Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમ આદમીનું બ્રહ્માસ્ત્ર RTI

આમ આદમીનું બ્રહ્માસ્ત્ર RTI

13 October, 2019 04:08 PM IST | મુંબઈ
ધીરજ રાંભિયા

આમ આદમીનું બ્રહ્માસ્ત્ર RTI

આરટીઆઈ

આરટીઆઈ


૧૯૫૦થી ૨૦૦૫ વચ્ચેનાં પંચાવન વર્ષના ગાળામાં ભારતીય સંસદે ૫૦૦૦ ઉપરાંત કાયદા બનાવ્યા. આમઆદમીએ આ સર્વે કાયદાઓનું પાલન કરવાનું અને ભ્રષ્ટાચારથી લથબથ મુલકી બાબુઓ, પોલીસ અને ન્યાયતંત્ર કાયદાના પાલનમાં નાનીસરખી ચૂક કરનારને દંડિત કરે. સંવિધાન પ્રમાણે દેશનો માલિક નાગરિક શાસન યંત્રણાના બાબુઓ કે સેવકો નાગરિકોને દબડાવે, જોહુકમી કરે, કાયદાની ઉપરવટ જઈને કાર્ય કરે તો પણ માલિક એવા નાગરિકના હાથમાં કોઈ સત્તા નહીં. સેવકને પૂછવાનો કોઈ અધિકાર નહીં. આમઆદમીના અધિકારોનો ધ્વંશ થાય તો પણ એનો અધિકાર પ્રસ્થાપિત કરવા કોઈ સહજ અને સરળ યંત્રણા નહીં. અંધેર નગરી ઔર ચૌપટ રાજા જેવી પરિસ્થિતિ પ્રવર્તમાન હતી.

૨૦૦૫ની ૧૧, ૧૨, ૧૫ અને ૨૧ મેએ અનુક્રમે લોકસભા તથા રાજ્યસભાએ એક કાયદો પસાર કર્યો, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી તથા ગેઝેટમાં પ્રસિદ્ધ થયો. ૨૦૦૫ના મે મહિનાના ઉપરોક્ત દિવસો તથા ઑક્ટોબરની ૧૨ તારીખ માત્ર ભારતીય લોકશાહી માટે નહીં, પરંતુ વિશ્વની લોકશાહીમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે વિશ્વની મોટામાં મોટી લોકશાહીના નાગરિકોને આ કાયદાથી ‘માહિતી મેળવવાનો અધિકાર મળ્યો, અંગ્રેજીમાં જેનું નામકરણ થયું ‘Right to Information’ અને જે ટૂંકાક્ષરે RTI તરીકે જે જાણીતો થયો. હવે આ કાયદાના અમલને થયા ૧૪ વર્ષ.



ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત એવો કાયદો પસાર થયો જેનું પાલન સરકારી અમલદારો, પોલીસ અમલદારો તથા ન્યાયતંત્રના અમલદારો તેમ જ શાસનની આ ત્રણેય પાંખના બાબુઓએ કરવાનું અને નાગરિકે નિગરાની રાખવાની અને કાયદાનું પાલન થાય છે કે નહીં જોવાનું.


આ કાયદાના ગઠનથી આમઆદમીના હાથમાં ‘બ્રહ્માસ્ત્ર’ આવ્યું. સાડાપાંચ દાયકાઓ   ઉપરાંત બેલગામ રહેલી સરકારી યંત્રણા પર જવાબદારી અને જુમ્મેદારી આવી.

કાયદાનો મૂળ ઉદ્દેશ સરકારી કામકાજમાં પારદર્શકતા લાવવાનો હતો. બેફામપણે વધી ગયેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા પારદર્શકતા આવશ્યક હતી. બેજવાબદાર, અસહિષ્ણુ, અકર્તવ્યશીલ બાબુશાહી પર કુઠારાઘાત થયો. કાયદાનાં પ્રાવધાનોને નબળાં પાડવા ઘણા યત્ન અને પ્રયત્ન થયા, પરંતુ RTI ચળવળકર્તાઓએ પ્રમાણમાં સંગઠિત થઈ સામનો કર્યો અને આથી તેમના હાથ હેઠા પડ્યા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૫થી જમ્મુ-કાશ્મીર સિવાયના સમગ્ર ભારતવર્ષમાં આ કાયદાનું અમલીકરણ શરૂ થયું. આ કેન્દ્રીય કાયદો છે, પરંતુ કાયદા હેઠળ પોતપોતાના અધિનિયમો (રૂલ્સ) બનાવવાની સત્તા રાજ્યોને આપવામાં આવી. આથી સમગ્ર રાષ્ટ્રમાં એક જ કાયદો હોવા છતાં દરેક રાજ્યના પોતપોતાના અધિનિયમો હોવાથી રાજ્યે-રાજ્યે થોડા ફેરફાર રહેલા, જેમ કે મહારાષ્ટ્ર રાજ્યમાં કાયદા હેઠળ કરવામાં આવતી અરજી પર ૧૦ રૂપિયાની ફી, જ્યારે પાડોશી રાજ્ય ગુજરાતમાં  ૨૦ રૂપિયાની ફી છે.


માહિતી મેળવવાનો અધિકાર - ૨૦૦૫ના કાયદાનું શ્રેય રાજસ્થાનના ધુલિયા બિયાવર શહેરમાં ગરીબ મજૂરોના આંદોલન તથા ધરણાને જાય છે. સંસ્થાકીય રીતે મજૂરોના સંગઠન, ‘મઝદૂર કિસાન શક્તિ સંગઠન’ને આ શ્રેય આપી શકાય. વ્યક્તિગત રીતે અણ્ણા હઝારેના આમરણાંત ઉપવાસે સરકારશ પર સારું દબાણ આણ્યું. ૨૦૦૫માં રાષ્ટ્રીય કાયદો ઘડાયો, એ પહેલાં દેશનાં ૯ રાજ્યો, તામિલનાડુ અને ગોવા (૧૯૯૭), રાજસ્થાન અને કર્ણાટક (૨૦૦૦), દિલ્હી અને મહારાષ્ટ્ર-આસામ (‍૨૦૦૨), મધ્ય પ્રદેશ (‍૨૦૦૩) અને જમ્મુ-કાશ્મીર (૨૦૦૪)માં આ કાયદો વિવિધ સ્વરૂપે પ્રવર્તમાન હતો.

વાણીસ્વાતંત્ર્ય સંબંધી અમુક ચોક્કસ હકોનું રક્ષણ, સંવિધાનની કલમ તથા એની પેટા-કલમ-૧માં વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર અપાયો છે. સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિ પી. એન. ભગવતીએ જજોને ફેરબદલીના એક કેસમાં અવલોકન કરેલું કે ‘દેશના નાગરિકોને સરકારના કામકાજ સંબંધી માહિતી મળવી જ જોઈએ. લોકશાહીમાં સરકાર જવાબદેહી હોવી જ જોઈએ. લોકશાહી પારદર્શકતા તરફ જઈ રહી હોય ત્યારે અને એવા સંજોગોમાં આપણી સરકારની કાર્યવાહી અપવાદ ન રહી શકે. માહિતીના અધિકાર વગર સરકારની કાર્યવાહી પારદર્શક રહી ન શકે. સંવિધાનની કલમ-૧૯(૧)(એ) અન્વયે ‘માહિતી અધિકાર’ વાણી-સ્વાતંત્ર્યના અધિકારમાં સમાવિષ્ટ છે.

સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલય વિરુદ્ધ બંગાળ ક્રિકેટ અસોસિએશન (૧૯૫૨-૨ એસસીસી-૧૬૧) કેસના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે માહિતી મેળવવાનો અને પ્રચાર કરવાનો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણની કલમ-૧૯ (૧) અંતર્ગત વાણી-સ્વાતંત્ર્યના અધિકારનો જ ભાગ.

માહિતી મેળવવાનો કાયદો અન્ય કાયદાઓની ઉપરવટ છે. અર્થાત્ કાયદાઓની જોગવાઈઓ અને માહિતી મેળવવાના કાયદાની જોગવાઈઓનો ઉપયોગ થાય તો માહિતી મેળવવાના કાયદાની જોગવાઈઓનિ ઉપરવટ રહેશે. ‘ભય બિન પ્રીત નહીં’ની ઉક્તિને સાચી ઠેરવતી દંડાત્મક તથા શિક્ષાત્મક પગલાં ભરવાની જોગવાઈ માહિતી અધિકાર કાયદાને સામર્થ્ય પૂરું પાડે છે.

કેન્દ્ર અને રાજ્ય કક્ષાના માહિતી આયોગને કસૂરવાર જાહેર માહિતી અધિકારીને દરરોજના ૨૫૦ રૂપિયા લેખે મહત્તમ ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરવાની સત્તા મળી અને/અથવા કાયદાના ઉલ્લંઘન બદલ કાયદાની કલમ-૨૦ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની પણ ભલામણ કરી શકશે. નીચેના સંજોગોમાં આ અધિકારનો ઉપયોગ કરી શકાય.

આ પણ વાંચો : ઇવન નોબેલ ઇઝ નોટ ગુડઇનફ

(૧) અરજી ન સ્વીકારવા માટે, (૨) વાજબી કારણ ન હોવા છતાં માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરવાં, (૩) બદઇરાદાથી માહિતી ન આપવા માટે, (૪) અધૂરી, ખોટી કે ગેરમાર્ગે માહિતી આપવા માટે, (૫) માગેલી માહિતીનો નાશ કરવા માટે, (૬) માહિતી આપવામાં અડચણ ઊભી કરવા માટે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 04:08 PM IST | મુંબઈ | ધીરજ રાંભિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK