાથે જ જીવનયાત્રા સમાપ્ત નથી થતી. ગીતાના ‘વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય.’ અથવા ‘વ્યક્તમધ્યા.’ જેવી આ જિંદગીની ઓળખ સામાન્ય જનસમૂહ માટે એક વિરામ તરીકે વધુ સ્વીકાર્ય બની જાય.     

સપ્તાહ કે નવાન્હ એ ચોક્કસ સમયમર્યાદા સાથેની એક યાત્રા જ છે. સાત કે નવ દિવસની આ યાત્રા નિશ્ચિત જ હોય છે. જીવનયાત્રાનો સમય નિશ્ચિત નથી હોતો. એ પચ્ચીસ, પચાસ કે સો વરસનો પણ હોય અથવા બીજી જ ક્ષણે એ સમાપ્ત થઈ જાય એવું પણ બને. સપ્તાહ કે નવાન્હના સમાપનને અંતે નવા શુભારંભ સુધીના વચલા ગાળામાં ‘હરિ નામ અનંત’ એ સ્મરણયાત્રા કથાવાંચન જ છે. એ જ રીતે જીવનયાત્રાનો અંત નવા શુભારંભ વચ્ચેના ગાળા સુધીની  શેષ પરિવારજનો માટે એક પ્રકારની સ્મરણયાત્રા બની રહે. 

સર્જન અને વિસર્જન આ બે શબ્દો પણ આ સંદર્ભમાં થોડાક વિચારવા જેવા છે. કશુંક નવું આકારબદ્ધ થાય એને આપણે સર્જન કહીએ છીએ. કશુંક બનાવવું અથવા ઘડી કાઢવું એ જ માત્ર સર્જન નથી. જેમાં કશુંક નાવીન્ય અને એ સાથે જ આત્મિક ભાવ ઉમેરી શકાય એને તત્પૂરતું આપણા પોતા માટે સર્જન કહી શકાય પણ સર્જનનો અર્થ જ જન્મ થાય અને જન્મ શબ્દ સાથે જ એનો અંત જોડાયેલો જ હોય. જો સર્જનની સાથે વિસર્જનને પણ યથાસમયે સાંકળી ન શકાય તો સર્જનનું સૌદર્ય સુધ્ધાં કુરૂપ થઈ જાય છે. આવા વખતે વિસર્જન જ સર્જન કરતાં પણ વધુ આવકાર્ય બની જાય છે. વિસર્જન એ વિરામ નથી પણ નવા સર્જન માટેનો અવકાશ છે. 

આ પણ વાંચો : છે સમસ્યા રોજની

ભાગવત, રામાયણ અને મહાભારત-આ ત્રણેય ભારતીય સંસ્કૃતિના પાયારૂપ ગ્રંથો છે. આ ત્રણેય ગ્રંથોએ જીવનને જે સ્વરૂપમાં જોયું, સમજ્યું અને ઓળખાવ્યું છે, એ એક રીતે જીવનને હળવુંફૂલ બનાવે છે તો બીજી રીતે જીવનને વિરાટ સ્વરૂપે તાદૃશ્ય પણ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK