ફૉલ્ડેબલ ફોનની સવારી આવી ગઈ છે

13 October, 2019 04:14 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

ફૉલ્ડેબલ ફોનની સવારી આવી ગઈ છે

ફૉલ્ડેબલ ફોન

ટેક્નૉલૉજી બદલાઈ રહી છે અને બદલાઈ રહેલી ટેક્નૉલૉજીનો જશ આ વખતે સૅમસંગના ખાતામાં જમા થયો છે. ફોલ્ડ સ્ક્રીન સાથે આવીને સૅમસંગે દુનિયાભરના ટેક્નૉક્રેટ્સને એ મુજબની પ્રોડક્ટ બનાવવાની દિશામાં વિચારવા મજબૂર કરી દીધા છે. ફોલ્ડિંગ સ્ક્રીનને કારણે હવે ટીવીથી માંડીને બીજાં અનેક ગૅજેટ્સ નવા વાઘા ધારણ કરશે

બા અદબ, બા મુલાયજા, હોશિયાર...

શુક્રવારે સૅમસંગે એના પહેલા ફોલ્ડ ફોનનું પ્રી-બુકિંગ શરૂ કર્યું અને એ બુકિંગ એક્ઝૅક્ટ બાવન મિનિટમાં પૂરું થઈ ગયું. યસ, માત્ર બાવન મિનિટમાં સૅમસંગના પહેલા ફોલ્ડ ફોનના એક લાખ પીસ વેચાઈ ગયા. આ એક લાખ ફોનમાંથી ઇન્ડિયાને તો માત્ર અઢી હજાર ફોન જ મળવાના છે. આ વાત છે પહેલા સ્લૉટની, બીજા સ્લૉટનું મૅન્યુફૅક્ચરિંગ છેક ૭ મહિના પછી શરૂ થવાનું છે. આવતા મહિનાઓમાં સૅમસંગ આ નવા ફોલ્ડ ફોનની ડિલિવરી શરૂ કરશે. આ ફોલ્ડ ફોનની પ્રાઇસ ઇન્ડિયામાં ૧,૬૪,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે, જે વધીને અઢી લાખ રૂપિયા સુધીની છે. સૅમસંગ ફોલ્ડની ખાસિયત સમજાવવી પડે એવો સમય હવે નથી રહ્યો. સૅમસંગની અલ્ટિમેટ સિરીઝ એવી ગૅલૅક્સી રેન્જના જેકોઈ મોબાઇલ યુઝ કરે છે એ સૌને ખબર છે કે સૅમસંગ ફોલ્ડ નામનો ફોન આવી રહ્યો છે. જેમને નથી ખબર તેમની જાણ ખાતર કહેવાનું કે સૅમસંગ ગૅલૅક્સી રેન્જમાં ફોલ્ડ નામનો એક એવો ફોન લૉન્ચ કરી રહી છે જે ફોન કંપાસની જેમ ખૂલી જશે અને ખૂલ્યા પછી એનો અંદરનો આખો ભાગ સ્ક્રીન જેવું કામ આપશે.

ફોલ્ડના ઉપરના ભાગ પર એક સ્ક્રીન હશે જે પ્રમાણમાં નાની કે પછી કહો કે અત્યારના સ્માર્ટફોનમાં આવે છે એ સાઇઝની સ્ક્રીન હશે, પણ અંદરની સ્ક્રીન આજના સ્માર્ટફોનની સ્ક્રીન કરતાં ઑલમોસ્ટ ડબલ કરતાં પણ સહેજ વધારે લંબાઈ અને પહોળાઈ ધરાવતી હશે. ખૂલ્યા પછી મોટી થતી આ સ્ક્રીનમાં કોઈ જૉઇન્ટ એટલે કે સાંધો નહીં, એ એક આખી સ્ક્રીન છે. વાતને જરા સરળતા સાથે સમજવી જોઈએ. અત્યારે જે સ્ક્રીન છે એ સ્ક્રીનને તમે બૅન્ડ એટલે કે ફોલ્ડ એટલે કે વાંકી વાળી શકો છો?

સબૂર, એવો અખતરો કરતા નહીં, કારણ કે એ સ્ક્રીન ફોલ્ડ નથી થતી. જો એવો અખતરો કર્યો તો એ અખતરો અટકચાળો સાબિત થશે અને નવી સ્ક્રીનનો ખર્ચ આવશે. સૅમસંગ ગૅલૅક્સી ફોલ્ડમાં જગતની પહેલી ફોલ્ડેબલ સ્ક્રીન આવશે જેને વાંકી વાળી શકાતી હશે, જેને ફોલ્ડ પણ કરી શકાશે અને આ ફોલ્ડેબલ સ્ક્રીન જગતઆખામાં નવી ક્રાન્તિ લાવવાનું કામ કરશે. મોબાઇલ ફોનમાં મોટા ભાગનાં નવાં સંશોધનો લાવવાનું કામ ઍપલે કર્યું તો સ્માર્ટફોનને સરળ અને સોંઘો બનાવવાનું કામ ગૂગલે કર્યું. આજે મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં સૅમસંગ હાઇએસ્ટ સેલ ધરાવે છે, પણ એના નામે કોઈ ક્રાન્તિ લખાયેલી નહોતી અને એ જ વાતનો ચચરાટ જપાન જૉઇન્ટ સૅમસંગનો રહેતો હતો, જે સહજ અને સ્વાભાવિક પણ છે.

નવું કરવાની બાબતમાં સૅમસંગે લગભગ ૨૦૦૯થી તૈયારી શરૂ કરી અને ૨૦૧૦માં નક્કી થયું કે ફોલ્ડેબલ સ્ક્રીન પર કામ કરવું. આજે સૅમસંગ ફોલ્ડ પર ઓવારી ગયેલા સૌ મોબાઇલ-લવર્સને ખબર નહીં હોય કે સૅમસંગ ફોલ્ડ સ્ક્રીનનું પહેલું સૅમ્પલ ઑલરેડી ૨૦૧૪માં પહેલી વાર આપી દીધું હતું, સૅમસંગ-એજ ફોનના બૅનર હેઠળ. સૅમસંગની ગૅલૅક્સી સિરીઝના S7+ ફોન સાથે મોબાઇલની કૉર્નર પર સહેજ સ્ક્રીન બૅન્ડ વળેલી હોય એવું દેખાવાનું શરૂ થયું, જે હકીકતમાં તો આ ફોલ્ડ સ્ક્રીનની શરૂઆત હતી અને એનું એક્સપરિમેન્ટ પણ.

કૉર્નરથી સ્ક્રીનમાં વળાંક હોય એવો ફોન સફળ થયો એટલે સૅમસંગે ૨૦૧૬માં પહેલી વખત YOUM બ્રૅન્ડનેમ સાથે ફોલ્ડ ફોન પર કામ શરૂ કર્યું અને એ જગતના ૨૦ દેશોના ૫૦૦૦ કસ્ટમરને આપવામાં આવ્યો. પ્રથમ ગ્રાસે મક્ષિકા. સૅમસંગના એ ફોનની ફોલ્ડ સ્ક્રીનમાં ટેક્નિકલ વાંધા શરૂ થયા એટલે સૅમસંગે એ તમામ તકલીફોનું એક લિસ્ટ તૈયાર કરીને નવેસરથી ફોલ્ડ સ્ક્રીન પર કામ શરૂ કર્યું.

કેવી રીતે કામ કરે છે આ ફોલ્ડ સ્ક્રીન?

આજ સુધી OLED સ્ક્રીન ચલણમાં હતી, પણ સૅમસંગે આ જ સ્ક્રીનને ફોલ્ડેબલ ફૉર્મેટ પર ઢાળવાનું કામ શરૂ કર્યું જેમાં સૌથી પહેલી સક્સેસ મળી ૨૦૧૮માં. ફોલ્ડેબલ સ્ક્રીનની ટેક્નૉલૉજી સમજવી જોઈએ. આ એક બેલ્ટ છે, જે બેલ્ટ પર આખી સ્ક્રીન તૈયાર કરવામાં આવે છે. બેલ્ટ હોવાને કારણે સ્ક્રીન તૂટવાની શક્યતા નથી રહેતી. આ ઉપરાંત OLEDમાં વપરાતા લાઇટ એમિટિંગ ડાયોડને પણ લિક્વિડ ફૉર્મેટ પર લઈ આવવામાં આવ્યો. સૅમસંગે શરૂઆત કરી ત્યારે LCDનું ચલણ હતું, પણ એને વાળવાનું કામ ટેક્નિકલી પણ શક્ય નહોતું એટલે સૅમસંગે આખી મથામણ LED પર શરૂ કરી. બેલ્ટ પર આખી OLEDને સેટ કરવાનું કામ સરળ નહોતું અને અશક્ય પણ નહોતું, પરંતુ સૅમસંગ હજી પણ એને માર્કેટમાં લઈ આવતાં ડરતું હતું. સૅમસંગે આ જ ટેક્નૉલૉજીની ડિસ્પ્લે સૌથી પહેલાં જર્મનીની હુઆઈ કંપનીને આપી અને હુઆઈએ આ ટેક્નૉલૉજીના આધારે ફોલ્ડ ફોન માર્કેટમાં મૂક્યા, જેને સફળતા મળી અને સૅમસંગ માટેના બધા દરવાજા ખૂલી ગયા અને નવી જનરેશનની સૌથી મોટી ક્રાન્તિ પર તેમણે જીત મેળવી લીધી.

ફોલ્ડેબલ ડિસ્પ્લે શું લાવશે ચેન્જ?

અત્યારે તો મોબાઇલ આવ્યા છે, પણ એ દિવસો દૂર નથી કે ફોલ્ડેબલ લૅપટૉપ આવી જાય. તમને જાણીને અચરજ થશે કે ઑલરેડી લેનોવોએ ફોલ્ડેબલ લૅપટૉપ પર કામ શરૂ કરી દીધું છે અને ચાર મૉડલ તૈયાર પણ કરી લીધાં છે, પરંતુ સૅમસંગ પાસેથી લીધેલી આ ટેક્નૉલૉજીના કૉન્ટ્રૅક્ટ મુજબ એ સૅમસંગ પહેલાં આ પ્રોડક્ટ માર્કેટમાં લૉન્ચ કરી શકશે નહીં એટલે લેનોવોએ જાતને બ્રેક મારવી પડી છે. સૅમસંગ જ ફોલ્ડેબલ ટીવી પર કામ કરે છે, જે ટીવી આઠ ઇંચ બાય આઠ ઇંચની ફોટોફ્રેમમાંથી ઑલમોસ્ટ ૪૦ ઇંચનું ટીવી બની જશે. જ્યારે ટીવી જોવું હોય ત્યારે ટીવી જુઓ અને જ્યારે ન જોવું હોય ત્યારે ફોટોફ્રેમ બંધ રાખો. સૅમસંગ વર્લ્ડની પહેલી સ્માર્ટવૉચ લાવશે જે ફોલ્ડેબલ હશે અને સૅમસંગ જ એ સ્માર્ટવૉચમાં મોબાઇલ પણ સેટ કરી દેશે. તમે ઘડિયાળ પહેરીને નીકળો, સાથે મોબાઇલ પણ આપોઆપ આવી ગયો.

એવું નથી કે ફોલ્ડેબલ ડિસ્પ્લેને કારણે માત્ર આ પ્રકારનાં ગૅજેટ્સની જ ટેકક્નૉલૉજીમાં ક્રાન્તિ દેખાશે. ના, જરા પણ નહીં. મેડિકલ ફીલ્ડમાં પણ બહુ મોટાં ચેન્જ આવે એવી શક્યતા છે. કૅન્સર માટે કરવામાં આવતા પેટ સ્કૅનમાં પેશન્ટે શ્વાસ રૂંધી દે એવી ટનલમાં જવાનું હોય છે, પણ ફોલ્ડેબલ ડિસ્પ્લેને કારણે પેશન્ટને એમાંથી છુટકારો મળશે અને પેશન્ટ બેઠાં-બેઠાં જ પેટ સ્કૅન કરાવી લેશે. આ સ્કૅનમાં સમયમાં લગભગ દસ ગણો ઘટાડો થશે. મલ્ટિપ્લેક્સ પર આજે સૅટેલાઇટ પિક્ચર્સ માટે કપડાની સ્ક્રીન વાપરવામાં આવે છે, પણ જો ફોલ્ડેબલ સ્ક્રીન આવી જશે તો બનશે એવું કે કપડાની જગ્યાએ સ્ક્રીન આવશે. થિયેટર અડધું ખાલી છે તો બધાને એક જગ્યાએ લઈને એટલા જ ભાગમાં ફિલ્મ દેખાડો. ઇલેક્ટ્રિસિટીનો બગાડ અટકશે.

ફોલ્ડેબલ ડિસ્પ્લેને કારણે માર્કેટિંગના ફન્ડામેન્ટલ રૂલ્સ પણ ચેન્જ થશે. અમેરિકા, ચાઇના અને બૅન્ગકૉકમાં OLED આધારિત હોર્ડિંગ્સનું પ્રમાણ મોટું છે, પણ આપણે ત્યાંના હવામાનને કારણે OLED હોર્ડિંગ્સ પૉપ્યુલર નથી થયું, પણ જો ફોલ્ડેબલ સ્ક્રીન આવશે તો કાળઝાળ તડકામાં સ્ક્રીનની સલામતી માટે એને બંધ કરવાની જોગવાઈ પણ રહેશે અને સાંબેલાધાર વરસાદમાં પણ સ્ક્રીનની સેફ્ટી માટે એ ફોલ્ડ વાળવાનો ઑપ્શન હશે એટલે OLED બેઝ્‍ડ હોર્ડિંગ્સનું ચલણ પણ વધશે.

ટૂંકમાં એક વાત નક્કી છે કે ફોલ્ડેબલ સ્ક્રીનમાં કોઈ જાતની ટેક્નિકલ ખામીઓ હવે બહાર નહીં આવે તો ૨૦૨૦ સુધીમાં અડધું જગત ફોલ્ડેબલ સ્ક્રીન પર ટ્રાન્સફર થવા માંડશે.

આ પણ વાંચો : આમ આદમીનું બ્રહ્માસ્ત્ર RTI

સૅમસંગ ફોલ્ડની ખાસિયત સમજાવવી પડે એવો સમય હવે નથી રહ્યો. સૅમસંગની અલ્ટિમેટ સિરીઝ એવી ગૅલૅક્સી રેન્જના જેકોઈ મોબાઇલ યુઝ કરે છે એ સૌને ખબર છે કે સૅમસંગ ફોલ્ડ નામનો ફોન આવી રહ્યો છે.

Rashmin Shah columnists