બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને

20 October, 2019 03:01 PM IST  |  મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને

પ્રશ્ન પૂછીએ તો ઉત્તર સુધી જવાય. પૂછવામાં અને પૂછપરછ કરવામાં ફેર છે. કોઈ જગ્યા શોધતાં અટવાઈએ ત્યારે પાનવાળાને કે રાહદારીને આપણે સહજ રીતે સરનામું પૂછીએ. પોલીસ કે ઈડી કે સીબીઆઈવાળા જે કરે એને પૂછપરછ કહેવાય. બાળકના માનસિક વિકાસમાં પ્રશ્ન પૂછવાની સાહજિકતા આવશ્યક છે. એના કુતૂહલને શમાવતો યોગ્ય ઉત્તર ન મળે તો એ મૂંઝાતું રહે. ઘાયલસાહેબના શેર સાથે પ્રશ્ન-સંહિતાનો પ્રારંભ કરીએ...

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું

જે કશું છું, હું દોસ્ત, અંદર છું

બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને

કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું

વિદ્વાનો કહે છે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મહાભારત અને ગીતા વાંચો તો મળી શકે. કથામાંથી કોઈ તંતુ નીકળે જે જવાબ તરફ લઈ જાય. આપણું જીવન પણ ઘટનાઓથી ભરપૂર હોય છે. પ્રત્યેકના જીવનની વાર્તા થોડેઘણે અંશે મળતી હોય, પણ કેટલાક પ્રસંગો એવા હોય જે આંગળીની છાપની જેમ જુદા પડે. સર્જકો જ્યારે કાગળ ઉપર કથા કંડારે ત્યારે કેટલીક વાર એ ઘટના તેમના જ જીવનમાં બની ગઈ હોય અથવા તેમણે જોઈ હોય. કેટલીક વાર એવું પણ બને કે જે ઘટના ભવિષ્યમાં બનવાની હોય એ જાણતાં-અજાણતાં તેમની નવલકથા કે વાર્તામાં ઉલ્લેખાઈ જાય. એક સદી પહેલાં લખાયેલી વૈજ્ઞાનિક કથાઓમાં લેખકોએ કરેલી કેટલીક તરંગી કલ્પનાઓ વિજ્ઞાનજગતે સાચી પાડી છે. પહેલાં અશક્ય લાગતી કલ્પના કાં તો કૌતુક જન્માવતી અથવા હસી કાઢવામાં આવતી. હવે એની અવગણના પોસાય એમ નથી. નાનોઅમથો વિચાર પણ મોટી ક્રાંતિ સર્જી શકે છે. ઓલા, ઉબર કે ઓવાયઓ (ઓયો???)ના કન્સેપ્ટ ખરેખર યુનિક બનીને બહાર આવ્યા છે. હરીન્દ્ર દવે વિમાસણ વ્યક્ત કરે છે...

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો!

પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં

મનમાં તો એની છે મને એકેક અદા યાદ

એક છબિ આપણા મનમાં જડાઈ ગઈ હોય પછી એ વર્ષો સુધી એવી ને એવી તરોતાજા રહે. કોઈ ગુનેગારને પકડવો હોય ત્યારે પોલીસ આંખે દેખનારાઓને તેના દેખાવ વિશે પૂછીપૂછીને મુદ્દા એકઠા કરે. એ પછી ચિત્રકાર એ ગુનેગારનું ચિત્ર બનાવે. એના આધારે ગુનેગારને પકડવામાં મદદ થાય. વંદે ભારત એક્સપ્રેસની જેમ મારમાર ભાગતી જિંદગીમાં ક્યારેક આપણી જાત પણ ખોવાઈ જાય છે, એવી કશીક બાતમી પરશુરામ ચૌહાણ આપે છે...

ક્યાંક તારામાં થયો છું ગુમ અહીં

તું મને મુજથી મળાવે તો કહું

દૂરથી ના પૂછ તું મારી ખબર

રૂ-બ-રૂ પાસે તું આવે તો કહું

રૂબરૂ મળવાનું પ્રમાણ હવે ઓછું થતું જાય છે. ટૅક્નૉલોજીને કારણે એક ફાયદો એ થયો છે કે મહત્ત્વના સંદેશાની આપ-લે ઈમેલ-વોટ્સેપ કે વીડિયો કૉલિંગના માધ્યમથી થઈ જાય તો વ્યક્તિગત મુલાકાતની જરૂર ન રહે. જોકે જૂની પેઢી  હજી પણ વ્યક્તિગત મુલાકાતનો આગ્રહ રાખે છે. એમને હજી પણ એ વાતનો વિશ્વાસ નથી બેસતો કે ટિકિટની પ્રિન્ટ વગર માત્ર એસએમએસના સહારે ટ્રેનમાં યાત્રા કઈ રીતે કરી શકાય! નવી પેઢી પગમાં પૈડાં લઈને જન્મી છે. એટલે એમને બધું ફટાફટ જોઈએ. સ્ત્રીની દૃષ્ટિએ પૂછાય એવી એક વાત લક્ષ્મી ડોબરિયા આલેખે છે...

પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું

દાખલો બેસાડવા આઝાદ છું

ચાર ભીંતો, ઉંબરાની ઓથમાં

જાતને વિસ્તારવા આઝાદ છું

આજની નારી ચાર ભીંતોની આગળ નીકળી ગઈ છે. ઘરની જવાબદારીઓ સાથે આર્થિક મોરચે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આર્થિક સલામતી નારી-ગૌરવ માટે પણ જરૂરી બની છે. આ ઉડાન મેળવવા ઘણી પેઢીઓએ ભોગ આપ્યો. પિંજરામાં બેઠેલું પંખી ઊડવાનાં સપનાં જોઈ શકે, ઊડી ન શકે. બહુ બહુ તો પાંખો ફફડાવીને, આક્રોશ વ્યક્ત કરીને ચૂપચાપ હીંચકે બેસી રહે. આ સ્થિતિ ધીરેધીરે સુધરી રહી છે, એ સારું છે. છતાં ઘણા સમાજોના પૂર્વગ્રહો હજી ઓસર્યા નથી. તેઓ વર્કિંગ વુમનની પ્રગતિ જોઈને જૂનવાણી સરખામણીઓ કર્યા કરે છે. તેમને જૈમિન ઠક્કર પથિકનો જવાબ સપ્રેમ સંભળાવીએ...

રોકાય ના સહેજે, સમયનો એ સ્વભાવ છે

અહીંયાં વિચારોનો જ માનવ પર દબાવ છે

જ્યાં પ્રશ્ન એક જ, કોઈ અલગ રીતે પૂછ્યા કરે

ત્યાં ‘મૌન રહેવું’ દિલનો બસ એવો ઠરાવ છે

દિલનો ઠરાવ આમ પણ દુનિયાથી જુદો હોવાનો. દક્ષેશ કોન્ટ્રાક્ટર ચાતકના શેરમાં તેનો પડઘો સંભળાય છે...

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં

આંસુને આવવાના કારણ પૂછો નહીં

પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં

ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં

આ પણ વાંચો : સમગ્ર વિશ્વમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય

જીત અને હારનાં અનેક કારણો હોઈ શકે. વ્યૂહરચના, મુત્સદ્દી, સામર્થ્ય વગેરે વિવિધ બાબતો હારજીતમાં મહત્ત્વની બને. શયદા એક એવી વાત છેડે છે જે સંવેદનશીલ સર્જક જ કરી શકે...

ખુશી ને શોક, આશા ને નિરાશા

નિરંતર એ બધાં સાથે લડયો છું

પરાજય પામનારા, પૂછવું છે -

વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

ક્યા બાત હૈ

ના મળે પૂરી વિગત તો તાપનારાને પૂછો

લ્હાય કેવી પીડે છે એ દાઝનારાને પૂછો

 

બહુ જ કપરો ત્રાસ વેઠે છે પરત થાતી વખત

બોજ ખાલી હાથનો કંઈ માગનારાને પૂછો

 

હું વિગત મારા વિશે ઝાઝી નહીં આપી શકું

એ બધું તો આ હથેળી વાંચનારાને પૂછો

 

કેમ મસ્જિદથી કોઈ ખુશ નીકળતું ના મળ્યું?

ચાર પગલાંની સફરમાં થાકનારાને પૂછો

 

શું ફરક દીવાનગીમાં ને ફકીરીમાં મળે

કોઈ પોતાનાં જ વસ્ત્રો ફાડનારાને પૂછો

 

નામનાના ત્યાગમાં ઉલ્લાસ કેવો હોય છે

છાનું છૂપું દાન કોઈ આપનારાને પૂછો

 

સ્વર્ગની આછી અનુભૂતિ ધરા પર શી રીતે?

ફળ વિના ઈશ્વરની ચાહત રાખનારાને પૂછો

 

થાકથી નાશાદ પગ શાને લથડિયાં ખાય છે?

સાંજ વેળા ઘર તરફ કો’ આવનારાને પૂછો

- ગુલામ અબ્બાસ ‘નાશાદ’

(બાકી બધું તો ઠીક છે)

weekend guide columnists