અત્યારના સમયમાં સફળતા મળવી સરળ છે, પણ એને ટકાવવી અઘરી છે

17 September, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની પેઢીએ આ વાતને ગંભીરતાથી લેવી જોઈશે. જીવનનો સંઘર્ષ તમને સક્સેસની વૅલ્યુ શીખવે. ઝટપટ મળેલી સક્સેસની તમે કદર નહીં કરી શકો અને સંઘર્ષ સામે ટકવાની તૈયારી નહીં હોય તો વનટાઇમ વન્ડર બનીને રહી જશો

અત્યારના સમયમાં સફળતા મળવી સરળ છે, પણ એને ટકાવવી અઘરી છે

જરૂરી નથી કે તમે પ્લાન બનાવીને નીકળ્યા હો એ મુજબ જ જીવન ચાલે. ઘણી વાર તમે કંઈક ધાર્યું હોય, પણ તમારા માટે નિયતિએ કંઈક જુદું જ લખ્યું હોય. હું એનું બેસ્ટ ઉદાહરણ છું. ક્યારેય સપનામાં પણ મેં ગીતકાર બનવાનું નહોતું વિચાર્યું. મારે સિંગર જ બનવું હતું અને એટલે હોટેલ મૅનેજમેન્ટ માટે ભુવનેશ્વર ભણવા જવા માટે થયેલું ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કૅન્સલ કરાવીને હું મુંબઈ આવ્યો. તમે વિચારો કે હું મૂળ બંગાળી. ઘરે પણ બંગાળી જ બોલાય. લખનઉમાં ઉછેર એટલે સ્કૂલ-કૉલેજમાં હિન્દી. 

સિંગર બનવાનું સપનું નાનપણથી એટલે ૩૦-૪૦ વર્ષના ઉચ્ચ કક્ષાના સંગીતકારોનાં અઢળક ગીતો સાંભળતાં મોટો થયો. મારા પરદાદાજી, દાદાજીના ભાઈઓ એ જમાનામાં સંગીત સાથે જોડાયેલા હતા. મમ્મીનો અવાજ ખૂબ સારો. કિચનમાં કામ કરતી વખતે ગીત ગુનગુનાવે ત્યારે પણ તેમના સૂર એકદમ પર્ફેક્ટ હોય. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારથી લખનઉમાં યોજાતા ઑર્કેસ્ટ્રા પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કરતો. હોટેલ મૅનેજમેન્ટ નથી ભણવું એવું પેરન્ટ્સને કન્વિન્સ કર્યું ત્યારે તેમણે પણ સપોર્ટ આપ્યો હતો. 

ગીતકાર તો નથી જ બનવું એવું ધારીને શરૂઆતમાં મિત્રતાના દાવે કોઈ ઍડ-ફિલ્મ્સ માટે રમત-રમતમાં મેં જિંગલ્સ લખી આપી એમાં પણ નામ નહોતું આપ્યું. ‘ઇન્દ્રજિત’ના પેન નામથી શરૂઆતમાં ગીતો લખ્યાં. જુદી-જુદી ફિલ્મોમાં જુદા-જુદા નામે ગીતો આપ્યાં ત્યારે પણ એક જ સપનું હતું કે સિંગર જ બનવું છે. મ્યુઝિક-ડિરેક્ટર અને મિત્ર અમિત ત્રિવેદીએ ફિલ્મ ‘દેવ ડી’ માટે ‘તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર...’ ગીત મારી પાસે લખાવ્યું ત્યારે પણ મારો આગ્રહ હતો કે ગીતકાર તરીકે પેન નેમ જ આવે. ૨૦૦૭ના અરસામાં મારું નામ ગીતકાર તરીકે આવ્યું અને જીવનની દિશા ફેરવાઈ ગઈ. 

ગીત રિલીઝ થયું એના થોડા કલાકમાં જ મને બે-ત્રણ મોટાં પ્રોડક્શન-હાઉસમાંથી કૉલ્સ આવી ગયા. હું આજે પણ યાદ કરું મારી એ જર્ની, જ્યાં મારે કદાચ બીજા સ્ટ્રગલિંગ જૂના જમાનાના સિંગરોની જેમ પ્લૅટફૉર્મ પર સૂવું નથી પડ્યું, પણ એ પછીયે કલાકો સુધી મ્યુઝિક-ડિરેક્ટરની રાહ મેં જોઈ છે. તેમને મારા રીમિક્સમાં રસ ન પડ્યો હોય તો પોતાનું કંઈક ઓરિજિનલ સંભળાવવા માટે જાતે જ ગીત લખી તેમને ધૂન આપીને ગાઈ સંભળાવ્યું હોય. એ સમયે એવા પણ લોકો મળ્યા જેમણે ગીતકાર, સંગીતકાર અને સિંગર ત્રણેય હું હોઉં એવી રચના સાંભળ્યા પછી મને કહ્યું હોય કે તું નક્કી કર કે તારે એક્ઝૅટલી કરવું શું છે. આ કારણે એવું પણ બન્યું કે મને ગંભીરતાથી ન લેવાયો હોય. 
‍વૉટ આઇ ઍમ ટ્રાઇંગ ટુ સે ઇઝ, લિરિસિસ્ટ બનતાં પહેલા મેં સિંગર બનવા માટે ખૂબ ધક્કા ખાધા, પ્રયાસ કર્યા, પણ બ્રેક ન મળ્યો અને માત્ર યારી-દોસ્તીમાં લખવા ખાતર લખેલા ગીતે મને ગીતકાર બનાવ્યો અને એ પછી ઇન્ડસ્ટ્રીના ટૉપ મોસ્ટ મ્યુઝિશ્યનોએ આપેલી ધૂન માટે ગીત લખવાની મને તક મળી અને ઑડિયન્સે એને ખૂબ બિરદાવી. આનું જ નામ લાઇફ. હા, મારાં જ લખેલાં ગીતો ગાવાની તક પણ મને ક્યાંક મળી, પરંતુ એ પછીયે ગીતો ગાઈને નહીં, પણ ગીતો લખીને જ મારી ઓળખ ઊભી થઈ. મોરલ ઑફ ધ સ્ટોરી, સંઘર્ષ તમારા જીવનનું અવિભાજ્ય અંગ છે. તમારે સંઘર્ષ કરતા રહેવું પડે, બની શકે તમારા સંઘર્ષનો પ્રકાર જુદો હોય, પણ એ પડકારો સાથે તમે જે કામ કરો એમાં ગંભીરતાથી વળગી રહો તો ઈશ્વર યોગ્ય સમયે તક તમને આપતો જ હોય છે. 

તમે નિષ્ઠાપૂર્વક જે પણ એફર્ટ્સ નાખ્યા હોય એ ક્યારેય નિરર્થક નથી જતા. આગળ કહ્યું એમ, મારે સિંગર જ બનવું હતું એટલે નાનપણથી ગીતો સાંભળતો આવતો. મારી પાસે ગીતો લખવા માટે જે ભાષાનો વૈભવ આવ્યો એ આ ગીતો સાંભળીને જ આવ્યો. સાહિત્યનું મારું બૅકગ્રાઉન્ડ નહીં કે ન તો મેં ક્યારેય જીવનમાં કોઈ કવિતાઓ લખી કે ન કોઈ શાયર, કવિઓના કામને ઊંડાણપૂર્વક સમજ્યું. જ્યારે પણ મારી પાસે કોઈ સિચુએશન માટે ગીતની ઑફર આવતી ત્યારે આ સાંભળેલાં ગીતોમાં જે શબ્દો મળ્યા એને પરોવીને લોકો સમક્ષ રજૂ કરું છું. તમે જોશો તો સમજાશે કે મારાં ગીતોની ભાષા બોલચાલની ભાષા છે. સ્પોકન લૅન્ગ્વેજ ગીતોમાં આવવાનું કારણ પણ એ જ છે કે હું સાંભળીને લખતાં શીખ્યો છું. મોટા ભાગે કવિઓ પોતાના માટે લખે છે. તેમને મનમાં વિચાર આવે અને તેઓ લખે પણ મને તો મેલડી મળે, કથાપટ મળે, કૅરૅક્ટર, તેનો લહેજો અને લાક્ષણિકતાઓ મળે એ પછી જ હું લખી શકું. મારી આ મર્યાદા બૉલીવુડમાં લિરિસિસ્ટ તરીકે ઉપયોગી સાબિત થઈ. સાહિર લુધિયાનવી, શૈલેન્દ્રજી, ગુલઝારસાહેબ, આનંદ બક્ષી, જાવેદ અખ્તરે લખેલાં ગીતોથી હું ખૂબ પ્રભાવિત છું. આજના પણ ઘણા ગીતકાર છે ઇર્શાદ કામિલ, કૌસર મુનીર, સ્વાનંદ કિરકિરે જેમનાં કેટલાંક ગીતોના શબ્દો વાંચીને થાય કે વાહ! 

આજે પણ મારું શીખવાનું ચાલુ જ છે. મારી એક આદત છે જે પહેલું ગીત લખ્યું ત્યારથી હજીયે એ જ છે. ધૂન મળે નહીં ત્યાં સુધી મને ગીત સૂઝે નહીં. પહેલાં મને ધૂન સંભળાવો એ સાંભળ્યા પછી જે ફીલિંગ્સ જન્મે અને એની સાથે ગીતની સિચુએશન અને કિરદારની લાક્ષણિકતા હોય, પછી શબ્દો આપોઆપ અંદરથી બહાર આવતા હોય છે. જેમ કે ‘અભી મુઝ મેં કહીં, બાકી થોડીસી હૈ ઝિંદગી...’ની મેલડી સાંભળી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. લાજવાબ ધૂન, શબ્દો આપમેળે સ્ફુરવા માંડ્યા. મને યાદ છે કે ‘અય દિલ હૈ મુશ્કિલ’ માટે કરણ જોહરને ગીત પ્રેઝન્ટ કરવાનું હતું અને અમે ગાડીમાં હતા ત્યારેપ્રીતમદાએ મને ગાડીમાં મેલડી સંભળાવી, જે સાંભળ્યા પછી ‘ચન્ના મેરેયા’ ગીત લખ્યું અને કરણ જોહરને વન શૉટમાં ગીત ગમી ગયું. એ સમયે ફિલ્મમાં આ ગીત માટે કોઈ સિચુએશન નહોતી, પણ તેમણે કહ્યું કે આ ગીત મને આપી દો, સિચુએશન ક્રીએટ કરીશું. કહેવાનો મતલબ કે ક્યારેક આવી રીતે પણ ક્રીએશન થાય. મને એવું નથી કે શાંત જગ્યા હોય ત્યાં જ ગીત લખવાનું ફાવે. ઇન ફૅક્ટ વધુ ક્રાઉડ હોય અને હિલચાલ હોય ત્યાં જ લખવામાં મને વધુ મજા આવતી હોય છે.

એ પણ સમજવું જરૂરી છે કે ક્રીએટિવ વર્ક સફળ ત્યારે જ થાય છે જ્યારે એની સાથે જોડાયેલા બધાએ પોતાનું ૧૦૦ ટકા એમાં આપ્યું હોય. ફિલ્મની સ્ક્રિપ્ટથી લઈને આર્ટિસ્ટ, મ્યુઝિક-ડિરેક્ટર, સિંગર, લિરિસિસ્ટ એમ બધા જ આવી જાય. હૃદયથી જે કામ થાય એ લોકોના હૃદય સુધી પહોંચે.

સારાં ગીત લખાવાનું બહુ જ મોટું શ્રેય હું એ ધૂનને આપું જેણે મને અંદરથી મૂવ કર્યો હોય. ઈવન શ્રોતાઓના કેસમાં પણ પહેલાં તેઓ ધૂનને સાંભળે છે, પછી ધીમે-ધીમે બીજી કે ત્રીજી વાર જ્યારે એક ગીત સાંભળે ત્યારે તેમનું ધ્યાન એ ગીતના શબ્દો પર પડે છે એટલે દરેક સ્તરે પહેલાં તો ધૂન જ વ્યક્તિને સ્પર્શે. પછી જો એમાં વ્યક્તિને પોતાનાં ઇમોશન્સ સાથે કનેક્ટ થતા શબ્દો સંભળાય તો ઑર મજા આવે છે અને બીજી કમાલની વાત કહું તમને. મોટા ભાગનાં ગીતોમાં જે ઇમોશન્સની વાત આવતી હોય એ યુનિવર્સલ ઇમોશન્સ છે, જેમ કે પ્રેમ થવો એ યુનિવર્સલ છે. દરેકના જીવનમાં પ્રેમની ક્ષણ આવી જ હોય, દરેકે હાર્ટબ્રેકનો અનુભવ કર્યો હોય, દરેકને જીવનમાં નિરાશા મળી હોય, દરેકને દુનિયાના દંભનો અનુભવ ક્યારેક તો થયો જ હોય. ગીત બનાવનારા, ગીત લખનારા, એને સાંભળનારા એમ દરેકેદરેક સ્તરે આ યુનિવર્સલ ઇમોશન્સનો અનુભવ થયો જ હોય અને એ જ કારણ છે કે ઘણી વાર એવું કહેનારા લોકો મળે કે અરે, તમારું આ ગીત સાંભળીને એમ જ લાગ્યું કે આ તો અમારા જ માટે લખાયું છે, કારણ કે જે ઇમોશન્સ એ ગીતમાં છે એ ઇમોશન્સ યુનિવર્સલ છે. ભલે આપણી જિંદગી જુદી હોય, પણ અનુભવો સમાન છે. ખુશી, ગમ, નિષ્ફળતા, હાર, જીત, સપનાં, મહત્ત્વાકાંક્ષા, પ્રેરણામાં રહેલો અહેસાસ દરેક માટે સમાન છે.

 એ સમજવું જરૂરી છે ક્રીએટિવ વર્ક સફળ ત્યારે જ થાય જ્યારે એની સાથે જોડાયેલા સૌએ પોતાનું ૧૦૦ ટકા આપ્યું હોય. ફિલ્મની સ્ક્રિપ્ટથી લઈને આર્ટિસ્ટ, મ્યુઝિક-ડિરેક્ટર, સિંગર, લિરિસિસ્ટ એમ બધા જ આવી જાય. હૃદયથી જે કામ થાય એ લોકોના હૃદય સુધી પહોંચે.

columnists saturday special