નપુસંકતા અને પૌરુષ વચ્ચેનું અર્ધસત્ય

12 December, 2020 06:22 PM IST  |  Mumbai | Raj Goswami

નપુસંકતા અને પૌરુષ વચ્ચેનું અર્ધસત્ય

હિન્દી ફિલ્મોમાં પોલીસમૅન કાં તો અત્યંત ન્યાયપ્રિય અને જાંબાઝ હોય છે અથવા ભ્રષ્ટ અને ભીરુ હોય છે. ગોવિંદ નિહલાનીની ‘અર્ધ સત્ય’ (૧૯૮૩) એમાં અપવાદ હતી. ‘અર્ધ સત્ય’નો અનંત વેલણકર ન તો ‘ઝંજીર’નો વિજય હતો કે ન તો સિંઘમ હતો, પણ તેનો નપુંસક ગુસ્સો અને હતાશા એ દાયકાની બીજી બધી ફિલ્મો પર ભારે પડી ગયો. ૧૯૮૩માં ‘અર્ધ સત્ય’ અમિતાભ બચ્ચનની ‘કૂલી’ અને ‘અંધા કાનૂન,’ રાજેશ ખન્નાની ‘અવતાર,’ ‘સૌતન’ અને ‘અગર તુમ ન હોતે,’ સની દેઓલની ‘બેતાબ’ અને જૅકી શ્રોફની ‘હીરો’ વચ્ચે રિલીઝ થઈ હતી અને સિનેમાના ઇતિહાસમાં સીમાચિહ્ન સાબિત થઈને રહી.

એક તરફ મનમોહન દેસાઈના લાર્જર ધૅન લાઇફ તમાશા અને બીજી તરફ શ્યામ બેનેગલના સાદગીભરી સિનેમા વચ્ચે નિહલાનીએ એક એવા નાયક અને ખલનાયક (સબ ઇન્સ્પેક્ટર અનંત વેલણકર તરીકે ઓમ પુરી અને ગૅન્ગસ્ટર રામા શેટ્ટી તરીકે સદાશિવ અમરાપુરકર)ને હિન્દી સિનેમાના પડદે પેશ કર્યા હતા, જે જોઈને દર્શકો તેમની આસપાસની બીમાર, અત્યાચારી અને શોષણથી ભરપૂર વ્યવસ્થાથી સભાન થઈ ગયા હતા.

શ્યામ બેનેગલની ફિલ્મોમાં સિનેમૅટોગ્રાફરનું કામ કરતા ગોવિંદ નિહલાનીએ (રિચાર્ડ ઍટિનબરોની ‘ગાંધી’માં પણ તે સિનેમૅટોગ્રાફર હતા) ૧૯૮૦માં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી અને સ્મિતા પાટીલને લઈને ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર પર ‘આક્રોશ’ ફિલ્મથી નિર્દેશન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. એના પછી તે ‘અર્ધ સત્ય’ લઈને આવ્યા. રાજકુમાર સંતોષી આ ફિલ્મમાં સહાયક નિર્દેશક હતા. છ મહિના પછી તે સની દેઓલની ‘ઘાયલ’ લઈને આવ્યા.

‘આક્રોશ’ના લેખક જાણીતા મરાઠી નાટ્યકાર વિજય તેન્ડુલકરે જ ‘અર્ધ સત્ય’ની પટકથા લખી હતી. નિહલાની કહે છે, “તેન્ડુલકરે મને એસ. ડી. પાનવાલકરની મરાઠી ટૂંકી વાર્તાનો સંગ્રહ વાંચવા આપ્યો હતો. એમાં સૂર્ય નામની એક જબરદસ્ત વાર્તા હતી. એમાં પત્નીને પીટતો એક નિવૃત્ત, ભ્રષ્ટ પોલીસવાળો તેના દીકરાને બળજબરીથી પોલીસમાં ભરતી કરાવે છે જેથી ઘરમાં અનીતિના પૈસા અને પેન્શન આવતું રહ. પણ દીકરો વિદ્રોહ કરે છે. આના પરથી ‘અર્ધ સત્ય’એ આકાર લીધો હતો.’

‘અર્ધ સત્ય’ ભ્રષ્ટ પોલીસ વ્યવસ્થા સામે એક યુવાન પોલીસવાળાની હતાશાની ફિલ્મ હતી. એમાં સંઘર્ષ હતો, પણ એનું કોઈ સમાધાન નહોતું. ફિલ્મની જેમ, અસલ જીવનમાં પણ વ્યવસ્થાઓ સામેના સંઘર્ષ ચાલતા જ રહે છે. એટલે નિહલાનીને ફિલ્મનું શીર્ષક એવું રાખવું હતું જે અધૂરું હોય. એક દિવસ (નાટ્યકાર અને નિર્દેશક) સત્યદેવ દુબેએ નિહલાનીને કહ્યું કે ૫૦૦ રૂપિયા આપો તો એક નામ આપું. નિહલાનીએ હા પાડી અને તેમણે કહ્યું - અર્ધ સત્ય. નિહલાનીને નામ ગમી ગયું અને તાબડતોબ ૫૦૦ રૂપિયા આપી દીધા. આ નામ મરાઠી કવિ દિલીપ ચિત્રેની એક કવિતામાં હતું. પછી તો ફિલ્મમાં કવિતાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અનંત વેલણકરની હતાશા અને તેના અર્ધ સત્યને ચરિતાર્થ કરતી હતી.

‘અર્ધ સત્ય’થી બે કલાકારો તારાની જેમ ફિલ્મ જગતના આકાશમાં ઝળહળી ઊઠ્યા; ઓમ પુરી અને સદાશિવ અમરાપુરકર. ઓમ પુરીને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે અમરાપુરકરને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. નિહલાનીને શ્રેષ્ઠ નિર્દેશનનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

સદાશિવની આ પહેલી હિન્દી ફિલ્મ. તેન્ડુલકરે જ એ નામનું સૂચન કર્યું હતું. સદાશિવ ત્યારે મરાઠી થિયેટરમાં બહુ સક્રિય હતા. ‘હું તેમનું ભક્તિ બર્વે સાથેનું કૉમેડી નાટક હૅન્ડ્સ-અપ જોવા ગયો હતો,’ નિહલાની કહે છે, ‘મને એમાં સૌથી પહેલાં સદાશિવની બોલકી અને સચેત આંખો ગમી ગઈ. તેમના અવાજનું પોત પણ મારા ચરિત્ર્યને મળતું આવતું હતું. સદાશિવ રામ શેટ્ટીના પાત્રને જીવી ગયા હતા.’

આ પાત્ર મુંબઈના દક્ષિણ ભારતીય ગુંડા વર્દરાજન મુદલિયાર પરથી લેવામાં આવ્યું હતું.

‘ઝંજીર’ અને ‘અર્ધ સત્ય’નો વિષય આમ તો સરખો હતો, પણ એકમાં અપરાધિક વ્યવસ્થાનો ભોગ બનેલો વિજય બદલો લેવા માટે ‘વન મૅન આર્મી’ બની જાય છે, જ્યારે બીજામાં હિંસક પોલીસ પિતા (અમરીશ પુરી) અને પોલીસ વ્યવસ્થાના હાથે માનસિક રીતે ખતમ થઈને પડી ભાંગેલા અનંતની બેબસીનું ચિત્રણ હતું. ‘ઝંજીર’ના વિજયમાં કોઈ નૈતિકતા-અનૈતિકતાની દુવિધા નહોતી. તેના માટે પોલીસ વર્દી પહેરીને જે કામ ન થાય એ કામ વર્દી ઉતારીને પણ થાય. ‘અર્ધ સત્ય’ના અનંત માટે સ્થિતિ એટલી બ્લૅક ઍન્ડ વાઇટ નહોતી. અનંત એક એવો પોલીસ હતો જે તેનાં સ્વાભિમાન, નૈતિકતા અને નોકરી વચ્ચે ફસાયેલો હતો.

મજાની વાત એ છે કે ગોવિદ નિહલાની આ ભૂમિકામાં અમિતાભ બચ્ચનને લેવા માગતા હતા, પણ તારીખોની મગજમારીને લઈને અમિતાભે ‘અર્ધ સત્ય’ કરવાની ના પાડી હતી. ઓમ પુરીએ પાછળથી કહ્યું હતું, ‘અમિતાભ બચ્ચન ઉમદા અભિનેતા છે અને હું તેમનો આભાર માનું છું કે તેમણે અર્ધ સત્ય કરવાની ના પાડી.’ પછી ૨૦૦૪માં નિહાલનીએ અમિતાભ સાથે ‘દેવ’ ફિલ્મ કરી હતી, જેમાં ઓમ પુરીએ પણ એક પોલીસ-ઑફિસરની ભૂમિકા કરી હતી. ‘ઝંજીર’નો વિજય ઊંચો, રૂપાળો, ગુસ્સાવાળો અને બહાદુર હતો. ‘અર્ધ સત્ય’નો અનંત ઠીંગણો, શીળીનાં ચાઠાંવાળો અને આત્મવિશ્વાસના અભાવવાળો  અને હતાશ હતો. ‘ઝંજીર’માં નાચ-ગાન હતાં. ‘અર્ધ સત્ય’માં ન ગીત, ન ફાઇટ હતી. છતાં ઓમ પુરીનો અનંત વિજય જેટલો જ દાઝી જવાય તેવો હતો. અનંતની વાર્તા વધુ ટ્રૅજિક હતી, કારણ કે વિજયની જેમ તેના કિસ્સામાં ખાધું-પીધું ને રાજ કર્યું એવી સંભવાના નહોતી.

ઇન ફૅક્ટ, નિહલાનીએ ફિલ્મના બે ક્લાઇમૅક્સ શૂટ કર્યા હતા. મૂળ સ્ક્રિપ્ટમાં વિજય તેન્ડુલકરે એવો કલાઇમૅક્સ લખ્યો હતો કે સ્મિતા પાટીલ ઓમ પુરીને મળવા જાય છે ત્યારે તે તેને મૃત અવસ્થામાં જુએ છે. મૃત્યુનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું. એ આત્મહત્યા હોઈ શકે, સ્ટ્રેસના કારણે હાર્ટ-અટૅક હોઈ શકે અથવા ખૂન પણ હોઈ શકે. વિજય તેન્ડુલકર બહુ મોટા લેખક હતા એટલે નિહલાનીની એવી હિંમત નહોતી કે મકલાઇમૅક્સમાં સૂચન કરે.

‘મને મજા ન‍ આવી,’ નિહલાની કહે છે, ‘વાર્તામાં નિષ્ફળતાઓની હારમાળ હતી અને સિસ્ટમનો હાથ ઉપર રહેતો હતો. મારી ઇચ્છા હતી કે મારો નાયક એકાદ લડાઈ તો જીતે. તેણે ખલનાયકનું ખૂન કરવું જોઈએ. એનાથી સિસ્ટમ તો નહીં સુધરે, પણ આટલી બધી નકારાત્મકતા વચ્ચે ન્યાયનો થોડોક અહેસાસ તો થશે. એટલે મેં બે ક્લાઇમૅક્સ શૂટ કર્યા (બીજામાં અનંત રામ શેટ્ટીનું ગળું દબાવીને મારી નાખે છે અને પછી પોલીસમાં હાજર થઈ જાય છે). તેન્ડુલકરને બીજો ક્લાઇમૅક્સ પસંદ આવ્યો અને અમે પછી એ જ રાખ્યો.’

‘અર્ધ સત્ય’માં એક મહત્ત્વની માનવીય સચ્ચાઈ હતી, હિંસામાંથી હિંસા જ જન્મે છે. ઘરમાં હિંસા જોઈને મોટો થયેલો અનંત એ જ સંગઠનમાં જોડાય છે જ્યાં હિંસા સામાન્ય વાત છે. આ હિંસાની તેના જીવન પર એટલી અસર પડે છે કે દારૂની અસરમાં અનંત પણ એક આરોપી પર અને છેલ્લે રામા શેટ્ટી પર તેની હિંસા કાઢે છે. ફિલ્મમાં તે જ્યોત્સ્ના (સ્મિતા પાટીલ)ની નોટબુકમાંથી દિલીપ ચિત્રેની જે કવિતા રટે છે અને તેને ખ્યાલ આવે છે કે તે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે. તેને એ પણ ખબર નથી કે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળ્યા પછી તે કોણ હશે અને કેવો હશે.

ગોવિંદ નિહલાની કહે છે કે આ દૃશ્યના રિહર્સલ વેળા ઓમ પુરી આ કવિતા વાંચતાં-વાંચતાં રડી પડ્યા હતા અને નિહલાનીએ સધિયારો આપવા હાથ લંબાવ્યો હતો, પણ પછી થયું કે ‘તેમનું કષ્ટ એટલું ભારે હતું કે ખાલી સ્પર્શથી સાંત્વન નહીં મળે’ અને હાથ પાછો ખેંચી લીધો. નિહલાનીએ પછી સ્મિતા પાટીલને સૂચના આપી હતી કે તે પણ શૂટમાં આવી જ રીતે હાથ લાંબો કરીને પાછો ખેંચી લે. કવિતામાં શબ્દો હતા:

ચક્રવ્યૂહમાં ઘૂસતાં પહેલાં

કોણ હતો હું અને કેવો હતો,

એ મને યાદ પણ નહીં રહે

એક પલડામાં નપુંસકતા,

એક પલડામાં પૌરુષ

અને બરાબર તરાજુના કાંટા પર

અર્ધ સત્ય

columnists raj goswami