ધ ઇન્ડિયા સ્ટોરી : વાસ્તવિકતા ફિલ્મો કરતાં વધુ ભયાનક

21 May, 2023 10:09 AM IST  |  Mumbai | Laxmi Vanita

ભગવાનનો પાડ માનો કે તમારી દીકરી તમારા ઘરે સલામત છે!

પ્રતીકાત્મક તસવીર

‘ધ કેરલ સ્ટોરી’ જોઈને ઉશ્કેરાયાને? ઇન્ડિયા સ્ટોરી એના કરતાંય ભયંકર છે. આમેય આપણે ફિલ્મો જોયા પછી એના વિશે ચર્ચા કરવા સિવાય બીજું શું કરીએ છીએ? મિસિંગ બાળકો અને ગર્લ્સ કેવા નરકમાં ધકેલાઈ જાય છે એ દોજખનો અનુભવ તેમને બચાવવાનો ભેખ ધારણ કરનાર જીવન-યોદ્ધાઓ પાસેથી સાંભળીએ તોય રૂંવાડાં ઊભાં થઈ જાય. છેલ્લાં પાંચ વર્ષમાં ગુમ થયેલા ૩૪,૦૦૦માંથી ઘણાનો પત્તો લાગ્યો નથી અને ૨૦,૦૦૦ લાવારિસ ડેડ-બૉડી... આ છે ભારતના આંકડા. સરકારી સેવકો અને સ્વયંસેવકો પોતાની રીતે ઝઝૂમે છે, પણ આ કાળા​ડિબાંગ વાદળાંની એકેય કોર રૂપેરી નથી. જે ખોવાય છે એ ભાગ્યે જ પાછાં મળે છે એવી આ બ્લૅક હોલ જેવી પરિસ્થિતિ વિશે વિગતે ફોડ પાડે છે લક્ષ્મી વનિતા કવર-સ્ટોરીમાં.

કારણ કે મિસિંગ છોકરીઓમાંથી જે રેસ્ક્યુ થાય છે તેમની કથા તમને અંદરથી હચમચાવી દેશે. 

‘સલામ બૉમ્બે’, ‘બાઝાર’, ‘માર્કેટ’, ‘લવ સોનિયા’, ‘લક્ષ્મી’, ‘મર્દાની’ અને હાલમાં ‘દહાડ’ અને ‘ધ કેરલ સ્ટોરી’ એ બધામાં જ મહિલાઓ ગુમ થવાનાં કારણો અને તેમના પર થતા જુલમો વિશે તમે જે જોયું છે એ તો કંઈ જ નથી. મિસિંગ ગર્લ્સને રેસ્ક્યુ કરનારી સંસ્થાઓ કહે છે કે વાસ્તવિકતા આના કરતાં પણ વધુ ક્રૂર અને ભયાનક છે.

‘ધ કેરલ સ્ટોરી’એ દેશમાં એક ગંભીર ડિબેટ જગાવી છે. દરેક રાજ્યની ન્યુઝ-ચૅનલ તથા રાષ્ટ્રીય ચૅનલો પર ભારતભરનાં કયાં રાજ્યોમાં કેટલી સંખ્યામાં ગર્લ્સ અને વુમન મિસિંગ થાય છે અને મિસિંગ થયા બાદ તેમની કહાની શું હોય છે એનો કોઈને ખ્યાલ હોતો નથી. એનસીઆરબી (નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો)ની વેબસાઇટ પર છેલ્લો ડેટા કોવિડ પહેલાંનો છે. હજારોની સંખ્યામાં ગાયબ થતા આ વિક્ટિમ્સના જીવનને બચાવવા પર વાત કરવાને બદલે નંબર્સ એક રાજકારણીય મુદ્દો બની ગયો છે ત્યારે સામાન્ય લોકોએ જાણવું જરૂરી છે કે જે નંબર હાલમાં દર્શાવવામાં આવી રહ્યા છે તેમના મિસિંગ થવા પાછળનાં મુખ્ય કારણો શું હોય છે અને શું આ નંબર હંમેશ માટે મિસિંગ જ રહે છે?

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૪૦,૦૦૦ જેટલી ગર્લ્સ અને મહિલાઓ મિસિંગ છે એવું ઇન્ટરનેટ અને સમાચારના પાને ચડ્યું ત્યારે જ ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટર પર એ ક્લિયર કરવામાં આવ્યું કે આમાંથી ઘણા મિસિંગ વિક્ટિમ પરિવારને મળી ગયા છે. ૨૮ રાજ્યો અને ૮ યુનિયન ટેરિટરીમાંથી સૌથી વધારે મિસિંગ લોકો મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાલ અને મધ્ય પ્રદેશમાંથી છે અને બાકીનાં રાજ્યોના આંકડા પણ આ રાજ્યોની સરખામણીએ બહુ ઓછા નથી. મુંબઈ જેવી મેટ્રો સિટીમાં આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં જ મિસિંગ વુમનનો આંકડો ૩૫૦૦નો છે. ટેક્નૉલૉજી યુગમાં ઠેર-ઠેર ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલ સ્થાપવામાં આવ્યા. એ સિવાય દરેક રાજ્યમાં કેટલીયે એનજીઓ મિસલીડ થયેલી ગર્લ્સ અને મહિલાઓના રેસ્ક્યુ પર કામ કરી રહી છે. તો હ્યુમન ટ્રાફિકિંગ એકમાત્ર કારણ નથી, અન્ય કારણો પણ છે જેને કારણે ગર્લ્સ અને મહિલાઓ કેવી રીતે વિક્ટિમ બને છે એ જાણીએ. હિન્દી સિનેમામાં આજ સુધી બનેલી ફિલ્મો ‘સલામ બૉમ્બે’, ‘બાઝાર’, ‘માર્કેટ’, ‘લવ સોનિયા’, ‘મર્દાની ટૂ’, ‘ધ કેરલ સ્ટોરી’ અને ‘દહાડ’માં મિસિંગ ગર્લ્સનાં કારણો વણી લેવાયાં છે.

આંચકાદાયક સ્થિતિ

નેવુંના દાયકામાં શરૂ કરેલી રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં ત્રિવેણી આચાર્ય આજ સુધી ૧૧,૪૦૪ વિક્ટિમ્સને રેસ્ક્યુ કરી ચૂક્યાં છે અને ૧૦,૯૬૨ વિક્ટિમ્સને તેમના પેરન્ટ્સ કે ગાર્ડિયન સુધી પહોંચાડ્યાં છે. માત્ર ભારતના જ નહીં; નેપાલ, બંગલાદેશ, ઉઝબેકિસ્તાન, રશિયા, બર્મા, તાઇવાન અને થાઇલૅન્ડ જેવા દેશોના વિક્ટિમ્સને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં શરૂ થયેલી સંસ્થા ‘મિસિંગ પર્સન હેલ્પલાઇન’ વેબસાઇટ પર ૩૪,૦૦૦ જેટલા મિસિંગ પર્સનના ડેટા અપડેટ થઈ ચૂક્યા છે. એમાં ૨૦,૦૦૦ ડેડ-બૉડી અને લગભગ ૧૪,૦૦૦ લાવારિસ લોકો છે, જેમાં મહિલાઓ સૌથી વધારે છે અને ઉંમરનું બ્રેકેટ ૦થી ૮૦ છે. અમદાવાદમાં ૨૦૧૨માં મિસિંગ બાળકોની ભાળ મેળવવા માટે હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ સંજય જોશીએ આજ સુધીમાં ૭૨,૦૦૦ બાળકોને પેરન્ટ્સ સુધી પહોંચાડ્યાં છે. તો શું કોઈ જુડિશ્યરી સિસ્ટમમાં એવા કોઈ કાયદા જ નથી કે ઉત્તરોત્તર વધી રહેલા આંકડામાં ઘટાડો થઈ શકે?

અવરોધ શું છે?

હાલમાં બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરી રહેલાં ઍડ્વોકેટ, ઍક્ટિવિસ્ટ અને ભૂતપૂર્વ બ્યુરોક્રેટ આભા સિંહ કહે છે કે ‘મિસિંગ વિક્ટિમના કેસમાં સૌથી પહેલી વાત એ કે પોલીસ એફઆરઆઇ લખે જ નહીં. તેઓ ક્રાઇમ નંબર વધારે દેખાડવા નથી માગતા. કુર્લા ગર્લ રેપ અને મર્ડર કેસનું જ ઉદાહરણ લો. વિક્ટિમના પેરન્ટ્સ જ્યારે મિસિંગની નોંધ લખાવવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે હૈદરાબાદથી ચડી છે એટલે ત્યાં ફરિયાદ નોંધાવવી પડે. ૨૪ કલાકમાં તેની રેપ્ડ ડેડ-બૉડી મળી. વિક્ટિમ જ્યારે મિસિંગ થાય ત્યારે પહેલા ૪૮ કલાક એકદમ ક્રુશિયલ હોય છે અને વેસ્ટર્ન કન્ટ્રીની જેમ આપણી પોલીસ સિસ્ટમ વેલ કનેક્ટેડ નથી કે તરત જ બધે ફોટો સાથે ઇન્ફૉર્મ કરે, જેથી ક્રાઇમ અટકી શકે. બીજું એ કે પેરન્ટ્સે સોસાયટી પ્રેશર વગર બાળક મિસિંગ થાય એટલે ફરિયાદ નોંધાવવી અને પોલીસે કોની સાથે ગઈ છે, કઈ પરિસ્થિતિમાં ગઈ છે એ સવાલ પૂછ્યા વગર ક્રાઇમ થયું છે એટલે કેસ નોંધવાનો. કેસ લખાય તો જ ઍક્શન લેવાય. દરેક પોલીસ સ્ટેશનમાં કિડનૅપર અને ચાઇલ્ડ ઍબ્યુસર (પિડોફાઇલ) લિસ્ટ હોવું જોઈએ. આ જે મિસિંગ પર્સનના નંબર છે એ કેટલા જેન્યુઇન છે એ કહેવું મુશ્કેલ છે. ટીનેજ ગર્લ્સ જ્યારે પ્રેમમાં ફસાઈ જાય છે અને જ્યારે પાછી રિકવર થાય છે ત્યારે પેરન્ટ્સના ડરથી સાચું નથી બોલતી એટલે રેપકેસ બને છે અને છોકરો યંગ હોય એટલે જુવેનાઇલમાં જાય છે. કાયદાના એ લૂપહોલનો મિસયુઝ થાય છે. મેં કોવિડ પહેલાં કુર્લાના કેસની પીઆઇ ફાઇલ કરી હતી, જેનું હવે હું ફૉલો-અપ લઈશ.’

બનતું શું હોય છે?

સુપ્રીમ કોર્ટે આઇપીસી કલમ ૩૬૩માં મિસિંગ બાળકોની ફરિયાદની નોંધણી માટે કોડ ઉમેરવાની ફરજ પાડનાર સંજય જોશી કહે છે, ‘જ્યારે આ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. બાળક ગુમ થવું એ ગુનો નથી અને જે ગુનો નથી એ નોંધાય જ કઈ રીતે. તો કાયદામાં જે કોડ ઉમેરાયો એ મારી સૌથી મોટી સિદ્ધિ હતી. મિસિંગ બાળકો કે ગર્લ્સ ચાઇલ્ડની ભાળ માટે મેં ૨૪૦ દિવસ સુધી રૅલી અને પ્રોગ્રામ્સ કર્યા હતા ત્યારે આ મૂવમેન્ટ ઇગ્નાઇટ થઈ. મોટી સંખ્યામાં ખુલ્લેઆમ ૩૦,૦૦૦માં દીકરીઓ વેચાઈ છે એના આંકડા તો ચોપડે ચડતા પણ નથી (‘લવ સોનિયા’નું ઉદાહરણ). એનું મુખ્ય કારણ ગરીબી અને ન ગમતી ગર્લ ચાઇલ્ડ છે. ગર્ભમાં હોય ત્યારે જ બાળકી કે છોકરાનો ભાવ નક્કી થઈ જાય છે. નૅશનલ વેબસાઇટ પણ નહોતી, જ્યાં તમે આંકડા જોઈ શકો, પણ ૨૦૧૨ પછી ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. આ આંકડાઓની પાછળ પેરન્ટ્સ, સમાજવ્યવસ્થા, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, એનજીઓ, પોલીસ અને સરકાર જવાબદાર છે. જ્યારે આ બધાં સાથે મળીને કામ કરે ત્યારે ૮૦ ટકા આ ક્રાઇમમાં ઘટાડો કરી શકાય. હરિદ્વાર, મથુરા અને આગરા ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં ખુલ્લે‍આમ બાળકોની તસ્કરી થાય છે. નૉર્થ ઇન્ડિયાથી તસ્કરી દ્વારા આશ્રમ સુધી પહોંચેલી ગર્લ્સ તેમના ઘરે પાછી નથી જઈ શકતી, કારણ કે ત્યાં ખાપ પંચાયત છે. સાઉથ ઇન્ડિયાથી આવતી ગર્લ્સ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે. હાલની વાત કરું તો સૌથી વધારે મિસિંગ ગર્લ્સ મધ્ય પ્રદેશમાંથી છે. જો તમે ‘મર્દાની’ ફિલ્મ જોઈ હોય તો એ ટ્રાફિકિંગનો માત્ર ૧ ટકા ભાગ જ કવર કરે છે. વાઇફને ખબર હોય છે કે હસબન્ડ ગામની છોકરીઓેને ફસાવી વેચવાનું કામ કરે છે (‘સલામ બૉમ્બે’ની કહાની). ગુજરાત અને રાજસ્થાનમાં યંગ છોકરીઓ મૅરેજ માટે વેચાય છે. આ ક્રાઇમ રોકવામાં ઇન્ટર સ્ટેટ પોલીસ નેટવર્ક ખૂબ જરૂરી છે, જેનું ઇમ્પ્લીમેન્ટ થાય તો બહુ સારું.’

શું પોલીસ આ મુદ્દા પર સંવેદનશીલ નથી? ન્યુ હૉપ ચૅરિટેબલ સોસાયટી, મિસિંગ પર્સન હેલ્પલાઇનના ઍડ્વાઇઝર અને એએસઆઇ (અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) તરીકે ફરીદાબાદમાં સેવા બજાવતા ક્રિષ્નલાલ શર્મા કહે છે, ‘૨૦૧૩માં એક મહિલા જેમનું કોઈ સરનામું નહોતું તેઓ મારી પાસે આવ્યાં. અમે તેમના પરિવારની ભાળ મેળવવાની કોશિશ કરી, પરંતુ એક જ દિવસમાં એ શક્ય ન બન્યું અને કોઈ આશ્રમ પણ ન મળ્યો એટલે મેં એમ મદદગારને જ કહ્યું કે એક દિવસ તમે તેમને રાખો, આવતી કાલે કંઈક કરીએ. મહિલા ત્યાં પણ ન રહી અને બીજા દિવસે રોડ-ઍક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું. તેમની ઉંમર અંદાજે ૮૦ વર્ષની હતી. એ જ અરસામાં મેં એક ચાઇનીઝ બુક વાંચી, જેમાં લખ્યું હતું કે ભારતના લોકો કરતાં અમારા ચાઇનીઝ સુવરની કિંમત વધારે છે. એ મારા મગજમાં ઘર કરી ગયું અને ત્યારથી મેં રસ્તા પર ભટકતા લોકોને ટ્રૅક કરવાનું શરૂ કર્યું અને સંસ્થાઓ જે આને માટે કામ કરતી હતી એમાં મોકલવાનું શરૂ કર્યું. બહુ ઓછી સંસ્થાઓ મેન્ટલી ડિસ્ટર્બ્ડ લોકોને લેવા તૈયાર હતા. જ્યારે મિશન મુસ્કાન શરૂ થયું ત્યારે ૨૦૧૬માં હરિયાણામાં ૬૫૧ બાળકોની ભાળ મેળવી. આશ્રમ એવી જગ્યા છે જ્યાં મિસિંગ લોકો હોય છે અને ૧૦-૧૨ વર્ષ સુધી ત્યાં જ રહે છે, પણ તેમને કોઈ ઘર મોકલનાર નથી હોતું. તો ૨૦૧૬માં મેં એક વેબસાઇટ ફાઇન્ડ મિસિંગ પર્સન ડૉટઇન શરૂ કરી, પછી મિસિંગ પર્સન હેલ્પલાઇન સંસ્થા ઊભી થઈ.’

પ્રયાસોનું શું?

છેલ્લાં ૩૦ વર્ષથી મિસિંગ કે મિસલીડ થયેલા વિક્ટિમ્સને રેસ્ક્યુ કરતાં ત્રિવેણી આચાર્ય કહે છે, ‘આપણી પાસે જો કિડનૅપ થઈને કે ભાગી ગયેલા વિક્ટિમનો કેસ આવે તો આટલાં વર્ષોના અનુભવ પરથી એટલો ખ્યાલ આવી જાય કે વેસ્ટ બંગાળ, કર્ણાટક કે ગુજરાતના જે વિસ્તારમાંથી છોકરીનો કેસ હોય તો તેની મળવાની શક્યતા ક્યાં અને કયા પ્રોફેશનમાં ધકેલવામાં આવી હશે કે કયા બ્રોથલ પર તેના મળવાની શક્યતા વધારે, મસાજ પાર્લરમાં હશે કે સ્પામાં હશે એનો એક અંદાજ આવી જતો હોય છે. થોડી ભાળ મળે તો ૯૦ ટકા કેસ સૉલ્વ થવાની શક્યતા ખરી. મિસિંગ પર્સનની ફરિયાદ પરથી તેને શોધવી એટલે દરિયામાંથી સોય શોધવા જેટલું અઘરું કામ છે, પરંતુ કોશિશ કરીએ તો કેસ સૉલ્વ થાય છે. ૩૦ વર્ષ પહેલાં પેરન્ટ્સ છોકરીનો ફોટો નહોતા આપતા, કારણ કે નાક કપાઈ જશે, પરંતુ છેલ્લા અમુક સમયમાં બહુ અવેરનેસ આવી છે એટલે લોકો ફરિયાદ નોંધાવતા થયા છે. હજી પણ કોઈક નાનાં ગામડાંઓમાં એવું હશે જ્યાં લોકો ફરિયાદ ન કરે. દરેક જગ્યાએ કમ્યુનિટી બેઝ્‍‍ડ એનજીઓ કામ કરે છે, આશા વર્કર, વિલેજ ડેવલપમેન્ટ કમિટી, સરપંચ હોય, હવે તો ગામેગામ મિસિંગ ચાઇલ્ડ અલર્ટ ઑર્ગેનાઇઝેશન પણ છે. એટલે અમારી પાસે કેસ એનજીઓ, પેરન્ટ્સ કે પોલીસ દ્વારા આવે. સૉફ્ટવેર એટલાં ડેવલપ થયાં છે એટલે ડેટા રેકૉર્ડ થાય છે.’

ચાઇલ્ડનો ઉપયોગ માત્ર ભીખ મગાવવામાં કે ફિઝિકલ એક્સપ્લોઇટેશનમાં જ થાય છે એવું માનનારી આમ જનતાને ચોંકાવી નાખે એવી સચ્ચાઈ કહેતાં સંજય જોશી કહે છે, ‘બાળકોનો ઉપયોગ ચાઇલ્ડ લેબરમાં અને જ્યાં સુધી તેમનો સારો ખરીદદાર ન મળે ત્યાં સુધી જ ભીખ મગાવવામાં થાય છે. આજે બાળકો સાથે દુષ્કૃત્ય નશો બની ગયું છે એટલે વધારે કડક ભાષમાં હું કહી પણ નથી શકતો. ૧૨-૧૩ વર્ષની બાળકીઓને એક વર્ષ સુધી હૉર્મોનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે, જેથી તેઓ વીસ કે બાવીસ વર્ષની દેખાય અને પછી તેમની કિંમત વધારે હોય.’

આ કામ કરવામાં આવતી ચૅલેન્જ વિશે મિસિંગ પર્સન હેલ્પલાઇનના ઍડ્વાઇઝર ક્રિશનલાલ કહે છે, ‘એક અન્ય ફૅક્ટર છે જેને કારણે પણ અમે મિસિંગ લોકોના પરિવાર શોધી નથી શકતા. કોઈ છોકરી ભાગી જાય કે ગુમ થાય તો પરિવાર છુપાવવાની કોશિશ કરે તો અમુક પરિવારો તેમના ફોટો શૅર નથી કરતા. જેટલી પણ ડેડ-બૉડી મળે છે ત્યારે તેમના ફોટો ન હોવાને કારણે આઇડેન્ટિટી નથી થઈ શકતી. અમારી પાસે છેલ્લા થોડાક સમયમાં વધારેમાં મહિલાઓની ડેડ-બૉડી અંદાજે પાંચથી છ હજાર મળી છે અને તેમનું બૅકગ્રાઉન્ડ ટ્રેસ નથી થઈ શક્યું. ૨૦૧૭થી ૨૦૨૨ સુધીનો ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સૌથી વધારે સંખ્યા નાની બાળકીઓને મારીને ફેંકી દીધી હોય એની છે. મિસિંગ પર્સન હેલ્પલાઇન હવે ગ્લોબલ થઈ જશે જેમાં મિસિંગ પર્સનનો ફોટો અને બાકીની માહિતી અપલોડ કરો તો સિસ્ટમમાં હશે તો મળી જશે, નહીંતર એ માહિતી રજિસ્ટર્ડ થશે અને ભવિષ્યમાં જો તેમની ભાળ મળશે તો તે પણ તમને મળશે. ૮૩,૫૦૩ લોકો આ વેબસાઇટની મુલાકાત લઈ ચૂક્યા છે.’ 

છેલ્લાં અમુક વર્ષોમાં કેટલાંયે બાળકો અને મહિલાઓને તેમના પરિવાર સાથે રીયુનિયન કરાવનાર ક્રિશનલાલ કહે છે, ‘તાજેતરમાં આઠ-નવ વર્ષની ઉંમરે પોતાના પેરન્ટ્સથી ટ્રેનમાં વિખૂટી પડી ગઈ હતી તેનું રીયુનિયન કરાવ્યું છે. તે રેલવે સ્ટેશન પર ઊતરી તો કોઈ સજ્જને તેને આશ્રમમાં છોડી દીધી અને તે ફરીદાબાદ પહોંચી ગઈ. તેને પોતાનું તૂટેલુંફૂટેલું ઍડ્રેસ યાદ હતું. તેનું બહુ કાઉન્સેલિંગ બાદ તેણે કહ્યું કે હું છત્તીસગઢની હોઈ શકું. એક બીજો કેસ, બિહારની એક યુવતી ફરીદાબાદ પહોંચી અને કાઉન્સેલિંગમાં ખબર પડી કે સ્ટેપ મધરે તેનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું. એ દરમ્યાન તેના પપ્પાનું મૃત્યુ થઈ જાય છે, પછી બીજી દીકરી સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું. પૈસા લઈને તેનાં લગ્ન કરાવવાની કોશિશ કરી, તો ૯ વર્ષ પછી અમે તેની જે રિયલ મધર છે તેને શોધીને તેમની સાથે રીયુનિયન કરાવ્યું. એમાંય એવું છે કે આ મા-દીકરી એકબીજા સાથે ક્નેક્ટ નથી થઈ શકતી.’

ઘણા કેસ જોયા પછી તેમના ઑબ્ઝર્વેશન પરથી ત્રિવેણીબહેન જણાવે છે કે ‘મુંબઈમાં મોટા ભાગે લોકો મોટાં સપનાં જોઈને આવે છે. તેમનાં સપનાં એટલાં મોટાં હોય છે કે પ્રેમજાળમાં કે ખોટા રસ્તે ફસાઈ જાય છે (‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની કહાની). અમે જે રેસ્ક્યુ કરીએ એ ઑલઓવર ઇન્ડિયાની છોકરીઓ હોય છે. મહાનગરમાં કામ મળી રહેશે, પરિવારમાં કલેશ હોય તો, પતિ મારકૂટ કરતો હોય, ઘણી વખત સાવ નજીવાં કારણ હોય છે. હમણાં વચ્ચે વડોદરાની બે છોકરીઓ મિસિંગ હતી. કારણ એ હતું કે સ્કૂલમાં ઓછા માર્ક આવશે તો પેરન્ટ ખિજાશે એટલે ઘર છોડીને આવી હતી. જોકે ગુજરાતની છોકરીઓ ઓછી આવે છે. મોટા ભાગે આ ગર્લ્સ સેક્સ ટ્રાફિકિંગ અને ફોર્સ્ડ પ્રોસ્ટિટ્યુશનની વિક્ટિમ હોય છે. આ લોકો ભારતભરમાં ઘણા મિસિંગ કેસમાંના છે.’

ફર્સ્ટ હૅન્ડ માહિતી સાથે ડીલ કરતાં એએસઆઇ ક્રિશનલાલ વર્ષોના પોતાના અનુભવ પરથી કહે છે, ‘૦-૫ વર્ષની ઉંમરની બાળકીઓ તેમના જેન્ડરને કારણે મારીને ફેંકી દેવાતી હોય છે. ૧૩-૨૦ વર્ષની ઉંમરની છોકરીઓ ઘર છોડવાનું કે ભાગવાનું કે ફોસલાવવાનું કારણ લગ્ન હોય છે. ૨૫-૩૫ વર્ષની લેડીઝ મિસિંગ હોવાનું કારણ ઘરેલુ હિંસા હોય છે, જેમાં પતિ દારૂના નશામાં મારતો હોય કે ઘરની કોઈ એવી વાત બહાર જશે તો બદનામી વગેરે જેવી પરિસ્થિતિ હોય છે. ૪૦-૭૫ની ઉંમરની મહિલાઓ મેન્ટલી ડિસ્ટર્બ હોય છે. તેમને ઘરમાં કોઈ રાખવા ઇચ્છતું નથી કે તેમને કોઈ બીમારી છે કે મોટી ઉંમરે કાઢી મૂકવામાં આવે છે. ઘરનાઓને મોટી ઉંમરના લોકો ઓછા ગમે છે.’

જ્યારે વ્યક્તિની ઉંમર સાથે તેની કિંમતની વાત આવે ત્યારે આ વાંચીને કદાચ પગ નીચેથી જમીન સરકી જશે. ૨૦૨૦માં અમેરિકામાં થયેલી અને ખૂબ વિવાદાસ્પદ નીવડેલી હ્યુમન ટ્રાફિકિંગ સમિટમાં જાણવા મળ્યું હતું કે વિશ્વભરમાં થતો ટ્રાફિકિંગનો આ ગંદો ધંધો જેને જાણીતાં અખબારોએ આધુનિક ગુલામી તરીકે પણ ઓળખાવી છે એ વાસ્તવમાં ૧૫૦ બિલ્યન ડૉલરનો બિઝનેસ છે. છોકરીઓ જન્મે એટલે ઘરના લોકોમાં સીધું કૅલ્ક્યુલેશન થવા માંડે કે કેટલો ખર્ચ થશે, પણ જો તેમને રસ્તા પર ફેંકી દેવામાં આવે તો તે માર્કેટમાં સોના કરતાં મોંઘી કિંમતે વેચાય છે અને તેમની લાઇફના અંતે પણ ઇકૉનૉમીમાં જેટલું આપે છે એની કોઈ ચોક્કસ રકમનો આંકડો આજ સુધી પ્રકાશિત નથી થયો. એનસીઆરટીના ડેટા કોવિડના સમય પહેલાંના છે અને એના રિસર્ચમાં જે યુએનઓડીસી (યુનાઇટેડ નેશન ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ)ના ડેટાનો બેઝ લેવાયો છે એ પણ બહુ જૂનો છે. એ માહિતી પ્રમાણે યુએનઓડીસીએ ૧૫૫ દેશોના હ્યુમન ટ્રાફિકિંગનો ડેટા એકઠો કર્યો એ મુજબ ૭૯ ટકા વિક્ટિમનો ઉપયોગ સેક્સ્યુઅલ એક્સ્પ્લોઇટેશન જેમાં મુખ્યત્વે યુવતીઓ અને મહિલાઓ હોય છે. ૩૦ ટકા દેશોએ જે ડેટા મોકલ્યો એમાં આશ્ચર્યજનક રીતે સૌથી મોટો પોર્શન મહિલાઓનો હતો. ૧૮ ટકા વિક્ટિમને જબરદસ્તી લેબરકામમાં ધકેલવામાં આવે છે. વિશ્વભરમાં ૨૦ ટકા બાળકો વિક્ટિમ હોય છે, એમાં આફ્રિકાના અમુક વિસ્તારમાં ૧૦૦ ટકા બાળકોનું ટ્રાફિકિંગ થાય છે.

પાંચ વર્ષ પહેલાંના જ કેસ છે જેમાં નેપાલમાંથી ટ્રાફિક્ડ કરેલી નાની અને યુવાન ગરીબ મહિલાઓને ભારતના પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યમાં લાવવામાં આવે છે અને તેમના માત્ર શરીરનો જ નહીં, પરંતુ તેમનાં અંગેઅંગનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેઓ આલ્કોહૉલ કે સ્મોકિંગ કરતી નથી અને તેમનું શરીર યંગ અને હેલ્ધી હોય છે. એક અહેવાલ મુજબ નેપાલની આ યુવતીઓની ચામડીનું બહુ મોટું સ્કૅમ ચાલે છે. તેમને મુંબઈ લાવવામાં આવે છે, તેમના શરીરની ચામડી ઉતારીને ગ્લોબલી એને પેનિસ અને બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ માટે પ્લાસ્ટિક સર્જરીની દુનિયામાં વાપરવામાં આવે છે. તેમની ૧૦૦ સ્ક્વેર ઇંચ ચામડીની કિંમત ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ રૂપિયા છે, જે ભારતની પૅથોલૉજી લૅબમાં વેચાય છે અને ત્યાંથી અમેરિકાની સ્કિન મૅન્યુફૅક્ચરના માર્કેટમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. મુંબઈના બ્રોથલમાં જ આ નેપાલી મહિલાઓને સિડેટિવ આપીને તેમને બાંધીને તેમની સ્કિન ઉતારી લેવામાં આવે છે અને કોઈ ફરિયાદ એટલે નથી કરતા કે અન્યોને તેમણે જીવ ગુમાવતા જોયા છે.

columnists the kerala story