સાચો મિત્ર દવાનું કામ કરે,પણ જો તે સાચો હોય તો !

04 August, 2019 12:45 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

સાચો મિત્ર દવાનું કામ કરે,પણ જો તે સાચો હોય તો !

ફ્રેન્ડશિપ ડે

લાઇફમાં એકાદ-બે તો ખાસ કહી શકાય તેવા અંગત મિત્રો હોવા જ જોઈએ જેની સાથે સુખદુઃખની ચર્ચા કરી શકીએ અને સમય આવે ત્યારે ખભેથી ખભા મિલાવીને આગળ વધી શકીએ. એવું આપણે અનેક વખત સાંભળી ચૂક્યા છીએ અને પર્સનલી પણ ફીલ કરીએ છીએ, પરંતુ આ વાતને વૈજ્ઞાનિકો પણ સાચી ઠેરવી રહ્યા છે. ન્યુરોસાયન્સ કબૂલે છે કે મિત્ર એક બ્રેઇન બૂસ્ટર તરીકે કામ કરે છે એટલું જ નહીં, તે એક મેડિસિન સમાન પણ છે જે અચ્છે અચ્છાને મરણપથારી પરથી બેઠા કરી દેવાની તાકાત ધરાવે છે. ન્યુરોસાયન્સ રિસર્ચના પ્રમાણે જે મહિલાઓ જેટલા વધુ મિત્રો અને મજબૂત સોશ્યલ નેટવર્કિંગ ધરાવે છે તેઓ માનસિક રોગની ચપેટમાં જલદીથી આવતી નથી. સર્વેમાં જણાવ્યું છે કે હેલ્ધી લાઇફ માટે સારા ફ્રેન્ડ હોવા ખૂબ જરૂરી છે જે ન્યુટ્ર‌િશનનું કામ કરે છે. છેલ્લાં સાત વર્ષમાં સોશ્યલ રિલેશનશિપ અને એને સંબધિત કરવામાં આવેલા ૧૪૮ અભ્યાસમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ મજબૂત સોશ્યલ રિલેશનશિપ ધરાવે છે તે ઘણું લાંબું જીવન જીવે છે. એકાકી જીવન માનવીને માંદગી તરફ ખેંચી જાય છે. ફ્રેન્ડશ‌િપ માત્ર મજાકમસ્તી કરવા પૂરતી સીમિત નથી, પરંતુ એ એક ઇમોશનલ બૉન્ડ પણ બાંધે છે જે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને મજબૂત બનાવે છે.

શું તમારી પાસે એવા મિત્રો છે જે ખરા અર્થમાં મિત્ર કહી શકાય, જેને બેસ્ટ ફ્રેન્ડ તરીકે ખરા અર્થમાં મૂલવી શકીએ અને જો એવા ફ્રેન્ડ નથી તો એ વિષયમાં વિચારવા જેવું ખરું.

મિત્રતા અથવા ફ્રેન્ડશ‌િપની વાત કરતી વખતે પ્રખ્યાત ઉર્દૂ કવિ અહમદ ફરાઝની કવિતા ઘણી સાર્થક લાગે છે. તુમ તખલ્લુક કો ભી ઇખલાસ સમજતે હો ફરાઝ, દોસ્ત હોતા નહીં હર કોઈ હાથ મિલાનેવાલા. આજના સમયમાં સાથ આપવા કરતાં સાધન બનાવનારા લોકો વધુ મળે છે ત્યારે સવાલ થાય છે કે સાચો મિત્ર એટલે શું? મિત્રો ઘણા પ્રકારના હોય છે. કેટલાક ફ્રેન્ડ જે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ પર લાઇક, હૅપી બર્થ ડે અને કૉન્ગ્રેચ્યુલેશન કરવા પૂરતા જ સીમિત હોય છે જ્યારે બીજા ફ્રેન્ડ હોય છે જેને કેટલાક કામચલાઉ અથવા ટાઇમપાસ મિત્રો પણ કહેતા હોય છે. જેમ કે ઑફિસમાં કામ કરતા સહકર્મચારી અથવા મુસાફરીમાં કોઈ વાર ભેટી જતી વ્યક્તિ જે હાઇ-હેલો, થોડી હસીમજાક અથવા તો તેની સાથે સ્માઇલ આપવા પૂરતો જ સબંધ હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના ફ્રેન્ડ જે ખાસ અને બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તે તમારી દરેક વાતથી માહિતગાર હોય અને તમારા માટે દરેક સમયે હાજર હોય અને જરૂર પડે ત્યારે એક ઢાલ બનીને ઊભો રહે. આવા ખાસ મિત્રો એકાદ-બે તો હોવા જ જોઈએ. જે સુખદુખમાં સાથે રહે તે લાખોમાં એક જેવા.

સોશિયલ મીડિયાના આગમન બાદ ફ્રેન્ડશ‌િપની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સ્કૂલ અને કૉલેજકાળમાં માંડ ગણીને પાંચથી દસ મિત્રો બનતા હતા, જ્યારે આજે સોશ્યલ મીડિયા પર મિત્રોની સંખ્યા ૧૫૦થી લઈને ૫૦૦ના આંકને કુદાવી ગઈ છે પરંતુ સોશ્યલ મીડિયામાં ઢગલાબંધ મિત્રો હોવા છતાં જરૂર પડે ત્યારે સાથે ઊભા રહી જાય તે કેટલા? સાચી મિત્રતા માટે અત્યાર સુધીમાં ઘણું લખાઈ ગયું છે. કેટલાકે એને બે આત્માનું મિલન કહ્યું છે તો કેટલાકે એને ઉચ્ચ આત્મીય સબંધ પણ ગણાવ્યો છે. સંત તુલસીદાસ કહે છે, ‘બિપતીકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા. દુઃખમાં પણ સાથ આપે એ જ સાચા મિત્રના ગુણ છે. અર્થાત્ એ જ સાચો મિત્ર છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે. ઇતિહાસમાં મિત્રતાના અનેક દાખલા છે. કૃષ્ણ-સુદામા, જેણે અમીરી-ગરીબીની રેખાને ભૂંસીને એક સાચી મિત્રતાની તસવીર દુનિયાને બતાવી હતી. કૃષ્ણ-અર્જુન જે ભયંકર યુદ્ધમાં પણ એકબીજાની પડખે પડછાયાની જેમ સાથે ઊભા રહ્યા હતા અને કર્ણ-દુર્યોધન જેમાં એક મિત્ર બીજા મિત્રને આપેલા વચન માટે પોતાના પ્રાણ પણ આપી દે છે. તેમની મિત્રતાને આજે વર્ષોનાં વહાણાં વીતી ગયાં હોવા છતાં પણ યાદ કરવામાં આવે છે. ફ્રેન્ચ ચિત્રકાર ક્લાઉડ મૅનેટ કહે છે કે મિત્રો તરબૂચ જેવા હોય છે. ઉત્તમ શોધવા માટે દરેકનો સ્વાદ ચાખવો પડે છે. મહાન વિચારક સૉક્રેટિસ કહેતા કે મિત્ર બનાવતાં પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ. સાચો મિત્ર એકાંતને કોરી ખાય છે અને ક્યારે દગો દેતો નથી. અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇને કહ્યું હતું કે મને કોઈ પૂછશે કે સાચો મિત્ર કોણ તો હું કહીશ કે સાચો મિત્ર એ છે જે તમે ખોટા હો તો પણ બધાની વચ્ચે તમારો પક્ષ લે, બાકી તમે સાચા હો ત્યારે દુનિયા આખી આવીને ઊભી રહી જ જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે ઘણી વાર એવું પણ બન્યું છે કે બ્રુટસની જેમ કોઈ મિત્ર સીઝરની પીઠમાં ખંજર ભોંકી જાય છે. તો એવું પણ બન્યું છે કે એન્જલ્સ જેવા મિત્રએ કાર્લ માર્ક્સની હયાતીમાં તો મદદ કરી, પરંતુ માર્ક્સના મૃત્યુ બાદ પોતાની સંપત્તિ પણ તેમની દીકરીઓને વહેંચી આપી.

ચાણક્ય જેટલા બુદ્ધિશાળી હતા એટલા જ બોલવામાં પણ સ્પષ્ટવક્તા હતા. તેમણે મિત્રતા વિશે ઘણું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે દરેક મિત્રતા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય નથી. એક સૂત્રમાં કૌટિલ્ય કહે છે, જે વ્યક્તિ તેનાં માતાપિતા, પત્ની અને બાળકો સાથે યોગ્ય આચરણ ન કરતી હોય તે વ્યક્તિની સાથે મિત્રતા રાખવી નહીં, કેમ કે જે વ્યક્તિ અંગત અને લોહીના સબંધનું માન જાળવતી ન હોય તે વિશ્વમાં અન્ય કોઈનું માન જાળવી શકતી નથી. મિત્રતા એવા લોકો સાથે કરવી જોઈએ જેનામાં ભય, શરમ, ચતુરતા અને ત્યાગ જેવા ગુણ હોય. જ્યારે એક મિત્ર તમારો શત્રુ બને છે ત્યારે તે તમારો દુનિયાનો સૌથી મોટો શત્રુ બને છે, કેમ કે તે એક જ વ્યક્તિ હોય છે જેને તમારી નાનામાં નાની વાત અને રહસ્યો ખબર હોય છે. આમ તો ચાણકયનાં વચનો એક નજરે થોડાં નકારાત્મક અને કડવાં લાગે એવાં છે, પરંતુ જ્યારે તેને ઊંડાણપૂર્વક સમજીએ ત્યારે એની પાછળનો ભાવાર્થ યોગ્ય લાગે છે. આ ફ્રેન્ડશિપ ડેના દિવસે આપણે ઝુંડવાળી મિત્રતા સાથે સાચી મિત્રતા તરફ પણ આગળ વધીએ એટલુ તો નક્કી કરી જ શકાય.

આ પણ વાંચો : બાણગંગાનું તળાવ અને બાંદરાનું તળાવ

મૈં યાદોં કા પિટારા ખોલું તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈં
મૈં ગુજરે પલોં કો સોચું તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈં
અબ જાને કૌન સી નગરી મેં આબાદ હૈ જાકર મુક્ત સે
મૈં દેર તક જાગું તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈં
કુછ બાતેં થી ફૂલોં જૈસી કુછ લહજે કુછ ખુશ્બૂ જૈસે થે
મૈં શહરે ચમન મેં ઘૂમું તો કુછ દોસ્ત બહુત યાદ આતે હૈં

- હરિવંશરાય બચ્ચન

columnists weekend guide