Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોટર વેહિકલ ઍક્ટઃ ગભરાટ નહીં, સાંત્વના આપતી આ પ્રક્રિયા છે

મોટર વેહિકલ ઍક્ટઃ ગભરાટ નહીં, સાંત્વના આપતી આ પ્રક્રિયા છે

15 September, 2019 02:05 PM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મોટર વેહિકલ ઍક્ટઃ ગભરાટ નહીં, સાંત્વના આપતી આ પ્રક્રિયા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જરા વિચાર કરો તમે, ૧૫-૧૬ વર્ષના છોકરાના હાથે ઘરના કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને કારણ શું, તો કારણ માત્ર એટલું જ કે તેના શ્રીમંત બાપે તેના હાથમાં ગાડી આપી દીધી હતી. હિટ ઍન્ડ રનની તીવ્રતા કેવી હોય એ જો જાણવું હોય તો એક વખત એવા પરિવારને મળી આવજો જેમના ઘરનો કોઈ લાડકવાયો કે લાડકવાયી આ પ્રકારે ગુમાવાયાં હોય. બહુ વ્યથાવાળી આ ઘટના છે. મોટર વેહિકલ ઍક્ટને કારણે હવે બનશે એવું કે આ પ્રકારે બાળકોના હાથમાં વાહન આપવામાં ભારોભાર ડર રહેશે. બને એવું કદાચ કે શરૂઆતમાં આને ગણકારવામાં ન આવે, પણ એ પછી જે પગલાં લેવાશે એ પગલાં ભારેખમ હશે એટલે બીક મનમાં ઘર કરી જશે અને બીક એક વખત મનમાં ઘર કરી ગઈ તો તરત જ આ પ્રકારનાં પગલાંઓ લેવાનાં પણ બંધ થઈ જશે.

જરૂરી છે, બીક હોવી જોઈએ અને એમાં કશું ખોટું પણ નથી. ગુજરાતમાં, પંજાબમાં, ઉત્તર પ્રદેશમાં જઈને જુઓ તો તમને એવું લાગે કે એ રાજ્યના લોકોના મનમાં કોઈ વાતનો ભય જ નથી. મેં મારી નરી આંખે જોયું છે કે ૧૩-૧૪ વર્ષનો છોકરો બાઇક લઈને એવી રીતે બાજુમાંથી પસાર થાય જાણે બાઇક ચલાવવી એ તેનો જન્મસિદ્ધ હક્ક છે અને એ હક્ક તે ભોગવી રહ્યો છે. આ ખોટી આદત છે. આવા લાડ હોય જ નહીં, પણ પૈસો કરાવે નાચ. આવા લાડ લડાવનારાઓનો તોટો નથી રહ્યો એટલે હવે સરકારે લાલ આંખ કરવી પડી છે અને એ લાલ આંખ સામે આપણને બધાને તકલીફ પડવાની શરૂઆત થઈ ગઈ છે.



ગાડી ડ્રાઇવ કરતી વખતે મોબાઇલ પર વાત ન કરવી જોઈએ. કહેવામાં આવે છે, નિયમો બનાવ્યા છે અને એ પછી પણ તમને દર ૧૦માંથી એક કે બે વ્યક્તિ ગાડી ડ્રાઇવ કરતી વખતે મોબાઇલ પર વાત કરતી જોવા મળી જાય. જો તમે નિયમને નહીં ગણકારો તો તમારી પાસે એનું પાલન કડક હાથે કરાવવામાં આવશે. જો તમે કાયદાનું પાલન નહીં કરો તો તમને પકડવા માટે અને બીજી વખત એવી ભૂલ તમે ન કરો એને માટે વધારે આકરા કાયદા બનાવવામાં આવશે. જે દેશમાં સૌથી ઓછા અકસ્માત છે એ દેશોના કાયદા જઈને એક વખત જોઈ લો, તમને સમજાઈ જશે કે એ કાયદાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આકરા દંડ જવાબદાર છે.


આ પણ વાંચો : મોટર વેહિકલ ઍક્ટ : દરેક અધ્યાયની એક દિશા હોય છે એવી જ રીતે આ અધ્યાયની પણ એક દિશા છે

વાહન બરાબર રાખવાનું છે, સાચી વ્યક્તિને હાથમાં આપવાનું છે અને યોગ્ય રીતે ચલાવવાનું છે. આ ત્રણ વાત છે. જો આ ત્રણનું પાલન તમે કે તમારા પરિવારજનો કરે તો તમને એક રૂપિયાનો પણ દંડ આવવાનો નથી. અત્યારે સોશ્યલ મીડિયા પર મોટર વેહિકલ ઍક્ટને લઈને જોકાજોકી ચાલે છે, પણ જો એવી રીતે સરકાર વસૂલવા બેસે નહીં અને બેસે તો દેશમાં બળવો ફાટી નીકળે. આટલી સાદી અને સાચી સમજ પણ જરૂર છે. ફરી એક વાર કહીશ કે જેણે કાયદાનું પાલન કરવું છે તેને માટે કોઈ દંડ છે જ નહીં એ ભૂલવાનું નથી.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 02:05 PM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK