નીરજનું ગીત એ ભાઈ ઝરા દેખ કે ચલો લઈને સંગીતકાર શંકર પાસે ગયા ત્યારે....

06 September, 2020 06:43 PM IST  |  Mumbai | Rajani Mehta

નીરજનું ગીત એ ભાઈ ઝરા દેખ કે ચલો લઈને સંગીતકાર શંકર પાસે ગયા ત્યારે....

‘એ ભાઈ ઝરા દેખ કે ચલો...’ના રેકૉર્ડિંગમાં હાર્મોનિયમ પર શંકર, બાજુમાં નીરજ અને હાથમાં ગીત સાથે મન્ના ડે.

બાદલોં સે સલામ લેતા હૂં

વક્ત કે હાથ થામ લેતા હૂં

સારા મૈખાના ઝૂમ ઊઠતા હૈ

જબ મૈં હાથોં મેં જામ લેતા હૂં

                         - નીરજ

પ્રેમ અને શૃંગારનાં ગીતો નીરજની એક એવી ઓળખ બની ગયાં કે એ ઇમેજમાંથી તેઓ જીવનભર મુક્ત ન થઈ શક્યા. જ્યારે તેમની કવિતા આપણી નજર સમક્ષ આવે ત્યારે એવું પ્રતીત થાય જાણે લખતી વખતે તેમનો ખડિયો એક સુરાહી હોય અને એમાં શ્યાહીને બદલે શરાબ અને ગુલાબજળનું મિશ્રણ ન હોય? એ સાથે મોરપીંછમાંથી બનેલી તેમની કલમ વડે શબ્દદેહ પામેલી પંક્તિઓનો અને સંગીતની સુરાવલિઓનો સમન્વય થાય ત્યારે એમ જ લાગે કે આ મદહોશીનો મખમલી આલમ કદી પૂરો જ ન થાય. યાદ આવે છે આ ગીતો...

આજ મદહોશ હુઆ જાએ રે

મેરા મન મેરા મન મેરા મન

શરારત કરને કો લલચાયે રે

મેરા મન મેરા મન મેરા મન

 (શર્મિલી - કિશોર કુમાર, લતા મંગેશકર)

રેશમી ઉજાલા હૈ મખમલી અંધેરા

આજ કી રાત ઐસા કુછ કરો

હો નહીં હો નહીં હો નહીં સવેરા

 (શર્મિલી - આશા ભોસલે)

પરંતુ આ તો નીરજના વ્યક્તિત્વનું એક જ પાસું હતું. જેમ કીમતી હીરાનાં અનેક પાસાં એને અણમોલ બનાવે છે એમ નીરજની સપ્તરંગી કલમનો કસબ તેમને અનોખા ગીતકાર બનાવે છે. કવિ નીરજના હૃદયમાં એક એવું રેગિસ્તાન પનપતું હતું જેની ભાગ્યે જ કોઈને જાણ હતી. પ્યાસાને કેવળ એક બૂંદની તલાશ હોય એમ નીરજ એક એવા જોહરીની તલાશમાં હતા જે તેમની ભીતર રહેલા સંતાપને શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો મોકો આપે. તેમની પાસે જીવનની કડવી હકીકત સરળ શબ્દોમાં રજૂ કરવાનો કસબ હતો. તેઓ કહેતા, ‘We are sleeping though while our eyes are open.’ એટલે જ તેમને આવી પંક્તિઓ સ્ફુરી હશે...

‘કફન બઢા તો કિસ લિએ

નઝર તુ ડબડબા ગઈ

‍સિંગાર ક્યું સહમ રહા

બહાર ક્યું લજા ગઈ

ન જન્મ કુછ, ન મૃત્યુ કુછ 

બસ ઇતની સી તો બાત હૈ

કિસી કી આંખ ખૂલ ગઈ

કિસી કો નીંદ આ ગઈ...’       

દેવ આનંદ સાથેની મુલાકાત બાદ ‘પ્રેમ પૂજારી’ના ગીતકાર તરીકે નીરજનું નામ થઈ ગયું. ત્યાર બાદ સચિનદા ઉપરાંત બીજા સંગીતકારો સાથે નીરજે કામ કર્યું એ હતા શંકર-જયકિશન, હેમંત કુમાર, જયદેવ, એસ. એન. ત્રિપાઠી, રાજેશ રોશન, ઉષા ખન્ના, બપ્પી લાહિરી, જતીન લલિત, શિવરામ અને હરિ અર્જુન.

૧૯૬૦માં મુંબઈના ઇન્કમ-ટૅક્સ કમિશનર ટી. ટી. ઝુનઝુનવાલાના આમંત્રણ પર નીરજ મુંબઈ આવ્યા હતા. એ કાર્યક્ર્મમાં રાજ કપૂર હાજર હતા. ત્યાં બન્નેની ઓળખાણ થઈ. એ કહેવાની જરૂર નથી કે રાજ કપૂર તેમની કવિતાથી પ્રભાવિત થયા હતા. દેવ આનંદની જેમ તેમણે પણ ફિલ્મો માટે ગીતો લખવાની વાત કરી. હંમેશની જેમ નીરજે એ વાત પર ધ્યાન ન આપ્યું.

ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનતી હતી ત્યારે રાજ કપૂરને નીરજ યાદ આવ્યા. એ દરમ્યાન શંકર-જયકિશન અને નીરજની જોડીએ અનેક લોકપ્રિય ગીતો આપ્યાં હતાં. એ સમયે ગીતકાર શૈલેન્દ્ર હયાત નહોતા. તેમને એક એવો ગીતકાર જોઈતો હતો જે આ ફિલ્મના આત્માને ગીતોમાં ઉતારી શકે. નીરજ એ દિવસોમાં એક લોકપ્રિય ગીતકાર તરીકે એસ્ટૅબ્લિશ થઈ ગયા હતા. રાજ કપૂરનું કહેણ આવ્યું. રાજ કપૂરની ફિલ્મો અને અદાકારીના કાયલ નીરજ માટે આ મોટી વાત હતી.   

રાજ કપૂરે તેમને પુણેના ફાર્મહાઉસ પર બોલાવ્યા અને ફિલ્મ માટે ગીતો લખવાની વાત કરી. નીરજે તેમની પાસે એક ગીત તૈયાર હતું એનું મુખડું સંભળાવ્યું‍...

કહેતા હૈ જોકર સારા ઝમાના

આધી હકીકત આધા ફસાના

ચશ્માં ઉતારો ફિર દેખો યારોં

દુનિયા નયી હૈ ચહેરા પુરાના

 રાજ કપૂર કહે, ‘અરે, મુઝે યહી તો ચાહિયે. બસ, ઐસે હી કુછ ઔર ગાને આપ મુઝે દિજિયે.’  

 આ સાંભળી નીરજનો પહેલો પ્રશ્ન એ હતો કે જો જોકર ગીત ગાશે તો તે ગવૈયો બની જશે. એને માટે ગીતો કેવી રીતે લખવાં? રાજ કપૂર કહે છે ‘એ મારો વિષય નથી. તમે આમાં શું કરી શકો એ તમારો પ્રૉબ્લેમ છે. મારે આ ફિલ્મમાં એવાં ગીતો જોઈએ છે જે જોકરની જિંદગીની વાત કરતાં હોય, જેમાં ફિલોસૉફી હોય, દર્દ હોય અને મેસેજ પણ હોય.’

નીરજ માટે ફરી એક વાર આ એક પડકાર હતો. ફિલ્મની વાર્તા શું હતી એ જાણ્યા બાદ તેમણે કામ કરવાનું શરૂ કર્યું અને તેમની કલમને શબ્દો ફૂટ્યા...

‘એ ભાઈ જરા દેખ કે ચલો

આગે ભી નહીં પીછે ભી

દાયેં ભી નહીં બાયેં ભી

ઉપર ભી નહીં નીચે ભી

તૂ જહાં આયા હૈ વો તેરા

ઘર નહીં ગલી નહીં ગાંવ નહીં

કૂંચા નહીં બસ્તી નહીં રસ્તા નહીં

દુનિયા હૈ...

ઔર પ્યારે દુનિયા યે સર્કસ હૈ

ઔર સર્કસ મેં

બડે કો ભી છોટે કો ભી

ખરે કો ભી ખોટે કો ભી

દુબલે કો ભી મોટે કો ભી

નીચે સે ઉપર કો ઉપર સે નીચે કો

આના જાના પડતા હૈ

ઔર રિંગ માસ્ટર કે કોડે પર

કોડા જો ભૂખ હૈ કોડા જો પૈસા હૈ

કોડા જો કિસ્મત હૈ

તરહ તરહ નાચ કે દિખાના યહાં પડતા હૈ

બાર બાર રોના ઔર ગાના યહાં પડતા હૈ

હીરો સે જોકર બન જાના પડતા હૈ...’   

મહાન ગાયક મન્ના ડે સાથેની મારી મુલાકાતોમાં આ ગીત વિશેનો એક મજેદાર કિસ્સો તેમણે મારી સાથે શૅર કર્યો હતો, જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

‘જ્યારે રાજ કપૂર આ ગીત લઈને સંગીતકાર શંકર પાસે ગયા તો ગીતના શબ્દો જોતાં જ શંકરે કાગળ ફેંકી દીધો અને કહ્યું, ‘યે કોઈ ગાના હૈ?’ રાજ કપૂર નીરજ પાસે આવ્યા અને વાત કરી. નીરજ કહે, ‘હું શંકર પાસે આવું હું. તેમનો શું પ્ર‍ૉબ્લેમ છે એની ખબર તો પડે?’ બન્ને શંકર પાસે આવ્યા. શંકર કહે, ‘આ ગીતમાં કવિતા ક્યાં છે? મીટર ક્યાં છે? આ તો કોઈની સાથે વાત કરતા હોઈએ એવું લાગે છે. મારે આને કમ્પોઝ કેવી રીતે કરવું?’

નીરજ કહે, ‘તમારી વાત બરાબર છે. આ ગીત બોલચાલની ભાષામાં લખાયું છે, પરંતુ મીટરમાં લખાયું છે.’ આટલું કહી તેમણે આખું ગીત કવિ-સંમેલનમાં જે રીતે લયમાં રજૂ કરે એમ ગાઈને સંભળાવ્યું. ક્યાં પૉઝ લેવાનો છે, ક્યાં સ્વરને લંબાવવાનો છે એ દરેક નાની-મોટી હરકત શંકરને બતાવીને કહ્યું કે બસ, આ જ રીતે એને કમ્પોઝ કરશો તો જોઈતી ઇફેક્ટ આવશે. શંકર માની ગયા અને એક અમર ગીતનો જન્મ થયો. આ ગીતના રેકૉર્ડિંગ સમયે નીરજ મને સમજાવતા હતા કે કઈ રીતે મારે આ ગીતને રજૂ કરવાનું છે. નીરજ કમાલના શાયર હતા.’

એક આડવાત. આવું જ કંઈક ગુલઝાર અને આર. ડી. બર્મનના જીવનમાં બન્યું હતું. ફિલ્મ ‘ઇજાઝત’ માટે જ્યારે ગુલઝાર ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’ લઈને આર. ડી. બર્મન પાસે ગયા ત્યારે તેણે ગુલઝારને કહ્યું, ‘ઇસકો તુમ ગાના કહતે હો? યે તો એક સ્ટેટમેન્ટ હૈ. ઇસકો કમ્પોઝ કૈસે કરું? કલ તો તુમ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ કી હેડલાઇન લેકર આઓંગે ઔર કહોગે કિ ઇસે કમ્પોઝ કરો.’ આશા ભોસલેએ કહ્યું કે ગીતના શબ્દો ખૂબ સુંદર છે. આ ગીત રિજેક્ટ કરવા જેવું નથી. કમસે કમ કમ્પોઝ કરવાની કોશિશ તો કરો? કમને પંચમે આશા ભોસલેની વાત માની. જોકે ગીતની ધૂન બનાવતાં તેમને તકલીફ પડતી હતી. બન્યું એવું કે આશા ભોસલે એક દિવસ હાથમાં કાગળ લઈને આ ગીત ગણગણતાં હતાં. એ સાંભળીને પંચમના કાન ચમક્યા અને કહ્યું, ‘ફિર સે એક બાર પઢો તો?’ અને જે રીતે આ ગીત આશા ભોસલેએ પઠન કર્યું એના પરથી આ ગીતની ધૂન બની.

નીરજ અને શંકર-જયકિશનની જોડીએ ૧૫ ફિલ્મોમાં સાથે કામ કર્યું અને અનેક કાવ્યસભર લોકપ્રિય ગીતો આપ્યાં, એમાંનું એક ગીત છે...

‘લિખે જો ખત તુઝે વો તેરી યાદ મેં

હજારોં રંગ કે નઝારે બન ગયે

સવેરા જબ હુઆ તો ફૂલ બન ગયે

જો રાત આયી તો સિતારે બન ગયે

(કન્યાદાન - મોહમ્મદ રફી)

આ ગીત કયા સંજોગોમાં લખાયું એનો એક સરસ કિસ્સો છે. હકીકતમાં આ સિચુએશન માટે નીરજે જે ગીત લખ્યું હતું એ સંગીતકાર શંકરને જરા પણ ગમ્યું નહોતું. કોણ જાણે કેમ, તેમને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે એ ગીત ફાડી નાખ્યું (સંગીતકાર જયકિશન શાંત અને સૌમ્ય સ્વભાવના, જ્યારે શંકરનો સ્વભાવ ગરમ હતો, જેનો અનુભવ ઇન્ડસ્ટ્રીમાં રાજ કપૂર સહિત ઘણાને થયો હતો. એ કિસ્સા‍ ફરી કોઈક વાર). નીરજ નારાજ થઈ ગયા. તેમણે પ્રોડ્યુસર રાજેન્દ્ર ભાટિયાને વાત કરી. તેમણે કહ્યું કે તમે એવું ગીત લખો કે શંકર પોતે હલી જાય. જ્યારે આ ગીત શંકરના હાથમાં આવ્યું ત્યારે શંકર નીરજને નમન કરી, માફી માગી અને ભેટી પડ્યા. આ ગીત એટલું હિટ થયું કે ખુશ થઈને પ્રોડ્યુસરે પોતાની કન્વર્ટેબલ ગાડી નીરજને ભેટ આપી.       

ફિલ્મ ‘મેરા નામ જોકર’ (૧૯૭૦) માટે બે ગીત લખ્યા બાદ ‘કલ આજ ઔર કલ’ (૧૯૭૧) માટે નીરજની કલમે ત્રણ ગીતો રાજ કપૂરને આપ્યાં. ‘ટિક ટિક ટિક, ચલતી જાયે ઘડી’ (આશા ભોસલે – કિશોર કુમાર – મુકેશ), ‘દેખિયે તો ક્યા અજીબ હાલ હૈ’ (મન્ના ડે) અને ‘આપ યહાં આયે કિસ લિએ, આપ ને બુલયા ઇસ લિએ’ (આશા ભોસલે-કિશોરકુમાર). રાજ કપૂરે તેમને દેવ આનંદની જેમ મુંબઈમાં સેટલ થવાની સલાહ આપી અને પોતાના આગવા અંદાજમાં કહ્યું, ‘જીના યહાં, મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં.’ ત્યારે નીરજનો જવાબ હતો, ‘આપ ગલત સમઝ રહે હો. મૈં વો આદમી નહીં હૂં. આપ અપને ક્ષેત્ર મેં રાજા હો, મૈં અપને ક્ષેત્ર મેં. યહાં વો લોગ ટીકતે હૈં જિનકો ઔર કુછ નહીં આતા.’

નીરજ કદી મુંબઈમાં સેટલ નહોતા થયા. ફિલ્મો માટે ગીત લખવા, સંગીતકાર સાથે સીટિંગ્સ કરવા માટે તેઓ મુંબઈ આવતા અને પોતાનું કામ પૂરું થતાં અલીગઢ પાછા ચાલી જતા. ૧૯૭૧માં તેમની ૧૦ ફિલ્મો રિલીઝ થઈ એ હતી ‘એક નારી એક બ્રહ્મચારી’ (હસરત જયપુરી સાથે શંકર-જયકિશન), ‘ગૅમ્બલર’ (સચિન દેવ બર્મન), ‘કલ આજ ઔર કલ’ (શૈલી શૈલેન્દ્ર અને હસરત જયપુરી સાથે શંકર-જયકિશન), ‘લાલ પત્થર’ (દેવ કોહલી અને હસરત જયપુરી સાથે શંકર-જયકિશન), ‘પતંગા’ (ઇન્દિવર અને હસરત જયપુરી સાથે શંકર-જયકિશન), ‘રેશ્મા ઔર શેરા’ (રાજેન્દ્ર કૃષ્ણ અને બાલ કવિ બૈરાગી સાથે જયદેવ), ‘શર્મિલી’ (સચિન દેવ બર્મન), ‘તેરે મેરે સપને’ (સચિન દેવ બર્મન), ‘વીર છત્રસાલ’ (બાલ કવિ બૈરાગી અને મહાકવિ ભૂષણ સાથે એસ. એન. ત્રિપાઠી) અને ‘યાર મેરા’ (હસરત જયપુરી અને એસ. એચ. બિહારી સાથે શંકર-જયકિશન).                                                                     

આટલી વ્યસ્તતા છતાં તેમનો જીવ મુંબઈમાં નહોતો. સચિનદા અને જયકિશનના અવસાન બાદ તેમને કામ કરવાની મજા નહોતી આવતી એટલે મુંબઈમાં સેટલ થવાનો કોઈ સવાલ જ નહોતો. આ કારણથી તેમણે ફિલ્મોમાં ગીતો લખવાનું ઓછું કરવાનો વિચાર કર્યો હતો. એક રીતે કહીએ તો ઉન કા કારવાં જહાઁ સે આયા થા વહાં લૌટ ગયા. મુંબઈમાં ગુણી સંગીતકાર મિત્રોને ગુમાવીને અલીગઢ પાછા ફરતાં નીરજની વ્યથા તેમની પંક્તિઓમાં આ રીતે વ્યક્ત થઈ હતી...    

ઔરોં કા ધન હૈ સોના-ચાંદી

અપના ધન તો પ્યાર રહા

દિલ સે જો દિલ કા હોતા હૈ

વો અપના વ્યાપાર રહા

એવું નથી કે ૧૯૭૧ બાદ તેમણે ફિલ્મો માટે ગીત લખવાનું બંધ કરી દીધું. ત્યાર બાદ પણ તેમની આવ-જા મુંબઈ સુધી રહેતી, પરંતુ પ્રમાણમાં ઓછી. એ વિશેની વાતો આવતા રવિવારે.

columnists rajani mehta