બેલ્જિયમની ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ થ્રી વ્હીલ્સએ વિદાય લીધી

27 October, 2019 04:37 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

બેલ્જિયમની ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ થ્રી વ્હીલ્સએ વિદાય લીધી

અને જ્યાં સુધી જીવી, ઝીંદાદિલી સાથે જીવી. જેનો કોઈ ઈલાજ નથી એવા મસ્ક્યુલર ડિજનરેશન નામના રોગની કારમી પીડા વચ્ચે પણ તે ખૂબ લડી, પૂરેપૂરી ઝઝૂમી, સતત પીડાને પડકારતી એક પછી એક વર્લ્ડ ટાઇટલ્સ અને પેરાલિમ્પિક ટાઇટલ્સ જીતતી ગઈ. છેલ્લે મૃત્યુનો દિવસ પણ જાતે જ નક્કી કર્યો.

‘મને મૃત્યુનો કોઈ ડર રહ્યો નથી. હું તેને એક ઑપરેશન તરીકે જોઉં છું જેમાં તમે સૂઈ જાઓ અને પછી ક્યારેય જાગો જ નહીં. મારી દૃષ્ટિએ આ એક પીસફુલ બાબત છે. જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે હું પીડામાં હોઉં એ મારે નથી જોઈતું. બેશક, હું એ રીતે જીવવા માગું છું કે લોકો મને યાદ કરે ત્યારે કહે કે જીવવું તો મૅરિકી જેવું જીવવું. પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણને માણતા-માણતા.’

૪૦ વર્ષની પેરાલિમ્પિક ગોલ્ડ મૅડલિસ્ટ મૅરિકી વરવૂર્ટે પોતાના આ શબ્દોને સાર્થક કર્યા. મૃત્યુના ભય વિના ઝીંદાદિલી સાથે જીવી અને જ્યારે લાગ્યું કે હવે પોતાની શરતોની વિરુદ્ધમાં જિંદગી કરવટ લઈ રહી છે ત્યારે જિંદગીને અલવિદા કહીને ચાલતી પકડી. ૨૦૦૮માં યુથેનેસિયા એટલે કે ઈચ્છા-મૃત્યુની બેલ્જિયમની સરકાર પાસેથી મંજૂરી મેળવ્યા પછી મૅરિકી ૧૧ વર્ષ જીવી. એ પણ એવી અવસ્થામાં જ્યારે અડધાથી વધુ અંગ લકવાગ્રસ્ત હતું, આંખોનું તેજ ઘટી રહ્યું હતું, કોઈ પણ ક્ષણે એપીલેપ્સી(વાઇ)નો અટૅક આવી જતો, આવનારી એકેય ક્ષણનો કોઈ ભરોસો નહોતો, પારાવાર પીડા વચ્ચે રાતની દસ મિનિટની ઊંઘ જેને નસીબમાં નહોતી અને પીડા મર્યાદા ઓળંગે ત્યારે અનાયાસ ગળામાંથી નીકળતી ચિચિયારીઓએ આડોશી-પાડોશીઓને પણ અનેક રાતે જગાડી દીધા હોય. જોકે આવા તમામ સંજોગો અને પરિસ્થિતિમાં તે હારી તો નહીં જ. હિંમત અને હામની જુગલબંધી સાથે તે લડી, ખૂબ ઝઝૂમી અને ડગલેને પગલે પડકારોને પડકારતી આગળ વધતી રહી. ૧૪ વર્ષની ઉંમરે નિદાન થયું કે તેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે. આ એક પ્રોગ્રેસિવ અને ઇક્યોરેબલ કન્ડિશન છે જેની પીડા અસહ્ય હતી. જોકે એની વચ્ચે પણ તે પેરા-ટ્રાયથેલોનમાં બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બની. ૨૦૧૨માં પેરાલિમ્પિક્સમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની રેસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી. ૨૦૧૫ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટરની વ્હીલચેર રેસમાં ગોલ્ડ મેડલ જીતી. છેલ્લે ૨૦૧૬ના રિયો પેરાલિમ્પિક્સમાં સિલ્વર અને બ્રોન્સ મેડલ જીતી. એક ઇન્ટરવ્યુમાં મૅરિકીએ કહ્યું હતું કે ‘મને માત્ર અત્યારની ખબર છે, કારણ કે અડધો કલાક પછી હું કેવું ફીલ કરતી હોઈશ અને મારી તબિયત કેવો ઘાટ ઘડશે એ મને નથી ખબર. મારી હાલત એટલી પણ ખરાબ થઈ શકે છે કે હું ખૂબ ખૂબ દુખી હોઉં. મને એપિલેપ્ટિક અટૅક આવે, પીડાને કારણે હું રડું, ચિલ્લાવું. મને ઘણીબધી પેઇન કિલર્સ અને મોર્ફિનની જરૂર પડે. જ્યારે પેઇન અને દવાઓ તમારા સ્નાયુઓને ખાઈ રહ્યા હોય ત્યારે વ્હીલચેરમાં બેસીને રેસિંગ કરવું મારા માટે એક જુદી જ દવા તરીકે કામ કરે છે. બેશક, મારી ફિઝિકલ કન્ડિશનને કારણે સ્પોર્ટ્સ ઇન્જરીઓ ભયંકર ભોગવી છે. ૨૦૧૨ની ટુર્નામેન્ટમાં રેસિંગ એક્સિડન્ટમાં મારો ખભો એટલો ખરાબ રીતે ડૅમેજ થયો હતો કે ડૉક્ટરે મને કહી દીધું હતું કે હવે સ્પોર્ટ્સમાં ટૉપ પર આવવાના વિચારો મૂકી દે. આટલું સાંભળ્યા પછી મેં મારા બેડને જીમ બનાવી દીધું હતું. બેડ પર જ ફિઝિયો એક્સરસાઇઝ અને અન્ય ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. એ ઇન્જરીમાંથી બહાર આવ્યા પછી પણ મેં ત્રણ નવા રેકૉર્ડ બનાવ્યા છે.’

આ ઘટના પછી તે પોતાના ડૉક્ટર પાસે ગઈ અને તેમનો આભાર વ્યક્ત કર્યો, કારણ આપતાં તેણે કહ્યું હતું, ‘ડૉક્ટરે એમ ન કહ્યું હોત કે હવે તું સ્પોર્ટ્સમાં ટૉપ પર નહીં આવી શકે તો કદાચ જંગલી પ્રાણીની જેમ ફાઈટ બેક કરવાનો જુસ્સો મારામાં ન આવ્યો હોત.’

બેશક, દરેક મેડલ સાથે અથવા પહેલા નવા જુદા પેઇનનો સામનો કર્યો જ છે. રિયોમાં ૪૦૦ મીટરની રેસમાં મળેલા સિલ્વર મેડલ પાછળ ૩૦ કલાકની મરણતોલ પીડા સહી હતી, તો ૧૦૦ મીટરની રેસનું બ્રોન્ઝ મેડલ મળ્યું એ પહેલાં સિવિયર બ્લેડર ઇન્ફેક્શનનો સામનો કર્યો હતો. તે સ્વીકારે છે કે દરેક મેડલની સાથે એક ખુશી આપનારું અને એક પીડાદાયી પાસું સંકળાયેલું જ છે. ૨૦૧૬ના રિયો પેરાઑલિમ્પિકની ટ્રેઇનિંગ પછી તેણે સ્પોર્ટ્સમાંથી રિટાયર્મેન્ટ લીધું અને ત્યારે જ તેના યુથેનેસિયાના કાગળો પર સહી કરેલી વાત વધુ લોકો સુધી પહોંચી. જ્યારે તેણે સ્પોર્ટ્સમાંથી નિવૃત્તિ લીધી ત્યારે લોકોએ ધારી લીધેલું અને અફવા પણ ઊડી કે હવે પોતાના ઈચ્છા-મૃત્યુના વિચારને મૅરિકી અમલમાં મૂકશે. જોકે મેડલો જીત્યાના પછીના દિવસે એક પત્રકાર પરિષદમાં મૅરિકીએ આ વાતને રદિયો આપતાં કહ્યું હતું, ‘ઘણા લોકો કરીઅર છોડે, કારણ કે તેમને એમ લાગતું હોય કે હવે તેમને પોતાને વધુ નથી રમવું. મારા કેસમાં ઊંધું હતું. મારે એટલે અટકવું પડ્યું કારણ કે મારું શરીર સાથ નહોતું આપતું. માઇન્ડ ત્યારે પણ કહેતું હતું કે યસ, હજી આગળ વધ, કરવા માટે ઘણું છે. જોકે મારું શરીર રડતું અને મદદ માટે પોકાર કરતું અને કહેતું કે બસ હવે બંધ કર-તારી ટ્રેઇનિંગ. તું મને હજી વધુ પીડા આપી રહી છે. એટલે મેં સ્પોર્ટ્સને અલવિદા કહી દીધી. જોકે હજી એટલા ખરાબ દિવસો નથી આવ્યા. જ્યારે સારા દિવસો કરતાં ખરાબ દિવસોની સંખ્યા વધી જશે ત્યારે મારી પાસે મારા યુથેનેસિયાના પેપર છે. જો મારી પાસે આ પેપર ન હોત તો કદાચ મેં આપઘાત કર્યો હોત. હું પેરાલિમ્પિક્સની રમત સુધી પહોંચી જ ન હોત.’

૨૦૧૪માં અચાનક મૅરિકીને એપિલેપ્ટિક અટૅક આવ્યો એ સમયે તે પાસ્તા બનાવી રહી હતી અને એ ગરમ પાણી તેના પગ પર પડ્યું જેને કારણે ચાર મહિના તેણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. જોકે દરેક અગવડતાઓ વચ્ચે જીવનથી છલોછલ મૅરિકીના કેટલાક શબ્દો ખરેખર જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને પણ બદલી શકે એવા છે. તેણે કહ્યું હતું કે ‘હું પ્રત્યેક ક્ષણને પૂરેપૂરી જીવી લેવા માગું છું, કારણ કે મને ખબર નથી કે આવનારી ક્ષણ કેવી હશે. દસ મિનિટ પછી હું હોશમાં પણ હોઈશ કે નહીં એ મને નથી ખબર. થોડુંક કંઈ ધાર્યા મુજબ ન થયું હોય તો લોકો કહેતા હોય છે કે ઓહ, આઈ હેવ અ બૅડ ડે, ઓહ હી ટૉક ટુ મી લાઇક ધેટ. મારી માટે આ ઊંધું છે. ક્યારેક સારો દિવસ જાય ત્યારે હું કહેતી હોઉં છું વાઉ, આજે મારો દિવસ ગ્રેટ હતો, આઈ હેવ અ ગુડ ડે, આઈ એમ ફીલિંગ ગુડ. મેં મૃત્યુને સ્વીકારી લીધું છે અને એનો ચાર્જ મારા હાથમાં છે. જોકે દરેકના જીવનમાં મૃત્યુ અનસર્ટેઇન છે. ક્યારેય પણ આવી શકે છે.

ઈચ્છા મુજબ મરવા માટે કાયદાનો સાથ છે અહીં

બેલ્જિયમમાં ૨૦૦૨થી અસિસ્ટેડ ડાઈંગ એટલે કે ઈચ્છા-મૃત્યુ લિગલ છે. કોઈ ઈલાજ ન હોય એ પ્રકારની જીવલેણ અને સખત પીડાદાયી બીમારી હોય અને દરદી માનસિક રીતે સભાન હોય ત્યારે યુથેનેસિયાની અરજી કરી શકે છે. ત્રણ ડૉક્ટરોની કન્સેન્ટ હોય તો પેશન્ટને પોતાની ઈચ્છા હોય ત્યારે મરવા માટે મદદ કરવામાં આવે છે. બેલ્જિયમ ઉપરાંત અત્યાર સુધીમાં નેધરલૅન્ડ્સ, કૉલમ્બિયા, લક્ઝમ્બર્ગ અને કૅનેડામાં આ લિગલ છે. આ ઉપરાંત સ્વીટ્ઝરલૅન્ડ, જર્મની, જપાન અને અમેરિકાના વૉશિંગ્ટન, ઓરેગોન, કોલોરાડો, વર્મોન્ટ, મોન્ટાના અને કેલિફોર્નિયામાં અસિસ્ટેડ સુસાઇડ લીગલ છે. રેક ક્ષણને જીવી લો. હું મેન્ટલી સ્ટ્રોંગ હતી એટલે પીડાને પડકારી શકી. આપણે બધાએ મેન્ટલી સ્ટ્રોંગ બનીને હિંમતથી આગળ વધવાનું છે.’

મૅરિકીને નજીકથી ઓળખનારી તેની મિત્ર લિવે બુલેન કહે છે, ‘તેનું નામ લો એટલે આપણને ડિટરમાઇન્ડ, ઇન્ડિપેન્ડન્ટ, જોયફુલ, સ્ટબર્ન, ફની, થોટફૂલ જેવા શબ્દો જ યાદ આવે. તે જિદ્દી હતી. તેને ખબર હતી કે તેને શું જોઈએ છે, પરંતુ સાથે તેને એ પણ ખબર હતી કે તેને શું નથી જોઈતું. જ્યારે તેણે યુથેનેસિયાના પેપર બનાવવાની વાત કરી ત્યારે મેં તરત તેને સપોર્ટ કર્યો હતો, કારણ કે મને ખબર હતી કે જો તે પોતે પોતાની લાઇફને કન્ટ્રોલ કરે છે એવું લાગશે તો તે લાંબુ જીવશે. તેના જીવનની એક ક્ષણ પેઇન વિનાની નથી ગઈ. પેઇન તેનો જીવ લે એ તો તેને જોઈતું જ નહોતું. તે પેઇનને કહેતી, આઈ વિલ ડિસાઇડ વ્હેન ટુ ગો, નોટ યુ.’

મૅરિકીએ ઈચ્છા-મૃત્યુના કાગળોને ઘણા ઇન્ટરવ્યુમાં પોતાના તારણહાર તરીકે ગણાવ્યા છે. એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું, ‘હું ૨૦૦૮માં બીમારીથી એટલી વધારે પીડાઈ રહી હતી કે એક પૉઇન્ટ પર મેં આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે મને પેલિએટિવ કૅર એક્સપર્ટે યુથેનેસિયાનો પર્યાય દેખાડ્યો. જો મારી પાસે એ પેપર ન હોત તો હું સ્પોર્ટ્સમાં કંઈ જ કરી ન શકી હોત. હું વધુ જીવી પણ ન હોત. એ પેપર ક્ષણે-ક્ષણે મને એ આશ્વાસન આપતાં હતાં કે મારે પેઇનને કારણે મરવાનું નથી. મારું મૃત્યુ આ પીડાઓ નક્કી નહીં કરે, પણ હું પોતે કરીશ. હું મારા મૃત્યુનો દિવસ જાતે નક્કી કરીશ અને એ કેવો હશે એની પૂર્વ-તૈયારીઓ પણ જાતે કરીશ. મારા નજીકના કયા લોકો મૃત્યુ સમયે હાજર હશે એ પણ હું પોતે નક્કી કરીશ. આ લાગણીએ મારામાં ગજબનું સાહસ ભર્યું. મારા મૃત્યુનો કન્ટ્રોલ મારા હાથમાં છે એ ફીલિંગ્સને કારણે મારી લાઇફમાં જોશ અને જુસ્સો વધી ગયો. પેઇનનો ડર અને ડેથનો ડર ચાલ્યો ગયો. યુથેનેસિયાને કારણે તમારું મૃત્યુ બ્યુટીફુલ અને સહજ બની જાય છે.’

મૅરિકીએ પોતાનું મૃત્યુ એ જ રીતે પ્લાન કર્યું. તેણે પોતાના અંતિમ સમયની તૈયારીઓ કરી રાખી હતી. પોતાના પ્રિયજનોને પત્રો લખીને પોતાની લાગણીઓ કહી દીધી હતી. તેના ગયા પછી તેની ગેરહાજરીમાં બોલવાના શબ્દો પણ તે એક પત્રમાં લખી ગઈ હતી. એ જ રીતે આયોજનપૂર્વક તેણે મૃત્યુને પોતાના બાહુપાશમાં સમાવી દીધું.

ડોગ નહીં સોલ મેટ

આ છે ઝેન. ૨૦૦૮માં પોતાની પીડાથી ત્રાહિમામ પોકારીને મૃત્યુના વિચારો કરી રહેલી મૅરિકી વલવૂર્ટના જીવનમાં આ લેબ્રોડર ડોગ એક એન્જલ બનીને આવી. સતત મૃત્યુની દિશામાં આગળ વધી રહેલી વલવૂર્ટ અને ઝેન વચ્ચે સ્નેહનો સંબંધ એવો બંધાણો કે મૅરિકીને એપિલેપ્ટિક અટૅક આવે એના એક કલાક પહેલાં ઝેન તેને અલર્ટ કરી દેતી કે તું સૅફ સ્થળે જા, તારી સાથે કંઈક અજૂગતુ થવાનું છે. એક ઇન્ટરવ્યુમાં મૅરિકીએ કહ્યું હતું કે ‘હું જ્યારે ખુશ હોઉં ત્યારે તે પણ ખુશ હોય. હું જ્યારે દુખી હોઉં ત્યારે તે દુખી હોય. હું જ્યારે રડતી હોઉં ત્યારે તે મારી સાથે બેસીને મને હગ કરે અથવા મારા ચહેરાને ચાટતી હોય. મારા જીવનનાં અમુક વર્ષો વધ્યાં એ પાછળનું કારણ ઝેનનો અનકન્ડિશનલ લવ પણ છે.’

ઝેન મૅરિકીના મોજાં લાવી આપે, શોપિંગ માટે તેની સાથે રહે. કપડા ડ્રોઅરમાંથી કાઢી આપે. જાણે એક માણસ હોય એમ દરેક ઠેકાણે ઝેને તેની મદદ કરવાની કોશિશ કરી છે.

columnists weekend guide