સત્યાની સચ્ચાઈ: મહાન ફિલ્મો બની જાય, બનાવાય નહીં

26 September, 2020 06:07 PM IST  |  Mumbai | Raj Goswami

સત્યાની સચ્ચાઈ: મહાન ફિલ્મો બની જાય, બનાવાય નહીં

સત્યાની સચ્ચાઈ: મહાન ફિલ્મો બની જાય, બનાવાય નહીં

૧૯૯૮માં ત્રીજી જુલાઈએ ‘સત્યા’ ફિલ્મ રિલીઝ થઈ એ પછી દર્શકોના સીધા અભિપ્રાય જાણવા માટે નિર્દેશક રામ ગોપાલ વર્મા મુંબઈના એક થિયેટર બહાર લોકો વચ્ચે ઊભા હતા એવામાં એક માણસે આવીને તેમના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘હમ લોગોં કે ઉપર અચ્છી પિચ્ચર બનાયા હૈ તૂ.’ આમાં ‘હમ લોગ’ એટલે ભાઈ લોગ. મુંબઈનો એક ગુંડો ‘સત્યા’ જોયા પછી વર્માના ખભા પર અધિકારથી હાથ મૂકીને કહેતો હતો કે તે ગુંડો છે અને ફિલ્મ જોઈને મજા આવી ગઈ. ‘સત્યા’નો તો આ એક પ્રભાવ હતો. મુંબઈના તત્કાલીન પોલીસ ઑફિસર પરમવીર સિંહે તો રામ ગોપાલ વર્માને કહેલું કે અન્ડરવર્લ્ડના લોકોએ અંદરની માહિતી આપી હો તો જ આટલી વાસ્તવિક ફિલ્મ શક્ય છે.

ગૅન્ગસ્ટર પર ફિલ્મો પહેલાં પણ બનતી હતી, પરંતુ ૨૦ વર્ષ પહેલાં આવેલી ‘સત્યા’ ફિલ્મે બધું બદલી નાખ્યું. આ ફિલ્મમાં વાર્તા, પાત્રો, કૅમેરા અને બૅકગ્રાઉન્ડ સંગીતની ટ્રીટમેન્ટ અલગ જ પ્રકારની હતી. હકીકતમાં ગૅન્ગસ્ટર કેવા હોય એના વાસ્તવિક ચિત્રણથી બનેલી આ ફિલ્મમાં ન તો પાત્રો વિશે કોઈ જજમેન્ટ આપવામાં આવ્યું હતું ન તો તેમની પરિસ્થિતિઓ વિશે કોઈ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. એક ડૉક્યુમેન્ટરી ફિલ્મકાર જેવી રીતે કોઈ ભાવ વગર વાસ્તવિકતાને રેકૉર્ડ કરે એવી રીતે રામ ગોપાલ વર્માએ અન્ડરવર્લ્ડની કહાનીને પડદા પર પેશ કરી હતી.

‘સત્યા’ દર્શકો માટે નવો અનુભવ હતો. હિન્દી ફિલ્મોના દર્શકને થિયેટરમાં સતત એ અહેસાસ થતો હોય છે કે તે પડદા પર હિન્દી ફિલ્મ જોઈ રહ્યો છે, કારણ કે એમાં અસલી જીવનમાં ન હોય એવાં પાત્રો અને ઘટનાઓ હોય છે. ‘સત્યા’ ફિલ્મમાં પહેલી વાર દર્શકને લાગ્યું કે આ કોઈ ફિલ્મની રીલ નથી, પણ રિયલ લાઇફ છે. એનો હીરો, સત્યા, આક્રમક તો થઈ જાય છે, પણ દર્શકોને એવું ન લાગે કે તે અમિતાભ બચ્ચન જેવો ઍન્ગ્રી યંગ મૅન છે. ઇન ફૅક્ટ, જેલની અંદર ભીખુ મ્હાત્રે દર્શકોના (અને સત્યાના) મનમાં રહ્યોસહ્યો ભ્રમ કાઢી નાખતાં કહે છે, ‘તુમ ક્યા અપને આપ કો અમિતાભ બચ્ચન સમજતે હો?’

‘સત્યા’નો જન્મ જ અકસ્માતે અને એક વાસ્તવિક ઘટનામાંથી થયો હતો. રામ ગોપાલ વર્મા તેલુગુમાં ઘણા સક્રિય હતા અને હિન્દીમાં ૧૯૯૦માં ‘શિવા’ અને ૧૯૯૫માં ‘રંગીલા’ બનાવી હતી. એ પછી તે ‘દૌડ’ પર કામ કરતા હતા. તેમને એક ઍક્શન ફિલ્મ બનાવવી હતી. હૉલીવુડની

ક્રાઇમ-થ્રિલર ‘ગૉડફાધર’ તેમની ગમતી ફિલ્મ છે (જેના પરથી પાછળથી તેમણે ‘સરકાર’ બનાવી હતી). મુંબઈના માફિયાઓ વિશે સમાચારપત્રોમાં વાંચેલું એટલે એક કુતૂહલ હતું.

એવામાં ૧૨ ઑગસ્ટ, ૧૯૯૭માં વર્મા ફિલ્મ નિર્માતા ઝામુ સુગંધ (રંગીલા, હમ દિલ દે ચુકે સનમ અને લગાન)ની ઑફિસમાં બેઠા હતા ત્યાં ઝામુ પર એક ફોન આવ્યો કે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને અંધેરીમાં ગોળીએ દેવામાં આવ્યા છે. આઘાત પામેલા ઝામુએ રામ ગોપાલ વર્માને કહ્યું કે સવારે ૭ વાગ્યે તો ગુલશન ઊઠ્યા હતા અને મને ફોન કરીને કહ્યું હતું કે ૮ વાગ્યે એક ગાયકને મળીને ૮.૩૦ વાગ્યે એક મિત્ર પાસે જવાના છે અને એ પછી મંદિર થઈને મને મળવા આવશે. (દાઉદ ઇબ્રાહિમના ગુંડા રઉફ મર્ચન્ટે અંધેરીના જીતેશ્વર મહાદેવ મંદિર બહાર ગુલશનને ગોળી મારી હતી. સંગીતકાર બેલડી નદીમ-શ્રવણવાળા નદીમ સૈફીએ અંગત અદાવતમાં આ કાસળ કઢાવ્યું હતું.)

રામ ગોપાલ વર્મા એ યાદ કરીને કહે છે, ‘કોઈ વ્યક્તિ અચાનક હિંસક મોતમાં મરી જાય ત્યારે લોકો તેની છેલ્લી ઘડીઓનું વિગતવાર વર્ણન કરતા હોય છે. મને સતત સિનેમૅટિક ઢંગથી વિચારવાની ટેવ છે એટલે ઝામુ મને તેમની વાતો કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે ગુલશન કુમાર જો ૭ વાગે ઉઠ્યા હોય તો હત્યારો કેટલા વાગ્યે જાગ્યો હશે? તેને ગોળીબાર કરવા જવાનું હતું એટલે તેણે તેની માને કહી રાખ્યું હશે કે તેને ટાઈમસર ઉઠાડે? તેણે હત્યા કરતાં પહેલાં નાસ્તો કર્યો હશે કે પછી? મારા મગજમાં આવા વિચારો આવતા હતા, કારણ કે હું જે માણસ મરી ગયો હતો તેની ઘડીઓને જે માણસે તેને માર્યો હતો તેની ઘડીઓ સાથે ઇન્ટર-કટ કરતો હતો. ત્યાં અચાનક મને થયું કે ગૅન્ગસ્ટર લોકો વિશે આપણને ત્યારે જ સાંભળવા મળે છે જ્યારે તે કોઈકની હત્યા કરે અથવા તેમની હત્યા થાય, પણ બાકીના સમયમાં તે શું કરતા હશે? આ વિચારમાંથી ‘સત્યા’ ફિલ્મ આવી.’

 

રામુએ જેમ્સ હેડલી ચેઝની નવલકથા ‘માય લાફ કમ્સ લાસ્ટ’ વાંચી હતી, જેમાં એક સાધારણ કામદારને કૅલિફૉર્નિયાનો સમૃદ્ધ વેપારી મળે છે અને નગરમાં દુનિયાની સૌથી સલામત બૅન્ક બનાવવામાં સાથે રાખે છે. પેલા કામદારને ખબર નથી કે તે તરકટ, બેઈમાની, હત્યા અને બ્લૅકમેલની દુનિયામાં ફસાઈ જશે. રામુએ એના પરથી તેલુગુમાં ‘અન્થમ’ નામની ફિલ્મ બનાવી હતી પણ એ પિટાઈ ગઈ હતી. રામુએ એ જ વાર્તા પરથી ‘સત્યા’ બનાવી જેમાં સંગીત શીખતી વિદ્યા (ઊર્મિલા માતોંડકર)ને ખબર નથી કે તે જેને પ્રેમ કરે છે તે સત્યા

(જે. ડી. ચક્રવર્તી) ગૅન્ગસ્ટર છે, અને એમાંથી તે બહાર આવે એ પહેલાં તેનું મોત થઈ જાય છે.

રામુ આ ફિલ્મના સંવાદો પ્રસિદ્ધ નાટ્યકાર વિજય તેન્ડુલકર પાસે લખાવવા માગતા હતા, કારણ કે ગોવિંદ નિહલાનીની ‘અર્ધ સત્ય’ ફિલ્મમાં તેન્ડુલકરે સરસ સંવાદો લખ્યા હતા. ‘અર્ધ સત્ય’ રામુની ગમતી ફિલ્મ હતી અને એની યાદમાં જ તેમણે ‘સત્યા’ ટાઇટલ રાખ્યું હતું. બીજું કારણ એ હતું કે કૉલેજના જમાનામાં તે ‘સથ્યા’ નામની એક છોકરીના એકપક્ષીય પ્રેમમાં હતા, પણ પેલીએ ભાવ આપ્યો નહોતો.

‘સત્યા’નાં પાત્રો અસલી જીવનમાંથી આવ્યાં હતાં એટલે એ ફિલ્મ વાસ્તવિક બની હતી. રામુ કહે છે, ‘મેં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ગિરફ્તાર થયેલા ગૅન્ગસ્ટરોનો ફોટો જોયો હતો, બધાને બુરખા પહેરાવેલા હતા. તેમની બૉડી લૅન્ગ્વેજ પરથી લાગતું નહોતું કે તેઓ ફિલ્મોમાં હોય છે એવા કોઈ મહાન ખલનાયકો જેવા હશે. આડોશ-પાડોશમાં હોય છે એવા સાધારણ લોકો જેવા હતા. મને સમજાયું કે ગૅન્ગસ્ટર સમાજમાં ભળેલા હોય છે અને બીજા બધા જેવા જ સામાન્ય લાગે. તમે કહી ન શકો કે આ ગૅન્ગસ્ટર છે.’

એક દિવસ રામુની મુલાકાત અજિત દેવાણી સાથે થઈ જે ઍક્ટ્રેસ  મંદાકિની (અને મનીષા કોઇરાલા)નો સેક્રેટરી હતો અને દાઉદ-છોટા રાજનના ગૅન્ગસ્ટરોના પરિચયમાં આવ્યો હતો. ૨૦૦૨માં અબુ સાલેમના શૂટરોએ આ દેવાણીની હત્યા કરી હતી. રામુ કહે છે, ‘તેણે મને એક કિસ્સો કહ્યો કે તે એક ગૅન્ગસ્ટરને મળ્યો હતો જેના ભાઈને પોલીસે ગોળી મારી હતી. અજિત તેને મળવા ગયો ત્યારે ગૅન્ગસ્ટર તેના ભાઈની લાશને ગાળો આપતો હતો, કારણ કે તેની સલાહ ન માની એટલે તે મરી ગયો હતો. હું ઊછળી પડ્યો. કોઈ માણસ લાશને ગાળો આપે એવું મેં ક્યારેય સાંભળ્યું નહોતું. પછી મને ખ્યાલ આવ્યો કે ગૅન્ગસ્ટર પાવર પર જીવે છે અને તેની સલાહ ન માની એટલે તેનો ભાઈ પોલીસના હાથે માર્યો ગયો એમાં તેનો પાવર ટૂંકો પડ્યો. એ વાતનો તેને ગુસ્સો આવતો હતો. દુઃખ ક્રોધ બનીને બહાર આવ્યું હતું. આમાંથી મનોજ બાજપાઈના ભીખુ મ્હાત્રેનો પિંડ બંધાયો જે સમાજનો સાધારણ સભ્ય છે અને પેલું દૃશ્ય આવ્યું જેમાં તે ચંદરના મોત પછી તેને ગાળો આપે છે.’

રામુનો એક દોસ્ત અંધેરી-ઓશિવરામાં રહેતો હતો. તેણે રામુને એક કિસ્સો કહેલો કે તેના ફ્લૅટની ઉપર એક માણસ રહેતો હતો જે અવારનવાર લિફ્ટમાં ભટકાઈ જાય અને તેમની વચ્ચે ‘હેલો, હાઉ આર યુ’ જેવી વાતોની આપ-લે થાય. એમાં એક દિવસ પોલીસ પેલાને પકડી ગઈ ત્યારે ખબર પડી કે તે ગૅન્ગસ્ટર હતો અને કોકની હત્યા કરી હતી. મુંબઈમાં તમે દસ વર્ષ રહો તોય બાજુમાં કોણ રહે છે એ ખબર ન પડે એવી સાધારણતા રામુને દિલચસ્પ લાગી અને ફિલ્મમાં વિદ્યાના સામેના ફ્લૅટમાં સત્યા રહેતો હોય અને તે લાઇટ જાય તો ફ્યુઝ જોડવા જેવાં કામો કરતો હોય એવું રામુએ બતાવ્યું હતું.

‘શોલે’ની જેમ ‘સત્યા’ પણ ધીમે-ધીમે રંગ લાવી. પહેલા દિવસે એનું ઓપનિંગ ૩૦ ટકા હતું. એના નિર્માતા ભરત શાહે રામ ગોપાલ વર્માને કહેલું, ‘યાર, પિક્ચર કા ઓપનિંગ ઠીક નહીં હૈ, દેખતે હૈ ક્યા હોતા હૈ.’ અનિલ કપૂરના ભાઈ નિર્માતા બોની કપૂરને મધ્ય પ્રદેશના વિતરકે કહ્યું કે પિટાઈ ગઈ. શનિવારે ભરત શાહે આનંદના સમાચાર આપ્યા - ફિલ્મ ચાલશે. શનિવારે રાતના શોની ટિકિટો બ્લૅકમાં વેચાતી હતી. રામુ કહે છે, ‘મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બૅન્ગલોર અને દિલ્હીમાંથી પ્રેક્ષકોની એકસરખી પ્રતિક્રિયા આવતી હતી- અરે તૂ યે ફિલ્મ દેખ.’

કોઈએ આવી ફિલ્મ જોઈ નહોતી. લોકોને એવું લાગ્યું જાણે ગૅન્ગસ્ટર તેમના આડોશ-પાડોશમાંથી હોય. ભીખુ મ્હાત્રે (મનોજ બાજપાઈ)ના મોઢે ‘ચુતીયા’ શબ્દ સાંભળીને કોઈને ગાળ ન લાગી. તે જે રીતે ઘડીકમાં વહાલ કરતો હતો અને ઘડીકમાં ગુસ્સે થતો હતો એ એટલું સાધારણ હતું કે હિન્દી સિનેમાના બધા ખલનાયક નકલી સાબિત થયા. ‘શોલે’માં તો ખેર, તાકાતવર ગબ્બર સામે જય અને વીરુએ તેમની હીરોગીરી બચાવી રાખી હતી, પરંતુ ‘સત્યા’માં હીરો અને વિલન બન્ને વચ્ચે કોણ વધુ સાધારણ છે એની એવી સ્પર્ધા થઇ કે ફિલ્મ પૂરી થઈ ત્યારે લોકોએ લાગ્યું કે હીરો તો મનોજ બાજપાઈ છે! ટેક્નિકલી હીરો જે. ડી. ચક્રવર્તી હતો, પણ ભીખુ મ્હાત્રેના વાવાઝોડામાં તે સાવ જ ખેંચાઈ ગયો.

રામ ગોપાલ વર્મા ‘સત્યા’ની સફળતાનું શ્રેય એની અદ્ભુત અને તદ્દન નવી સ્ટાર-કાસ્ટને આપે છે. તે કહે છે, ‘સત્યામાં જે કોઈ દોષ રહી ગયા હતા એ મારા હતા, પણ એની ગુણવત્તા બીજા બધાની હતી. એકબીજાની સહિયારી ઊર્જાઓના એક અદ્ભુત પ્રવાહમાં હું આંખ મીચીને તર્યો હતો અને ગમેતેમ કરીને અકસ્માતે સફળતાના કિનારે પહોંચ્યો હતો. ‘સત્યા’ની આ જ સચ્ચાઈ છે. લોકો મને પૂછે છે કે ‘સત્યા’ આટલી મહાન ફિલ્મ બનશે એની ખબર હતી? ના, કારણ કે મહાન ફિલ્મો એમ જ બની જાય છે, મહાન બનાવવાના ઇરાદાથી નથી બનતી. એની સાબિતી એ છે કે અમારામાંથી કોઈ, અનુરાગ (કશ્યપ) કે મનોજ કે હું, વીસ વર્ષમાં સત્યાથી આગળ જઈ શક્યા નથી. અમને જો ખબર હોત કે મહાન ફિલ્મ કેવી રીતે બને તો અમે ફરીથી બનાવી ન હોત?’

columnists raj goswami