પ્યાસા: ગુરુ દત્તનું ક્રૂસારોહણ

03 October, 2020 07:53 PM IST  |  Mumbai | Raj Goswami

પ્યાસા: ગુરુ દત્તનું ક્રૂસારોહણ

પ્યાસા: ગુરુ દત્તનું ક્રૂસારોહણ

૨૦૦૭ના નૅશનલ ફિલ્મ અવૉર્ડમાં રાષ્ટ્રીય એકતા પરનો નર્ગિસ દત્ત પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ધર્મ’ની નિર્દેશક ભાવના તલવાર દિવંગત અભિનેતા-નિર્દેશક-નિર્માતા ગુરુ દત્ત પર બાયોપિક બનાવી રહી છે. તે સાત વર્ષથી ગુરુ દત્ત પર વાર્તા લખી રહી હતી અને હવે એની પટકથા તૈયાર છે. એ વેબ-સિરીઝ નહીં હોય, પણ મોટા પડદાની ફીચર-ફિલ્મ હશે.

તલવાર કહે છે, ‘તેમનું વ્યક્તિત્વ લાર્જર ધેન લાઇફ હતું. માત્ર ૧૦ વર્ષમાં જ તેમણે ફિલ્મનિર્માતા અને અભિનેતા તરીકેની સિનેમૅટિક સફળતા, દર્શકોની પ્રશંસા અને ગીતા દત્તનો પ્રેમ મેળવી લીધો હતો. એની સાથે તેમણે દુઃખ પણ એટલું જ જોયું હતું. આને નાના પડદે બતાવી ના શકાય.’

 બાયોપિકમાં કલાકારોની પસંદગી હજી બાકી છે. ગુરુ દત્તના જીવનનાં ત્રણ મુખ્ય પાત્રોમાંથી બે દત્ત - પોતે અને પત્ની ગીતા તો હયાત નથી, પણ તેમની સાથે જોડાયેલું એક નામ વહીદા  રહેમાન આ બાયોપિકમાં કેવી રીતે પેશ થાય છે એ જોવાનું રસપ્રદ હશે.

ગુરુ દત્તે માત્ર ૩૯ વર્ષની ઉંમરે શરાબની આદત, ડિપ્રેશન અને હતાશાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. એ સમયે તેમની અંગત જિંદગી તહસનહસ થઈ ગઈ હતી અને વ્યાવસાયિક ક્ષેત્રે દત્ત ખાસા નાસીપાસ રહેતા હતા. કહેવાય છે કે તેમની શરાબની આદતને કારણે વહીદા રહેમાને તેમનાથી અંતર કરી લીધું હતું અને પત્ની ગીતા દત્ત પણ તેમનાથી અલગ થઈ ગઈ હતી. ભાવના તલવાર તેની બાયોપિકમાં ગુરુદ ત્તના જીવનનું આ પાસું વણી લેવાની છે.

એટલા માટે આ બાયોપિકનું નામ ગુરુ દત્તની જ એક સૌથી લોકપ્રિય ફિલ્મ ‘પ્યાસા’ (૧૯૫૭) પરથી રાખવામાં આવ્યું છે. ‘પ્યાસા’ માસ્ટરપીસ છે. ૨૦૧૧માં વેલેન્ટાન્સ ડે પ્રસંગે આંતરરાષ્ટ્રીય ‘ટાઇમ’ સામયિકે ૧૦ ઑલ ટાઇમ ગ્રેટ રોમૅન્ટિક ફિલ્મોની યાદી બહાર પાડી હતી એમાં ‘પ્યાસા’નો સમાવેશ કર્યો હતો. ‘પ્યાસા’ ગુરુ દત્તના દિમાગમાં ઘણા વખતથી હતી. એની પટકથાનો પહેલો ડ્રાફ્ટ તેમણે ૧૯૪૭ની આસપાસ લખ્યો હતો. ત્યારે એનું નામ ‘કશ્મકશ’ હતું. ‘બાઝી,’ ‘જાલ,’ ‘આરપાર,’ અને ‘સીઆઇડી’ જેવી સફળ ફિલ્મોથી તેઓ આર્થિક રીતે પગભર થયા, પણ પછી તેમણે ગમતી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ‘પ્યાસા’ એવી રીતે આવી.

શરૂઆતમાં એનું નામ ‘પ્યાસ’ હતું, પણ ગુરુ દત્તે એને વધુ આત્મીય બનાવવા માટે ‘પ્યાસા’ કરી નાખ્યું; પ્યાસ સંજ્ઞાવાચક હતું, થોડું દૂર હતું; પ્યાસા વિશેષણ હતું, થોડું નજીકનું હતું. એની કહાની નાકામ કવિ વિજય (ગુરુ દત્ત)ની હતી, જેની કવિતાઓને બધા કચરો ગણે છે. એનાથી હતાશ થઈને વિજય ઘર છોડીને જતો રહે છે. સડકો પરની જિંદગીમાં તેને એક વેશ્યા ગુલાબો (વહીદા રહેમાન) ભટકાય છે, જે વિજયની કવિતાઓથી મોહિત થઈને તેના પ્રેમમાં પડે છે. આવી જ રીતે વિજયને તેની કૉલેજકાળની પ્રેમિકા મીના (માલા સિંહા)નો પણ ભેટો થાય છે, જે આર્થિક સલામતી માટે એક મોટા પ્રકાશક મિસ્ટર ઘોષ (રેહમાન)ને પરણી ગઈ છે. મિસ્ટર ઘોષ વિજય અને તેની પત્નીના ભૂતકાળ વિશે વધુ ખણખોદ કરવા માટે વિજયને નોકર તરીકે રાખે છે.

એમાં વિજયે તેનો કોટ ફુટપાથ પર રહેતા જે ભિખારીને આપ્યો હતો તે ટ્રેન નીચે આવી જાય છે અને તેને બચાવવા જતાં વિજય જખમી થઈને હૉસ્પિટલ પહોંચી જાય છે.  બધાને એમ લાગે છે કે વિજય ટ્રેન નીચે મરી ગયો છે. ગુલાબો વિજયની કવિતાઓના મરણોત્તર પ્રકાશન માટે ઘોષ પાસે જાય છે. ઘોષને પણ એમાં ધંધો દેખાય છે. કવિતાનું પુસ્તક બેસ્ટસેલર બને છે.

બીજી બાજુ વિજય કહે છે કે તે જીવતો છે, પણ ઘોષ અને વિજયનો ભાઈબંધ શ્યામ તેને ઓળખવાનો ઇનકાર કરીને તેને પાગલ જાહેર કરે છે. ઘોષ પૈસા આપીને વિજયના ભાઈને પણ ખરીદી લે છે. બધા ભેગા થઈને તેને પાગલખાનામાં ભરતી કરી દે છે અને શહેરમાં કવિ વિજયની યાદગીરીમાં સમાંરભ યોજે છે. આ બાજુ વિજય તેના દોસ્ત અબ્દુલ સત્તારની મદદથી પાગલખાનામાંથી ભાગીને સમારંભમાં પહોંચે છે, જ્યાં તે ભ્રષ્ટ અને પૈસાની સ્વાર્થી દુનિયાને ભાંડે છે. વિજયને જીવતો જોઈને તેના દોસ્ત અને ભાઈ હરીફ પ્રકાશકો પાસે જઈને વધુ પૈસા પડાવે છે અને જાહેર કરે છે કે આ જ વિજય છે. હવે વિજયના માનમાં એક સમાંરભ યોજાય છે અને એની આજુબાજુ નકરો દંભ જોઈને કંટાળેલો વિજય જાહેર કરે છે કે તે સાચે જ વિજય નથી અને ત્યાંથી રવાના થઈને ગુલાબો સાથે એક નવી જિંદગી શરૂ કરે છે.

બહુ બધા લોકો ‘પ્યાસા’ને ગુરુ દત્તની જ કહાની ગણે છે. ફિલ્મના નાયક, એક આઉટસાઇડર કવિ વિજયની જેમ ગુરુ દત્ત પણ એક ડિરેક્ટર તરીકે ફૉર્મ્યુલા ફિલ્મોની દુનિયામાં પોતાની એક આગવી છાપ છોડવા માગતા હતા. ૭ જ વર્ષમાં, ૧૯૬૪માં, ગુરુ દત્તે આત્મહત્યા કરી લીધી. એક વાત એવી પણ છે કે ગુરુ દત્તને શાયર-ગીતકાર સાહિર લુધિયાનવી અને પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના અધૂરા પ્રેમ પરથી ‘પ્યાસા’નો વિચાર આવ્યો હતો.

‘પ્યાસા’માં સાહિરનાં જ ગીતો હતાં અને એ જ એનો આત્મા હતો. ગુરુ દત્ત જે રીતે ‘પ્યાસા’માં દુનિયાને જોવા માગતા હતા અને એની પીડાને અનુભવવા માગતા હતા એમ સાહિરે એને શબ્દોનું સ્વરૂપ આપ્યું હતું. એમાં કુલ ૧૦ ગીતો હતાં અને એમાં સાહિરનું શ્રેષ્ઠ સર્જન હતું; આજ સજન મોહે અંગ લગા લો, હમ આપકી આંખોં મેં, જાને ક્યા તુને કહી, જાને વોહ કૈસે લોગ થે, એ દુનિયા અગર મિલ ભી જાયે, યે હંસતે હુયે ફૂલ, જિન્હેં નાઝ હૈ હિન્દ પર, તંગ આ ચૂકે હૈ કશ્મ-અ-કશે જિંદગી સે, યે કૂચે યે નિલામ ઘર દિલકશી કે. સાહિર પૉલિટિકલ શાયર હતા. ૧૯૫૭ સુધીમાં સ્વતંત્રતાનો જુસ્સો ઓસરી ગયો હતો અને એક નિરાશાનો માહોલ છવાવા લાગ્યો હતો. એમાંથી જ સાહિરનો મોહભંગ ‘પ્યાસા’નાં ગીતોમાં છલકાયો હતો ઃ

‘જરા ઇસ મુલ્ક કે રહબરોં કો બુલાઓ

યે કૂચે યે ગલિયાં યે મંજર દિખાઓ

જિન્હેં નાઝ હૈ હિન્દ પર ઉનકો લાઓ

જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ...’

ગુરુ દત્તના અંગત દોસ્ત અને તેમની અનેક ફિલ્મોના લેખક અબ્રાર અલ્વી મુંબઈમાં ગુલાબો નામની વેશ્યાના પરિચયમાં હતા. એવું કહેવાય છે કે ગુલાબો ગુજરાતના એક પૂજારીની દીકરી હતી, જે તેના પ્રેમી સાથે ભાગીને મુંબઈ આવી હતી, જ્યાં પેલાએ તરછોડી દીધી તો વેશ્યા-વ્યવસાયમાં ધકેલાઈ ગઈ. અલ્વી તેના પરિચયમાં આવ્યા હતા અને તેમને ગુલાબોની બોલચાલ મોહક લાગી  હતી, જેના પરથી તેમણે તેને વાર્તામાં વણી લીધી હતી. અલ્વી જે રીતે આ ગુલાબો સાથે ઇજ્જતથી પેશ આવતા હતા એનાથી પ્રભાવિત થઈને ગુલાબોએ તેમનો આભાર માન્યો હતો કે જે જગ્યાએ મને ગંદી ગણવામાં આવે છે ત્યાં તમે મને ઇજ્જત આપી. ‘પ્યાસા’માં આ સંવાદ પણ મૂકવામાં આવ્યો હતો.

વહીદા રહેમાન ગુરુ દત્તની શોધ. રાજ ખોસલાએ નિર્દેશિત કરેલી અને ગુરુ દત્તે પ્રોડ્યુસ કરેલી ‘સીઆઇડી’ (૧૯૫૬)  વહીદાની પહેલી ફિલ્મ. બીજી ફિલ્મ ‘પ્યાસા.’ ગુરુ અને અલ્વી કામસર સિકંદરાબાદ ગયા હતા. ત્યાં તેમની કાર સાથે ભેંસ અથડાઈ એમાં તેઓ ત્રણ દિવસ માટે ભરાઈ પડ્યા. સમય પસાર કરવા તેઓ એક ફિલ્મ-વિતરકની ઑફિસમાં ગયા હતા. ત્યાં બીજા એક વિતરકની ઑફિસની બહાર ટોળું ભેગું થયું હતું. ખબર પડી કે તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઇ’ની નવી-નવી જાણીતી નૃત્યાંગના વહીદા રહેમાન આવી છે.

મિત્રએ વહીદા સાથે મીટિંગ પણ કરાવી અને ગુરુએ અલ્વી સાથે એ ફિલ્મ પણ જોઈ. ગુરુને એમાં ખાસ કંઈ ન લાગ્યું, પણ વહીદાની કોઈક છાપ અંદર પડી હતી. મુંબઈ ગયા પછી તેઓ ‘સીઆઇડી’ અને ‘પ્યાસા’ માટે નાચ-ગાન કરી શકે એવી ઍક્ટ્રેસની તલાશમાં હતા અને એમાં વહીદાનું નામ યાદ આવ્યું. વહીદાને મુંબઈ બોલાવવામાં આવી અને બન્ને ફિલ્મો માટે સાઇન કરવામાં આવી. ‘સીઆઇડી’ના નિર્દેશક રાજ ખોસલા ‘વહીદા રહેમાન’ નામને બદલીને ટૂંકું નામ રાખવા માગતા હતા. વહીદાએ ઘસીને ના પાડી દીધી. નામ તો આ જ રહેશે! બીજી શરત; આડાંઅવળાં કપડાં નહીં પહેરું! ગુરુ દત્તને આ તેવર ગમી ગયા. તેમણે કહ્યું, ‘ઑલરાઇટ, મારી ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ફિફ્ટીફાઇવ’ ચાલે જ છે. જોઈ આવ, પછી નક્કી કરજે. અમે એવી ફિલ્મો નથી બનાવતા.’

એ દિવસથી વહીદા ગુરુ દત્તની બધી ફિલ્મોમાં હિરોઇન બની ગઈ.

ગુરુ દત્ત ‘પ્યાસા’માં દિલીપકુમાર અને નર્ગિસને લેવા માગતા હતા, પણ સારું થયું કે વિજય અને ગુલાબોની ભૂમિકા તેમણે અને વહીદાએ કરી. બન્નેની એ યાદગાર ફિલ્મ તો છે જ, પણ સિનેમાપ્રેમીઓ માટે  ‘પ્યાસા’ એક બહેતરીન અનુભવ રહ્યો. ‘જાને વો કૈસે લોગ થે...’ ગીતનું એ દૃશ્ય કોણ ભૂલી શકે, જ્યાં ‘મૃત’ વિજયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને વિજય ત્યાં આવીને દરવાજા વચ્ચે ઊભો રહે છે. તેના બન્ને હાથ બારસાખી તરફ ફેલાયેલા છે. તેની પાછળથી બહારનો પ્રકાશ આવે છે. આપણને વિજયનો ખાલી પડછાયો જ દેખાય છે. એ જીઝસ ક્રાઇસ્ટને સૂળીએ ચડાવ્યા ત્યારની છબિ હતી. ઘોષ જ્યારે ગુલાબોને વિજયના મૃત્યુના સમાચાર આપે છે ત્યારે તેના હાથમાં ‘લાઇફ’ મૅગેઝિન હોય છે અને એના કવર પર પણ ક્રૂસારોહણનું ચિત્ર હોય છે. એક ત્રીજા દૃશ્યમાં પણ પુસ્તકો વચ્ચે વિજય જ હાથ પહોળા કરીને ઊભો હોય એવો શૉટ છે. દિલીપકુમારે પ્રેમમાં બરબાદ ‘દેવદાસ’ આપ્યો હતો, ગુરુ દત્તે ‘પ્યાસા’ ઈસુ આપ્યા.

ફિલ્મના અંતમાં ગુરુ દત્ત ઇચ્છતા હતા કે વિજય એકલો જ દંભી અને સ્વાર્થી શહેરને અલવિદા ફરમાવી દે, પરંતુ વિતરકોએ વ્યાવસાયિક કારણસર સાથે ગુલાબોને પણ રાખવાનો આગ્રહ કર્યો હતો, જેથી ‘ખાધું, પીધું અને રાજ’ કર્યું જેવો પરંપરાગત ‘હૅપી એન્ડ’ લાગે. વર્ષો પછી ૧૯૮૨માં મહેશ ભટ્ટે ‘અર્થ’ ફિલ્મમાં એ સાહસ કર્યું હતું, જ્યાં ફિલ્મના અંતે પૂજા (શબાના આઝમી) પતિ અને પ્રેમી બન્નેને ત્યજીને રોમૅન્ટિક પ્રેમ વગરની દુનિયામાં જતી રહે છે.

columnists raj goswami