તુ મુઝસે મેરે ગુનાહોં કા હિસાબ ન માંગ મેરે ખુદા!...

18 January, 2021 11:54 AM IST  |  Mumbai | Pravin Solanki

તુ મુઝસે મેરે ગુનાહોં કા હિસાબ ન માંગ મેરે ખુદા!...

પ્રતીકાત્મક તસવીર

‘નસીબમાં લખ્યું હતું તો આ દુઃખ ભોગવવું પડ્યું.’ મોટા ભાગે લોકો આવું આશ્વાસન લઈને જીવતા હોય છે. આપણને મળેલી સફળતા કે નિષ્ફળતા, આપણને મળેલું સુખ કે દુઃખ, આપણને મળેલું ઇનામ કે સજા - એ બધું શું આપણા નસીબમાં લખાયું હતું એટલે મળ્યું છે?

શું વિધાતાએ જે લખ્યું છે એ જ બધું જીવનમાં થાય છે? ‘લખ્યા લેખ ટાળી ન શકાય’ એ પલાયનવાદ છે, સનાતન સત્ય નથી. લેખ પર મેખ મારનારા કે હાથની રેખા પરથી ભાખેલા ભવિષ્યને ખોટું પાડનારાઓના અસંખ્ય દાખલાઓ છે. જેને હાથ જ નથી એવા દિવ્યાંગના  નસીબનું શું? નસીબ એ તો બંધ કબાટ છે, એને ઉઘાડવાની ચાવી પુરુષાર્થ છે.

વાત આજે વિધાતાની નથી કરવી, સરકારની કરવી છે. સરકાર એટલે કોઈ એક પક્ષની નહીં,  આઝાદી પછી આવેલી તમામ સરકારની. વિધાતા મનુષ્ય માટે લેખ લખે છે, સરકાર પોતાના દેશ માટે, પોતાની પ્રજા માટે. વિધાતાની જેમ સરકારે લખેલા લેખ પણ મોટા ભાગે ખોટા ઠર્યા  છે, ઠરે છે. આઝાદી પછી આવેલી દરેક સરકારની નાવડી મધદરિયે હતી અને એમાં નાનાં નાનાં કાણાં હતાં, એને કારણે જ દરેક સરકાર ટકી રહેવા માટે જૂઠાણાંનો સહારો લેવો એને  મૂળભૂત અધિકાર સમજે છે.

વિધાતા કરતાં સરકારની જવાબદારી વધુ છે. વિધાતા અદૃશ્ય છે, સરકાર દૃશ્ય છે. વિધાતાને ફરિયાદ મનોમન કરવી પડે છે, સરકાર સામે ફરિયાદ પ્રત્યક્ષ કરી શકાય છે. એ જુદી વાત છે કે બન્ને સાંભળતા નથી. વિધાતા આપણને જવાબદાર નથી, સરકાર આપણને જવાબદાર છે. સરકાર આપણે ચૂંટી હોય છે, વિધાતાએ આપણને! સરકાર બહુમતીથી ચાલે છે, વિધાતા  સરમુખત્યાર છે.

આઝાદી પછી દરેક સરકારે વિધાતાના લેખ જેવાં અનેક સૂત્રો દેશને આપ્યાં. ‘આરામ હરામ હૈ’, ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, ‘જય જવાન જય કિસાન’, ‘ગરીબી હટાઓ’, ‘અચ્છે દિન આયેંગે’, ‘સર્વનો સાથ સર્વનો વિકાસ’ - શું થયું?

 પ્રજાના હિતના નામે સરકારે અનેક યોજનાઓ કાગળ પર ઘડી. ‘પંચવર્ષીય યોજના’, ‘ખેડે  તેની જમીન’, ‘સસ્તા ભાવે અનાજ’, ‘મફત શિક્ષણ’, ‘મફત આરોગ્ય’, ‘કન્યા કેળવણી’, ‘બેટી બચાઓ યોજના’, ‘નાના વર્ગને કિફાયત વ્યાજે બૅન્કોમાંથી ધિરાણ વગેરે વગેરે. યોજના અનેક, પણ અમલમાં બધી ફેકંફેંક! ધકેલ પંચાં દોઢસો.

વધુમાં વધુ અંધાધૂંધી ને અગવડ કાયદા ક્ષેત્રે છે. કાયદાઓનું જંગલ એટલું અડાબીડ, અટપટું છે  કે સામાન્ય માણસ અદાલત સુધી પહોંચી જ શકતો નથી. ન્યાય મળતો નથી, ચુકાદાઓ મોડા આવે છે. મોટા માણસોને કાયદા નડતા નથી, નાનાઓને ફળતા નથી. કાયદાની અટપટી  કલમો, વકીલોની બેફામ ફી, અદાલતમાં પડતી વારંવાર તારીખો, વકીલો અને પોલીસોની કે રાજકારણીઓની તથા ગુનેગારોની સાઠગાંઠ આમજનતાને અદાલતથી દૂર રહેવા મજબૂર કરે છે. એમાં પણ કાયદાની એક જ કલમનું અર્થઘટન જુદા-જુદા સંજોગોમાં જુદી-જુદી રીતે થાય  ત્યારે સામાન્ય માણસની મતિ બહેર મારી જાય છે. આજના લેખનો મુખ્ય મુદ્દો આ જ છે.

 સાંપ્રત સમયમાં ટીવીની જુદી-જુદી ચૅનલ્સથી માંડીને ‘કૌન બનેગા કરોડપતિ’માં રિઝર્વ બૅન્ક  દ્વારા થતી અલગ-અલગ જાહેરાતોમાં એક જાહેરાત ‘નૉમિનેશન’ માટે પણ થાય છે. બૅન્ક સાથેના કેટલાક વ્યવહારમાં નૉમિનેશન માટે સતર્કતા રાખવાની સલાહ અપાય છે. જાહેરાત એ રીતે થાય છે કે જે-તે વ્યક્તિના મૃત્યુ બાદ નૉમિની આપોઆપ વારસદાર બની જાય છે, પણ આ ભ્રમ છે, ગેરસમજ છે, અંદરોઅંદર દુશ્મની વધારવાનું કારણ છે. કઈ રીતે?

નૉમિનેશન એટલે શું? પસંદગીનું નામ - દા.ત. ‘એ‍’ નામની વ્યક્તિ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટમાં નૉમિની તરીકે ‘બી’ વ્યક્તિનું નામ રાખે છે. હવે ‘એ’ વ્યક્તિના મૃત્યુ બાદ બૅન્ક ‘બી’ વ્યક્તિને જમા રકમ આપવા બંધાયેલી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ‘બી’ વ્યક્તિ એ નાણાંનો ઉપયોગ ત્યારે જ કરી શકે જ્યારે ‘એ’ વ્યક્તિના સીધા વારસદારોની મંજૂરી હોય અથવા તો ‘એ’ વ્યક્તિએ પોતાનું ‘વિલ’ કે ‘વસિયતનામું’ કર્યું હોય અને એ વસિયતનામામાં ‘બી’ વ્યક્તિને પોતાની ફિક્સ્ડ ડિપોઝિટની રકમ આપવાનો ઉલ્લેખ હોય! એ જો ન હોય કે વસિયતનામું જ ન હોય તો ‘બી’ વ્યક્તિ જમા રકમની માત્ર ટ્રસ્ટી જ રહે છે, માલિક નહીં.

એક સત્યઘટના જાણીએ. એક બહેન એકલાં હતાં. પતિ-સાસુ-સસરા બધાં મૃત્યુ પામ્યાં હતાં. પોતાને કોઈ સંતાન નહોતું. સાસરિયાંમાં એકમાત્ર નણંદ હતી જે પરણેલી હતી, પરંતુ બન્ને  વચ્ચે અણબનાવ હતો. કોઈ સંપર્ક રહ્યો નહોતો. ૧૦-૧૦ વર્ષથી એ બહેનની દેખભાળ  નજીક રહેતી તેની નાની બહેને કરી હતી, જેનાં સાક્ષી સગાંસબંધીઓ, આડોશીપાડોશીઓ, મોટી બહેનનાં મિત્રો-સખીઓ સૌ હતાં.

૧૦-૧૨ વર્ષની એકલતામાં નાની બહેન અને તેનાં સંતાનોએ તેમનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું, જુદાં-જુદાં કાર્યોમાં મદદ કરી, માંદે-સાજે નાની બહેને મહિનાઓ સુધી તેમના ઘરે એક પરિચારિકાની માફક સેવા કરી, જ્યારે-જ્યારે હૉસ્પિટલમાં સારવાર લેવાનું થયું ત્યારે-ત્યારે હૉસ્પિટલમાં નાની બહેન અને તેના પરિવારજનોએ રાતોની રાત ત્યાં ગુજારી હતી. આ બધાથી પ્રેરાઈને મોટી બહેને નાની બહેનની દીકરીના નામે એક ફિક્સ્ડ ડિપોઝિટમાં નૉમિની તરીકે નામ નાખ્યું હતું.

બહેનનું મૃત્યુ થયું. વારસદાર નણંદ મેદાનમાં આવી ગયાં, પૈસેટકે અત્યંત સુખી હોવા છતાં  નાનકડી રકમ માટે અદાલતમાં ગયાં, નાની બહેન અને નણંદના સંબંધ સારા હોવા છતાં!! પૈસાની લાલચમાં સોના જેવા સગપણને પણ પિત્તળ કરી નાખ્યું!

 અત્યારે નાની બહેન અને નણંદ વકીલોનાં ગજવાં ભરે છે, ફાયદો કોને થયો?

 સવાલ એ છે કે કોઈ નૉમિની તરીકે ત્રાહિત વ્યક્તિનું નામ ક્યારે નાખે? જ્યારે નજીકના સંબંધો નંદવાયેલા હોય, ભરોસો કે વિશ્વાસ ન હોય, નજીકનાં સગાંસંબંધીઓએ ત્રાસ આપ્યો હોય, હેરાનગતિ કરી હોય. ત્રાહિત વ્યક્તિ મદદગાર બની હોય, કોઈ ઉપકાર કર્યો હોય ત્યારેને?

બીજી વાત, નૉમિની એ વારસદાર નથી, ટ્રસ્ટી છે એવું રિઝર્વ બૅન્ક ફોડ પાડીને શું કામ જાહેર નથી કરતી? બૅન્કના કર્મચારીઓ ગ્રાહક પાસે નૉમિનેશનનો આગ્રહ કરતાં પહેલાં આ વાતનો  ખુલાસો શું કામ નથી કરતા? ત્રીજી અને મહત્ત્વની વાત, નૉમિની એટલે ટ્રસ્ટી એ વ્યાખ્યા બૅન્ક માટે હોય તો શૅર સર્ટિફિકેટ અને ફ્લૅટ માટે જુદી કેમ? આવો ભેદભાવ શું કામ? જો બૅન્ક માટેના નૉમિનીને આ વાતની પહેલેથી જ જાણ થાય તો કદાચ નૉમિનેશન માટે તેનું નામ લખાવવા તૈયાર જ ન થાય. કોણ હાથે કરીને કહે, ‘પડ પાણા પગ પર.’ કાયદાની દૃષ્ટિએ  કારણો હશે જ, પણ એ કારણ છૂપાં શા માટે રાખવામાં આવે છે?

 નવાઈની વાત એ છે કે કોઈ બાહોશ વકીલના ધ્યાનમાં આ વાત કેમ નથી આવી? આવી તો  હશે જ, પણ કેટકેટલા કાયદાઓનું અર્થઘટન કરીને જાહેર જનતાને સમજાવે? કારણ કે ઘણાખરા કાયદાઓની કલમ અટપટી છે.

ખેર, વાચકો એક વાત તો જાણી જ લો. કોઈ તમને બૅન્કના વ્યવહારમાં નૉમિની તરીકે નીમે  તો તરત હરખાઈ ન જતા. રિઝર્વ બૅન્ક કહે છે, ‘સતર્ક રહો, સાવધાન રહો!’

છેલ્લે : એક ધનાઢ્ય વૃદ્ધના બે દીકરાઓ વિદેશ રહે. દીકરાઓ ઇચ્છતા હતા કે પિતા સાથે રહે, પણ વૃદ્ધને વિદેશમાં ફાવે નહીં. અહીં તેમની સંભાળ-દેખભાળ રાખનારું કોઈ નહોતું. વૃદ્ધના ગરીબ પિતરાઈ ભાઈનો યુવાન દીકરો સેટલ નહોતો. વૃદ્ધે તેને સાથે રહેવાની ઑફર કરી, એટલું જ નહીં, ૧ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટમાં નૉમિની તરીકે તેનું નામ પણ નાખ્યું. યુવાન માટે તો ‘અચ્છે દિન આ ગયે.’ રાજીનો રેડ થઈ ગયો. દિલ લગાવીને પાંચ વર્ષ સુધી વૃદ્ધની સેવા કરી.

અચાનક વૃદ્ધનું મૃત્યુ થયું. બન્ને દીકરાઓ મુંબઈ આવ્યા. બારમું-તેરમું પત્યા પછી વૃદ્ધના  વકીલે દીકરાઓ સામે વિલ વાંચ્યું. વિલમાં રહેણાક ફ્લૅટ સહિત વૃદ્ધની તમામ સ્થાવર-જંગમ મિલકત બન્ને દીકરાને સરખે ભાગે મળે એવી જોગવાઈ હતી. આ યુવાનના નામનો કોઈ ઉલ્લેખ સુધ્ધાં નહોતો.

શું વૃદ્ધે સેવા કરાવવા માટે ચાલાકી કરી હશે?

સમાપન

હાથમાં જ છે તોય કાબૂ બહાર છે

ભાગ્યરેખાઓ કેવી સરમુખત્યાર છે!

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Pravin Solanki