એન્જિનિયરિંગ હૈ સદા કે લિએ, લેકિન...

15 September, 2019 02:42 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

એન્જિનિયરિંગ હૈ સદા કે લિએ, લેકિન...

એન્જિનિયરિંગ

મોટર વેહિકલ ઍક્ટ અંતર્ગત ૨૩,૦૦૦ રૂપિયાનો દંડ ભરનાર એન્જિનિયરના ઘરે ઇન્કમ ટૅક્સે રેઇડ પાડી, એ જાણવા કે આ મહાશયની સોર્સ ઑફ ઇન્કમ શું છે? આ પ્રકારના સોશ્યલ મીડિયા પર વાઇરલ જોક્સ એન્જિનિયરોની પરિસ્થિતિ કેટલી ખરાબ છે એનું વર્ણન કરી રહ્યા છે. ૧૫ લાખ જેટલા એન્જિનિયર દર વર્ષે ભારતમાં તૈયાર થાય છે જેમાંથી લગભગ ૮૦ ટકા એન્જિનિયરો જૉબલેસ છે એવું કેટલાક અભ્યાસનો નિષ્કર્ષ કહે છે. આજે વિશ્વભરમાં ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ અને ડેવલપ થઈ રહેલી ઑટોનોમસ સિસ્ટમને કારણે નોકરિયાતો પર જોખમ તોળાવું શરૂ થયું છે. જોકે વિશ્વની અગ્રણી ટેક કંપનીઓનું રિસર્ચ કહે છે કે આ પ્રકારના તમામ ઍડ્વાન્સમેન્ટ જૉબની નવી તકો ઊભી થશે. વિશ્વની અગ્રણી રિસર્ચ અને ઍડ્વાઇઝરી કંપની ગણાતા ગાર્ટનરનો લેટેસ્ટ સર્વે કહે છે કે ૨૦૨૦ સુધીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ્સ જૉબ ઘટાડવાને બદલે ઘણી નવી તકો ઊભી કરશે. બેશક, કેટલાક જૉબપ્રોફાઇલ ઇરરિલેવન્ટ બની જશે, પરંતુ સાથે માનવ ‌ક્રીએટિવિટી, ઍનૅલિટિકલ નૉલેજ અને સમજશક્તિયુક્ત વિશ્લેષણની જરૂર પડે એ પ્રકારની તકો ઉપલબ્ધ થશે. ફૉર્બ્સે એઆઇ, એમએલ અને ક્લાઉડને મુખ્ય ૧૦ ડિજિટલ સ્કિલ્સમાં સ્થાન આપ્યું છે. ‌આવનારા સમયમાં આ તમામ સ્ક્લ્સિથી તમારો પરિચય પોર્ટફોલિયોમાં અનિવાર્ય બનશે. ભારત એકલામાં આ નવી ટેક્નૉલૉજીને કારણે લગભગ ૬૦ લાખથી એક કરોડની આસપાસ નવી તક ઊભી થશે. જોકે એમાં અત્યારે તૈયાર થયેલા એન્જિનિયરોની આવડત પૂરતી ન પણ ઠરે. અભ્યાસ કહે છે કે વર્ષોથી નોકરી કરી રહેલા અડધાથી પણ વધારે એન્જિનિયરોને નવેસરથી ટ્રેઇનિંગ લેવાની આવશ્યતા ઊભી થઈ છે. નોકરીવિહોણા એન્જિનિયરો પાછળ સ્કિલ ગૅપ એ ખૂબ મહત્ત્વનું કારણ છે. ઑનલાઇન લર્નિંગ પ્લૅટફૉર્મ ડેવલપર સ્કિલના રિપોર્ટ મુજબ અત્યારે કૉર્પોરેટ ક્ષેત્રની આવશ્યકતા અને જરૂરિયાત તથા એક્ઝિસ્ટિંગ એન્જિનિયરોની આવડત વચ્ચે ખૂબ મોટી ખાઈ છે. અપેક્ષા મુજબનું પરિણામ કોઈ કૅન્ડિડેટ ન આપવાનો હોય અથવા તો આપી શકે એ રીતે એ ટ્રેઇન જ નથી થયો તો કઈ કંપની તેને જૉબ પર રાખશે?

અનુભવયુક્ત જ્ઞાન

આજે મૂળ પ્રૉબ્લેમ આપણી એજ્યુકેશન સિસ્ટમનો પણ છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ આજે પણ પ્રમોટ થઈ રહ્યું છે જે હવેના સમયમાં નહીં ચાલે. કરીઅર કાઉન્સેલર તરીકે સક્રિય જિમિત સંઘવી કહે છે, ‘આજે ડિગ્રી નહીં પણ આવડત પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ દોર હજી વધુ આગળ વધશે. ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર લાવવાની જરૂરિયાત છે. આજે તમે સર્વગુણ સંપન્ન હો એવી અપેક્ષા કંપનીઓને હોય છે. એની પાછળનું કારણ છે ટેક્નૉલૉજી સ્માર્ટ થઈ ગઈ છે. ટેક્નૉલોજી સામે ટકી રહેવા માટે તમારે એનાથી વધુ સ્માર્ટ થયા વિના છૂટકો જ નથી. એ અનુભવ અને પ્રોપર ટ્રેઇનિંગથી જ આવશે. હજીયે જો તમે અટેન્ડન્સ અને સિલેબસ પૂરો કરવાની હોડમાં જ રહેશો તો એ પ્રકારના એન્જિનિયર આપણે ત્યાં પેદા થવા મુશ્કેલ છે જે વિદેશની યુનિવર્સિટીમાં તૈયાર થઈ રહ્યા છે. આજે વિદ્યાર્થી પોતાનાં ચાર કીમતી વર્ષ અથાક મહેનત કરીને ડિગ્રી મેળવે છે, પરંતુ એ મહેનત મુજબનું વ્યક્તિત્વ તેનું ઘડાયું છે? આપણી એજ્યુકેશન સિસ્ટમ હવે વધુ રિયલિસ્ટિક અને આજના સમયને અનુરૂપ બદલાવવાની જરૂરિયાત છે.’

બદલાશો નહીં તો ગુમ થશો

એ વાત તો નિશ્ચિત છે કે હવે વધુ ને વધુ અનુભવયુક્ત અને સમયને સાપેક્ષ જ્ઞાન મળે, વ્યક્તિ જાતે અમલમાં મૂકી શકે એ પ્રકારની પદ્ધતિઓ વિકસે અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ પોતે જ મેન્ટર બનીને ચાલી રહેલા વર્તમાન પ્રવાહનું વર્ણન કરી શકે એ જરૂરી બન્યું છે. મુંબઈની અગ્રણી એન્જિનિયરિંગ કૉલેજમાં ભણેલો અને એન્જિનિયરિંગ દરમ્યાન જ એક સ્ટુડન્ટ્સ ‌માટેની વિશેષ વેબસાઇટ શરૂ કરનારો તુમુલ બુચ કહે છે, ‘હું ઇલેક્ટ્રૉનિક અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર છું. હું લગભગ સેકન્ડ યરમાં હતો ત્યારે જ ભણાવવાની મેથડને કારણે એન્જિનિયરિંગમાંથી જાણે મારો રસ ઊડી ગયો હતો. આપણી એજ્યુકેશન સિસ્ટમ અને ભણાવવાની મેથડમાં ધરમૂળથી ચેન્જ લાવવાની જરૂર છે એ મને આજથી ૧૦ વર્ષ પહેલાંથી લાગે છે. અમે ભણી રહ્યા હતા ત્યારે જ કેટલાક મિત્રોએ મળીને એક વેબસાઇટ શરૂ કરી હતી જેમાં કઈ કૉલેજ સારી, કૅન્ટીન કેવી છે, ફેકલ્ટી કેવી છે જેવી નાની-નાની વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ વિગતો અમે આપતા હતા. એ વેબસાઇટને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો એટલે અમે બીજી ૧૦ સિટીમાં કૉલેજ ‌લિસ્ટ‌િંગથી લઈને કટ ઑફ લિસ્ટ, કરીઅર ઑપ્શન જેવી વિગતો સાથેની વેબસાઇટ શરૂ કરી. એ પછી ફૉરેન સ્ટડી માટે પણ એક નવી વેબસાઇટ બનાવી. આજે એક એન્જિનિયર કમાય એટલું અમે ચાર પાર્ટનર મળીને આ વેબસાઇટના માધ્યમથી કમાઈ લઈએ છીએ. મારી એ એન્જિનિયરિંગ ક્યારેય સ્કોપલેસ ફીલ્ડ નહીં થાય, કારણ કે દરેક વસ્તુના પાયામાં અને સર્જનમાં એન્જિનિયરિંગ સમાયેલું છે. જ્યાં સુધી આ દુનિયા છે ત્યાં સુધી એન્જિનિયરિંગ રહેશે. મારા એન્જિનિયરિંગ કૉલેજના એજ્યુકેશન સાથે થયેલા મનમુટાવમાંથી આ વેબસાઇટ ઉદ્ભવી એમ જ હવેના એન્જિનિયરોએ બુકમાંથી બહારની દુનિયાને વધુ એક્સપ્લોર કરીને વધુ ડેવલપ થવું પડશે. બેઝિક ક્યારેય નહીં બદલાય, પરંતુ અપડેટ થતા રહેવું એ આજની ડિમાન્ડ છે.’

ઘણું નવું આવી ગયું છે આ ક્ષેત્રમાં

એક જમાનામાં સિવિલ એન્જિનિયર, મેકૅનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર એમાં પાંચ-સાત ગણેલાં સેક્ટર જ એન્જિનિયરિંગમાં પૉપ્યુલર હતાં. આજે એમાં ઘણાં વેરિયેશન આવ્યાં છે. આજના સમયની માગને અનુરૂપ બદલાયેલી કેટલીક ઑફબીટ એન્જ‌િનિયરિંગ સ્ટ્રીમ પર એક નજર કરીએ.

મેકાટ્રૉનિક એન્જિનિયરિંગ

મેકૅનિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગનું કૉમ્બિનેશન આ એન્જિનિ‌યરિંગની સ્ટ્રીમ આજકાલ ખાસ્સી પૉપ્યુલર થઈ છે. એમાં મેકૅનિકલ એન્જિનિયરિંગના અમુક વિષયો અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગના અમુક વિષયોનું સંયોજન હોય છે.

ડેટા સાયન્સ એન્જિનિયરિંગ

સૉફ્ટવેર એન્જિનિરિંગને હવે એક ડગલું આગળ વધારીને આ સ્ટ્રીમ ડેવલપ કરવામાં આવી છે. આજે મેડિકલ, ફાઇનૅન્સ, પૉલિટિક્સ એમ લગભગ દરેકેદરેક ક્ષેત્રમાં ડેટા મહત્ત્વના બનતા જાય છે. સ્ટૅટિસ્ટિક્સ સાથે સંકળાયેલી સચોટતા અને પ્રેડિક્શન આ સ્ટ્રીમ મહત્વપૂર્ણ હોય છે.

પેટ્રોલિયમ એન્જિનિયરિંગ

પેટ્રોલિયમ એન્જિનિયરનું કામ છે ડ્રિલ કરવાનું. ક્રૂડ ઑઇલના સ્રોતને બહાર કાઢવામાં, એનામાં રહેલાં તત્ત્વોને છૂટાં પાડવાનાં મશીનો તૈયાર કરવાનું કામ છેલ્લા કેટલાક અરસામાં પેટ્રોલિયમ એન્જિનિયરો દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આવનારાં વર્ષોમાં નૅચરલ રિસોર્સિસની ઘટી રહેલી માત્રાને કારણે તેમની ડિમાન્ડ વધે એેવી શક્યતા છે, કારણ કે તેલની અછતમાં જ એની વૅલ્યુ વધશે અને એના નવા સ્રોત શોધવાની તલપ પણ વધવાની છે.

ઑલ્ટરનેટિવ એનર્જી એન્જિનિયરિંગ

જે રીતે ગ્લોબલ વૉર્મિંગ અને કુદરતની પડતી દશાને કારણે હવે કુદરતી સ્રોતોનું રક્ષણ થાય એ દિશામાં વૈશ્વિક સ્તરે પ્રયાસ શરૂ થયા છે. ક્લાઇમેટ ચેન્જ મેજર સમસ્યા છે ત્યારે ક્લીન અને રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધારવા પર પણ જોર મૂકવામાં આવશે. જેમ કે સોલર એનર્જીની માગ વધી છે. આ દરેક ઑલ્ટરનેટિવ ઑપ્શન વધુ લોકભોગ્ય બનાવવાના રસ્તા એન્જિનિયરોએ જ એની ટેક્નૉલૉજીમાં ફેરફાર લાવીને શોધવાના છે.

ઑટોમેશન અને રોબોટિક એન્જિનિયરિંગ

બધું જ આજે જ્યારે ઑટોમૅટિક થતું જાય છે ત્યારે ઑટોમૅટિક તરફ આપણને લઈ જનારા પણ એન્જિનિયરો જ છે. જોકે એમાં પણ સતત બદલાવ લાવવા માટે અને મશીનો પાસેથી શ્રેષ્ઠતમ રીતે કામ લેવાની આવડતને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જવાનું કામ આ એન્જિનિયરો પાસેથી અપેક્ષિત છે. આજે હોટેલમાં વેઇટર તરીકે કામ કરી રહેલા રોબો કે તમારી જોઈતી માહિતીને તમારા એક અવાજથી તમારા સુધી પહોંચતી કરનારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની સ્માર્ટનેસ વધારવા માટે હજી ઘણા અવકાશ બાકી છે, જેને માટે આ સ્ટ્રીમની ડિમાન્ડ ખૂબ વધી છે. રોબોટિક એન્જિનિયરો મોટા ભાગે મેકૅનિકલ, ઇલેક્ટ્રૉનિક્સ અથવા મેકાટ્રૉનિક્સ એન્જિનિયર જ હોય છે.

એન્જિનિયરિંગ છોડીને બની ગયા સ્ટૅન્ડઅપ કૉમેડિયન

કૉમેડી આર્ટિસ્ટ તરીકે કાર્યરત અતુલ ખત્રી પોતે સૉફ્ટવેર એન્જિનિયર છે અને તેમણે આજથી સાત વર્ષ પહેલાં પોતાની ૨૫ વર્ષ જૂની આઇટી કંપની બંધ કરીને સ્ટૅન્ડઅપ કૉમેડી આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. એન્જિનિયર તરીકે કામકાજ નહોતું ચાલતું કે શું? એના જવાબમાં હસતાં-હસતાં અતુલ ખત્રી કહે છે, ‘હું જે કંપની ચલાવતો હતો એ પણ પૂરેપૂરી રીતે મારા એન્જિનિયરિંગ સાથે સંકળાયેલી નહોતી. મારી આઇટી કંપની હતી પરંતુ એની વર્કિંગ સ્ટાઇલને અને મારા એજ્યુકેશનને કંઈ ખાસ લેવાદેવા નહોતી. બેશક, એ સમયે આજ જેટલી ખરાબ હાલત એન્જિનિયરિંગ ક્ષેત્રની નહોતી. શરૂઆતનાં ચાર-પાંચ વર્ષ તો ત્યારે પણ સ્ટ્રગલ હતી જ, જે આજે પણ છે. મારી દૃષ્ટિએ એ સમયે કે આજે એન્જિનિયરિંગનાં જે ચાર વર્ષ ભણવામાં એક સ્ટુડન્ટ પસાર કરે છે તેની તેના ઘડતરમાં ખૂબ મોટી અસર થાય છે. એ અભ્યાસનાં વર્ષોમાં તમે સારા એન્જિનિયર બનો કે ન બનો, પણ તમે એક ઘડાયેલા માણસ બની જાઓ છો.

આ પણ વાંચો : મોટર વેહિકલ ઍક્ટઃ ગભરાટ નહીં, સાંત્વના આપતી આ પ્રક્રિયા છે અને એમાં સૌકોઈએ સહભાગી બનવાનું છે

અમારા સમયમાં કમસે કમ એવું હતું. હું પૅશનથી કૉમેડીમાં ગયો અને ખૂબ સારું કમાઉં છું અને એટલો જ વધુ સૅટિસ્ફાય છું. જો એન્જિનિયરિંગ તમારું પૅશન હશે તો હું ગૅરન્ટી સાથે કહું છું કે ગમે તેવી માર્કેટની કન્ડિશન હશે તમે જાતને સમય પ્રમાણે ઢાળી જ લેશો અને સ્પર્ધામાં તમે ટકી જ જશો. પૅશન જરૂરી છે. બાકી બધું તો આપમેળે કેળવાતું જાય છે.’

weekend guide columnists