અજાણી ગલી, તારું સગપણ બની છું

22 November, 2020 08:55 PM IST  |  Mumbai | Hiten Anandpara

અજાણી ગલી, તારું સગપણ બની છું

અજાણી ગલી, તારું સગપણ બની છું

આપણે વિવિધ સમયે વિવિધ વ્યક્તિ બની જઈએ છીએ. પિતાના પુત્ર બનીએ ત્યારે જુદા હોઈએ અને પુત્રના પિતા બનીએ ત્યારે જુદા હોઈએ. પ્રેમાળ પતિની સામે પત્ની એક યૌવનાનું ગૌરવ અનુભવે તો બે વર્ષની ટબુકડી છોકરી માટે વહાલસોયી માતા બની જાય. સંબંધોને આધારે ભૂમિકા ભજવાતી જાય. પ્રેમનો રાજ્યાભિષેક થયો હોય ત્યારે ઈશ્વર ચૌધરી ‘ઉડાન’ની પંક્તિઓ કુમાશ તરફ અને કૌતુક તરફ પણ લઈ જાય છે...
ક્ષિતિજ પર બની સૂર્ય ડૂબ્યાની ઘટના
તને યાદ છે હોઠ ચૂમ્યાની ઘટના?
નથી ભીતરે કોઈ, ચાલ્યો ગયો હું
બની ગઈ પછી, દ્વાર ખૂલ્યાની ઘટના
ઘણી વાર એવું બને કે આપણે દ્વાર ઉપર ટકોરા દઈએ પણ એનો પ્રતિસાદ વર્ષો પછી મળે. વર્ષો સુધી કોણ રાહ જોવાનું! પ્રતીક્ષા એક હદ પછી પોતાનું જોમ ગુમાવતી હોય છે. આશાનો તંતુ સચવાયેલો હોય તો બરાબર, પણ એ તંતુ ક્ષીણ બની ગયો હોય પછી મીણની જેમ ક્યાં સુધી પીગળવાનું એ વાસ્તવિક સવાલ આવીને ઊભો રહે. પ્યારનું જગત ભલે સધિયારો આપે પણ વ્યવહારનું જગત આવા કિસ્સાઓમાં હસવા ટેવાયેલું છે. હરીન્દ્ર દવે આ રંગની કવિસહજ અભિવ્યક્તિ કરાવે છે...
ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો, ઉદાસીનો રંગ છે
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે
આંખની બદલાતી ઝાંય અનેક સંકેતો કરે છે. એમાં પ્રિયજનનું ઘેન અંજાયેલું હોય તો આખું વિશ્વ મદહોશ લાગે. ઇચ્છિત પાત્ર ન મળ્યું હોય તો આંખમાં એક ટી-90 ટૅન્કથીય વધારે જોરુકો વસવસો અંજાયેલો રહે. ભારે માઈલા ગૉગલ્સથી એને છુપાવી શકાય પણ એ ગૉગલ્સ ઊતરતાં જ પીડા તો પૅરેમાઉન્ટ પિક્ચર્સના લોગોની જેમ આંખની સ્ક્રીન પર ઊપસી જ આવવાની. આમ છતાં આખરે તો ગમે એટલા ધમસાણની વચ્ચે એક સમાધાન જિંદગીએ શોધી જ લેવું પડે. પ્રફુલ્લા વોરા એની સમજ આપે છે...
આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં
સંતોષ બહુ દુર્લભ જણસ છે. ચક્રવર્તીઓને, સમ્રાટોને, મહારાજાઓને એ નથી મળી શકી જ્યારે એક નાનકડી કુટિરમાં મગ્ન રહેતા સાધુને એ સહજપણે પ્રાપ્ત થતી હોય છે. જેટલી જફા વધારે એટલી જંજાળ વધારે. જેમની પાસે આવડત છે તેઓ આ જાળમાંથી નીકળીને ગંતવ્ય પ્રાપ્ત કરી લેવાના. ઉર્વીશ વસાવડા એક જુદા દૃષ્ટિકોણથી વાત કરે છે...
તમારી ભૂલ છે કે મત્સ્ય માની જાળ નાખી
બનીને બુદબુદા, જળથી અમે નીકળી જવાના
અમારી જાત શબ્દોની નહીં, સ્વરની બની છે
હશું કંઠે, જો કાગળથી અમે નીકળી જવાના
કેટલીક વાર જાળમાં ફસાયા પછી પણ આપણને એ ખબર નથી પડતી કે આપણે ફસાયા છીએ. કેટલીયે વાર શું શોધવું છે એ શોધવા માટે પણ વર્ષો સુધી શોધખોળ કરવી પડે. નીલેશ પટેલ ભવિષ્યની વાત વર્તમાનમાં કરે છે...
તમે ક્યાં બહાર શોધો છો છુપાયો શખ્સ અંદર છે
ગગન પર્વત ને ધરતીથી સવાયો શખ્સ અંદર છે
કહોને કોણ હમદર્દી આ નિષ્ઠુર સ્થિતિનો બનશે?
સ્વયંભૂ એક માણસમાં હણાયો શખ્સ અંદર છે
આપણે અંતર તરફ નજર વાળીને જોઈએ તો ઘણા શિલાલેખો મળી આવશે. એને ઉકેલવા દુનિયાની આંખ કામમાં લાગતી નથી. એ ઠરેલી વાતને સાંભળવા માટે પહેલાં આપણે ઠરવું પડે. સુધીર પટેલ લાખ રૂપિયાની વાત કરે છે...
બસ એ જ મારું ને કલાપીનું મનન
સુંદર બનો ને એમ સુંદરમાં રહો
નડતર નહીં તો માર્ગમાં બનશો સુધીર
ઉંબર નહીં, કોઈના અંતરમાં રહો
એક જણને મન ભરીને ચાહવું હોય તો આખો પૅસિફિક મહાસાગર પણ ટૂંકો પડે. એક જણનો પ્રેમ આ સૃષ્ટિના તમામ જીવો પ્રત્યે થાય તો એને ઈશ્વરની કૃપા સમજવી. હિંસાથી ત્રસ્ત વિશ્વની સ્થિતિ જોઈએ તો એમ લાગે કે મનસુખ નારિયાની આ વાત સાચી પડવી જોઈએ...
નાળચું બંદૂકનું તોડી બનાવી વાંસળી
ને ધડાકાની અસર લય-સૂરમાં પાછી મળી
છોડ તુલસીના ઉગાડ્યા તોપના કૂંડા કરી
આગ ઝરતી લાગણી લીલાશમાં પાછી વળી
ક્યા બાત હૈ
યુગોની નિરાંતે સુહાગણ બની છું
કદી દીપ તો ક્યાંક દરપણ બની છું

ઉપાડ્યાં કદમની મથામણ બની છું
અજાણી ગલી, તારું સગપણ બની છું

વળી હાથ ખાલી ને રેખાઓ સૂકી
વિધાતા કને રોજ માગણ બની છું

નડ્યા ખુદના લીધે બેહદ જે વહેમો
મુકમ્મલ સફરની વિમાસણ બની છું

મને આયખાની આ સાંજો નડી છે
ફરી શ્યામ રાતોની સાજણ બની છું

ભલે બાતમી હસ્તરેખાએ દીધી
હવે શું થશેની મથામણ બની છું
- નલિની સિંહ સોલંકી ‘નિશી’

columnists weekend guide